ગીતા કપૂર : કોઈ મને કહેશે ક્યાં છે મારી કરોડોની સંપત્તિ?
- 'મારા વિશે એમ પણ કહેવામાં આવે છે કે મારાં લગ્ન થઈ ગયા છે. અરે ભાઈ, મેં લગ્ન કરી લીધાં હોય તો છૂપાવવાની શી જરૂર છે? ક્યારેક તો એવું લાગે છે કે મારા વિશે મારા કરતાં લોકોને વધારે જાણકારી છે!'
'ગીતામા' ના હુલામણા નામથી ઓળખાતી લોકપ્રિય કોરિયોગ્રાફર ગીતા કપૂર વધુ એક વખત 'ઈન્ડિયાસ બેસ્ટ ડાન્સર' ટેલેન્ટ રિયાલિટી શોની ચોથી સીઝનમાં નિર્ણાયક બની છે.
લાંબા વર્ષોથી કોરિયોગ્રાફર તરીકે કાર્યરત હોવાથી ગીતા કપૂર ડાન્સરની નાની નાની વાતોને પણ ભરપૂર મહત્ત્વ આપે છે. તે કહે છે કે આધુનિક ટેક્નોલોજીએ આપણું ઘણું કામ અત્યંત સરળ કરી દીધું છે. તેને માટે સમયની પણ કોઈ પાબંદી નથી રહી. કોઈપણ વયની વ્યક્તિ પોતાને અનુકૂળ હોય એવા સમયમાં ટેક્નોલોજીની મદદથી ઘણું શીખી શકે છે. આમ છતાં હું એટલું ચોક્કસ કહીશ કે ટેક્નોલોજી ક્યારેય ગુરુનું સ્થાન ન લઈ શકે. તમે ડિજિટલ માધ્યમની મદદથી ઘરબેઠાં જ ગુરુની મદદ વિના ડાન્સ શીખી શકો, પરંતુ નૃત્યની ટેક્નિક અને નાની નાની બાબતો શીખવા માટે તો ગુરુ જોેઈએ જ. વળી તમે ગુરુ વિના કોઈ નૃત્ય પ્રકાર શીખી લો તોય તેમાંકોઈ ક્ષતિ છે કે કેમ, ભૂલ છે તો કયાં છે અને તેને શી રીતે સુધારવી જેવી બાબતો તો કોરિયોગ્રાફર જ શીખવી શકે.
ગીતા કપૂર હમેશાં નવા ડાન્સ રીઆલિટી શોની રાહ જોતી હોય છે. તે કહે છે કે જ્યારે કોઈ નવો શો શરૂ થવાનો હોય ત્યારે હું ઉત્સાહથી થનગનતી હોઉં છું. તે કહે છે કે મને જ્યારે નિર્ણાયકની ખુરશી પર બેસવાનું હોય ત્યારે હું એ વાતથી ઉત્સાહમાં આવી જાઉં છું. મને સૌથી વધુ આનંદ એ વાતનો હોય છે કે આ વખતે પણ નવા સ્પર્ધકોની કમાલ જોવા મળશે. વળી આ વખતે કરિશ્મા કપૂર પણ નિર્ણાયકની ખુરશી શોભાવી રહી છે.
ગ્લેમર વર્લ્ડને અને અફવાઓને ચોલી-દામનનો સાથ છે. ગીતા કપૂર પણ તેમાંથી બાકાત શી રીતે હોઈ શકે? કોરિયોગ્રાફર કહે છે કે મારા વિશે એવી વાતો વહેતી કરવામાં આવી છે કે મારી પાસે કરોડો રૂપિયાના બંગલા-ગાડી છે. અને એટલી જ બચત પણ છે. આમ છતાં મઝાની વાત એ છે કે હું તેના વિશે કશું જ નથી જાણતી. ક્યાં છે મારા બંગલા-ગાડી-બેંક બેલેન્સ? જો મને તેની જાણ થાય તો હું તેનો લાભ પણ લઉં. ગીતા કપૂર વધુમાં કહે છે કે વાત આટલેથી નથી અટકતી. મારા વિશે એમ પણ કહેવામાં આવે છે કે મારાં લગ્ન થઈ ગયા છે. મેં ગુપચુપ વિવાહ કરી લીધાં છે. અરે ભાઈ, મેં લગ્ન કરી લીધાં હોય તો છૂપાવવાની શી જરૂર છે? ક્યારેક તો એવું લાગે છે કે મારા વિશે મારા કરતાં લોકોને વધારે ખબર છે. ઠીક છે. અફવાઓને બહુ ગંભીરતાથી લેવાની ન હોય.