Get The App

'રવીન્દ્ર જૈનની તન્મયતા જોઇને અમે ચકિત થઇ ગયેલા...'

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
'રવીન્દ્ર જૈનની તન્મયતા જોઇને અમે ચકિત થઇ ગયેલા...' 1 - image

- 'રવીન્દ્ર જૈન એકદમ ધ્યાનમગ્ન થઈને સેટ પર એક તરફ બેસીને વાતાવરણને જાણે સૂંઘતા હોય. અમારા દ્વારા લેવાઇ રહેલા દરેક શોટને તેઓ આત્મસાત કરતા હોય. તેઓ જે રીતે દરેક દ્રશ્યમાં સ્વર-લયનો ઓક્સિજન પૂરતા હતા તે જોઇને અમે સૌ દંગ રહી જતા...' .

મે નહીં માનો, પરંતુ મને ભગવાન શ્રી રામે જ પ્રેરણા આપેલી કે 'રામાયણ' સિરિયલ બનાવતી વખતે મારે સંગીતની જવાબદારી રવીન્દ્ર જૈનને સોંપવી. અગાઉ મારી ફિલ્મોમાં તો રવિ, કલ્યાણજી-આણંદજી વગેરે સંગીતકારોએ સરસ કામ કર્યું હતું. 'રામાયણ' સિરિયલની વાત જુદી હતી. અમે સિરિયલનું કામ શરૂ કર્યું ત્યારે એક તરફ સેંકડો કલાકારો, બીજી બાજુ પ્રોડક્શન સ્ટાફની ભીડ, અધો  ડઝન કેમેરા જુદા જુદા એંગલ્સથી શોટ લેતાં હોય... તદ્દન ત્રીજી બાજુ રવીન્દ્ર જૈનને જુઓ તો એ ધ્યાનમગ્ન હોય એવી સ્વસ્થતાથી એક તરફ બેસીને વાતાવરણને જાણે સૂંઘી રહ્યા હોય. અમારા દ્વારા લેવાઇ રહેલા દરેક શોટને આત્મસાત કરતા હોય. એ જે રીતે દરેક દ્રશ્યમાં સ્વરલયનો ઓક્સિજન પૂરતા હતા એ સર્જનશીલતા જોઇને અમે સૌ ચકિત થઇ જતા...' 

પીઢ ફિલ્મસર્જક અને 'રામાયણ' સિરિયલના સર્જક રામાનંદ સાગરે એક મુલાકાતમાં કહેલું. એમણે વધુમાં કહ્યું કે મારા ઉપરાંત વરિ અભિનેતા દાદામુનિ (અશોક કુમાર) પણ સૂત્રધારની કામગીરી સંભાળતા હતા. દાદામુનિ ક્યારેક કહેતા કે આ માણસ (રવીન્દ્ર જૈન)ની પ્રતિભા તો તું જો. કેવી રીતે દરેક દ્રશ્યમાં પ્રાણ પૂરી દે છે.....

યસ, એક તરફ પોતાના હાથમાં રહેલી ફિલ્મોનાં ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જવાબદારી, બીજી બાજુ ખરા અર્થમાં 'રામાયણ' જેવું વિરાટ સર્જન, પરંતુ રવીન્દ્ર જૈન બાળપણથી રામાયણ-મહાભારત જેવાં મહાકાવ્યોને પોતાની માતાના કંઠે સાંભળીને પચાવી ગયેલા. તુલસીદાસજીના રામચરિત માનસની કેટલીક પંક્તિઓ તો તેમને કંઠસ્થ હતી. રામાનંદ સાગરે જ્યારે રવીન્દ્ર જૈનને બોલાવીને વાત કરી કે મારી સિરિયલનું સંગીત તમારે તૈયાર કરવાનું છે ત્યારે એક ક્ષણ રવીન્દ્ર જૈન સ્તબ્ધ થઇ ગયેલા. ૭૮ એપિસોડ અને દર રવિવારે સવારે ટેલિકાસ્ટ કરવાનું. અસંખ્ય કલાકારો, પ્રત્યેક દ્રશ્યમાં પ્રગટ થતાં વિવિધ સંવેદનો અને જેટ સ્પીડે થઇ રહેલું સર્જન. સપ્તાહના સાતેસાત દિવસ સવારથી રાત સુધી દોડાદોડ, છતાં રવીન્દ્ર જૈને જે ધીરજ અને સ્વસ્થતાથી પોતાનું કામ કરી દેખાડયું એ જોઇને મુંબઇનો સમગ્ર મનોરંજન ઉદ્યોગ છક થઇ ગયો હતો.

સૌથી વધુ મહત્ત્વની વાત એ હતી કે રવીન્દ્ર જૈને રામાયણના અભ્યાસી કેટલાક વિદ્વાનો સાથે ચર્ચા વિચારણા કરીને મહષ વાલ્મીકિ અને તુલસીદાસજીના સમયમાં જે વાજિંત્રો હતા એની ઐતિહાસિક માહિતી મેળવીને એ વાદ્યો જ સિરિયલમાં વાપરવાનો જ આગ્રહ રાખેલો. એ માટે રામાનંદ સાગર જોડે વિચાર વિનિમય કરીને કેન્દ્ર સરકાર પાસેથી ખાસ પરવાનગી મેળવી હતી. એ પરવાનગીના જોરે દેશનાં જુદાં જુદાં મ્યુઝિયમમાં રહેલાં પ્રાચીન વાદ્યો મંગાવીને એનો ઉપયોગ સિરિયલના સંગીતમાં કર્યો હતો. કેટલાંક વાદ્યો તો થોડુંક રિપેરીંગ માગતાં હતાં. એ માટે જરૂરી કારીગરો શોધીને તેમને ખડે પગે રાખીને વાદ્યો અપટુડેટ કરાવવા પડેલા. આ હતું એમનું પોતાના કામ પ્રત્યેનું સમર્પણ. એવાં વાદ્યોમાં નારદીય વીણા, સરસ્વતી વીણા, રુદ્ર વીણા વગેરે પાંચ-છ પ્રકારની તો વીણા મંગાવેલી. એ દરેક વાદ્યની કાળજી પોતાના સંતાનની જેમ લેતા. કામ પૂરું થયે જે તે મ્યુઝિયમમાં સાભાર પરત કરેલાં. 

સિરિયલ સાથે સંકળાયેલાં કેટલાંક ભક્તિગીતો તુલસીદાસજીનાં હતાં, કેટલાંક રવીન્દ્રે પોતે પ્રસંગને અનુરૂપ રચેલાં. થોડાંક ભજનો રવીન્દ્રે પોતે ગાયાં તો થોડાંક અનુપ જલોટા જેવા કસાયેલા અન્ય કલાકારો પાસે ગવડાવ્યાં. ૧૯૮૭ના જાન્યુઆરીની પચીસમીથી ૧૯૮૮ના જુલાઇની ૩૧મી સુધી દૂરદર્શન પર અને ત્યાર બાદ કોરોના કાળમાં તથા બીજી રીતે જુદી જુદી વીસ ટીવી ચેનલ પર  સત્તર દેશોમાં રામાયણ સિરિયલ રજૂ થયેલી. બીબીસીના એક અહેવાલ મુજબ ૬૫ કરોડથી વધુ લોકોએ આ સિરિયલ માણેલી. કેટલાક આરબ અને ઇસ્લામી દેશોમાં પણ આ સિરિયલના પ્રસારણ સમયે કર્ફ્યૂ જેવી સ્થિતિ સર્જાઇ જતી.

આ સિરિયલે રવીન્દ્ર જૈનને વિશ્વ કક્ષાએ જાણીતા કરી દીધા. ઓછામાં ઓછા તેર-ચૌદ દેશોએ એમને પોતાને ત્યાં આવવાનું ભાવભર્યું આમંત્રણ મોકલેલું. કેટલીક યુનિવસટીઓએ એમને માનદ્ ડોક્ટરેટ આપવાની ઓફર પણ કરેલી. પણ આ માણસ એટલો નિઃસ્પૃહ કે એણે બધી ઓફર્સને સવિનય નકારી દીધેલી. એ કહેતા મારા માટે રામાયણ જીવન જીવવાનું પાથેય (ભાથું) છે. મને ભગવાન રામે જે લોકપ્રિયતા બક્ષી એ જ પૂરતું છે. માત્ર પર્યટન પ્રવાસના ભાગ રૂપે વિદેશ યાત્રા કરવાની ઇચ્છા ખરી, પરંતુ મને બીજાં ઇનામ અકરામની અપેક્ષા નથી. મને જે મળ્યું છે એ મારી યોગ્યતા કે ક્ષમતા કરતાં વધારે મળ્યું છે. એ ઇશ્વરની કૃપા છે.