Get The App

બોલિવુડમાં વધતાં જોખમો સામે ફિલ્મી સંગઠનો એકત્રિત

Updated: Feb 26th, 2026

GS TEAM

Google News
Google News
બોલિવુડમાં વધતાં જોખમો સામે ફિલ્મી સંગઠનો એકત્રિત 1 - image

- હાઈ-પ્રોફાઈલ કલાકારો અને દિગ્દર્શકોને ધમકીઓ મળે છે ત્યારે સમગ્ર ફિલ્મ યુનિટમાં ટેન્શન ફેલાય છે.  સહાયક દિગ્દર્શકોથી માંડીને સ્પોટ બોય્ઝ સુધીના સૌના રોજિંદા પગાર પર તેની માઠી અસર થાય છે. 

એકતાના નોંધપાત્ર દેખાવ પ્રદર્શન તરીકે હિન્દી ફિલ્મ ઉદ્યોગના સભ્યોને લક્ષ્યાંક બનાવીને ધમકીભર્યા કોલ અને ખંડણીના પ્રયાસો જેવા વધતા સંકટનો સામનો કરવા ફિલ્મ ઉદ્યોગના અગ્રણી સંગઠનોએ ૧૪ ફેબુ્રઆરીના રોજ મુંબઈમાં એક મીટિંગ બોલાવી હતી. ઈન્ડિયન મોશન પિક્ચસ પ્રોડયુસર્સ એસોસિયેશન (ઈમપા)ની અંધેરી ઓફિસ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય મીટિંગમાં સમગ્ર ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. 

મીટિંગનું મુખ્ય કારણ હતું સલમાન ખાન અને રણવીર સિંઘ જેવા કલાકારો તેમજ ફિલ્મ સર્જક રોહિત શેટ્ટી જેવા દિગ્ગજોને નિશાન બનાવતી મળી રહેલી વારંવાર  જોખમી ધમકીઓ. જો કે ફિલ્મી સૂત્રોના જણાવ્યા અનુસાર મુદ્દાનો વ્યાપ મુઠ્ઠીભર સેલિબ્રિટીઓ કરતા ઘણો વધુ હતો. આ મુદ્દો હવે એકલદોકલ ઘટનાઓ વિશે નથી રહ્યો પણ ઉદ્યોગને જકડી લેનારી ભયની લાગણીનો બની ગયો છે. જ્યારે હાઈ-પ્રોફાઈલ કલાકારો અને દિગ્દર્શકો લક્ષ્યાંક બને છે ત્યારે તણાવ ઝડપથી સમગ્ર ફિલ્મ યુનિટોમાં ફેલાય છે અને સહાયક દિગ્દર્શકો તેમજ  પ્રોડક્શન સ્ટાફથી લઈને સ્પોટ બોઈઝ અને દૈનિક વળતર મેળવનારા સુધી તમામને અસર કરે છે. આ બાબતની અસર ખૂબ જ ગંભીર છે જેનાથી સેટ પરનું વાતાવરણ બદલાઈ ગયું છે અને પ્રોડક્શન શેડયુલ પણ પ્રભાવિત થયા છે.

અગાઉ પણ ધમકીઓએ ફિલ્મોના શૂટને પ્રભાવિત કર્યા હતા. તેમણે દાખલો આપ્યો કે કેવી રીતે 'સિકંદર' (૨૦૨૪) જેવા પ્રોજેક્ટ્સ ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પૂરા કરવામાં આવ્યા હતા. છેલ્લા એક વર્ષ દરમ્યાન ભયનું વાતાવરણ વધુ તીવ્ર બન્યું છે. નિર્માતાઓને ચિંતા છે કે સતત ખંડણીના પ્રયાસો અને ડરાવવાની યુક્તિઓ શૂટિંગ શેડયુલ વિક્ષેપિત કરી શકે, વધારાના સુરક્ષા પગલાને કારણે પ્રોડક્શનના ખર્ચમાં વધારો કરી શકે તેમજ નવા રોકાણને નિરુત્સાહ કરી શકે. તેનાથી પણ વધુ ગંભીર બાબત છે કે લાંબો સમય અસુરક્ષાનું વાતાવરણ ચાલુ રહેવાથી નવા કુશળ કામદારો ઉદ્યોગથી દૂર થઈ જતા અનેકની રોજીરોટી છિનવાઈ જશે અને ઈકોસીસ્ટમ અસ્થિર થઈ જશે.

આ ભયનો સામનો કરવા હાજર રહેલી સંસ્થાઓએ રાજ્યના મુખ્ય મંત્રીને એક સંયુક્ત પત્ર તૈયાર કર્યો જેમાં તાત્કાલિક અને નિર્ણાયક દખલગીરી કરવાની અપીલ કરાઈ છે. તેમની અપીલમાં માત્ર ઉચ્ચ કક્ષાના સેલિબ્રિટીઓ માટે જ નહિ પણ સેંકડો કર્મચારીઓનો સમાવિષ્ટ કરતા સમગ્ર ફિલ્મ યુનિટો માટે વિસ્તૃત સુરક્ષાની જરૂર પર ભાર મુકાયો છે. શૂટીંગમાં વિશિષ્ટ રીતે ટેકનીશિયનો, લાઈટમેન, મેકઅપ આર્ટિસ્ટો, જુનિયર આર્ટિસ્ટો, ડ્રાઈવરો અને કેટરર સામેલ હોય જેમાંથી ઘણા દૈનિક વળતર પર નભતા હોય છે. ભય દ્વારા અથવા ખંડણી માગવા દ્વારા કોઈપણ વિક્ષેપ તેમની કમાણી કરવાની ક્ષમતા તેમજ તેમના પરિવારને આધાર આપવાની ક્ષમતાને સીધી અસર પહોંચાડી શકે.

પ્રતિનિધિઓએ વ્યક્તિગત સ્ટાર્સના સંરક્ષણ ઉપરાંત હજારોને રોજગાર આપતા તેમજ રાજ્યના અર્થતંત્રમાં અમૂલ્ય યોગદાન આપતા ઉદ્યોગના જતન માટે સલામતીની ખાતરી પર ભાર મુક્યો છે. સંયુક્ત પત્ર સરકારને સોંપતા જ ઉદ્યોગને આશા છે કે સરકાર વિશ્વાસ સ્થાપિત કરવા ઝડપી પગલા લેશે અને કાયદો જાળવતી યંત્રણા સક્રિય કરશે. વધતી ધમકીઓ વચ્ચે બોલીવૂડની અગ્રણી સંસ્થાઓએ ચૂપકીદીના સ્થાને એકતા પસંદ કરીને સંકેત આપ્યો છે કે તેમના સભ્યો અને કર્મચારીઓની સલામતી વિશે કોઈ સમાધાન નહિ થાય.