- દાસ્તાન-એ-સિનેમા
- કોઈ ફિલ્મ પ્રોડયુસ કરે તો ઈચ્છે કે ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થાય અને તે કરોડોની કમાણી કરે... પરંતુ કિશોરકુમાર પોતાની જ એક ફિલ્મ માટે ઈચ્છતા હતા કે તે સુપરફ્લોપ સાબિત થાય. આ ફિલ્મ હતી, 'ચલતી કા નામ ગાડી'!
થો ડા સમય પહેલા આસામના ફેવરિટ સિંગર ઝુબિન ગર્ગનું મૃત્યુ થયું. જે બાદ તેમના ચાહકોની પ્રતિક્રિયા જોઈને ભારતના અન્ય ભાગોમાં સવાલ થયો કે, ઝુબિનનું બોલિવુડ ફિલ્મ 'ગેંગસ્ટર'નું સોંગ 'યા અલી' સુપરહિટ રહ્યું હતું. પણ, તે સાચેમાં આટલો પોપ્યુલર હશે? આ મામલે સ્પષ્ટતા કરતી આસામની એક યુવતીની રીલ વાયરલ થઈ હતી. તેણે રડતાં-રડતાં કહ્યું કે, ઝુબીનદા એટલે આસામી જનતા માટે ઘરના સદસ્ય જેવા. ઘરનો કોઈ એવો પ્રસંગ નહીં હોય કે, જે દરમિયાન ઝુબીનદાનું સોંગ ન વાગે. સુખ-દુખ, જન્મ-મરણ, રોમેન્ટિક કે અન્ય કોઈ ભાવના-પ્રસંગ અમારે ત્યાં ઝુબીનદાના ગીતથી જ વ્યક્ત કરવામાં આવે. ત્યારે, સવાલ થાય કે, બોલિવુડમાં આવો કોઈ સિંગર આવ્યો? કે, જેના ગીતો ખાસ પ્રસંગોને વધુ ખાસ બનાવે.
આજથી ત્રણ દાયકા પહેલા કિશોર કુમાર આપણને હંમેશા માટે અલવિદા કહીને ચાલ્યા ગયા હતા. પરંતુ, તેમનો અવાજ આજે પણ આપણા કાનમાં ગુંજે છે. 'યે શામ મસ્તાની', 'ગાતા રહે મેરા દિલ', 'આનેવાલા પલ', 'પગ ઘુંઘરું બાંધ', 'રૂપ તેરા મસ્તાના..' જેવા હેપ્પી સોંગ્સ હોય કે 'ચિંગારી કોઈ ભડકે', 'કુછ તો લોગ કહેંગે', 'દિલ એસા કિસીને મેરા તોડા', 'મેરે નૈના સાવન ભાદો', 'ઝિંદગી કા સફર હૈ યે કૈસા સફર..' જેવા સેડ સોંગ્સ હોય કે, 'હમે તુમસે પ્યાર કિતના', 'પલ પલ દિલ કે પાસ', 'છૂકર મેરે મન કો', 'મેરે સપનો કી રાની', 'ઓ મેરે દિલ કે ચૈન' જેવા રોમેન્ટિક સોંગ્સ કે, 'ઝિંદગી કા સફર', 'રિમઝિમ ગીરે સાવન', 'કહીન દૂર જબ દિન ઢલ જાયે', 'ઝિંદગી કે સફર મે ગુઝર જાતે હૈ...'જેવા ફિલોસોફિકલ સોંગ્સ કિશોરદાના ગીતોમાં એવી તાકાત કે તેમના સોંગ્સ આજે પણ એટલા જ પોપ્યુલર.
તેમનું મ્યુઝિક લાખો લોકાના જીવનનો સાઉન્ડટ્રેક બની ગયો છે. તેમની શૈલીની કોપી કરીને અગણિત લોકો મ્યુઝિક શીખ્યા છે, સિંગર બન્યા છે, નામના કમાઈ છે. સિંગર તરીકેની તેમની માસ્ટરીએ તેમના અન્ય ગુણો-અવગુણોને ઢાંકી દીધા છે. તેમના અનેક કિસ્સાઓ પ્રચલિત છે. તેમાંનો એક તેમના ઘર વિશેનો છે. જેમ ઘણા લોકો ઘરની બહાર 'બિવેર ઓફ ડોગ્સ'નું બોર્ડ લગાવે તેમ તેમણે 'બિવેર ઓફ કિશોર કુમાર'નું બોર્ડ લગાવ્યું હતું. જો ઘરે કોઈ એવો પ્રોડયુસર આવી જાય કે, જે તેમને ગમતો ન હોય તો ક્યારેક તેમને ઝાડ પર બેસીને મળતા તો ક્યારેક નોકર બનીને કહેતા કે, સાહેબ ઘરે નથી. કોઈ ફિલ્મ પ્રોડયુસ કરે તો ઈચ્છે કે, ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થાય અને તે કરોડોની કમાણી કરે. પરંતુ, કિશોરદા તેમની એક ફિલ્મ માટે ઈચ્છતા હતા કે, તે સુપરફ્લોપ સાબિત થાય. આ ફિલ્મ હતી, 'ચલતી કા નામ ગાડી'. કિસ્સો જાણે એમ છે કે, તેમણે આ ફિલ્મને બનાવી હતી, ટેક્સની બચત કરવા માટે. તેમને પૂર્ણ વિશ્વાસ હતો કે, ફિલ્મ ફ્લોપ થશે અને ટેક્સમાં બચત. પરંતુ, તેમની ગણતરી ઊંધી પડી. ફિલ્મ સુપરહિટ રહી.
કોમેડી ઓફ એરર્સ સાથે બોધ
કોઈ મિલેનિયલને પૂછો કે, બેસ્ટ કોમેડી ફિલ્મ કંઈ? તો જવાબમાં મોટાભાગે આમિર-સલમાન સ્ટારર 'અંદાઝ અપના અપના'નું નામ સાંભળવા મળે. પરંતુ, ૧ જાન્યુઆરી, ૧૯૫૮ના રોજ રિલીઝ થયેલી ફિલ્મ 'ચલતી કા નામ ગાડી'ને નજરઅંદાજ ન કરી શકાય. ૬૦ વર્ષથી વધુ જૂની ફિલ્મ આજે પણ ખડખડાટ હસાવે છે. તેની પાછળનું કારણ તેની કહાણી છે. ગોવિંદ મૂનિસ અને રમેશ પંતે એક મહત્વપૂર્ણ મુદ્દાને હાસ્ય સાથે જોડયો છે. આપણે જોયું છે કે, જ્યારે, માતા-પિતા કોઈ ખરાબ અનુભવમાંથી પસાર થયા હોય તો તેઓ ઈચ્છે કે તેમનું બાળક આ પ્રકારના અનુભવનો સામનો ન કરે. માતા-પિતાનો આ બાળકને બચાવવાનો ભાવ ક્યારેક અતિ સર્જ્તો હોય છે. આ ભાવ જ આ ફિલ્મમાં જોવા મળે છે. પિતા જેવા મોટા ભાઈને પ્રેમમાં દગો મળ્યો હોય છે એટલે તે ઈચ્છે છે કે, તેમના ભાઈઓ પ્રેમથી તો શું, ીઓથી જ દૂર રહે. મોટા ભાઈનું આ વલણ નાના ભાઈઓ માટે મુશ્કેલી અને મૂવી જોનારા માટે હાસ્યનું તોફાન લાવે છે. એમેઝોન પ્રાઈમના સબ્સ્ક્રાબર હોવ તો ઠીક બાકી આ ફિલ્મ યુટયુબ પર ફ્રીમાં અવેલેબલ છે, એટલે જોઈ જ નાખવી. મજા આવશે.
તીન ભાઈ તીનોં તબાહી
સોશિયલ મીડિયામાં 'દો ભાઈ દોનો તબાહી' વાક્ય ઘણું બોલાઈ રહ્યું છે. 'તીન ભાઈ તીનો તબાહી' ભાગ્યે જ બોલાય છે. કદાચ એનું કારણ ઓછા રીયલ લાઈફ એક્ઝામ્પલ હશે. બોલિવુડમાં અનેક પરિવાર છે. કપૂર પરિવારના રાજ, શમ્મી, શશીથી લઈને ખાન પરિવારના સલમાન, અરબાઝ, સોહેલ પરંતુ, કોઈ પરિવાર ગાંગુલી બ્રધર્સ જેવી કમાલ નથી કરી શક્યો. અશોક, કિશોર અને અનુપે 'તીન તીગાડા કામ બીગાડા'ની જૂની કહેવતને 'ચલતી કા નામ ગાડી' ફિલ્મ સાથે ખોટી પાડી છે. આ ફિલ્મમાં તેમણે બ્રૃજમોહન, મનમોહન અને જગમોહન શર્માના રોલમાં ધમાલ કરી છે. તેમાં પણ,તેમની ગજબની કોમિક ટાઈમિંગ 'સોને પે સૂહાગા' જેવું કામ કરે છે. કહેવાય છે કે, તે સમયના જાણીતા અભિનેતા અને મોટા ભાઈ અશોક કુમાર સેટ પર શિસ્તનો આગ્રહ રાખતા જ્યારે, કિશોર કુમાર પોતાના મોજીલા અંદાજમાં સેટ પર મસ્તી કરતા. ત્યારે, અનુપ કુમાર કે જેમનું સાચું નામ કલ્યાણ છે, બંને ભાઈઓ વચ્ચે તાલમેલ જાળવીને ફિલ્મની સાથે પરિવારનું કલ્યાણ કરતા. આ તેમની પહેલી અને છેલ્લી ફિલ્મ નહોતી. આ પહેલાની અનેક નાની-મોટી ફિલ્મો આવી અને ગઈ. તેમની ૧૯૮૨માં રિલીઝ થયેલી ફિલ્મ 'ચલતી કા નામ ઝિંદગી' ચર્ચાસ્પદ રહી હતી. મધુબાલાનું તો ૧૯૬૯માં જ અવસાન થયું હતું. પરંતુ, ત્રણ ભાઈઓની સાથે બીજી પેઢીના રૂપમાં કિશોર કુમારના પુત્ર અમિત કુમાર જોડાયા હતા. આ પહેલી અને છેલ્લી ફિલ્મ હતી કે જેમાં, ત્રણેય ગાંગુલી બ્રધર્સની સાથે બીજી પેઢી જોવા મળી હતી.
મધુબાલાનો જાદુ
૨૦૦૧માં રિલીઝ થયેલી ફિલ્મ 'ચોરી ચોરી ચુપકે ચુપકે'માં એક સોંગ હતું, 'એ મધુબાલા આજા રે આજા...'તેના બોલ મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિકને લાગતા વળગતા જ હતા પરંતુ, સોંગ જાણે કહી રહ્યું હતું કે, બ્યુટી એટલે મધુબાલા. આ વાત આપણા વડીલો જ કહે છે એવું નથી. તાજેતરમાં એક ડર્મેટોલોજિસ્ટને પૂછવામાં આવ્યું કે, કંઈ બોલિવુડ અભિનેત્રીનો ફેસ પરફેક્ટ કહી શકાય? જે ઈન્ટરવ્યુ કરી રહ્યો હતો તેને એમ કે, જવાબ આવશે, ઐશ્વર્યા, દિપીકા. પરંતુ, જવાબ આવ્યો, મધુબાલા. તેમણે કહ્યું કે, પરફેક્ટ ફેસ માટે જે ગોલ્ડન બ્યુટી રેશિયો હોવો જોઈએ તે મધુબાલા પાસે હતો. આજકાલ સોશિયલ મીડિયામાં ઢગલો ફિલ્ટર્સ આવી ગયા છે. જે ફિલ્ટર્સ લગાવવાની આદતથી મજબૂર છે તેમણે આ ફિલ્મ જોવા જેવી છે. બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ, તેમાં પણ કોઈ ડિઝાઈનર કપડાં નહીં, કોઈ ફેન્સી મેક-અપ નહીં, બસ સાદગી. જ્યારે, આ સાદગી સાથે એક્ટિંગનું હુનર ભળી જાય ત્યારે, મધુબાલા ધ એક્ટ્રેસ બને. આ ફિલ્મ દરમિયાન કિશોર કુમાર અને મધુબાલા નજીક આવ્યા હતા. તેમણે ફિલ્મની રિલીઝના બે વર્ષ બાદ લગ્ન કરી લીધા હતા. મધુબાલા દિલીપ કુમારના એક તરફી પ્રેમમાંથી ઊભરી રહ્યાં હતાં. જ્યારે, કિશોર કુમારના આ બીજા લગ્ન હતા.
કારને ક્રેડિટ
કોઈપણ ફિલ્મમાં શરૂઆતમાં ક્રેડિટ્સ આવે તેમાં, એક્ટર, એક્ટ્રેસ, મ્યુઝિક ડિરેક્ટર, પ્રોડયુસરના નામ આપણે જોતા હોઇએ છીએ. પરંતુ, આ ફિલ્મમાં કંઈક અલગ જોવા મળ્યું. ફિલ્મના એક્ટર્સ ગાંગુલી બ્રધર્સ એટલે કે, અશોક, કિશોર. અનુપ કુમારને ક્રેડિટ બાદ મધુબાલા સહિતના નામ આવે છે. પછી એકદમ જ 'ઈન્ટ્રોડયુસિંગ ચેમ્પિયન કાર મોડલ ૧૯૨૮' લખેલું જોવા મળે છે. ફિલ્મમાં કાર રેસિંગ છે પરંતુ, આ સ્પેશિયલ કારનું ફેમિલી કનેક્શન છે. કિશોર કુમાર નાના હતા ત્યારે ભાઈ અશોક કુમારને મળવા માટે પિતાની ક્રાઈસ્લર કારમાં ખંડવાથી મુંબઈ મુસાફરી કરતા હતા. ભાઈને મળવાની આ મુસાફરીને કિશોરદાએ આમ યાદ રાખી હતી.
સાત ગણી કમાણી અને શીખ
જ્યારે, કોઈ વસ્તુ અપેક્ષા વગર કરવામાં આવે ત્યારે, તેનો જાદુ કંઈક અલગ જ હોય છે. આ ફિલ્મનું પણ કંઈક એવું જ છે. કિશોર કુમારે તો નુકસાન કરવા જ ફિલ્મ બનાવી. ભાઈઓ સાથે ભાર વગર બનાવેલી ફિલ્મનો જાદુ જોવા મળ્યો. ૩૫ લાખના બજેટમાં બનાવવામાં આવેલી ફિલ્મે બમ્પર કમાણી કરી. ફિલ્મની કૂલ કમાણી ૨.૫ કરોડ હતી. જેમાંથી, ૧.૨૫ કરોડ ફિલ્મે ભારતમાં કમાયા હતા. આ તેમનું નિષ્કામ કર્મ જ હતું, જેણે ફિલ્મને અપાર સફળતા અપાવી હતી. ભગવત ગીતામાં શ્રી કૃષ્ણ કહે છે ને કે, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ।મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙ્ગો।સ્ત્વકર્મણિ ।। ૪૭।। 'તને તારું કર્મ કરવાનો અધિકાર છે પરંતુ, તેના ફળનો નહીં. એટલે જ તું ક્યારેય પોતાની જાતને પોતાના કર્મોના ફળનું કારણ માનીશ નહીં.' કહેવામાં આસાન પણ નિભાવવામાં મુશ્કેલ આ સૂત્ર જીવનને બદલનારું છે. એટલે કહી શકાય કે, જાણતા-અજાણતા કિશોર કુમાર આ ફિલ્મના માધ્યમથી આપણને કર્મનો મહત્વપૂર્ણ બોઠપાઠ શીખવતા ગયા છે.


