Get The App

ઘુંઘરું કી તરહ બજતા હી રહા હૂં મૈં...

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
ઘુંઘરું કી તરહ બજતા હી રહા હૂં મૈં... 1 - image

- 'ચોર મચાયે શોર' ફિલ્મના સૌથી હૃદયસ્પર્શી ગીત 'ઘુંઘરું કી તરહ બજતા હી રહા હૂં મૈં...'નું સ્થાન કિશોરકુમાર ખુદની પસંદગીનાં ગીતોમાં પામે છે. સંગીતકાર રવીન્દ્ર જૈને આ ગીતમાં પોતાની સર્જનકલાનો અર્ક રેડી દીધો છે

- ચોર મચાયે શોર

રાજશ્રીની ફિલ્મ 'સૌદાગર' બોક્સ ઓફિસ પર ચાલી નહીં, પરંતુ એનાં ગીત-સંગીતે ફિલ્મ સૃષ્ટિના આગેવાન ફિલ્મ સર્જકોનું ધ્યાન ખેંચ્યું. ગીતકાર-સંગીતકાર રવીન્દ્ર જૈનને બીજી કેટલીક સરસ ઓફર્સ મળી. એવી એક ઓફર એટલે ફિલ્મ નિર્માતા એન. એન. સિપ્પીની ફિલ્મ. સિપ્પીએ પોતાની ફિલ્મ 'ચોર મચાયે શોર' માટે રવીન્દ્રને કરારબદ્ધ કર્યા. અશોક રોય નિર્દેશિત આ ફિલ્મની વાર્તામાં બહુ ભલીવાર નહોતી. એક ગરીબ યુવક, શ્રીમંતની દીકરી. બંને વચ્ચે ઇલુ ઇલુ. છોકરીના બાપને ગરીબ યુવક પસંદ નથી એટલે એને ચોરીના આરોપમાં જેલમાં પૂરાવી દે છે. જેલમાં કથાનાયકને જાતજાતના અનુભવો થાય છે. છેલ્લે સુખાંત લાવવા છોકરીના બાપના વિચારોમાં પરિવર્તન આવે છે અને નાયક નાયિકા એક થાય છે. 

વાર્તા પૂરી.

આ જ ટાઇટલ ૨૦૦૪માં ડેવિડ ધવને બોબી દેઓલ અને શિલ્પા શેટ્ટીને લઇને આ જ ટાઇટલ ધરાવતી ફિલ્મ બનાવી હતી. જોકે ડેવિડ ધવનની ફિલ્મ એન. એન. સિપ્પીની 'ચોર મચાયે શોર' જેવી અને જેટલી હિટ નીવડી નહોતી. એન. એન. સિપ્પીની ફિલ્મમાં શશી કપૂર અને મૂમતાઝની જોડી હતી. શશી કપૂરનો એ ગોલ્ડન પિરિયડ હતો. એક પછી એક હિટ ફિલ્મ આપ્યે જતો હતો. એ આ સમયગાળામાં એટલો બીઝી રહેતો હતો કે પિતા સમાન મોટાભાઇ રાજ કપૂરની 'સત્યમ્ શિવમ્ સુંદરમ્' માટે સમય આપી શકતો નહોતો. ગુસ્સે થયેલા રાજ કપૂરે એકવાર કહેલું કે તું માણસ છે કે ટેક્સી ? ત્રણ ત્રણ શિફ્ટમાં મજૂરી કર્યે રાખે છે... મને તો થોડો સમય આપ ભલા'દમી!

ખેર, 'ચોર મચાયે શોર'માં છ ગીતો હતાં. એમાંનાં બે ગીત ઇન્દ્રજિત સિંઘ તુલસીનાં હતાં. સૌથી વધુ લોકપ્રિય થયેલું ગીત 'દિલવાલે દૂલ્હનિયાં લે જાયેંગે...' તુલસીએ રચ્યું હતું. મુહબ્બતના પ્રતીક સમા રાગ પહાડીમાં સ્વરબદ્ધ થયેલા આ ગીતનો કહેરવાનો લય સંગીતકારે એવો ફાંકડો રચ્યો હતો કે ગીત સાથે કોઇ પણને ડાન્સ કરવાની ઉત્કટ ઇચ્છા જાગે. ફિલ્મ રજૂ થઇ એ દિવસોમાં લગ્નોના વરઘોડામાં આ ગીત પર લોકો મસ્ત થઇને નાચતા. આ ગીતે કિશોરકુમાર અને આશા ભોંસલેના કંઠમાં જબરી જમાવટ કરી હતી.

એક સમયે પરદા પર કિસ દેખાડાતી નહોતી. ચુંબનના પ્રતીક રૂપે બે પંખીને ચાંચમાં ચાંચ ભરાવતા દેખાડાતા. અહીં તુલસી રચિત એક ગીતમાં પ્રણયનો અનેરો ભાવ કરાયો છે. 'એક ડાલ પે તોતા બોલે, એક ડાલ પે મેના, દૂર દૂર બૈઠે હૈં લેકિન, પ્યાર તો ફિર ભી હૈ ના...' પરદા પર તેમજ ઓડિયો કેસેટ્સમાં બંને રીતે આ ગીતે ધમાલ મચાવી હતી. ઉપશાીય સંગીતકારોના માનીતા રાગ કાફીમાં આ ગીતને કહેરવા તાલમાં સાંભળનારને મંત્રમુગ્ધ કરી દે એ રીતે સજાવાયું છે. 

ફિલ્મનું સૌથી હૃદયસ્પર્શી ગીત આ રહ્યું- 'ઘુંઘરું કી તરહ બજતા હી રહા હૂં મૈં...' ખુદ કિશોરકુમારે પોતાની પસંદગીનાં ગીતોમાં આ ગીતનો ઉલ્લેખ કરેલો. રવીન્દ્ર જૈને આ ગીતમાં પોતાની સર્જનકલાનો અર્ક રેડી દીધો છે એમ કહીએ તો ચાલે. શબ્દોમાં ઘુંટાયેલી વેદનાનો અહેસાસ છે- 'કભી ઇસ પગ મેં, કભી ઉસ પગ મેં, બંધતા હી રહા હું મૈં...', અંતરામાં કહે છે- 'કભી તૂટ ગયા, કભી તોડા ગયા, યૂં હી લૂટ લૂટ કે ઔર મીટ મીટ કે બનતા હી રહા હૂં મૈં...', આગળ કવિ કહે છે, 'કભી મંદિર મેં, કભી મહફિલ મેં, સજતા હી રહા હૂં  મૈં...' અને અંતિમ કડીમાં વેદનાની પરાકાા આવે છે- 'અપનોં મેં રહે યા ગૈરોં મેં, ઘુંઘરું કી જગહ તો હૈ પૈરોં મેં, ફિર કૈસા ગીલા, જગ સે જો મિલા, સહતા હી રહા હું મૈં...' અહીં યોગ્ય રીતે જ સંગીતકારે રાગ ઝિંઝોટીનો કલાત્મક ઉપયોગ કર્યો છે. (આ રાગમાં અગાઉ આપણને ઘણાં સરસ ગીતો મળ્યાં છે જેમાંનું એક ગીત એટલે 'જાઉં કહાં બતા અય દિલ, દુનિયા બડી હૈ સંગદિલ, ચાંદની આયી ઘર જલાને, સૂઝે ન કોઇ મંજિલ...' શબ્દોના વજનને યોગ્ય રીતે રજૂ કરવા અહીં છ માત્રાનો દાદરા તાલ લીધો છે.

છેલ્લાં બે ગીતોમાં એક આશા ભોંસલે અને મુહમ્મદ રફીના કંઠમાં છે અને એક આશાનો સોલો છે. એક પ્રણય ગીત છે અને બીજું પરદા પર કોઇ રહસ્યસ્ફોટ કરવા માટે ગવાતું હોય એવો ભાવ છે. આશા-રફીવાળા ગીતનું મુખડું છે- 'પાંવ મેં ડોરી, ડોરી મેં ઘુંઘરું, ઘુંઘરું કી રુનઝુન બોલે, તૂ હૈ મેરા, મૈં હૂં તેરી, મેરા મન બોલે...'

અંતિમ ગીતના શબ્દો છે- 'યે હૈ મેરા જાદુ, ચોર હો યા સાધુ, જાદુ ચલે સભી પે, બીજલી ગીરે સભી પે, તૂ ભી આ, તૂ ભી આ, મૈં તો કહું સબ સે, બાબુ યે મેરા જાદુ, ચોર હો યા સાધુ...' આ ગીતે પરદા પર રહસ્ય સર્જ્યું હતું. શબ્દોને અનુરૂપ સ્વરલય તેમજ એનું ફિલ્માંકન ત્રણે સરસ રહ્યાં. 

આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ નીવડી હતી અને ૧૯૭૪ના વર્ષમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં બીજા ક્રમે આવી હતી. રવીન્દ્ર જૈનને ખૂબ યશ પ્રાપ્ત થયો હતો.