Cine Guide .
Updated: Sep 22nd, 2022
* 'બોલ ગોરી બોલ તેરા કૌન પિયા..' આ ગીત ગઈ ફિલ્મનું છે તેના ગાયક કોણ અને કોના પર ફિલ્માવાયું છે?
- ચીમનભાઈ મહેતા (ખેડા)
* આ ગીત 'મિલન' ફિલ્મનું છે, જેના ગાયક- મુકેશ અને લતા મંગેશકરે ગાયું છે અને તે સુનીલ દત્ત, નૂતન તથા જમુના પર ફિલ્માવાયું છે.
* સંગીતકાર નૌશાદનો જન્મ ક્યાં અને ક્યો થયો હતો?
- રાકેશ વ્યાસ (અમદાવાદ)
* સંગીતકાર નૌશાદનો જન્મ ૨૬ ડિસેમ્બર, ૧૯૧૯માં લકનઉમાં થયો હતો.
* ફિલ્મસર્જક વી. શાંતારામનું પૂરું નામ, તેમને કેટલી પત્ની હતી અને તેમને કેટલા એવોર્ડ્સ મળ્યાં હતા?
- ભરત અંજારિયા (રાજકોટ)
* વી. શાંતારામનું આખું નામ શાંતારામ રાજારામ વાન્કુદ્રે હતું. તેઓ શાંતારામ બાપુ તરીકે પણ ઓળખાતા. તેઓ અન્નાસાહેબ તરીકે પણ ઓળખાતા. વી. શાંતારામને ત્રણ પત્ની હતી, જેમાં વિમલાબાઈ (લગ્ન ઃ ૧૯૨૧), જયશ્રી (લગ્ન ઃ ૧૯૪૧, ડાઈવોર્સ-૧૯૫૬) અને સંધ્યા (લગ્ન ઃ ૧૯૫૬)નો સમાવેશ થાય છે. વી. શાંતારામને ૧૯૫૭માં 'ઝનક ઝનક પાયલ બાઝે' માટે શ્રેષ્ઠ દિગ્દર્શકનો, ૧૯૫૮માં 'દો આંખે બારહ હાથ'ને શ્રેષ્ઠ ફિલ્મ, ૧૯૮૫માં દાદાસાહેબ ફાળકે એવોર્ડ અને ૧૯૯૨માં પદ્મવિભુષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
* 'પિંજરે કે પંછી રે..' ગીત કોણે લખ્યું છે અને તે ગીત કોણે ગાયું છે?
- રમીલા નિર્મળ (ભાવનગર)
* આ ગીત કવિ પ્રદીપે લખ્યું છે અને માસ્ટર રાણા, હેમંત ચવાણ અને અન્ય ગાયકોએ ગાયું છે.
* ચરિત્ર અભિનેતા મનમોહન કૃષ્ણએ ફિલ્મોમાં કારકિર્દી ક્યારથી શરૂ કરી અને કેટલી ફિલ્મોમાં કામ કર્યું હશે?
-રાજ પટેલ (અમરાવતી)
* મનમોહન કૃષ્ણ જાણીતા ચરિત્ર અભિનેતા અને દિગ્દર્શક હતા. તેમણે ચાર દાયકા સુધી બોલીવૂડમાં અદાકારી કરી હતી. તેઓ કારકિર્દીની શરૂઆતમાં ફિઝિક્સના પ્રોફેસર તરીકે કરી હતી કેમ કે ફિઝિક્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી હતી. તેમણે રેડિયો શૉમાં એન્કરિંગ પણ કર્યું હતું. તેઓ પાકિસ્તાનના લાહોરમાં ૨૬ ફેબુ્રઆરી, ૧૯૨૨માં જન્મ થયો હતો. તેમણે ૧૯૫૦માં આવેલી ફિલ્મ 'અફસર'માં એક ગીત પણ ગાયું હતું. દેવ આનંદની આ ફિલ્મમાં એસ. ડી. બર્મનનું સંગીત હતું. તેઓ ચોપરા બધર્સના માનીતા કલાકાર હતા અને તેમની 'દીવાર', 'ત્રિશૂલ', 'દાગ', 'હમરાજ', 'જોશિલા', 'કાનુન', 'કાલા પથ્થર', 'ધૂલ કા ફૂલ', 'વક્ત', 'નયા દૌર' જેવી ફિલ્મો પણ કરી છે. તેમણે ૨૫૦ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે કે. એ. અબ્બાસની ફિલ્મ 'શહેર ઔર સપના' (૧૯૬૩)માં કામ કર્યું હતું, જે ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો. તેમણે યશ ચોપરાની હીટ ફિલ્મ 'નૂરી'નું દિગ્દર્શન કર્યું હતું, જેને શ્રેષ્ઠ દિગ્દર્શકનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. તેમનું નિધન મુંબઈમાં ત્રીજી નવેમ્બર, ૧૯૯૦માં ૬૮ વર્ષની વયે થયું હતું.
* શું ચરિત્ર અભિનેતા એ. કે. હંગલ સ્વાતંત્ર્ય સેનાની હતા?
- રાજેશ ખેતિયા (અમદાવાદ)
* ચરિત્ર અભિનેતા એ. કે. હંગલે ૧૯૨૯થી ૧૯૪૭ દરમિયાન સ્વાતંત્ર્ય સેનાની તરીકે ફરજ બજાવી હતી અને ૧૯૩૬થી ૧૯૬૫ વચ્ચે સ્ટેજના કલાકાર હતા અને ૧૯૬૬થી ૨૦૦૫ દરમિયાન હિન્દી ફિલ્મોમાં ચરિત્ર અભિનેતા તરીકે કામ કર્યું હતું. તેમણે ૧૯૭૭માં 'આઈના' ફિલ્મમાં રામ શાસ્ત્રી તરીકે, 'શૌકીન'માં ઈન્દર સેન, 'નમકહરામ'માં બીપીનલાલ પાંડે, 'શોલે'માં ઈમામ સા'બ, 'મંજિલ'માં અનોખેલાલ અને 'પ્રેમબંધન'માં તેમણે ભજવેલી ભૂમિકા ઘણી વખણાઈ હતી.
તેમણે લગભગ ૨૨૫ જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં રાજેશ ખન્ના સાથે ૧૬ ફિલ્મો કરી હતી. તેમનું નિધન ૨૬ ઑગસ્ટ, ૨૦૧૨માં ૯૮ વર્ષે મુંબઈમાં થયું હતું.
* એક વેળાના વિલન અને ચરિત્ર અભિનેતા પ્રાણનું સાચું નામ શું અને તેમણે કારકિર્દી દરમિયાન કેટલી ફિલ્મોમાં કામ કર્યું હતું, તેમની છેલ્લી ફિલ્મ કઈ હતી?
- રક્ષા બક્ષી (ધ્રાંગધા)
* પ્રાણનું સાચું નામ પ્રાણ કિશન સિકંદ હતું તેમણે ૧૯૪૦થી ૧૯૯૦ દરમિયાન ૩૬૨થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 'તેરે મેરે સપને' ફિલ્મ પછી-૨૦૦૦ પછી મોટાભાગની ફિલ્મોમાં મહેમાન કલાકાર તરીકે કામ કર્યું હતું. તેમની ૨૦૦૩માં આવેલી ફિલ્મ 'દીવાના તેરે પ્યાર કા' અને 'કિસકા દોષ' પછી ૨૦૦૭માં આવેલી ફિલ્મ 'દોષ' હતી, જે છેલ્લી ફિલ્મ હોવાનું કહી શકાય.
* 'આંખો આંખો મેં બાત હોને દો..' આ કઈ ફિલ્મનું ગીત છે અને તે કયા કલાકારો પર ફિલ્માવાયું છે?
- પ્રદીપ શાહ (અમરેલી)
* આ ગીત 'આંખો આંખો મેં' ફિલ્મનું છે, જે કિશોરકુમાર અને આશા ભોસલેએ ગાયું છે અને રાકેશ રોશન-રાખી પર ફિલ્માવાયું છે.