- શાહબાનોની પુત્રી સિદ્દીકી બેગમ ખાને 'હક'ની રિલીઝ સામે વાંધો લીધો હતો. એણે એવો દાવો કર્યો હતો કે મારી માતાના જીવન પર આધારિત ફિલ્મ બનાવવા માટે અમારા પરિવારની સંમતિ લેવાઈ નથી.
લોકોને રિયલ લાઈફ પાત્રો રીલ લાઈફમાં સાકાર થતા જોવા ગમે છે. વીરનાયકનું પાત્ર હોય, કુખ્યાત ગેંગસ્ટરનું કેરેક્ટર હોય કે પછી સમાજના ભલા માટે લાંબી લડત ચલાવીને જાણીતી બનેલી વ્યક્તિ હોય-એ બધાનું સિનેમાના સ્ક્રીન પર નિરૂપણ જોવામાં રસ પડે છે. પ્રોબ્લેમ ત્યારે આવે છે જ્યારે આવી કુખ્યાત કે પ્રખ્યાત વ્યક્તિના પરિવારજનોને એમની સંમતિ વિના ફિલ્મ બનાવવા સામે વાંધો પડે છે.
તાજેતરમાં 'ઓ રોમિયો', 'હક' અને 'ધુરંધર' જેવી ફિલ્મો પૂર્વે સંમતિ લીધા વિના વાસ્તવિક વ્યક્તિઓનું નિરૂપણ કરવા બદલ મુશ્કેલીમાં મુકાઈ છે. સંબંધિત વ્યક્તિના કુટુંબો અને નજીકના સગાએ પોતાના વાધાઓ નોંધાવ્યા છે, ફિલ્મમાં ફેરફાર કરવાની માગણી કરી છે અને કોર્ટમાં કેસ સુદ્ધાં કર્યા છે. તેમની એવી સર્વ સામાન્ય દલીલ હરોય છે કે અમારા સ્નેહીજનના ચિત્રણમાં તથ્યોને મારી મચડીને વિકૃત બનાવી અમારી લાગણીઓ દુભાવાઈ છે.
આવા વિવાદોને પગલે ફિલ્મમેકર્સની નૈતિક જવાબદારી, ચોક્સાઈ અને ક્રિએટીવ ફ્રીડમ વચ્ચેના સંતુલન અને રિયલ-લાઈફ સ્ટોરીઝના ફિલ્મી નિરૂપણમાં બહુ જરૂરી સંવેદના વિશે મિડીયામાં ફરી ચર્ચા છેડાઈ છે. વિવાદો સ્ટોરીટેલિંગ (વાર્તાના કથન) અને હકીકતોની ખોટી રજુઆત વચ્ચેની પાતળી ભેદરેખાને ડિબેટના કેન્દ્રમાં લાવી દે છે. હમણાં આવા વિવાદોના ઘેરામાં આવેલી અમુક મૂવીઝ પર એક નજર કરીએ :
ધુરંધર
આદિત્ય ધરની મલ્ટી સ્ટારર સ્પાય મૂવી બ્લોક બસ્ટર પુરવાર થઈ હોવા છતાં વિવાદોથી દૂર નથી રહી શકી, 'ધુરંધર' નું મુખ્ય પાત્ર શહીદ મેજર મોહિત શર્માની રિયલ લાઈફ સ્ટોરી પરથી પ્રેરિત હોવાના આક્ષેપો થયા છે. આવી નેગેટિવ પ્રતિક્રિયા બાબતમાં ધરે એવો ખુલાસો કર્યો છે કે મારી ફિલ્મ મેજર રોહિત શર્મા પરથી પ્રેરિત નથી. ફિલ્મમાં રહેમાન ડકૈત (અક્ષય ખન્ના) નું કેરેક્ટર પણ વિવાદના ઘેરામાં આવ્યું. લ્યારીના આ ગેંગસ્ટરનું વિકૃત નિરુપણ થયું હોવાનો આક્ષેપ કરી પાકિસ્તાને ફિલ્મની રિલીઝ પર પ્રતિબંધ મૂકી દીધો. અલબત્ત, પાકિસ્તાનની પ્રજા ધુરંધર ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થયા બાદ એને માણી રહી છે.
હક
આ ફિલ્મ દેખીતી રીતે જ શાહબાનો બેગમની ઐતિહાસિક કાનૂની લડત પર આધારિત છે. એટલે તલાક બાદ પતિ પાસેથી ભરણપોષણ મેળવવાના પોતાના હક માટે કોર્ટે ચડેલી શાહબાનોની પુત્રી સિદ્દીકી બેગમ ખાને હકની રિલીઝ સામે જ વાંધો લીધો હતો. એણે એવો દાવો કર્યો હતો કે મારી માતાના જીવન પર આધારિત ફિલ્મ બનાવવા અમારા પરિવારની સંમતિ નથી લેવાઈ. એમાં તથ્યો જાળવવા ચોક્સાઈ નહિ રખાઈ હોવાથી અમારી લાગણીને ઠેસ પહોંચી છે.
ઓ' રોમિયો
વિશાલ ભારદ્વાજની આ ક્રાઈમ થ્રિલર ૨૦૧૧માં પ્રગટ થયેલી હુસૈન ઝેદીની બુક 'માફિયા ક્વિન્સ ઓફ મુંબઈ' ના એક ચેપ્ટર (પ્રકરણ) પર આધારિત છે. 'ઓ' રોમિયો' માં સપના દીદી તરીકે વધુ જાણીતી અશરફા ખાનની જીવનકથા અને એના ગેંગસ્ટર હુસૈન શેખ ઉર્ફે હુસૈન ઉસ્તરા સાથેના સંબંધોનું ડ્રામેટાઈજ્ડ નિરુપણ કરાયું છે, એ બંને મળીને દાઉદ ઈબ્રાહિમનું કાસળ કાઢવાનું કાવતરું ઘડે છે. ફિલ્મમાં હુસૈન ઉસ્તરાના પાત્રમાં શાહિદ કપૂર છે જ્યારે તૃપ્તિ ડિમરી સપના દીદીના રોલમાં છે. નના પાટેકરે દાઉદના કેરેક્ટરને ન્યાય આપ્યો છે. તાજેતરમાં રિલીઝ થયેલી ઓ' રોમિયોના મેકર્સ સામે સદ્ગત હુસૈન ઉસ્તરાની પુત્રી સનોબર શેખે મુંબઈની કાલાઘોડા ખાતેની સિટી સિવિલ કોર્ટમાં દાવો નોંધાવ્યો છે. તેનો એવો આક્ષેપ છે કે ફિલ્મ મારા પિતાની અનધિકૃત બાયોપિક છે.


