Get The App

ફ્લોરેન્સ હન્ટ બાળકલાકારમાંથી હિરોઈન! .

Updated: Feb 19th, 2026

GS TEAM

Google News
Google News
ફ્લોરેન્સ હન્ટ બાળકલાકારમાંથી હિરોઈન!                           . 1 - image

ફ્લોરેન્સ હન્ટને દુનિયાભરના દર્શકોએ વેબ શો 'બ્રિજર્ટન'માં સૌથી નાની બહેન તરીકે જોઈ છે. તીક્ષ્ણ આંખોવાળું આ રહસ્યમય કિરદાર ઓડિયન્સને ગમી ગયું હતું. હવે હન્ટે પોતાની પાંખ વિસ્તારી છે. તે હવે સર્જક લેન્સ હેમર દિગ્દર્શિત આગામી ફિલ્મ 'ક્વીન એટ સી'માં દેખાશે. આમાં તે બાળકલાકાર નથી, આ ફિલ્મમાં તેનું પાત્ર પુખ્ત વયનું છે, ને પાછું ગંભીર છે. 

સૌથી પહેલી વાર એ ૨૦૧૯માં 'બ્રિજર્ટન' શોમાં જોડાઈ ત્યારે એ માત્ર બાર વર્ષની હતી. તે અગાઉ ફેન્ટસી સિરીઝ 'કર્સ્ડ'માં પણ દેખાઈ હતી. ૧૯ વર્ષની થવા આવેલી અને પોતાના ઉત્કૃષ્ટ પરફોર્મન્સ માટે બે વાર એસએજી એવોર્ડ્સ માટે નામાંકન મેળવી ચુકેલી હન્ટે પ્રારંભિક વર્ષો ઈંગ્લેન્ડમાં ગાળ્યા હતાં. 

જુલિયા ક્વીનની બેસ્ટસેલિંગ રોમેન્ટિક  નવલકથાઓ પર આધારીત 'બ્રિજર્ટન'ની પ્રત્યેક સીઝન અલગ ભાઈ-બહેનની પ્રેમ કહાની પર કેન્દ્રિત છે. લોરેન્સ હન્ટ જેમાં કેન્દ્રમાં છે તે 'ઈટ્સ ઈન હિસ કિસ' સિરીઝની સાતમી કડી છે. આ એક ગૂંચવાયેલું પાત્ર છે, જેના પિતા ખૂબ કડક છે અને તેની સદ્ગત માએ ઈટાલીયન ભાષામાં રહસ્યમય ડાયરી લખી છે. 

શોની પ્રથમ ત્રણ સીઝનમાં હન્ટની ભૂમિકા જાણી જોઈને ટૂંકી રાખવામાં આવી હતી. સૌથી નાની બ્રિજર્ટન તરીકે તે ક્યારેક પારિવારીક દ્રશ્યોમાં દેખાતી. તેની હાજરી શોમાં ઉષ્મા અને નિર્દોષતા લાવતી. ચોથી સીઝન હન્ટના કિરદાર અને સિરીઝ માટે મહત્વનો વળાંક આવ્યો. ક્વીનના આઠમાંથી અડધા ભાઈ-બહેનોની વાર્તા જૂની થઈ ગઈ હોવાથી કથાનકનું કેન્દ્ર યુવા બ્રિજર્ટન તરફ વળવા લાગ્યું. પહેલી જ વાર હન્ટનું પાત્ર સમગ્રપણે કથાનકનું કેન્દ્ર બની. સીઝનની શરૂઆતમાં પળોમાં જ વાક્ય આવે છે - રાજકુમારી હીસીન્થ આવી ચૂકી છે! આ વાક્ય કદાચ ફ્લોરેન્સ હન્ટ માટે જ બોલાયું છે!