સૈયારા જોઈને છાજીયા લેતા ઝેન-ઝીના વિલાપીઓને એક નાઈન્ટીઝ કિડનો હેટ લેટર!
- નાઈન્ટીઝમાં જન્મેલા સ્મોલ ટાઉનિયાઓ આજે છત્રીસી પાર કરી ગયા હોવા છતાં નદીમ-શ્રવણ અને કુમાર શાનુનાં સેડ સોંગનું આખું પ્લે-લિસ્ટ દિવસમાં એકવાર તો ભગવાનની આરતી કે હનુમાન ચાલીસાની માફક મોબાઈલમાં વગાડે છે
- તુષાર દવે
- બાજીગર
- સાજન
- દિલ હૈ કી માનતા નહિ
- બોમ્બે
સૈયારા' જોઈને છાજીયા લેતા ઝેન ઝીના વિલાપીઓને જત જણાવવાનું કે અમે 'શોલે'માં બચ્ચનને મરતો જોઈને દુ:ખી થઈ ગયેલા! 'રહેના હૈ તેરે દિલ મૈં'ના મેડ્ડી તો ઠીક 'ડર'ના શાહરુખ માટે પણ અમને સોફ્ટ કોર્નર હતો!
હ 'મહુઆ' ફિલ્મના રફીસાહેબે ગાયેલા ટાઇટલ સોંગની કેસેટો ઘસી મારેલી. ચાઈનીઝ કંપનીના રેડિયોમાં વિવિધ ભારતી પર જ્યારે પણ સોનિક-ઓમીના સંગીતથી મઢેલું એ સોંગ વાગતું ત્યારે દિલ ફાડીને એ રીતે રાગડા તાણતા જાણે અમારી કોઈ મહુઆ અમને છોડીને પરભવના પ્રવાસે ચાલી નીકળી હોય!
હ'કુછ કુછ હોતા હૈ'ના ''તુજે યાદ ન મેરી આઈ...'ની જસ્ટ પહેલાના સીનમાં અમારું હૈયું ભરાઈ આવેલું. અમે દિલથી ઇચ્છતા હતા કે રાહુલને અંજલિ મળી જાય. એ ફિલ્મમાં અંજલિની જાન લઈને આવતા સલમાનને જોઈને અમને રીતસરનો ધ્રાસ્કો જ પડેલો!
હઅમને હજુ પણ એ વાતનો આઘાત છે કે 'ગજની'માં અસીન એ જાણ્યા વિના મરી ગઈ કે આમિર ખાન જ સંજય સિંઘાનિયા છે! બાપડીનો જીવ અવગતે ગયો હશે! અમારું ચાલે તો હજુ પણ કોઈ ભૂવાને કહી કલ્પનાની આત્માને કોઈના શરીરમાં ધૂણાવીને એને એ બાતમી આપી દઈએ કે આમિર જ સંજય સિંઘાનિયા હતો!
હ'દિલવાલે'માં 'જીતા થા જીસકે લિએ... જીસકે લિએ મરતા થા...' ગીત ગાતાં અજય દેવગણની હાલત જોઈને સુનિલ શેટ્ટી કરતા વધારે તો અમારું હૈયું વલોવાઈ જતું હતું.
હઅરે, અમે તો એટલા ઇમોશનલ છીએ કે આજે પણ 'હાથી મેરે સાથી' જોવામાં આવે ત્યારે હાથીના મોત પર આવતું રફીસાહેબનું 'નફરત કી દુનિયા કો છોડ કર...' વાગતું જોઈને ગળગળા થઈ જવાય છે.
હ'કલ હો ના હો'માં સૈફ પ્રીતિ ઝીન્ટાને પ્રપોઝ કરવા જાય છે, એ પ્રપોઝ કરે એ પહેલા જ પ્રીતિ બોલી ઉઠે છે કે આઈ લવ અમન (શાહરુખ) ત્યારે બેકગ્રાઉન્ડમાં ઊભેલા હોટલના બે ટણપા ટપોરાઓ રોમેન્ટિક મ્યુઝિક બંધ નહોતા કરતા એમને બે બે કાનપટ્ટાની આલી આવવાની ઈચ્છાઓ થઈ આવેલી!
હ'કભી ખુશી કભી ગમ'નું આજે અવાસ્તવિક લાગતું શાહરુખનું હેલિકોપ્ટરમાં આવવું, દોડવું અને એનો અણસાર મળતા જ જયા બચ્ચનનું પલટવું આજે પણ અમારા પેટમાં બુડબુડિયા બોલાવી દે છે. ગુઝબમ્પ્સ યૂ નોવ...! ખોટું નહિ બોલું, પણ 'મહોબ્બતે'ના 'પરંપરા, પ્રતિા, અનુસાશન'વાળા અમિતાભ બચ્ચનથી ઘરમાં પપ્પાથી લાગે એવો ડર લાગતો!
હ'મર્ડર'નો ઈમરાન હાશમી તો અમારો પ્રેરણાપુરુષ હતો અને 'મલ્લિકા'ની તલાશ તો આજે પણ ચાલુ છે! 'જન્નત'માં ઈમરાન હાશ્મીએ નવીનક્કોર કાર સાથે મારેલા પ્રપોઝનું સપનું સાકાર કરવા આજે પણ એક આખી જનરેશન ડ્રિમ ઈલેવન ટીચી રહી છે! હોવ...
હ'કરન-અર્જુન'માં સલમાનને પામવા ટામ બોયમાંથી 'દેશી ગર્લ' તરીકે ટ્રાન્સફોર્મ થનારી મમતા કુલકર્ણીને જોઈને અમને પણ એના પ્રત્યે પ્રેમ થઈ ગયેલો, પણ હવે એને જોઈએ છીએ તો એની જેમ જ કુંભમાં જઈને સન્યાસ લેવાની ઈચ્છા થઈ છે. વળી, સન્યાસ માટે આપવાના કરોડ રુપિયા પણ અમારી પાસે નથી. જો હોય તો એની કાર ખરીદીને 'જન્નત સ્ટાઈલ'માં કોઈ તૃપ્તી ડિમરીને પ્રપોઝ મારવાની તમન્ના હજુ ખરી!
હ'ફૂલ ઔર કાંટે'ની બે અલગ અલગ બાઈક પર પગ મુકીને એન્ટ્રી મારવાની સ્ટાઈલની નકલ કરવાના ચક્કરમાં અમારી પેઢીના ઘણા યુવાનોએ પોતાના ટેસ્ટિકલ્સ ગુમાવ્યા છે અને એમનો વંશવેલો આગળ વધી શક્યો નથી! 'ધીરે ધીરે પ્યાર કો બઢાના હૈ, હદ સે ગુઝર જાના હૈ...' - એ 'ફૂલ ઔર કાંટે'નું યાદગાર ગીત હતું, પણ આગળ કહ્યું એવી દુર્ઘટનાનો શિકાર બનેલા યુવાનો ધીમે ધીમે કે ઝડપી ઝડપી પ્યારને આગળ વધારી શકતા નથી અને કોઈ હદથી વધી શકતા નથી એટલે આ સમાજ એમના થકી અવતરનારા અનેક સસ્તા અજય દેવગણોથી વંચિત રહી ગયો!
હ'બાજીગર'માં શાહરુખે શિલ્પાને નીચે ધક્કો મારી દીધો ત્યારે રાજ કુન્દ્રાના સમ કે અમે ખુરશીમાં બેઠા બેઠા હલી ગયેલા અને છોકરીઓના તો મોંમાંથી ચીસ નીકળી ગયેલી. આજે તમે 'બાજીગર' ધ્યાનથી જુઓ તો ચોખ્ખું દેખાઈ આવે કે બિલ્ડિંગ પરથી નીચે પડે છે એ પૂતળું જ છે, પણ ત્યારે અમારી આંખો અજય શર્મા (શાહરુખ)ના બદલામાં આંધળી થઈ ગયેલી. 'હમ આપકે હૈ કૌન'માં તો માધુરી અને સલમાનનું દુખ અમને એટલું અડી ગયેલું કે એ બંન્નેનું સેટિંગ કરાવનાર ટફી (કૂતરું) અમને અવતારસમાન લાગેલો. એન્ડ બિલિવ મી કે 'સૈયારા'ની આખી કાસ્ટ કરતા વધારી સારી એક્ટિંગ ટફીની હતી!
હ'સાજન'માં માધુરી દિક્ષિતના કારણે સંજય દત્ત અને સલમાન ખાનની દોસ્તી તૂટી ત્યારે અમારું પણ દિલ તૂટી ગયેલુ. 'મન'માં મનિષા કોઈરાલાના કપાયેલા પગ જોઈએ કે 'ચાહા હૈ તુજકો... ચાહુંગા હરદમ...' સાંભળીએ ત્યારે આજે પણ ગળગળા થઈ જવાય છે!
હ'દિલ હૈ કી માનતા નહિ...'નું 'તું પ્યાર હૈ કિસી ઔર કા તુજે ચાહતા કોઈ ઔર હૈ... તું પસંદ હૈ કિસી ઔર કી... તુજે માનતા કોઈ ઔર હૈ...' તો એક આખી જનરેશનનું કેથાસસ છે અને કુમાર સાનુ એમનો આરાધ્ય દેવ!
હહિમેશ રેશમિયાના સોંગ 'ઝલક દિખલા જા...' સતત સાંભળવાથી અમુક દેશી (સ્મોલ ટાઉન) યંગસ્ટરોને વાઈ આવતી હતી! ગામડાંઓમાં તો એવી અફવા હતી કે 'એક બાર આજા આજા... આઆઆઆ... જાઆઆઆ...' વગાડવાથી ભૂત આવે છે!
હનાઈન્ટીઝમાં જન્મેલા સ્મોલ ટાઉનિયાઓ આજે છત્રીસી પાર કરી ગયા હોવા છતાં નદીમ-શ્રવણ અને કુમાર શાનુનાં સેડ સોંગનું આખું પ્લે-લિસ્ટ દિવસમાં એકવાર તો ભગવાનની આરતી કે હનુમાન ચાલીસાની માફક મોબાઈલમાં વગાડે છે. ખાસ તો પેલું કે - 'મેરા દિલ ભી કિતના પાગલ હૈ, યે પ્યાર તો તુમ સે કરતા હૈ, પર સામને જબ તુમ આતી હો, કુછ ભી કહને સે ડરતા હૈ...'
હ'બોમ્બે'નું 'તૂ હી રે... તેરે બિના મૈં કૈસે જિયું...', 'રંગીલા' નું 'પ્યાર યે જાને કૈસા હૈ...' અને 'દિલ સે'નું 'એ અજનબી તૂ ભી કભી આવાઝ દે કહીં સે...' એમાં તો વળી દૂર દૂરથી જે ફિમેલ કોરસમાં ગવાતા શબ્દો 'પાખી પાખી પાખી રે... ' અમને અડધી રાતે ઊંઘ ઊડી જાય ત્યારે કાનમાં ભણકારાની માફક સંભળાતા હતા.
હ'હંસી તો ફંસી'માં મલ્હાર ઠાકરનો ક્રશ પરિણીતી ચોપરા એરપોર્ટના વોશરૂમમાં અરીસા સામે જોઈને ઊભી ઊભી બે હાથ ઊંચા કરી પોતાની જાતને હાઈ-ફાઈવ (હાઈ-ફાઈ નહીં, ટોપા) તાળીઓ આપીને રડે છે ત્યારે અમે પણ થિયેટરના અંધારામાં ધોધમાર રડયા છીએ..
હ'કબીરા માન જા.. ' ગીત વખતે દીપિકા તો રડે જ છે પરંતુ રણબીર પણ પોતાની આંખો ભીની થઈ ગઈ હોવા છતાં પાછું વળીને કેમ નથી જોતો એ દર્દનો પથ્થર અમે અમારા દિલ પર ઝીલ્યો છે બકા, તુમ નહિ સમજોગી, પુષ્પા!
હઅને હા, પ્યોર ટ્રેજેડીમાં લવનું ટ્થ, માય ડિયર, ડીપ ડાઉન અંડર પ્યોર લવની સચ્ચાઈ જોવી હોય તો 'કબીર સિંહ' નો એન્ડ એક વાર ફરી જોઈ લેજો. કેમ કે પોતે આટલો બધો ટોક્સિક અને બર્ન્ડ ડાઉન (બળેલા સ્વભાવનો) છે, એમ છતાં સાત મહિના પછી મળેલી પોતાની પ્રિયતમા આજે ફૂલ પ્રેગ્નન્સીમાં છે છતાં એને એક બોલથી અપનાવી લે છે... અને પૂછતો પણ નથી કે આ બાળક કોનું છે! બકુડાવ, આને કહેવાય 'લવ'માં સફરિંગ! ફક્ત શર્ટ ફાડીને ચીસો પાડીને જ 'સફરિંગ'ને એક્સપ્રેસ ના કરવાનું હોય. સમજ્યાં?
હ'ધડકન'ના સુનિલ સેટ્ટીની 'મૈં તુમ્હે ભૂલ જાઉં યે હો નહિ સકતા ઔર તુમ મુજે ભૂલ જાઓ યે મૈં હોને નહિ દુંગા' - તો અમારી જનરેશનની ધ્વપંક્તિ છે. જે તમને સિચ્યુએશનશીપ, ઘોસ્ટિંગ, બેચિંગ, બેડક્રમ્બિંગ, કફિંગ, ઓબટિંગ અને ઝોમ્બીઈંગ જેવી કન્ફ્યૂઝ રિલેશનશીપ રાખતી જનરેશનને નહિ સમજાય.
હએની વે, અમારી જનરેશને કરેલા ઉપરના તમામ ગુનાઓ કબૂલ છે. સર આંખો પર છે, પણ એ બધી ફિલ્મો થોડી મીડિયોકર હોવા છતાં ક્યાંક ક્યાંક ક્લાસિક કે કલ્ટ ક્લાસિક છે અને 'સૈયારા' ભંગાર છે જ છે... તૌડા કુત્તા કુત્તા ઔર સાડ્ડા કુત્તા ટોમી...! સમજે?
ફ્રી હિટ:
'સૈયારા' જોઈને સાન-ભાન ગુમાવનારા ઝેન ઝીના ઝોમ્બિડાઓ, તમે નસીબદાર છો કે 'તેરે નામ' કે 'રાંઝણા' તમારા સમયમાં નથી આવી નહિ તો તમને વેન્ટિલેટર પર રાખવા પડતા સાલાઓ...!