Get The App

અગ્નિપથ... અગ્નિપથ... અગ્નિપથ

Updated: Nov 6th, 2025

GS TEAM

Google News
Google News
અગ્નિપથ... અગ્નિપથ... અગ્નિપથ 1 - image

- ઉત્તમ કવિતા ક્યારેય મરતી નથી. તે શબ્દો સમયની સાથે નવી નવી રંગછટાઓ ધારણ કરે એવું ચોક્કસ બને. 

આ છટા ક્યારેક સિનેમેટિક પણ હોઈ શકે. 'અગ્નિપથ' 

આ વાતનું ઉત્તમ ઉદાહરણ છે.  

- દાસ્તાન-એ-સિનેમા

વૃક્ષ હો ભલે ખડે, 

હોં ઘને હો બડે, 

એક પત્ર છાંહ ભી 

માંગ મત, માંગ મત, માંગ મત. 

અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ... 

તૂ ન થકેગા કભી 

તૂ ન રૂકેગા કભી 

તૂ ન મૂડેગા કભી 

કર શપથ, કર શપથ, કર શપથ.

 અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ...

 યહ મહાન દ્રશ્ય હૈ 

ચલ રહા મનુષ્ય હૈ 

અશ્રુ ખેદ રક્ત સે 

લથપથ, લથપથ, લથપથ. 

અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ...

અમિતાભ બચ્ચનના પિતા હરિવંશરાય બચ્ચનની આ કવિતા કોણે નહીં સાંભળી હોય? 'અગ્નિપથ' માં કરવામાં આવેલી શબ્દોની કારીગરી મડદાને પણ બેઠો કરી શકે. તેમાં, જીવનની અગ્નિપરીક્ષા જેવી આગમાં બિંદાસ ચાલીને નિખરવાનું કહેવામાં આવ્યું છે. કવિ કહે છે કે, તમે ફક્ત ચાલો નહીં પરંતુ, તમારી તાકાતને ઓળખો. બાળપણથી આ કવિતા અમિતાભ બચ્ચનના 'દિલો-દિમાગ' માં છવાઈ ગઈ હતી. તેઓ અનેક વખત કહી ચૂક્યા છે કે, અગ્નિપથ તેમના જીવનનો એક મંત્ર બની ગઈ હતી. જ્યારે, ડિરેક્ટર મુકુલ એસ. આનંદે તેમને એક એવી કહાણી સંભળાવી કે, જેમાં મેઈન કેરેક્ટર અન્યાય, ગરીબી અને અપરાધની આગમાં તડપી રહ્યો છે ત્યારે, અમિતાભે તરત જ કહ્યું કે, આ ફિલ્મનું નામ તો 'અગ્નિપથ'  હોવું જોઈએ. 

કવિતાથી ફિલ્મ સુધીની સફર   

૧૯૩૫માં હરિવંશ રાય બચ્ચને 'અગ્નિપથ'  નામની કવિતા લખી હતી. વાંચનના શોખીન એવા કરણ જોહરના પિતા અને અમિતાભ બચ્ચનના મિત્ર યશ જોહર જ્યારે, કોલેજમાં ભણતા ત્યારે, તેમણે આ કવિતા વાંચી હતી. જેમ કોઈ સારા વિચાર મગજમાં ભમ્યા કરે તેમ આ કવિતા તેમના દિમાગમાં ચાલ્યા કરતી. જ્યારે, ૧૯૭૦ના દાયકામાં ભારતમાં એન્ગ્રી યંગમેનની ફિલ્મોનો ટ્રેન્ડ ચાલ્યો. ત્યારે, તેમણે એક એવા ગેંગસ્ટરની સ્ટોરી વિચારી કે જે જીવનના અગ્નિપથ પર ચાલી રહ્યો હોય. ૧૫ વર્ષ સુધી આ આઈડિયા આગળ વધી ન શક્યો. ૧૯૮૫ની એક મુલાકાત બાદ સ્થિતિ બદલાઈ. યશ જોહર અને મુકુલ આનંદે મળીને 'અગ્નિપથ'  બનાવવાનું નક્કી કર્યુંં. આ દરમિયાન તેમણે નક્કી કર્યું હતું કે, 'અગ્નિપથ'  કવિતાની જેમ ફિલ્મના દરેક કેરેક્ટર યાદગાર હોવા જોઈએ. ફિલ્મની સ્ટોરી ગૂંથવાનું કામ સંતોષ સરોજને સોંપવામાં આવ્યું. સંતોષ સરોજે કાદર ખાન સાથે મળીને એવો સ્ક્રીનપ્લે લખ્યો જે ઘણાને આજની તારીખમાં પણ મોઢે છે. 

વિજય દિનાનાથ ચૌહાણ   

'મેરા નામ વિજય દિનાનાથ ચૌહાણ. પૂરા નામ વિજય દિનાનાથ ચૌહાણ. બાપ કા નામ દિનાનાથ ચૌહાણ. મા કા નામ સુહાસિની ચૌહાણ. ગાંવ માંડવા. ઉંમર છત્તીસ સાલ, નૌ મહિને, આઠ દિન.'  આ ડાયલોગ જોવા માટે કેટલાક લોકોએ 'અગ્નિપથ'  સેંકડો વખત જોઈ છે. વિજય દિનાનાથ ચૌહાણનું કેરેક્ટર અનેક ફેકટર્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. જેમ, દરેક મહાન કેરેક્ટર પાછળ જખમ હોય તેમ વિજય દિનાનાથ ચૌહાણે બાળપણમાં અન્યાયનો સામનો કર્યો હતો. હીરો ન હોવા છતાં પણ તે વિલન પણ નહોતો. તે સાચા અને ખોટાની વચ્ચે ઊભેલો વ્યક્તિ હતો. તે પાપી હતો અને પશ્ચાતાપી પણ. તે અપરાધી હતો અને અપરાધીઓ સામે ઝઝૂમનાર પણ. બ્લેક કે વ્હાઈટ નહીં પણ ગ્રે કેરેક્ટર વિજય દિનાનાથ ચૌહાણના લોકપ્રિય બનવા પાછળ હરિવંશ રાય બચ્ચનની પંક્તિઓ હતી. પિતાના મોત બાદ તે એક એવા અગ્નિપથ પર ચાલી નીકળે છે જેમાંથી બહાર આવવાનું અશક્ય છે. 

જો કેરેક્ટરને બચ્ચન સિવાય કોઈએ પ્લે કર્યું હોત તો કદાચ આજે તેની ચર્ચા ન થાત. તેની પાછળ બચ્ચનની મહેનત હતી. તેમણે વિજયના પાત્રને ભજવવાની જગ્યાએ જીવ્યો હતો. પોતાનો અવાજ બદલ્યો. સ્ટાઈલ બદલી અને એક એવી પર્સનાલિટી લઈને આવ્યા કે, ઘણા પોતાના પુત્રના નામ વિજય રાખવા મંડયા હતા. વિજયે શીખવાડયું કે, રોકાવો નહીં, ચાલતા રહો. ભલેને રસ્તામાં આગ હોય. 

કાંચા ચીના  

કોઈ હીરો ત્યારે જ બને જ્યારે સામે ભયંકર વિલન હોય. અને જ્યારે, હીરોના કેરેક્ટરમાં નેગેટિવ શેડ્સ હોય ત્યારે તેની સામે પાત્ર નેગેટિવ પ્રો-મેક્સ લાવવું પડે. અગ્નિપથમાં વિજયને પોઝિટિવ દેખાડવાની જવાબદારી જાણે ડેની ડેન્ઝપ્પાએ લીધી હતી. કાંચા ચીનાનું કેરેક્ટર બોલિવુડના અન્ય વિલનથી બિલકુલ અલગ છે. સામાન્ય રીતે, વિલન બૂમો પાડે, ધમકાવે, ગુસ્સો કરે, રાક્ષસની જેમ હસે. પરંતુ, કાંચા ચીના શાંત હતો. વિજય આગ હતો તો કાંચા ચીના રાખની ઠંડક. કહી શકાય કે, કાંચા ચીના કોઈ બહારી દુશ્મન નહોતો. તે વિજયની અંદરનો જ અંધકાર હતો. અગર ફાયદા હો તો ઝૂઠ કો સચ માન લો, દુશ્મન કો દોસ્ત બનાલો, આ અંધકારનો જ એક વિચાર હતો. 

સુહાસિની ચૌહાણ   

'અગ્નિપથ' ની સુહાસિની ચૌહાણ ખાલી માતા નહોતી. તે નૈતિકતાની નિશાની હતી. નૈતિકતા, જે કદાચ કોઈ માણસ ભૂલી જાય તો તેને તેની માતા જ પાછી લાવી શકે. સુહાસિની ચૌહાણ એક એવી મા છે જે પોતાના છોકરાની ભૂલો સામે લડે છે પરંતુ, તેનો સાથ ક્યારેય છોડતી નથી. તે વિજયને કહે છે કે, 'ઈન્સાન ભી પહેલે જાનવર થા, સદિયા લગી ઉસે જાનવર સે ઈન્સાન બનને મેં. લેકિન તુઝે ઈન્સાન સે જાનવર બનને મે ઝરા ભી વક્ત નહીં લગા.'  તે જાણે છે કે, વિજય ખોટા રસ્તા પર છે. આ દરમિયાન પણ તે વિજયની અંદરની સારાઈને મરવા નથી દેતી. સુહાસિનીએ શીખવાડયું કે, મમતા એટલે અનુશાસન. રોહિણી હટંગડીએ આ કેરેક્ટરમાં ચાર ચાંદ ઉમેર્યા છે.

વિજય અને તેનો સંઘર્ષ  

વિજયનો દોસ્ત, તેનો દુશ્મન, તેનો સાથી આ તમામ જાણે તેની માનસિક યાત્રાના હિસ્સા હતા. દરેક કેરેક્ટર વિજયની ભાવનાનો વિસ્તાર હતો. કોઈમાં ગુસ્સો, કોઈમાં કરુણા, કોઈમાં ભરોસો તો કોઈમાં અધૂરી ક્ષમા હતી. જ્યારે, વિજય પોતાના બાળપણની યાદોમાં ખોવાઈ જાય છે ત્યારે, કેમેરો તેના ચહેરા પર નહીં તેની આત્મા પર રોકાતો હોય તેવો અહેસાસ થાય છે. આ ફિલ્મમાં ડાયલોગ્સની સાથે મૌનનો પણ યોગ્ય ઉપયોગ કરવામાં આવ્યો છે. 

2012માં હૃતિક-સંજુબાબાની રિમેક 

૧૯૯૦માં યશ જોહરે ધર્મા પ્રોડ્કશનના બેનર હેઠળ 'અગ્નિપથ'  બનાવી હતી. તેના ૨૨ વર્ષ બાદ પુત્ર કરણ જોહરે ફિલ્મની રિમેક બનાવવાનો નિર્ણય લીધો હતો. ફિલ્મમાં કરણ મલ્હોત્રાને આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે લેવામાં આવ્યો હતો. તેમાં માંડવા ગામની સાથે અનેક પ્રસંગોને છંછેડવામાં નહોતા આવ્યા. પરંતુ, રૌફ લાલા નામનું નવું કેરેક્ટર ઉમેરવામાં આવ્યું હતું. જે રિશી કપૂરે ભજવ્યું હતું. કાંચા ચીના તરીકે સંજય દત્ત ડેનીથી બિલકુલ વિપરીત છે. વિજય દિનાનાથ ચૌહાણ તરીકે હૃતિક જામે છે પણ બચ્ચન જેટલો નહીં. 'અગ્નિપથ'  ઓરિજનલ ધધકતી આગ છે, તો રિમેક રાખ. 'અગ્નિપથ'  ઓરિજનલને રૂા. ૪ કરોડના ખર્ચે બનાવવામાં આવી હતી. જ્યારે, રૂા. ૫૮ કરોડના બજેટમાં બનાવવામાં આવેલી રિમેકે રુ. ૧૯૩ કરોડની કમાણી કરી હતી. જેમ, 'અગ્નિપથ' માં વિજય પિતાનો બદલો લેવા આગળ આવે છે. તેવી જ રીતે કરણે પણ આ ફિલ્મને છેવટે સુપરહીટ બનાવીને પિતાનો બદલો લીધો હતો. 

ફિલ્મ વિશે રસપ્રદ વાતો

એક રાતમાં ફિલ્મ રિ-ડબ - અમિતાભ બચ્ચને હોલિવુડની ફિલ્મ 'ધ ગોડફાધર' ના એક્ટર માર્લોન બ્રાન્ડોમાંથી પ્રેરણા લઈને ઊંડો, કર્કશ અવાજ અપનાવ્યો હતો. આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારે ઘણા થિયેટરોમાં દર્શકોએ સાઉન્ડ સિસ્ટમ તોડી નાખી હોવાના રિપોર્ટ સામે આવ્યા હતા. ત્યારબાદ, ફિલ્મને રિ-ડબ કરવાની ફરજ પડી હતી. અભિષેક બચ્ચને એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પિતા અમિતાભે એક રાતમાં જ આખી ફિલ્મને રિ-ડબ કરી હતી.  

અમિતાભ બન્યા કરોડપતિ  

અમિતાભ બચ્ચન હાલમાં 'કૌન બનેગા કરોડપતિ' ની ૧૭મી સીઝન હોસ્ટ કરી રહ્યા છે. તેમના આ શોથી અનેક કોન્ટેસ્ટન્ટસ કરોડપતિ બન્યા છે. પરંતુ, બોલિવુડમાં પહેલા કરોડપતિ અમિતાભ બન્યા હતા. તેમણે આ ફિલ્મ માટે તે સમયે રેકોર્ડ રુ. ૧ કરોડની ફી લીધી હતી. 

છેલ્લી ઘડીએ મિથુનની એન્ટ્રી

 મિથુન ચક્રવર્તીના રોલને છેલ્લી ઘડીએ ઉમેરવામાં આવ્યો હતો. નાળિયેર વેચનાર કૃષ્ણન ઐયર એમ.એ સાથે મિથુન આ ફિલ્મમાં થોડી કોમેડી લઈને આવ્યો હતો. મિથુનને આ ફિલ્મ માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો ફિલ્મફેર મળ્યો હતો. 

અમિતાભને નેશનલ એવોર્ડઃ 

આ ફિલ્મ બોક્સઓફિસ પર અસફળ રહી હોવા છતાં અમિતાભ બચ્ચનને દમદાર અભિનયને કારણે નેશનલ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. 

અંડરવર્લ્ડથી પ્રેરણા 

વિજયનું કેરેક્ટર કરીમ લાલા અને હાજી મસ્તાન જેવા મુંબઈના ડોનના જીવન પર આધારિત હતું. ફિલ્મના અમૂક હિંસક દ્રશ્યોને કારણે તેને એ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. ફિલ્મ હિંસક હોવાથી તેને મોરેશિયસમાં બેન કરવામાં આવી હતી. 

કોપીકેટ મ્યુઝિક 

લક્ષ્મીકાંત-પ્યારેલાલે ફિલ્મનું આઈકોનિક બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફ્રેન્ચ મ્યુઝિશિયન જીન-મિશેલ જારેના આલ્બમ ઓક્સિજેન અને એક્વિનોક્સની કાર્બન-કોપી હતું. 

સાચી ઝૂંપડપટ્ટી અને સાચા ડોન 

આ ફિલ્મના કેટલાક ભાગોને ધારાવી અને ડોંગરીમાં શૂટ કરવામાં આવ્યા હતા. જેમાં, લોકલ ડોનને એક્સ્ટ્રા તરીકે લેવામાં આવ્યા હતા. ફિલ્મના કેટલાક સીન એટલી હદે વાસ્તિવક લાગતા હતા કે, સ્થિતિ વણસી ન જાય તે માટે પોલીસને સેટ પર તહેનાત કરવાની ફરજ પડી હતી. 

અમિતાભ માટે વન-ટેકનો નિયમ 

ફિલ્મના ડિરેક્ટર મુકુલ એસ. આનંદ માનતા હતા કે, અમિતાભનો પહેલા ટેક હંમેશા ફૂલ પાવર રહેતો હતો. તેઓ અમિતાભ માટે રિટેક રાખતા નહોતા. એટલે જ, 'સલાખેં' મોનોલોગ ૭ મિનિટના એક ટેકમાં શૂટ કરવામાં આવ્યો હતો. 

અગ્નિપથ એક કવિતા  

કવિતા ક્યારેય મરે નહીં. તેના શબ્દો સમય સાથે રૂપ ચોક્કસ બદલે. આ ફિલ્મની જ વાત લઈ લો. કવિતાથી કહાણી બની. કહાણીમાંથી કેરેક્ટર્સ નીકળ્યા. કેરેક્ટર્સ પણ પાછા એવા મજબૂત કે તેની રિમેક પણ દર્શકોને પસંદ આવી. કવિતા દરેક યુગમાં કોઈને પ્રેરણા આપે છે. ૧૯૩૫માં લખાઈ. ૧૯૯૦માં બોલાઈ અને ૨૦૧૨માં ફરી જીવંત કરાઈ. એટલે હા, આપણા અંદર રહેલી ધૂનને, કવિતાને આપણે જીવંત કરવી જ રહી. ક્યારેક નવા રૂપમાં, ક્યારેક નવા રંગમાં કારણ કે, 'તૂ ન થકેગા કભી, તૂ ન રૂકેગા કભી. તૂ ન મૂડેગા કભી. કર શપથ, કર શપથ, કર શપથ. અગ્નિપથ, અગ્નિપથ, અગ્નિપથ.'