Get The App

SOCIAL સર્કલ .

Updated: Jul 31st, 2025

GS TEAM

Google News
Google News
SOCIAL સર્કલ                                                    . 1 - image

તમન્ના ભાટિયા: વર્ક-લાઇફ ઇમ્બેલેન્સ 

'રૂપ રૂપના અંબાર' શબ્દપ્રયોગ તમન્ના ભાટિયાને ધ્યાનમાં રાખીને જ બનાવવામાં આવ્યો હશે એવું તમનેય ક્યારેક નથી લાગતું? (ઓકે, ઐશ્વર્યા રાય અને તમન્ના ભાટિયા બન્નેને ધ્યાનમાં રાખીને, બસ?) આ 'બાહુબલિ' કન્યાને છેલ્લે 'આજની રાત મજા હુસ્ન કા...' આઇટમ સોંગમાં મનોહર નૃત્ય કરતાં જોઈને સમગ્ર દેશ પુલકિત થઈ ગયો હતો. સોશિયલ મીડિયા પર શેર થયેલી એની લેટેસ્ટ તસવીરોની નીચે કમેન્ટ વાંચો તો 'ફ્લોલેસ બ્યુટી', 'ટાઇમલેસ બ્યુટી' જેવાં વિશેષણોની ભરમાર જોવા મળે. તમન્નાએ વચ્ચે મુદ્દાની વાત કરી કે, 'ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં વર્ક-લાઇફ બેલેન્સ જેવું કશું હોતું જ નથી. જો કોઈ ફિલ્મી હસ્તી એમ કહેતી હોય કે મેં તો પ્રોફેશનલ વર્ક અને પર્સનલ લાઇફ વચ્ચે સરસ સંતુલન કર્યું છે તો સમજી લેવું કે એ વ્યક્તિ મહેનત કરવામાં કાચી પડે છે.' તમન્ના ભાટિયા અને વિજય વર્મા વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે એવી વાતો અવારનવાર આવતી રહે છે, પણ જાણભેદુઓ કહે છે કે ના, ના, એવું કંઈ નથી. તેઓ અત્યારે સંબંધના એવા તબક્કામાં છે જ્યાં ઘણી સ્પષ્ટતાઓ થવાની હજુ બાકી છે. આ તો જાણે બરાબર છે, પણ વચ્ચે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) દ્વારા એચપીઝેડ ટોકન ક્રિપ્ટોકરન્સી ફ્રાડ કેસમાં તમન્નાની પૂછપરછ કરી હતી એનું પછી શું થયું? કોઈ સ્પષ્ટતા કરશે, પ્લીઝ?  

ગીતા માં: મૈં ખુશ હૂં!

ડાન્સ રિયાલિટી શો ગીતા કપૂરને જેટલા ફળ્યા છે એટલા બહુ ઓછા લોકોને ફળ્યા હશે. 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' પહેલાં ગીતા કપૂરને કોઈ ઓળખતું નહોતું, પણ આ આ નચનિયા શોની સફળતાને કારણે ગીતા કપૂર (અને રેમો ડિસુઝા અને ટેરેન્સ લેવિસ) ઘરેઘરમાં જાણીતાં થઈ ગયાં. ગીતા કપૂરને તો પાછું 'ગીતા માં' (ગુજરાતીમાં 'ગીતામા')નું બિરુદ મળ્યું. ગીતા કપૂર હેપીલી અનમેરીડ છે, તોય એમને માં-માં કરનારાઓનો તોટો નથી. મજાની વાત એ છે કે ગીતા કપૂર પાછાં ફરાહ ખાનને પોતાની અમ્મા ગણે છે. વચ્ચે એક ઇન્ટરવ્યુમાં  ગીતા કપૂર ગળગળા થઈને કહી રહ્યાં હતાં કે, 'આજે હું જે કંઈ છું તે ફરાહમેમને કારણે જ છે. હું એમની આસિસ્ટન્ટ તરીકે કામ કરતી હતી તો પણ એમણે મને બીજા ડિરેક્ટરો સાથે સ્વતંત્રપણે કામ કરવાની છૂટ આપી હતી. આવું કોણ કરે છે આજના જમાનામાં?' વાત તો સાચી. થોડા દિવસો પહેલાં ગીતા કપૂરે હિરોઈનની જેમ મસ્ત બનીઠનીને ફોટા પડાવ્યાં હતાં ને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. આ તસવીરમાં ગીતામા, એમની જ ભાષામાં કહીએ તો, ફેન્ટેબ્યુલસફેન્ટેસ્ટિકઅમેઝિંગલબ્લા-બ્લા-બ્લા લાગે છે, હેંને? 

અરમાન મલિકની અકળામણ

ચાલો, બોલિવુડના એક એવા યુવા સંગીતકારનું નામ આપો જેને સ્ક્રીન પર હીરો તરીકે જોવો પણ ગમે. જવાબ છે, અરમાન મલિક. આ જવાબ સુધી પહોંચવા માટે ખરેખર ઝાઝું વિચારવું પડે તેમ નથી. જોઈ લો અરમાને તાજેતરમાં કરેલા એક 'ફન-શૂટ'ની ઈન્સ્ટા તસવીર. અરમાન સૌથી ક્યુટ બોલિવુડ સિંગર-કંપોઝર છે તેવું એના કટ્ટર હરીફો પણ સ્વીકારે છે. થોડા દિવસો પહેલાં આપણા અરિજીત સિંહ અને ગ્લોબલ સુપરસ્ટાર એડ શિરને સંયુક્તપણે એક ગીત કંપોઝ કર્યું ને ગાયું, જે ખાસ્સું વખણાયું. એડ શિરને એમાં વચ્ચે થોડુંક હિન્દીમાં પણ ગાયું છે. આ કોલેબોરેશનના વખાણ કરીને અરમાન કહે છે, 'એવું શા માટે છે કે જ્યારે કોઈ વિદેશી સિંગર આપણી ભાષામાં એકાદ-બે લીટી ગાય તો આપણે એના વખાણ કરતાં થાકતા નથી, પણ જો કોઈ આપણો સિંગર અંગ્રેજી ગીત ગાય તો આપણી જનતાને તે ગમતું નથી ને તરત એની ટીકા કરવા લાગે છે. હકીકત એ છે કે આપણા  કેટલાય ગાયકો અદભુત રીતે અંગ્રેજી ગીતો ગાઈ શકે છે. કોઈ તો વળી વિદેશી સિંગરો કરતાં પણ બહેતર ઇંગ્લિશ ગીતો ગાય છે. આપણે આપણા કલાકારોને નીચા દેખાડવાની કોશિશ શા માટે કરવી જોઈએ?' વાત તો સાચી.