Get The App

SOCIAL સર્કલ .

Updated: Dec 4th, 2025

GS TEAM

Google News
Google News
SOCIAL સર્કલ                                                    . 1 - image

રણવીર સિંહ: માણસ જેવો લૂક 

કોણ જાણે કેમ, રણવીર વર્ષોથી એવા ભ્રમમાં જીવી રહ્યો છે કે એ ઉટપટાંગ વેશ કાઢે તો જ સ્ટાર ગણાશે. આજકાલ એ કોઈ ચટણીની એડમાં દેખાય છે, જે 'જવાન' ફિલ્મ ડિરેક્ટ કરનાર સાઉથ ઇન્ડિયન મેકર અટલીએ બનાવી છે. એમાં રણવીરે બાલદાઢી વધારીને એવો ભયંકર અને કદરૂપો લૂક ધારણ કર્યો છે કે ન પૂછો વાત. રણવીરને શું એવું લાગતું હશે કે એનો આવો લૂક યુવતીઓને 'હોટ' લાગતો હશે? કે યુવાનો આવા દેખાવથી 'ઇન્સપાયર' થતા હશે? કે પછી સિનિયર ઓડિયન્સ એને આવા અવતારમાં જોઈને આશીર્વાદ આપતા હશે? અલાઉદ્દીન ખિલજી જેવા આ ચક્રમ લૂકનું કારણ રણવીરની તાજ્જી ફિલ્મ 'ધૂંઆધાર'ને ફાયદો કરાવવાનો હશે? કારણ જે હોય તે, પણ રણવીરના સ્ટાઇલિસ્ટની હકાલપટ્ટી થવી જોઈએ. ફૌરન! એની વે. વરસને વચલે દહાડે રણવીર નોર્મલ, 'માણસ જેવો' લૂક ધારણ કરે ત્યારે આંખને ઠંડક પહોંચે છે. જેમ કે આ તસવીર, જે એણે થોડા દિવસો પહેલાં સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

વિજય વર્મા: સ્માર્ટ બંદો

રણવીરની 'ગલી બોય' ફિલ્મ સૌથી વધારે કોઈને ફળી હોય તો તે છે, વિજય વર્મા. પ્રોફેશનલ અને પર્સનલ, એમ બન્ને સ્તરે. આ હૈદરાબાદી એક્ટર સ્માર્ટ બંદો છે. મીઠાબોલો પણ ખરો. મીડિયા સાથે શી રીતે ડીલ કરવું તે એને ખૂબ સારી રીતે આવડે છે. એનું નેટવકગ અને પીઆર (પબ્લિક રીલેશન) બન્ને તગડાં છે. અલબત્ત, વિજય વર્મા સૌથી પહેલાં તો એક્ટર તરીકે મજબૂત છે. અભિનયપ્રતિભા તો પાયો છે. તે મજબૂત હોય તો જ પીઆર અને નેટવકગ અસરકારક સાબિત થાય. એક્ટરમાં જ દમ ન હોય તો દુનિયાની શ્રેષ્ઠ પીઆર એજન્સી પણ ઊંધા મોંએ પટકાય. એનીવે, વિજય વર્માની 'ગુસ્તાખ ઈશ્ક' નામની ફિલ્મ ગયા શુક્રવારે રિલીઝ થઈ હતી, જેમાં ફાતિમા સના શેખ એની હિરોઈન છે. આ જોડી મજાની લાગે છે, નહીં? ખાતરી ન થતી હોય તો જોઈ લો આ ઇન્સ્ટા-તસવીર. 

માનવ કૌલ: હેન્ડસમ લેખક 

નેટફ્લિક્સ પર 'બારામુલ્લા' ફિલ્મ છેલ્લા ઘણા દિવસોથી ધૂમ મચાવી રહી છે. ઓડિયન્સ અને વિવેચકો બન્નેએ તે ખૂબ વખાણી છે. આ ફિલ્મને કારણે માનવ કૌલ તરફ સૌનું ધ્યાન એકદમ ખેંચાયું છે. આ ટેલેન્ટેડ અને હેન્ડસમ કાશ્મીરી એક્ટરનો જન્મ બારામુલ્લામાં જ થયો હતો તે તમે જાણો છો? માનવ મૂળ તો થિયેટરનો માણસ, જે સ્ક્રીન પર પણ હંમેશા જમાવટ કરે છે. (યાદ કરો વિદ્યા બાલનવાળી 'તુમ્હારી સુલુ', શેફાલી શાહ સાથેની 'કુછ ના કહો' ઇત્યાદિ.) માનવ લેખક પણ છે. થોડા અરસા પહેલાં એની લેટેસ્ટ નવલકથા 'રૂહ' પ્રકાશિત થઈ. માનવનો કરીઅરગ્રાફ ઇન્ટરેસ્ટિંગ છે. સોશિયલ મીડિયા પર શેર કરેલી આ બ્લેક-એન્ડ-વ્હાઇટ તસવીરમાં એ ખાસ્સો હેન્ડસમ દેખાય છે, હેંને?