- રાજીવ રાય એટલે 1980 -90ના દાયકાના સુપરહિટ નિર્માતા ગુલશન રાયનો દીકરા. ગુલશન રાયના ત્રિમૂર્તિ બેનરમાં બનેલી ફિલ્મોમાં કામ કરવા તે સમયના એક્ટર્સ ભારે ઉત્સુક રહેતા
બોલીવુડમાં હમણાં નવા, મજેદાર, મહત્વના સમાચાર છે. સમાચાર એ છે કે ૧૯૮૦--૯૦ના દાયકાના સુપરહીટ દિગ્દર્શક રાજીવ રાય બરાબર ૨૧ વર્ષ બાદ ફરીથી નવી ફિલ્મ લઇને આવ્યા છે. ત્રિમૂર્તિ બેનરની આ નવી ફિલ્મનું નામ છે ઝોરા.ઝોરા ફિલ્મ વિશે ઘણી ઘણી નવી વાતો પણ થઇ રહી છે. ફિલ્મ મેગેઝીનોમાં ઝોરા ફિલ્મ, તેનાં કલાકારો, ગીત- સંગીત વિશેની માહિતી પ્રસિદ્ધ થઇ રહી છે.
આમ તો હિન્દી ફિલ્મ જગતને રાજીવ રાયની ઓળખાણની જરૂર નથી. હા, રાજીવ રાયના ફિલ્મ સર્જનની કામગીરીમાં લાંબો સમયગાળો જરૂર આવી ગયો છે.
હિન્દી ફિલ્મ જગતમાં ૧૯૮૦--૯૦ ના દાયકામાં ત્રિમૂર્તિ ફિલ્મ્સ બેનર સુપરહીટ હતું. ફોડ પાડીને કહીએ તો ત્રિમૂર્તિ ફિલ્મ્સના બેનરની દિવાર, યુદ્ધ, ત્રિદેવ,વિશ્વાત્મા,મોહરા, ગુપ્ત વગેરે ફિલ્મોએ ભારતભરનાં સિનેમાગૃહો ગજાવ્યાં હતાં. એમ કહો કે આ બધી ફિલ્મો સુપરહીટ થઇ હતી. ઉપરાંત, આ બધી ફિલ્મોનાં કલાકારો, સંગીત નિર્દેશકો, કથા લેખકોને પણ જબરી લોકપ્રિયતા મળી હતી. ત્રિદેવ,મોહરા, ગુપ્ત વગેરે ફિલ્મોનાં ગીતો આખા ભારતમાં બેહદ લોકપ્રિય બન્યાં હતાં. મહત્વની બાબત તો એ છે કે આ બધી સુપરહીટ સફળતાના પાયામાં રાજીવ રાયના દિગ્દર્શનની કમાલ છે. રાજીવ રાય એટલે બોલીવુડના ૮૦ - ૯૦ ના દાયકાના સુપરહીટ નિર્માતા ગુલશન રાયનો દીકરો. ગુલશન રાયના ત્રિમૂર્તિ ફિલ્મ્સ બેનરમાં બનેલી ફિલ્મમાં કામ કરવા તે સમયનાં અભિનેતાઓ અને અભિનેત્રીઓ ભારે ઉત્સુક રહેતાં. રાજીવ રાય પિતા ગુલશન રાયના માર્ગદર્શનમાં ઘડાયો અને તૈયાર થયો. ફિલ્મની વાર્તા, પ્રસંગો, સંવાદો, કલાકારોની પસંદગી, ગીત-સંગીત, દિગ્દર્શન, નિર્માણ પ્રક્રિયા વગેરે પાસાં શીખ્યો.
યુદ્ધ (૧૯૮૫) ફિલ્મથી દિગ્દર્શક તરીકેની કારકિર્દી શરૂ કરનારો રાજીવ રાય કહે છે, હા, હું ૨૧ વર્ષના લાંબા સમયગાળા બાદ ફરીથી ફિલ્મ નિર્માણમાં સક્રિય થયો છું. મેં અસંભવ(૨૦૦૪) ફિલ્મ બાદ કોઇ નવી ફિલ્મ નથી બનાવી તે સાચું છે. હવે જોકે હું ભરપૂર ઉત્સાહ સાથે નવી ફિલ્મ ઝોરા સાથે આવી ગયો છું.
ઝોરા ફિલ્મનું સૌથી મહત્વનું પાસું એ છે કે તેનું બજેટ માંડ બે (૨) કરોડ રૂપિયા છે. હા, અમે ભૂતકાળમાં બોલીવુડનાં મોટાં નામ ધરાવતાં કલાકારો અને તગડા બજેટ સાથે ત્રિદેવ,મોહરા, વિશ્વાત્મા, ગુપ્ત વગેરે ફિલ્મો રજૂ કરી છે. વળી, અમારી આ બધી ફિલ્મોને દર્શકોએ ભરપૂર ઉમળકો આપ્યો હતો. મજેદાર બાબત તો એ છે કે અમારી આ બધી ફિલ્મોથી અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, રવીના ટંડન, વગેરે કલાકારોને બહુ મોટો બ્રેક પણ મળ્યો હતો.
ઝોરા ફિલ્મમાં જોકે નવો પ્રયોગ પણ કર્યો છે. આ નવો પ્રયોગ છે નવાં અને પ્રતિભાશાળી કલાકારો. એટલે કે ઝોરા ફિલ્મમાં બોલીવુડનાં કોઇ મોટાં નામ નથી. અમે ઝોરા ફિલ્મમાં નીતુ ભટ્ટ, નિખિલ દિવાન, અલ્તાફ હુસેન, કરણવીર ખુલ્લર, રવીન્દ્ર કુમાર, લીના શર્મા વગેરે જેવાં ઉગતાં અને મજેદાર કલાકારો છે. ફિલ્મની વાતા રહસ્યના તાણાવાણામાં ગૂંથાયલી છે. જોકે ગુપ્ત ફિલ્મની કથાથી થોડીક જુદી છે. હા, ફિલ્મનું સંગીત મારા જીગરજાન મિત્ર અને ભારોભાર પ્રતિભાશાળી વીજુ શાહનું છે. આમ પણ વીજુ શાહે જ અમારી ત્રિદેવ,મોહરા,ગુપ્ત વગેરે ફિલ્મોમાં સુપરહીટ સંગીત આપ્યું છે. આ બધી ફિલ્મોનાં ગીતો બેહદ લોકપ્રિય બન્યાં હતાં.ખાસ કરીને ત્રિદેવના : ઓયે ... ઓયે... અને મોહરાના : તુ ચીઝ બડી હૈ મસ્ત મસ્ત ...ગીતોએ તો આખા ભારતનાં જુવાનિયાંને જબરું ઘેલું લગાડયું હતું.
પોતાના અંગત કારણોસર ઘણા લાંબા સમય સુધી બ્રિટનમાં રહેવા ગયેલા રાજીવ રાય બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, ખરું કહું તો ઝોરા ફિલ્મનો હીરો લો બજેટ છે. હું આજના નવા અને આધુનિક માહોલમાં બીગ બજેટ ફિલ્મ બનાવું અને દર્શકોને ફિલ્મ કદાચ પણ ન ગમે તો બીગ લોસ પણ થાય. હું આવી પરિસ્થિતિનો સામનો કરવા નથી ઇચ્છતો. અમે લો બજેટની આ જ ગણતરી સાથે ફિલ્મમાં ગણીને ફક્ત એક જ ગીત રાખ્યું છે. આમ પણ હાલ નાના બજેટની, પ્રયોગશીલ -- રસપ્રદ વાર્તા ધરાવતી, નવી પેઢીનાં અને પ્રતિભાશાળી કલાકારો સાથેની ફિલ્મો બનાવવાની પરંપરા શરૂ થઇ છે. મને આ નવી અને અનોખી પરંપરા ગમે છે. આમ છતાં જોઇએ, હવે અમારા આ પ્રયોગને કેવી --કેટલી સફળતા મળે છે.


