આમિર ખાનની 'લાલ સિંઘ ચઢ્ઢા' મોટા પડદા પર આવે એ પહેલાં એની નાના પડદે રજૂઆત ક્યાં થશે એ તય થઈ ગયું છે. ફિલ્મ આવશે નેટફ્લિક્સ પર. એમાં આમિર સાથે કરીના કપૂર અને મોના સિંઘ છે. શાહરુખ ખાન ખાસ રોલમાં દેખાશે એવી વાત છે. ફિલ્મ હોલિવુડની ઓસ્કરવિનિંગ ફિલ્મ 'ફોરેસ્ટ ગમ્પ'ની ઓફિશિયલ રિમેક છે.
અમેરિકન સુપર હીરો ફિલ્મ 'ગાડયન ઓફ ધ ગેલેક્સી' ૨૦૧૪માં આવી હતી. આ નામની કોમિક પર એ ફિલ્મ આધારિત હતી. હવે એના આધારે બનેલી 'આઈ એમ ગૂ્રટ' નામની ફિલ્મ આવશે ડિઝની પ્લસ પર, દસમી ઓગસ્ટે. મજાની વાત એ છે કે ગૂ્રટ નામનું એક પાત્ર હતું ઓરિજિનલ ફિલ્મમાં. એ એટલું લોકપ્રિય થયું કે હવે એની આસપાસ ફરતી આખી ફિલ્મ આવી રહી છે.
જૂન મહિનામાં આવેલી કન્નડ ફિલ્મ '૭૭૭ ચાર્લી' બોક્સ ઓફિસ પર ખાસ્સી સફળ રહી હતી. એક જણ એક શ્વાનને મુશ્કેલીમાં બચાવે પછી એની પોતાની જિંદગી કઈ રીતે બદલાઈ જાય છે એવી એની વાર્તા છે. રક્ષિત શેટ્ટી અને સંગીતા શ્રીંગેરી એમાં ઝળકે છે. ફિલ્મ હિન્દીમાં વૂટ પર આવશે ૨૯ જુલાઈએ.
ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવેલી 'ઘર વાપસી' વેબ સિરીઝ લોકોમાં ઉત્કંઠા જગાડી રહી છે. એમાં વાત એવી કંઈક છે કે નોકરી માટે બહારગામ થયેલી વ્યક્તિ ફરી ઘેર આવે એના લીધે એ વ્યક્તિ અને પરિવારને એકમેક સાથે ગોઠવાતા કેવીક તકલીફ પડે છે. સિરીઝ છે છ એપિસોડની.
આ ઓટીટીની બજાર કૂદકે ને ભૂસકે વધી રહી છે. અત્યારે આશરે ત્રણેક કરોડ અબજ ડોલરની એની સાઇઝ છે. ૨૦૨૭ સુધીમાં એ અધધધ વધીને થઈ જશે સાત અબજ ડોલર જેટલી. મુદ્દે, જાતજાતના સબસ્ક્રિપ્શન માટે આપણે ધડાધડ ખર્ચ કરીએ છીએ એમાં નોનસ્ટોપ વધારો થવાનો છે.
ઓટીટી પર મનગમતી વસ્તુ કયા પ્લેટફોર્મ પર અવેલેબલ છે એ શોધવામાં ઘણીવાર સમય વેડફાતો હોય છે. આગળ જતાં આવું કદાચ નહીં થાય. ઇન્ડસ્ટ્રીવાળા એવું કોઈક પ્લેટફોર્મ હોય એવા પ્રયત્નમાં છે કે એક જ જગ્યાએ જઈ દર્શક ફટ દઈને જાણી શકે કે અચ્છા, આ શો કે આ ફિલ્મ અહીં છે. આવું થશે તો સફગ ઇઝી થઈ જશે.


