- 'લોકોએ આટલા વરસોમાં મેં ભજવેલા કેરેકટર્સમાં મને જોઈ મારા વિશે અભિપ્રાય બાંધ્યો છે. પરંતુ હવે હું મારી ખરી હસ્તીનો પરિચય કરવા ઉત્સુક છું. એને માટે 'બિગ બોસ કરતા વધુ સારું સ્થળ બીજુ કઈ હોઈ શકે?
ગૌરવ ખન્નાએ સલમાન ખાનના શો 'બિગ બોસ ૧૯'માં કોન્ટેસ્ટંટ તરીકે જોડાવાની જાહેરાત કરી ત્યારે ઘણાંને આશ્ચર્ય થયું હતું. એટલા માટે કે બિગ બોસનું હાઉસ કોન્ટેસ્ટંટ વચ્ચેના ઝઘડા, ગાળાગાળી અને ખટપટ માટે જાણીતો છે અને ગૌરવ પોતાની બે દાયકાથી વધુ લાંબી કરિયરમાં આ બધાથી પર રહ્યો છે. ટીવી ઇન્ડસ્ટ્રીમાં એ મિ. ક્લિનની ઇમેજ ધરાવે છે. એટલે બિગ બોસના હાઉસમાં પ્રવેશ્યા પહેલા ખન્નાએ સિલેક્ટેડ મીડિયા સાથે ઇન્ટરએક્શન ગોઠવી પોતાની બાજુ સ્પષ્ટ કરી.
શરૂઆતમાં જ મીડિયાએ ગૌરવને એની ઇમેજ ધ્યાનમાં રાખી અમુક સ્વાભાવિક સવાલ કર્યા. પહેલા જ પ્રશ્નમાં એને પૂછાયું કે બિગ બોસ લોકોની જંગલિયત બહાર લાવવા માટે જાણીતો છે. તો શું એમાં જોડાઈને તમે તમારી 'પરફેક્ટ મેન'ની ટેગ જોખમમાં મુકવા તૈયાર છો? જવાબમાં એક્ટરની નિખાલસતાનું પ્રતિબિંબ પડે છે, 'યુ આર રાઈટ, સર. આ શોમાં ક્યારેક સ્પર્ધકની સૌથી વરવી બાજુ બહાર આવે છે, પરંતુ ખરું કહું તો એ કારણે જ એમાં જોડાયો છું. હું જોવા માગું છું કે મારી જાતને હું કેટલો કન્ટ્રોલ કરી શકું છું. હાઉસમાં એવો સમય આવી શકે છે જ્યારે મારા ધૈર્યનો પાળો તૂટી જાય અને લોકોએ અગાઉ કદી જોયો ન હોય એવા અને જેની કલ્પના પણ ન થઈ શકે એવા ગૌરવ ખન્નાના દર્શન થાય. ખેર, હું તો શોમાં મજા કરવા ઇચ્છું છું. આમેય મારા ઓપિનિયનમાં બિગ બોસ એટલે માત્ર બનાવટ, ઝઘડા, મારામારી કે બુમબરાડા નથી. એમાં ખરી મૈત્રી, સાચી લાગણી, રિયલ બોન્ડિંગ અને રિયલ ફન પણ છે. એટલે હું તો એ બધાનો આસ્વાદ લેવા માગું છું.'
બીજો પ્રશ્ન પણ એક્ટરની ઇમેજને કેન્દ્રમાં રાખી જ પૂછાયું છે, 'અનુપમા સીરિયલમાં અનુજ કાપડિયાનું પાત્ર ભજવી તમે દેશના આદર્શ પતિ બની ગયા છો. એ જોતા તમને બિગ બોસના સમરાંગણમાં સામેલ થતા કોઈ વિચાર ન આવ્યો?' ગૌરવના ઉત્તરમાં થોડું ઊંડાણ છે, 'લોકોએ આટલા વરસોમાં મેં ભજવેલા કેરેકટર્સમાં મને જોઈ મારા વિશે અભિપ્રાય બાંધ્યો છે. પરંતુ હવે હું બીજા કોઈ કરતા વધુ મારી ખરી હસ્તીનો પરિચય કરવા ઉત્સુક છું. એને માટે બિગ બોસ કરતા વધુ સારું સ્થળ બીજુ કઈ હોઈ શકે? અહીં લોકોને ભીંતસરસા ચાંપી દેવાય છે, તેઓ પ્રેશર સામે શરણાગતિ સ્વીકારી લે છે, સંજોગો એમની વિરુદ્ધ જાય છે. એ બધાથી વ્યક્તિ ભાંગી પડી શકે. આ શો વ્યક્તિ માટે ફિનીક્સ પક્ષીની જેમ રાખમાંથી બેઠા થવાની અને પોતાનો નવો ચહેરો જોવાની તક પુરી પાડે છે. એ જ કારણે મેં શો સ્વીકાર્યો છે.'
બિગ બોસ હાઉસમાં રહીને તમારા રોમાંસની કોઈ અફવા ફેલાય એવો તમને ડર નથી લાગતો? પરિણીત ખન્નાજીને હસવું આવી જાય છે, 'સર, મેં કદી અફવાઓની ચિંતા નથી કરી કારણ કે એ મને ખરાબ વસ્તુ નથી લાગતી. એને લીધે એક વાત પુરવાર થાય છે કે લોકો હજુ તમારા વિશે વાતો કરે છે, પરંતુ હું ફેમસ તવા કોઈ અફવાનો ભાગ બનવા નથી માગતો અને બીજી એક વાત : તમે જ્યારે કાદવમાં રમવા ઉતરો ત્યારે તમારા કપડાં પર કિચડના છાંટા ઉડવાના જ છે. તમારે એ માટે તૈયારી રાખવી પડે.' સમાપનમાં એક રોચક પૃચ્છા, 'બિગ બોસ હાઉસમાં તમારા માટે કઈ વાત હેન્ડલ કરવી ડિફિકલ્ટ બની રહેશે?' ગૌરવ પાસે એનો ટૂંકો જવાબ હાજર છે, 'લોકોને ફુલીને ફાળકો થઈ ગયેલા ઈગોજ (અહમ) અને એમની અસુરક્ષા સાથે કામ પાર પાડવાનું મારા માટે મુશ્કેલ બની રહેશે, પરંતુ ખરો ખેલ તો એ જ છે.'


