Get The App

'લંકા દહન'થી લઈને 'બરસાત' હિન્દી સિનેમાને નવા મુકામે પહોંચાડનારી ફિલ્મો

Updated: Jul 10th, 2025

GS TEAM

Google News
Google News
'લંકા દહન'થી લઈને 'બરસાત' હિન્દી સિનેમાને નવા મુકામે પહોંચાડનારી ફિલ્મો 1 - image

- દાસ્તાન-એ-સિનેમા

- 'મહલ' ભારતની પહેલી હોરર ફિલ્મ હતી, જેમાં તે સમયની એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો

ક્યાંક પહોચવું હોય તો ક્યાંકથી નીકળવું જરૂરી બને છે. મુકામે પહોંચ્યા પછી જ તે ક્ષણનું મહત્વ સમજાય છે કે જ્યારે પહેલું પગલું ભર્યું હતું. હિન્દી ફિલ્મોના કિસ્સામાં પણ એવું જ છે. ઘણી એવી ફિલ્મો કે જેણે પા પા પગલી ભરી અને હિંમત કરી ત્યારે આજે 'ફાસ્ટ પેસ્ડ' ઓટીટી સુધી પહોચ્યા છીએ. આપણે 'દાસ્તાન-એ-સિનેમા'માં ૧૯૧૩થી ૧૯૩૧ વચ્ચેના 'સાયલન્ટ ઈરા',૧૯૩૧થી ૧૯૪૦ વચ્ચેના 'ટોકી ઈરા' અને ૧૯૪૦થી ૧૯૬૦ સુધીના 'ગોલ્ડન ઈરા'ની વાત કરી છે. દાદા સાહેબ ફાલ્કેની 'રાજા હરિશચંદ્ર'થી લઈને જીવન જીવવાની કળા શીખવાડતી 'આનંદ'. આજે આપણે કેટલીક એવી ફિલ્મો વિશે વાત કરીશું જેનો ઈમ્પેક્ટ કદાચ આ ફિલ્મો જેટલો નહતો પરંતુ, તેમણે એક શરૂઆત કરી હતી. જેને આધાર બનાવીને આજની ફિલ્મો વૈશ્વિક સ્તરે નામના મેળવી રહી છે. 

લંકા દહન (૧૯૧૭)- રામ અને સીતાના રોલમાં એક જ કલાકાર

આપણે દાદા-દાદી નાના-નાની પાસેથી સાંભળ્યું છે કે, ટીવી પર જ્યારે 'રામાયણ' આવતી ત્યારે રસ્તાઓ સૂમસામ થઈ જતાં, ભક્તિભાવ એટલો જાગે કે, તે સમયના બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી સ્ક્રીનની આરતી ઉતારવામાં આવતી. કલાકારોના ફોટાને ભગવાનના ફોટા માની લેવામાં આવતા. વેલ, આ પહેલી વાર ન હતું જ્યારે, રામ-સીતાના પાત્રો ભજવતાં કલાકારોથી દર્શકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આજથી ૧૦૮ વર્ષ પહેલા લંકા દહન ફિલ્મ રિલીઝ થઈ ત્યારે પણ કંઈક આવા જ હાલ હતા. સિલ્વર સ્ક્રીન પર ભગવાન શ્રી રામને જોવા માટે થિયેટરોની બહાર લાઈનો લાગતી. ચોંકાવનારી વાત એ કે, ફિલ્મમાં અવાજ ન હતો અને ઉપરથી પાછું રામ અને સીતાનો રોલ કરનાર વ્યક્તિ પણ એક જ. તેમ છતાં ફિલ્મના શો દરમિયાન થિયેટરો મંદિરમાં ફેરવાઈ જતાં હતા. ફિલ્મ જોવા જતાં પહેલા જૂતા-ચપ્પલ બહાર ઉતારવા સામાન્ય બાબત બની ગઈ હતી. સ્ક્રીનને ધૂપ કરવી, હાર ચઢાવવાની સાથે સિક્કા ફેંકવા એ પ્લસ.

ભારતની પહેલી ફૂલ લેન્થ હિન્દી ફિલ્મ બનાવનારા દાદા સાહેબ ફાલ્કેએ જ 'લંકા દહન' બનાવી હતી. જેમ, કોઈ ડિરેક્ટર આગલી ફિલ્મના એક્ટર્સને રિપીટ કરે તેમ ફાલ્કેએ રાજા હરિશચંદ્રની પત્નીનો રોલ નિભાવનાર મેલ એક્ટર અન્ના સલુન્કેને કાસ્ટ કર્યા હતા. એ પણ બે રોલમાં, અન્ના સલુન્કે જ રામ અને તેઓ જ સીતા. આ એવો સમય હતો જ્યારે મહિલાઓને ફિલ્મમાં કામ કરવા પર એક પ્રકારની પાબંદી હતી. આ પ્રતિબંધે અન્ના સલુન્કેનું નામ ઈતિહાસમાં નોંધાવી દીધું હતું. સાચા અર્થમાં ઓલરાઉન્ડર સલુન્કે મેલ અને ફિમેલ લીડ રોલ નિભાવનાર પહેલા એક્ટર બની ગયા હતા. ૧૯૧૭માં રિલીઝ થયેલી 'લંકા દહન' ભારતની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ હતી. આ ફિલ્મે એટલી કમાણી કરી હતી કે, ટિકિટ વેચાણથી ભેગી થયેલી રકમને થેલીઓમાં ભરીને બળદગાડામાં ઓફિસ પહોચાડવામાં આવતી હતી. રિપોર્ટ મુજબ, આ ફિલ્મે ૧૦ દિવસમાં રૂપિયા ૩૫,૦૦૦ની કમાણી કરી લીધી હતી.

ભક્ત વિદુર (૧૯૨૧)

ભારતની પહેલી બેન થયેલી ફિલ્મ

ભારતમાં બેન કલ્ચરની શરૂઆત 'ભક્ત વિદુર'સાથે થઈ હતી. સામાન્ય રીતે, કોઈ ફિલ્મ પર ત્યારે પ્રતિબંધ લાગે જ્યારે તેના ડાયલોગ કોઈને ખૂંચે. પરંતુ, આ ફિલ્મમાં તો અવાજ વિનાની સાયલન્ટ ફિલ્મ હતી. કાનજીભાઈ રાઠોડ દ્વારા નિમત 'ભક્ત વિદુર' ભગવાન શ્રી કૃષ્ણ અને વિદુરની કથા પર આધારિત હતી. જ્યારે, આ ફિલ્મની એક ઝલક દેખાડવામાં આવી ત્યારે, તેમાં વિદુરની ભૂમિકા ભજવી રહેલા કલાકાર મહાત્મા ગાંધી જેવા દેખાતા હોવાથી અંગ્રેજો ભડક્યા હતા. A picture is worth a thousand words ને પૂરવાર કરતી ફિલ્મે એક રાજકીય સંદેશ આપ્યો હતો. મહાભારતના પાત્ર વિદુરને ગાંધી ટોપી, ખાદીની ધોતી અને પાછળ ચરખા સાથે દર્શાવવામાં આવ્યા હતા. પૌરાણિક કથાને રાજ્કીય પ્રતિકો સાથે જોડનારી આ પહેલી ફિલ્મ હતી. આ ફિલ્મ પર મદ્રાસ, કરાચી અને બોમ્બે પ્રેસિડેન્સીના કેટલાક ભાગોમાં પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. ભક્ત વિદુરે એક શબ્દ બોલ્યા વિના સિનેમાને સત્તા વિરોધનું માધ્યમ બનાવી દીધું હતું. ૧૦૨ વર્ષ પહેલા બેન થયેલી ફિલ્મ સિનેમાની શક્તિનું પ્રતિક બની ગઈ હતી.

ઇન્દ્ર સભા (૧૯૩૨)

સૌથી વધુ ૭૨ સોંગ્સનો રેકોર્ડ

 હિન્દી ફિલ્મમાં કોઈ સોંગ ના હોય તો મજા ન આવે. સોંગ્સ ટોકી ઈરાથી હિન્દી ફિલ્મોની ઓળખ રહ્યાં છે. ટોકી ઈરાની મૂવીમાં સામાન્ય રીતે ચાર-પાંચ સોંગ્સ ઉમેરવામાં આવતા હતા. આજથી ૯૧ વર્ષ પહેલા રિલીઝ થયેલી ફિલ્મ 'ઇન્દ્ર સભા'  સોંગ્સના તડકાને અલગ લેવલ પર લઈ ગઈ હતી. આ ફિલ્મમાં પાંચ-સાત નહીં પરંતુ, ૭૨ સોંગ્સ હતાં. હા, તમે બરાબર વાંચ્યું ૭૨ સોંગ્સ. તેનો આ વર્લ્ડ  રેકોર્ડ કોઈ ફિલ્મ તોડી શકી નથી. ગીતોમાં પણ વેરાઈટી હતી. હોળીના ચાર ગીતો, મહેફિલ જમાવવા માટે ૩૧ ગઝલો, ૫ છંદ, ૯ ઠુમરી અને અન્ય સોંગ્સ.

જે. એફ. મદન કંપનીએ ૧૮૫૩ના આઘા અમાનત હસનના 'ઈન્દ્ર સભા' નામના ઉર્દુ નાટક પરથી આ ફિલ્મ બનાવી હતી. ઝહાનારા કજ્જન અને માસ્ટર નિસાર આ ફિલ્મના લીડ એક્ટર્સ હતાં. ઝહાનારાને બંગાળની કોયલ તરીકે પણ ઓળખવામાં આવતી હતી. આ ફિલ્મમાં એક દયાવાન રાજાની કહાણી છે. જે પોતાની પ્રજાની સાથે સાથે દરેક દુખી વ્યક્તિની મદદ કરતો હોય છે. 'ઇન્દ્ર સભા'ની અપ્સરા રાજાની પરીક્ષા લેવાનું નક્કી કરે છે. પરંતુ, પરીક્ષાના ચક્કરમાં તે રાજાના પ્રેમમાં પડી જાય છે.

 આ ફિલ્મે લખનઉ, દિલ્હી અને કલક્ત્તામાં સારી કમાણી કરી હતી. બાકી જગ્યાએ તે ખાસ ચાલી નહતી. તેના સોંગ્સના રેકોર્ડની નજીક કોઈ ફિલ્મ પહોચી શકી નથી. તેના રેકોર્ડથી ઘણી દૂર સૂરજ બડજાત્રાની 'હમ આપકે હૈ કૌન'  અને ઈમ્તિયાઝ અલીની 'રોકસ્ટાર'માં ૧૨ સોંગ્સ હતાં.

અછૂત કન્યા (૧૯૩૬)

સમાજને અરીસો બતાવતી ફિલ્મ

૧૯૩૬માં બોમ્બે ટોકીઝે એક સિનેમિટેક માઈલસ્ટોન આપ્યું હતું. જર્મન ફિલ્મમેકર ફ્રાન્ઝ ઓસ્ટન દ્વારા નિર્દેશિત અને હિમાંશુ રાય દ્વારા નિમત ફિલ્મ 'અછૂત કન્યા' અનેક રીતે ખાસ હતી. પહેલી વાર બે અલગ અલગ સમાજના પ્રેમીઓની કહાણીને સિલ્વર સ્ક્રીન પર રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં બોલિવુડની ફર્સ્ટ લેડી તરીકે ઓળખાતી અને બોમ્બે ટોકિઝની સહ-સ્થાપક દેવિકા રાની અને અશોક કુમાર મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મનું ગીત 'મે બન કી ચિડિયા...'  આજે પણ કર્ણપ્રિય લાગે છે. તે સમયની ટેકનોલોજિકલ મર્યાદાને કારણે ફિલ્મના ગીતોને લાઈવ રેકોર્ડ કરવામાં આવ્યા હતા. એક બાજુ ગીત ગવાય અને બીજી તરફ, અભિનય. આ ફિલ્મે તે સમયના અનેક મહાન સમાજસેવીઓના વિચારોને વાચા આપી હતી.

દાદામોનીના હુલામણા નામે જાણીતા અશોક કુમારે ૩૦૦થી વધારે ફિલ્મો કરી હતી. પરંતુ, 'અછૂત કન્યા' જેવી સરાહના તેમને અન્ય કોઈ ફિલ્મમાં મળી નહતી. તેમની દીકરી ભારતી જાફરીના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ બાદ તેમને અનેક લેટર્સ મળ્યા હતા. તેમાં એક લેટર સ્પેશિયલ હતો. આ લેટરમાં લખ્યું હતું, અછૂત કન્યાની અપાર સફળતા માટે અભિનંદન અને નીચે એડોલ્ફ હિટલરની સાઈન હતી. અન્ય કોઈ કલાકાર હોત તો લેટર વાંચીને હરખાત. પરંતુ, આ તો દાદામોની. તેમણે હિટલરનો લેટર વાંચતાની સાથે જ ફાડીને ફેંકી દીધો હતો.

મહલ (૧૯૪૯) ભારતની પહેલી હોરર ફિલ્મ

શ્રદ્ધા કપુરની ફિલ્મ 'સ્ત્રી-૨'  શાહરૂખ ખાનની 'જવાન' ને પછાડીને સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મ બની હતી. આ હોરર ફિલ્મ દર્શકોને એટલી હદે પસંદ આવી હતી કે, મુંબઈ અને દિલ્હી-યુપીમાં જ રૂપિયા૧૫૦ કરોડની કમાણી કરી લીધી હતી. ત્યારે, ભારતની પહેલી હોરર ફિલ્મ વિશે વાત કરવી જરૂરી બની જાય છે. 'કિસ્મત' ફિલ્મથી સુપરસ્ટાર બનેલા અશોક કુમાર અને માત્ર ૧૬ વર્ષની ડેબ્યુ કરી રહેલી મધુબાલાની જોડીને લઈને બનાવવામાં આવેલી 'મહલ' ભારતની પહેલી હોરર ફિલ્મ હતી. માઈથોલોજિકલ ફિલ્મો જોવા ટેવાયેલી જનતા માટે હોરર ફિલ્મ બનાવવાનો નિર્ણય હિંમતભર્યો હતો. કમલ અમરોહી દ્વારા દિગ્દશત આ ફિલ્મ માટે તે સમયની એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જર્મન સિનેમેટોગ્રાફર જોસેફ વિસ્ચિંગે ફિલ્મની હોરર થીમને અનુરૂપ કામ કર્યું હતું. ઝબકતા દીવા, અવાજ કરતાં દરવાજા અને લાઈટિંગ ભૂતિયા મહેલમાં હોવ તેવો આભાસ કરાવે છે. અભિનય એટલો દમદાર હતો કે, આ ફિલ્મના ક્ મેમ્બર્સ 'મહલ'ના સેટને ભૂતિયા માનવા લાગ્યા હતા. ૧૯૬૪માં રિલીઝ થયેલી ક્લાસિક્સ- 'વોહ કૌન થી' અને 'કોહરા', 'મહલ'ની જ રિમેક હતી. 

બરસાત (૧૯૪૯)

ભારતની પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ

યુવાનો ધારે તો શું ન કરી શકે તેનું ઉદાહરણ એટલે, 'બરસાત'. માત્ર ૨૫ વર્ષના રાજ કપૂર અને તેમનાથી નાના તેમના કો-સ્ટાર્સ નરગીસ, પ્રેમ નાથ અને નિમ્મી. આ સાથે જ મ્યુઝિક આપનારા શંકર-જયકિશન અને ગીતકારો હસરત જયપુરી અને શૈલેન્દ્રની ઉંમર પણ ત્રીસથી ઓછી હતી. સૌથી ચોંકાવનારી વાત એ કે, ટીવી સીરીયલ 'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરે આ રોમેન્ટિક ફિલ્મની સ્ક્રિપ્ટ લખી હતી. 'બરસાત' એટલે એવી ફિલ્મ કે જે તમને જાણે કહી જાય છે કે, પ્રેમ તો આનંદ છે જ તેને માટે રાહ જોવી પણ આનંદ છે. 

'બરસાત મે હમસે મિલે તુમ સજન, તુમસે મિલે હમ, બરસાત મે...'  અને રાજસ્થાની પરંપરાગત ગીત પરથી પ્રેરણા લઈને બનાવવામાં આવેલું 'હવા મે ઉડતા જાયે મેરા લાલ દુપ્પટા મલમલ કા...' ખૂબ જ ફેમસ થયા હતા. આ ફિલ્મે ૧૯૪૯ની સાલમાં રૂપિયા ૨ કરોડથી વધુની કમાણી કરી હતી. આ બ્લોકબસ્ટર ફિલ્મ સાથે જ આઇકોનિક આરકે બેનરની શરૂઆત થઈ હતી.