Get The App

દાદા રાજ કપૂરે સ્થાપેલો આર કે સ્ટુડિયો પૌત્ર રણબીર કપૂર ફરી શરૂ કરશે

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
દાદા રાજ કપૂરે સ્થાપેલો આર કે સ્ટુડિયો પૌત્ર રણબીર કપૂર ફરી શરૂ કરશે 1 - image

- રણબીર કપૂર આર. કે. સ્ટુડિયોને પુનર્જિવીત કરવાના પ્રોજેક્ટમાં દીપિકા પદુકોણ અને ફિલ્મમેકર ફ્રેન્ડ અયાન મુખર્જીને પણ સાથે રાખવા માગે છે  

મુંબઇ શહેરમાં રોટલો મળી રહે પણ ઓટલો ન મળે એ કહેવત છે, જે શહેરની તાસીર બતાવે છે. ભલભલા મહારથીઓ માટે મુંબઇમાંં પોતાની જમીન સાચવવી એ લોઢાના ચણા ચાવવા સમાન બની રહે છે. ૧૯૪૮માં રાજ કપૂરે સ્થાપેલો વિખ્યાત આર.કે. સ્ટુડિયોને ૭૧ વર્ષે તેમના પુત્ર ઋષિ કપૂરે ખોટ ખાઇ ખાઇને આખરે ૨૦૧૯માં બંધ કરવો પડયો હતો. રાજ કપૂરના અવસાન બાદ ૩૧ વર્ષે બંધ રહેલા આર.કે. સ્ટુડિયોને તેમનો પૌત્ર રણબીર કપૂર ફરી સાકાર કરવાના અહેવાલો મળ્યા છે. 

ભારતીય સિનેમાના ઇતિહાસમાં વિશેષ સ્થાન ધરાવતા આર.કે. સ્ટુડિયોની સ્થાપના રાજ કપૂરે ૧૯૪૮માં કરી હતી. રાજ કપૂરે બ્લેક એન્ડ વ્હાઇટના જમાનામાં આર કેના બેનર નીચે હવે ક્લાસિક ગણાતી ફિલ્મો બરસાત અને આવારા બનાવી હતી. એ પછી ફિલ્મ ઉદ્યોગમાં થતાં પરિવર્તન સાથે તાલ મિલાવી આર કે સ્ટુડિયોમાં મેરા નામ જોકર, બોબી, સત્યમ શિવમ સુંદરમ, પ્રેમ રોગ અને  રામ તેરી ગંગા મૈલી ફિલ્મો બનાવવામાં આવી હતી. આ ફિલ્મો હિન્દી ફિલ્મ ઉદ્યોગના સુવર્ણકાળની સાક્ષી બની રહી હતી. આર.કે.ના બેનર તળે છેલ્લી ફિલ્મ આ અબ લૌટ ચલે બનાવવામાં આવી હતી. ૧૯૯૯માં આવેલી આ ફિલ્મ ઋષિ કપૂરે નિર્દેશિત કરી હતી. 

પરંતુ સમયના વહેણની સાથે મુંબઇનો ફિલ્મ ઉદ્યોગ પણ પશ્ચિમના ઉપનગરોમાં ખસતો ગયો, જેના પરિણામે મુંબઇમાં આવેલાં સ્ટુડિયોની પડતી શરૂ થઇ. તેમાં પણ ચેમ્બુરમાં આવેલાં આર.કે. સ્ટુડિયોમાં જવા આવવાનું ફિલ્મ સ્ટાર્સ માટે મુશ્કેલ બનવા માંડયુ. બાન્દ્રામાં વસતાં ફિલ્મ સ્ટાર્સ તેમના બંગલાઓની નજીક આવેલા મહેબૂબ સ્ટુડિયોમાં કામ કરવાનું વધારે પસંદ કરવા માંડયા, જેના કારણે ચેમ્બુરમાં આવેલો આર.કે. સ્ટુડિયો ખોટમાં ચાલવા માંડયો. એ પછી ટીવી સિરિયલ્સ અને રિયાલિટી શો માટે આર.કે. સ્ટુડિયોને ભાડે આપવાનું કપૂર પરિવારે નક્કી કર્યું. પણ આ આઇડિયા ક્લિક ન થયો. લોકો પશ્ચિમના પરાંઓમાં આવેલા સ્થળો પર શૂટિંગ કરવાનું વધારે પસંદ કરવા માંડયા હતા. 

ઋષિ કપૂરે પોતાની વ્યથા ઠાલવતાં એક મુલાકાતમાં જણાવ્યું હતું કે આ સંજોગોમાં અમે આર. કે. સ્ટુડિયોને રિનોવેટ કરવાનો વિચાર કર્યો હતો પણ આવક પૂરતી ન હોઇ આ ખર્ચ કરવો પરવડે  તેમ નહોતો. અમારે તમામ બાબતો ધ્યાનમાં લઇ નિર્ણય લેવાનો હતો. આગ લાગી તે પહેલાં પણ વર્ષો સુધી આર.કે. સ્ટુડિયો તોતિંગ નિભાવ ખર્ચને કારણે સફેદ હાથી બની રહ્યો હતો. અમને જે થોડાં ફિલ્મ, ટીવી સિરિયલ્સ અને એડ શૂટના બુકિંગ મળતાં હતાં તેમાં પણ અમારી પાસે મફત પાર્કિગ સ્પેસ, એર કન્ડિશનિંગ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવે તેવી આશાઓ રાખવામાં આવતી હતી. ૨૦૧૭માં મોટી આગ લાગતાં આર.કે. સ્ટુડિયોનો મોટો હિસ્સો નાશ પામ્યો હતો. તેમાં રાજ કપૂરની ફિલ્મોની યાદગીરીઓ પણ નાશ પામી હતી. આખરે ૨૦૧૯માં કપૂર પરિવારે આ સ્ટુડિયોને વેચી નાખવાનો નિર્ણય લીધો હતો.

કપૂર ખાનદાનના જ અન્ય એક નબીરા કુણાલ કપૂરે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે એ જમાનામાં જે સ્ટુડિયો બનાવવામાં આવ્યા હતા તે ફિલ્મ મેકર્સે બનાવ્યા હતા. તેના કારણે તેમને ખબર હતી કે સમય સાથે તેમાં પરિવર્તનો થતાં રહેશે. આર કે સ્ટુડિયોમાં લાઇટ્સ, કેમેરાના સાધનો અને વસ્ત્રો સંગ્રહવા માટે અલગ જગ્યાઓ ફાળવાયેલી હતી. હવે ફિલ્મમેકિંગનું જ્ઞાાન ધરાવતાં લોકો સ્ટુડિયો ચલાવવાના કામમાં રહ્યા જ નથી. આ આખો વર્ગ જ ગાયબ થઇ ગયો છે. પરંતુ હવે તેમાં અપવાદરૂપે રણબીર કપૂરનું આગમન થઇ રહ્યું છે. રણબીર કપૂર ફિલ્મમેકિંગથી વાકેફ છે અને તે તેના આ સાહસમાં તેના મિત્રો અયાન મુખર્જી અને દીપિકા પદુકોણનો પણ સાથ મેળવી રહ્યો છે. આ બધાંનું બિઝનેસ વેન્ચર બનશે નવું આર.કે. બેનર. રણબીર કપૂર આર.કે.ના બેનર તળે ફિલ્મોનું નિર્માણ કરવા માગે છે. ઘણી પટકથાઓ પસંદ કરાઇ છે અને ટૂંક સમયમાં પ્રોડકશન પણ શરૂ કરવામાં આવશે. નવા આર.કે. સ્ટુડિયોમાં ઓફિસ સ્પેસ અને સ્ક્રીનિંગ રૂમ પણ બનાવવામાં આવશે. રણબીર કપૂર દિગ્દર્શક બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. તેનો નિર્દેશક તરીકેનો પ્રથમ પ્રોજેક્ટ આર.કે.ના બેનર તળે આકાર લેશે તેવી વાતો સંભળાઇ રહી છે. જો રણબીર કપૂર સફળતાપૂર્વક આ પ્રોજેક્ટ પાર પાડી બતાવશે તો લોકો કહેશે કે આ કપૂર પોતરાંએ તો દાદાના પેંગડામાં પગ નાખી બતાવ્યો. 

એક તરફ નવી પેઢી મુંબઇના જૂના  સ્ટુડિયોની વિશાળ જગ્યાઓ વેચી રિઅલ 

એસ્ટેટમાંથી જંગી કમાણી કરી રહી છે ત્યારે રણબીર કપૂરની પોતાના દાદાના વારસાને આગળ ધપાવવા માગે છે તે પ્રશંસનીય તો ખરું જ.