Get The App

SOCIAL સર્કલ .

Updated: Jan 1st, 2026

GS TEAM

Google News
Google News
SOCIAL સર્કલ                                                    . 1 - image

હૃતિક રોશનઃ વૉર બિગિન્સ... 

'ધુરંધર'ને કારણે બોલિવુડના અત્યાર સુધીના જાસૂસોમાં સન્નાટો છવાઈ ગયો છે. 'ધુરંધર'માં દુશ્મન દેશમાં ઘુસીને તરખાટ મચાવી દેનાર જાસૂસનું ચિત્રણ નાટયાત્મક રીતે અને છતાંય વાસ્તવિકતાથી ઘણી નજીક રહીને કરવામાં આવ્યું છે. તેથી જ ટાઇગર (સલમાન ખાન), કબીર ('વૉર' સિરીઝ - હૃતિક રોશન) અને પઠાણ (શાહરૂખ ખાન) જેવા જેમ્સ બોન્ડ ટાઇપના અતિ સ્ટાઇલિશ જાસૂસોને ટેન્શન થઈ ગયું છે. એમને સમજાતું નથી કે એમની ફ્રેન્ચાઇઝીની આગલી ફિલ્મોમાં કેવો જાસૂસ દેખાડવો. 'ધુરંધર'ને કારણે પ્રેક્ષક નામનો વાઘ હવે અસલી લોહી ચાખી ગયો છે, એટલે એને હવે યશરાજના  તદ્દન પ્લાસ્ટિકીયા જાસૂસીવેડા ગમશે ખરા? એમાંય હૃતિકે 'ધુરંધર' જોઈને સોશિયલ મીડિયા પર લખ્યું કે ફિલ્મ તો સરસ છે, પણ ફિલ્મના 'પોલિટિક્સ' સાથે હું સહમત નથી. પત્યું. લોકોએ એને જે ટ્રોલ કર્યો છે! એનીવે, હૃતિકે તાજેતરમાં ટ્રેડિશનલ વેરમાં ખેંચેલા પોતાના મસ્તમજાના ફોટા ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. હૃતિકને માલૂમ થાય કે દોસ્ત, તું હવે ભલે હવે ગમે એટલા રૂપાળા દેખાવાની કોશિશ કર, પણ લોકો તારી 'ધુરંધર'વાળી કમેન્ટને આસાનીથી ભૂલવાના નથી. 

રાહુલ ખન્નાઃ મૈં ભી હૂં!

'ધુરંધર'ને કારણે જીદપૂર્વક લૉ પ્રોફાઇલ રહેતો અક્ષય ખન્ના એટલો બધો હિટ-એન્ડ-હેપનિંગ થઈ ગયો છે કે એનો મોટો ભાઈ રાહુલ ખન્ના પણ સોશિયલ મીડિયા પર એકાએક એક્ટિવ થઈ ગયો છે. જાણે કે બધાને કહેતો ન હોય કે જુઓ, જુઓ... હું પણ છું! પચાસ વર્ષીય અક્ષય પોતાની તબિયત અને લૂક પ્રત્યે બહુ બેદરકાર રહ્યો છે, પણ એના કરતાં ચાર વર્ષ મોટા એવા રાહુલે ખાસ્સી મહેનત કરીને પોતાનો ચાર્મ જાળવી રાખ્યો છે. અભિનયક્ષમતાના મામલામાં, અલબત્ત, બન્ને ભાઈઓ વચ્ચે કોઈ તુલના થઈ શકે તેમ નથી. રાહુલના અભિનયથી આપણે ક્યારેય પ્રભાવિત થયા નથી. છેલ્લાં દસ વર્ષમાં રાહુલ માંડ એકાદ ફિલ્મ અને એકાદ શોમાં દેખાયો છે. 'ધુરંધર'ની ગરમીનો લાભ કદાચ રાહુલને મળેય ખરો. હુ નોઝ? 

વરુણ ધવનઃ ગુડ બાય, એન્જલ!

વરુણ ધવનની વહાલી ડૉગી, નામે એન્જલ, થોડા દિવસો પહેલાં મૃત્યુ પામી. જેમણે કૂતરાં પાળ્યા હોય તેઓ જ જાણતા હોય છે કે આ ચોપગા પ્રાણી પ્રત્યે સગા સંતાન જેટલી જ માયા બંધાઈ જતી હોય છે. એન્જલ ધવન ખાનદાનમાં આવી ત્યારે નાનકડું બચ્ચું હતી. દોઢ વર્ષ પહેલાં વરુણ અને પત્ની નતાશા મીઠડી દીકરીનાં માતાપિતા બન્યાં, એટલે વરુણે એન્જલને મોટી બહેનનો દરજ્જો આપ્યો. એન્જલના મૃત્યુ પામી એ જ દિવસે વરુણે સોશિયલ મીડિયા પર ઇમોશનલ થઈને લખ્યું કે, 'રેસ્ટ ઇન પીસ, એન્જલ. આજે સ્વર્ગમાં એક ઔર દેવદૂતનો ઉમેરો થયો. થેન્ક્યુ ફોર બીઈંગ અ વંડરફુલ પપ એન્ડ એન અમેઝિંગ સિસ્ટર ટુ જૉય. તને બહુ મિસ કરીશું. સી યુ ડાઉન ધ રોડ...'  આને કહેવાય હૃદયસ્પર્શી પોસ્ટ!