- સિને મેજિક- અજિત પોપટ
- ઘણા સમય પછી એક સરસ ગીત આપણી દેશી પોપ સિંગર ઉષા ઉથુપના કંઠે સાંભળવા મળ્યું. ઉષાના કંઠે જ દીપી ઊઠે એ રીતે સંગીતકારોએ આ ગીત સ્વરાંકિત કર્યું છે. અહીં ફરી એકવાર ઇશ્ક-એ-હકીકી અને ઇશ્ક-એ-મજાજી જેવો પ્રયોગ છે. શબ્દોને લાડ લડાવે એવી તર્જ છે. 'યે હૈ માયા, ન યહાં દિન હૈ, ન યહાં રાત હૈ...'
ગીત હોય કે ડાયલોગ હોય, વાર્તા હોય કે અત્યંત આકર્ષક લોકેશન હોય, એકવાર એ હિટ નીવડે એટલે સર્જક એનો કસ કાઢયા વિના છોડે નહીં. શેરડીનો રસ કાઢનારો છેક છેલ્લે સુધી એને નીચોવ્યા જ કરે. કંઇક એવુંજ અમિતાભ બચ્ચનની 'ડૉન' ફિલ્મ સાથે થયું. પહેલી 'ડૉન' સલીમ-જાવેદે લખેલી. એ સુપરહિટ નીવડી ત્યારે ફરહાન અખ્તર હજુ તો ચારેક વર્ષનો હતો. યુવાન થયો ત્યારે એને થયું કે 'ડૉન'માં તો હજુ ઘણો રસકસ છે. એ ફોર્મ્યુલાને જતી ન કરાય. એણે પહેલાં 'ડૉન- ધ ચેઝ બિગીન્સ અગેન' (૨૦૦૬) બનાવી. શાહરુખ ખાનનો ચડતો સિતારો હતો એટલે આ 'ડૉન' પણ ટિકિટબારી પર ચાલી નીકળી. પછી કંઇ ફરહાન ઝાલ્યો ઝલાય? એને વધુ એ્ક ડૉન બનાવવાની ખંજવાળ આવી. ફરી એકવાર શાહરુખ ખાનને લઇને મૂળ વાર્તાનું અનુસંધાન કાઢયું. ડૉનને આંતરરાષ્ટ્રીય ગેંગ્સ સાથે ટકરાતો દેખાડયો. ફરહાન અને શાહરુખ બંનેની સાથે નસીબની દેવી પ્રસન્ન હશે. 'ડૉન-ટુ' (૨૦૧૧) પણ ચાલી નીકળી. એમાં કદાચ આંતરરાષ્ટ્રીય લોકેશનોનો એટલે કે સિનેમેટોગ્રાફીનો પણ ફાળો હશે.. 'ડૉન ટુ'માં જાવેદ અખ્તરનાં ગીતોને શંકર એહસાન લોયે સ્વરાંકિત કર્યાં છે. ૧૯૭૮ની 'ડૉન'નાં એકાદ-બે ગીત પણ થોડાઘણા સુધારા વધારા સાથે રિપિટ થયાં છે. સારું છે કે 'ગોલમાલ' કે 'હાઉસફુલ'ની જેમ ફરહાને આ સિરીઝને ફ્રેન્ચાઇઝી રૂપે જાહેર નથી કરી. લેટેસ્ટ સમાચાર મુજબ હવે 'ડૉન-થ્રી'માં ખુદ ફરહાન જ ડૉન બનવાનો છે.
આમ કરવામાં લાભ એ કે 'એ દીવાનો... મુઝે પહચાનો, કહાં સે આયા, મૈં હૂં કૌન...' ગીતનું પણ અનુસંધાન કાઢી શકાય. અથવા એનો ઉત્તરાર્ધ રચી શકાય. 'ડૉન ટુ'નાં ગીતોમાં એવું જ કંઇક થયું છે. 'મેરે દુશ્મન સમજ રહે થે અબ કભી લૌટ કે ન આઉંગા, ઇક ગૂમનામી કા સમંદર હૈ, ઉસ મેં જા કે ડૂબ જાઉંગા, આ રહા હું પલટ કે મૈં હું ડૉન...' કેટલેક અંશે રેપ સોંગ ટાઇપની આ રચના શાહરુખ ખાનના કંઠે સંગીતકાર શંકર-એહસાન લોયે રજૂ કરી છે. આમ જુઓ તો આ ફિલ્મનું થીમ સોંગ ગણી શકાય. ટાઇટલ સોંગ ગણવું હોય તો પણ છૂટ છે.
ઘણા સમય પછી એક સરસ ગીત આપણી દેશી પોપ સિંગર ઉષા ઉથુપના કંઠે સાંભળવા મળ્યું. ઉષાના કંઠે જ દીપી ઊઠે એ રીતે સંગીતકારોએ આ ગીત સ્વરાંકિત કર્યું છે. અહીં ફરી એકવાર ઇશ્ક-એ-હકીકી અને ઇશ્ક-એ-મજાજી જેવો પ્રયોગ છે. શબ્દોને લાડ લડાવે એવી તર્જ છે. 'યે હૈ માયા, ન યહાં દિન હૈ, ન યહાં રાત હૈ, યહ અંધેરા હૈ કિ સિર્ફ ધુંઆ, આંખેં ધોખા ખાતી હૈ, યહ કિસી કો પતા નહીં જાને ક્યા હૈ, યહ હૈ માયા...' માયા શબ્દને ગીતકારે અને સંગીતકાર ઉપરાંત ગાયિકાએ સરસ રીતે જીવંત કર્યો છે.
ગાયક સંગીતકાર વિશાલ દદલાની અને અનુષા મણીના કંઠે રજૂ થયેલું એક ગીત ફરી કમબેક આફ ડૉનની વાત કરે છે, આ ગીત પરદા પર ખૂબ જામ્યું. ઓડિયોમાં બધા સંગીતરસિકોને ગમે એ જરૂરી નથી. મુખડું છે- 'દિલકશી ઔર દિલબરી, ઉસ કી હૈ જાદુગરી ઓ, જીસ કી આંખેં હૈં તારે, ઠહરે જીસ પલ હૈ સારે, અય દિલ યહ સચ હૈ ક્યા, આજ વો હૈ ક્યા આ હી ગયા...?'
પછીનું ગીત પણ ડૉનના પુનરાગમનને કન્ફર્મ કરે છે. સુનીતા સારથી અને શંકર મહાદેવનના કંઠે આ ગીત લયબદ્ધ વધુ લાગે છે. તર્જ ઓછી અને લય સબળ એવી રચના છે. કંઇક અંશે ડૉનનું અભિમાન છતું થાય છે- 'કોઇ જાને ના યહ કૈસી આગ હૈ, મેરે દિલ કો ડસતા, યહ કૈસા નાગ હૈ, હર ઘડી મૈં જીસ કો ઢૂંઢુ, બચ કે ના જાયેગા, હાં કહીં ના કહીં તો ઇક દિન મુઝે મીલ હી જાયેગા, દુશ્મન મેરા...'
કે કેના કંઠે મુઝ કો પહચાનો મૈં હું ડૉન ગીત રિમિક્સ રૂપે ફરી રજૂ થાય છે. અગાઉ કહ્યું એમ મૂળ ફિલ્મનું આ થીમ કે ટાઇટલ ગીત ફરી ફરી રજૂ કરવાનો એક લાભ છે પણ લાંબે ગાળે એ મોનોટોનસ થઇ જતાં ઓડિયન્સને કંટાળો પણ ઉપજાવી શકે ખરો.
વધુ એક વાર કિંગ ઇઝ બેક થીમ સોંગ આવે છે. શંકર મહાદેવનના કંઠે રજૂ થતા શબ્દો કંઇક આવા છે- 'મુઝ સે ટકરા પાયા હૈ કૌન, દુનિયા મુઝે કુછ ભી કહે, ઇસ કી મુઝે પરવા હૈ ક્યા? મુઝ કો પહચાન લો, મૈં હૂં ડૉન...'
છેલ્લે 'યહ હૈ માયા...' ગીત રિમિક્સ રૂપે રિપીટ થાય છે. અગાઉ કહ્યું એમ ફરહાન અને શાહરુખ ખાન બંનેનો ચડતો સિતારો હતો એટલે આ 'ડૉન ટુ' પણ બોક્સ આફિસ પર ચાલી નીકળી. એક યા વધુ કારણોથી વિદેશયાત્રા નહીં કરી શકતા લોકોને વિદેશી લોકેશનો માણવાની આ રીતે તક મળતી હોવાથી પણ ફિલ્મ ચાલી હશે? હોઈ શકે!


