Get The App

ગગન દેવ રિયાર : 'સ્કેમ' પછી શું એ પ્રશ્ન મૂંઝવે છે

Updated: Oct 16th, 2025

GS TEAM

Google News
Google News
ગગન દેવ રિયાર : 'સ્કેમ'  પછી શું એ પ્રશ્ન મૂંઝવે છે 1 - image

વેબ સીરિઝ 'સ્કેમ ૨૦૦૩'માં અબ્દુલ કરીમ તેલગીની ભૂમિકા ભજવીને ભરપૂર પ્રશંસા પામનાર અભિનેતા ગગન દેવ રિયાર હમણાં તેની નવી વેબ સીરિઝ '૧૩વીં ઃ સમ લેસન્સ આર નોટ ટોટ ઈન ક્લાસરૂમ'ને લઈને ચર્ચામાં છે. કેટલીક વખત સફળતા તમને નવી ઊંચાઈ પર લઈ જવામાં સીડીનું કામ કરે છે, તમને આગળ વધવાની નવી રાહ ચીંધે છે. જ્યારે ક્યારેક સ્થિતિ તેનાથી તદ્દન વિરોધાભાસી બની જાય છે. ગગન સાથે પણ કાંઈક આવું જ થયું.

અભિનેતા કહે છે કે મારી કારકિર્દીનો સૌથી મુશ્કેલ તબક્કો 'સ્કેમ ૨૦૦૩'ની સફળતા પછી શરૂ થયો. આનું કારણ જણાવતાં તે કહે છે કે હું જેટલો સફળ થાઉં છું એટલો વધુ મૂંઝાઉં છું. મારી કારકિર્દીનો સૌથી મુશ્કેલ તબક્કો હમણાં ચાલી રહ્યો છે. તે વધુમાં કહે છે કે સફળતા વિશેનો લોકોનો દ્રષ્ટિકોણ મારા ગળે નથી ઉતરતો. લોકો સફળતા વિશે એમ કહેતાં હોય છે કે તમે ઘણું બધું હાંસલ કરી લીધું, તમે ચોક્કસ મુકામ સુધી પહોંચી ગયા, તમને જે જોઈતું હતું તે મળી ગયું ઇત્યાદિ. અલબત્ત, તેમની વાતમાં પણ તથ્ય છે જ. આજે મારી પાસે એ બધું છે જે મને જોઈતું હતું. મારી પાસે ઘર, કામ, પૈસા, બધું છે. આમ છતાં મને એમ લાગે છે કે હવે શું? અહીં સુધી પહોંચ્યા પછી આગળ શું એ મારી અંગત મૂંઝવણ છે. મારું ધ્યેય ક્યાંક ખોવાઈ ગયું હોય એવી અનુભૂતિ મને કોરી ખાય છે.

અહીં એ વાતની નોંધ લેવી રહી કે ગગને માત્ર ૧૬ વર્ષની વયથી અભિનય ક્ષેત્રે કદમ માંડી દીધાં હતાં. તે અભિનય ક્ષેત્રે શી રીતે આવ્યો. તે જણાવતાં ગગન કહે છે કે ખરેખર તો મારા પિતા અભિનેતા બનવા માગતા હતા. હું ૧૬ વર્ષનો થયો અને ૧૦માની પરીક્ષા પાસ કરી તે વખતે મારા પપ્પાએ મને પૂછ્યું હતં્ કે શું તને અભિનેતા બનવું છે? મારા પપ્પા ફિલ્મોમાં હીરો બનવા નાનપણમાં જ મુંબઈ ભાગી આવ્યાં હતાં. તેથી અમે ફિલ્મો બહુ જોતાં. જ્યારે પપ્પાએ મને અભિનેતા બનવા વિશે પૂછ્યું ત્યારે મેં હા પાડી. તેમણે મને એક્ટિંગનો ક્રેશ કોર્સ કરાવ્યો. મને તેમાં મોજ પડી ગઈ. મને એમ લાગ્યું કે હું આજીવન આ કામ કરી શકું. વાસ્તવમાં મને રોજેરોજ નવા કિરદાર અદા કરવા મળતાં તેથી હું દરરોજ કાંઈક નવું કરવાનો આનંદ અનુભવતો. આ રીતે હું અભિનય ક્ષેત્રે આવી ગયો. વળી હું કોલેજમાં આવ્યા પછી થિયેટર સાથે સંકળાયો ત્યારે જાણે મારા રોમે રોમે દિવા થતાં. મારે કારણે કોીકને હસતાં-રડતાં જોીીને મારી છાતી ગજ ગજ ફૂલતી. મારા હાથમાં કોઈ જાદુઈ લાકડી આવી ગઈ હોવાનો અનુભવ થતો. અને મેં હમેશાં માટે એ જાદુગર બનવાનો નિર્ણય કરી લીધો. આજે હું મારું અને મારા પિતાનું શમણું એકસાથે જીવી રહ્યો છું.