Get The App

અંધકારથી ઓજસ તરફ... .

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
અંધકારથી ઓજસ તરફ...                                    . 1 - image

- રવીન્દ્ર જૈન પ્રજ્ઞાચક્ષુ હતા. એમનું બાળપણ, કિશોરાવસ્થા અને યૌવન ત્રણે અંધકારમય રહ્યા હતા, પરંતુ આ ગીતસંગ્રહને રવીન્દ્રે નામ આપ્યું- 'ઉજાલોં કા સિલસિલા'.

- રવીન્દ્ર જૈન પત્ની દિવ્યા અને પુત્ર આયુષ સાથે 

ગીતકાર અને સંગીતકાર તરીકે રવીન્દ્ર જૈનની સફળ કારકિર્દીની વાત આપણે કરી રહ્યા છીએ. આજે એમને વિદાય આપીએ એ પહેલાં એમના બિનફિલ્મી પ્રદાનની ઝલક મેળવી લઇએ. રામાનંદ સાગરની 'રામાયણ' સિરિયલ રવીન્દ્ર જૈનની કારકિર્દીની પરાકાા ગણી શકાય. કારકિર્દીનું સૌથી ઊંચું શિખર રામાયણમાં તેમણે આપેલું પ્રદાન હતું. મર્યાદા પુરુષોત્તમ રામ પછી તેમણે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણના જીવન કવન પર આધારિત ટીવી  સિરિયલ 'શ્રી કૃષ્ણ'નું સંગીત પીરસ્યું. એની પણ અપેક્ષા કરતાં વધુ સરાહના થઇ. એવી જ ઔર એક સિરિયલ એટલે 'જય હનુમાન'. 

ધામક સિરિયલોની સાથોસાથ એમને અરેબિયન નાઇટ્સની એક કથા પર આધારિત સિરિયલ 'અલિફ લૈલા' મળી. આ સિરિયલ ફેન્ટસી આધારિત હોવાથી એમને વિવિધ પ્રયોગો કરવાની તક મળી. આ સિરિયલમાં રવીન્દ્રે અરબી અને પશયન સંગીતનો આધાર લીધેલો. આ સંગીતને જોરદાર પ્રતિભાવ સાંપડયો. આ સિરિયલો ચાલુ હતી ત્યારે જ એમને એક ઐતિહાસિક વિષય પર આધારિત સિરિયલ કરવાની તક મળી. એ હતી 'ધરતી કે વીર યોદ્ધા પૃથ્વીરાજ ચૌહાણ'. આ ઉપરાંત રવીન્દ્ર જૈને થોડીક પંજાબી, મરાઠી, મૈથિલી અને ભોજપુરી સિરિયલો અને ફિલ્મોનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તૈયાર કર્યું હતું. 

રસપ્રદ વાત તો એ કે આ બધાં રોકાણો વચ્ચે રવીન્દ્ર જૈનમાં રહેલો કવિ સતત કંઇક ને કંઇક રચ્યા કરતો હતો. એમણે એક શાયરી-ગઝલ સંગ્રહ તૈયાર કર્યો. એનું ટાઇટલ ઘણા સર્જકોને આકર્ષી ગયેલું. આપણે સૌ જાણીએ છીએ કે રવીન્દ્ર જૈન પ્રજ્ઞાચક્ષુ હતા. એમનું બાળપણ, કિશોરાવસ્થા અને યૌવન ત્રણે અંધકારમય રહ્યા હતા, પરંતુ આ ગીતસંગ્રહને રવીન્દ્રે નામ આપ્યું- 'ઉજાલોં કા સિલસિલા'. ઉત્તર પ્રદેશ હિન્દી-ઊર્દૂ સાહિત્ય સમિતિ દ્વારા આ ગઝલ સંગ્રહને ૧૯૯૭માં ખાસ  પારિતોષિકથી પુરસ્કૃત કરાયો  હતો. 

ભક્તિસાહિત્યમાં પણ રવીન્દ્રે ઉલ્લેખનીય ફાળો આપ્યો. એમણે હિન્દુ ધર્મના દેવદેવીઓને સંબોધીને તેમજ જૈન ધર્મનો મહિમા ગાતા સંખ્યાબંધ ભજનો રચ્યાં. એ ભજનોને પણ સારો આવકાર મળેલો. કેટલાક વ્યાવસાયિક ગાયકો આ ભજનો આજે પણ ધામક ઉત્સવો પ્રસંગે ગાય છે.  રવીન્દ્રે કદી પોતાનાં ભક્તિગીતો અન્ય કલાકારો ગાય તો રોયલ્ટીની પરવા કરી નહોતી. તેમની પ્રતિભા જોઇને કેટલાક સાઉથ ઇન્ડિયન ફિલ્મ સર્જકોએ પણ તેમનો સંપર્ક કર્યો હતો. ખાસ કરીને કેટલીક મલયાલમ ફિલ્મોમાં રવીન્દ્ર જૈને આપેલા સંગીતના ખૂબ વખાણ થયેલા. કેટલાક વિદ્વાનો માન છે કે પ્લેબેક સિંગર યેસુ દાસ સાથેના રવીન્દ્રના ગાઢ સંબંધોના પગલે રવીન્દ્રને સાઉથની ફિલ્મો મળેલી. યેસુદાસ સંગીતકારને દક્ષિણ ભારતીય ગીતોનો ભાવ તેમજ કેન્દ્રવર્તી વિચાર સમજાવી દેતા. ત્યાર બાદ રવીન્દ્ર એ ગીતની તર્જ તૈયાર કરતા. આમ એક તરફ હિન્દી ફિલ્મો અને ટીવી સિરિયલો તથા બીજી બાજુ નોન-ફિલ્મી ગીતો, ભજનો તથા સાઉથ ઇન્ડિયન ફિલ્મોનું સંગીત તેમને કામિયાબી આપતાં રહ્યાં. જોકે રામાયણ સિરિયલે તેમને વિશ્વવ્યાપી ખ્યાતિ અપાવી હતી. એ એમની કારકિર્દીનું સૌથી વધુ ઉલ્લેખનીય કાર્ય હતું. ટોચની પાર્શ્વગાયિકા આશા ભોસલે સાથે મળીને તેમણે ભગવાન શિવનાં ભજનોનું એક આલ્બમ 'ઓમ નમ: શિવાય' ૨૦૧૪માં રિલીઝ કરેલું. એને ધારી સફળતા મળી હતી. 'રામાયણ' સિરીયલ કર્યા પછી પણ એ ધરાયા નહોતા. એમણે પોતે રચેલાં કાવ્યોને સ્વરબદ્ધ કરીને 'સંપૂર્ણ રામાયણ' નામે આલ્બમ પણ બનાવેલું જે એમના ચાહકોએ બિરદાવેલું.

તેમના કાર્યની કદર રૂપે કેન્દ્ર સરકારે એમને ૨૦૧૫માં પદ્મશ્રી એનાયત કર્યો હતો. યોગાનુયોગે એ જ વર્ષે એમની તબિયત કથળી. થોડા દિવસ હોસ્પિટલમાં સારવાર લીધી. પરંતુ કથળેલા સ્વાસ્થ્યે એમને સાથ આપ્યો નહીં. ૨૦૧૫ના ઓક્ટોબરની ૯મીએ એમણે ચિરવિદાય લીધી. 

ફિલ્મ સૃષ્ટિમાં છેલ્લાં સો વર્ષમાં ત્રણ પ્રજ્ઞાચક્ષુ કલાકારો આવ્યા. સૌ પ્રથમ મન્ના ડેના ગુરુ અને કાકા ગાયક સંગીતકાર કે. સી. (કૃષ્ણ ચંદ્ર) ડે આવ્યા. એ પછી સોનિક ઓમી જોડીવાળા મનોહર લાલ સોનિક અને છેલ્લે આવ્યા રવીન્દ્ર જૈન. ત્રણેની કારકિર્દી વધતી ઓછી સફળ રહી. જો કે કે. સી. ડે અને રવીન્દ્રની તુલનામાં સોનિક ઓમીની કારકિર્દી થોડી નબળી ગણવી પડે.