For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ફિલ્મ ઈન્ડિયા - અશોકદવે

મંગળ ફેરા

Updated: Jun 22nd, 2018

બહુ જૂની ગુજરાતી ફિલ્મ રાખના રમકડાં મારા રામે રમતા રાખ્યા રે... અમે મુંઈબના રહેવાસી... તાળીઓના તાલે સનમ તારી કસમ મારી, ઉઘાડી રાખજે બારી

ફિલ્મ ઈન્ડિયા - અશોકદવેબહુ વર્ષોની દોડધામ અને આકરી તપાસ પછી ૧૯૪૯-માં ઉતરેલી ગુજરાતી ફિલ્મ 'મંગળફેરા' મળી. મારે તો એ જમાનાની 'ગાડાનો બેલ', 'દીવાદાંડી', 'ગુણસુંદરી', 'નણંદ-ભોજાઇ' કે શાંતા આપ્ટેના સૂરમધુરા ગુજરાતી ગીતોની 'મૂળુ માણેક' પણ જોઇતી-જોવી હતી. એવું નહોતું કે, આ બધી ફિલ્મો બહુ સારી હશે માટે જોવી હતી, પણ એક ગુજરાતી તરીકે એવી ઈચ્છાઓ ઘણી થાય કે, એ જમાનામાં આપણી ગુજરાતી ફિલ્મો સુંદર બનતી હતી, અવિનાશ વ્યાસના ગીતો મન અને કાનને ગમે એવા હતા અને ખાસ તો મારી મનગમતી ગીતા રૉય મોટા ભાગની ફિલ્મોમાં એકચક્રી શાસન ભોગવતી હતી.

આશા ભોંસલે તો પછી આવી (૧૯૫૦માં ફિલ્મ 'લગ્નમંડપ'ના 'મને સાંભરે મારૃં બાળ...' આશાનું પહેલું ગુજરાતી ફિલ્મી ગીત 'રાતું નીરખું ફૂલ રતુંબલ... મને સાંભરે મારૃં બાળ...' લખ્યું હતું અવિનાશ વ્યાસે પણ સંગીત અજીત મર્ચન્ટે આપ્યું હતું.) પણ મૂકેશના થોડા ગુજરાતી ગીતો પૉપ્યુલર થઈ ચૂક્યા હતા, 'મને યાદ ફરી ફરી આવે, મારા અંતરને રડાવે...' (ફિલ્મ : નસીબદાર, ગીત-સંગીત: જગદીપ વીરાણી) અને મૂકેશનું જ બીજું મધુરૃં ગીત 'ભમરા સરખું મારૃં મનડું, જુએ ના હાય વનવગડું, ભટક્યા કરે છે શાને દિવસ ને રાત બેલી, શું રે કરૃં...' કોઈ ફિલ્મનું છે કે એક્સ્ટ્રા તે ગુજરાતી ફિલ્મોના ૬૨-વર્ષોનો ઈતિહાસ લખનાર હરીશ રઘુવંશીને પૂછવું પડે.

અનિલ બિશ્વાસના બીજી વારના ઘેરથી મીના કપૂરે પણ 'પૂમડું પાછું નહિ દઉં નાહોલિયા' જેવા થોડાઘણા મીઠા ગીતો ગાયા છે. ગુજરાતી સુગમ સંગીતના કાર્યક્રમોમાં દિલીપ ધોળકીયાનું ફિલ્મ 'દીવાદાંડી'નું 'તારી આંખનો અફીણી...' રાજ્યગીતની માફક અચૂક ગવાય છે અને હરકોઈને કંઠસ્થ છે, પણ આ જ ફિલ્મનું રોહિણી રૉય (મૂળ નામ 'રંજન જોશી') - દિલીપ ધોળકીયાનું યુગલ ગીત 'વગડા વચ્ચે તલાવડી ને તલાવડીની કોર, ઊગ્યો વનચંપાનો છોડ' મારી પસંદગીના શ્રેષ્ઠ દસ ગુજરાતી ગીતોમાં આવે, જેના ગીતકાર બાલમુકુંદ દવે હતા. અમારા જમાનાના હિંદી ફિલ્મી ગીતોના ચાહકો માટે શાંતા આપ્ટે એ જમાનાની સર્વોત્તમ ગાયિકા-હીરોઇન (દેખાવમાં પણ અદ્ભુત...!) હતી, એ શાંતાએ ગુજરાતી ફિલ્મોમાં પણ મધુર ગીતો ગાયા છે.

એ સમયની ગુજરાતી ફિલ્મો યાદ કરવાનું એક બીજું આકર્ષણ થોડા ઘણા હિંદી ફિલ્મોના હીરો-હીરોઇન ગુજરાતી ફિલ્મોમાં કામ કરે, ગુજરાતી બોલે (તદ્દન ખોટા ઉચ્ચારોમાં) અને ખાસ તો આપણા અમદાવાદના બે-ચાર દ્રષ્યો એ ફિલ્મોમાં જોવા મળી જાય, એટલે રંગા ખુશ!

દુધના ઊભરાની જેમ અચાનક ક્રોધ ચઢી જાય એવી એક જ વાત હતી કે ઈ.સ. ૧૯૩૨-માં શરૃ થયેલી ગુજરાતી ફિલ્મોમાંથી કોઈને માટે એક ગુજરાતી તરીકે ગૌરવ લઇએ, એવી તો ઇવન આજની તારીખ સુધીમાં ટોટલ દસ ફિલ્મો ય નથી થતી. ૧૯૭૫- પછી આજ સુધી (અર્બન ફિલ્મો-કેટલીક જ-ને બાદ કરતા) તમામ ગુજરાતી ફિલ્મો એ વખતની મોટા ભાગની હિંદી ફિલ્મોની જેમ ઘણા નીચલા સ્તરની હતી. આપણે તો ચોરી કરીને ફિલ્મો બનાવીએ એમાં ય છાંટ હિંદી ફિલ્મોની હોય.

હીરો-હીરોઇન વચ્ચે પ્રેમ, વચ્ચે એક વિલન, બંને કુટુંબોમાંથી એક ગરીબ ને બીજું અમીર હોય, જાતિવાદના ઝગડા હોય... વગેરે વગેરે. બંગાળી કે મરાઠી ફિલ્મો એ સમયની હોય કે આજની, એમાંની મોટા ભાગની આંતરરાષ્ટ્રીય કક્ષાએ બેસી શકે એવી. કંઈ બાકી રહી જતું હોય એમ આપણી જૂની કે નવી ગુજરાતી ફિલ્મો સતિ, સૌરાષ્ટ્રના બહારવટીયા, શૂરવીરો કે હિંદુ તહેવારોને અંધશ્રધ્ધાથી બદનામ કરતી ફિલ્મો હોય... એટલે સુધી કે ગુજરાતની અનેક નદીઓને ધાર્મિક હીરોઇન બનાવીને ફિલ્મો બને.

આજની ફિલ્મ 'મંગળફેરા' એ જનામામાં (૧૯૪૯)માં ટિકીટબારી ઉપર ઠીકઠીક ચાલી હતી, પણ આજે જુઓ તો ગુસ્સે થઈ જાય! ફિલ્મ એ જમાનાની ટીપિકલ હિંદી સામાજીક ફિલ્મો જેવી જ. પત્ની સતિ સાવિત્રીસમી હોય, પતિ દારૃડીયો, જુગારી અને આવારા હોય ને પવિત્રતાની મૂર્તિસમી હીરોઇન અસંખ્ય ત્યાગો કરીને પતિ પાછો લાવે, એવી ચીલાચાલુ વાર્તા પરથી બની હતી.

નાનપણમાં નિરૃપા રૉય અને મનહર દેસાઈના પિતાશ્રીઓ એકબીજાની દોસ્તીની ખાત્રી આપવા એ બન્નેને નાનપણમાં જ પરણાવી દેવાના કૉલ આપે છે. પણ મોટી થયેલી નિરૃપાને એનો ધનવાન અને દંભી બાપ પોતાના વચનમાંથી ફરી જાય છે અને એક ધનિક મૂરતિયા સાથે પરણાવી દેવા જીદ કરે છે. નિરૃપા ઘર છોડીને જતી રહે છે અને રખડતા-ભટકતા એક નાનકડા રેલ્વે-સ્ટેશનની બહાર કૂલીનું કામ કરતા તોતડા, ગરીબ, લંગડા અને ઠૂંઠા માણસના સંપર્કમાં આવ્યા પછી ખબર પડે છે કે, આ તો મારો નાનપણમાં સગાઈ કરેલો પતિ છે! અચાનક એનામાં આદર્શ ભારતીય હિંદુ નારી જાગૃત થઈ જાય છે અને ભિખારી અવસ્થામાં જીવતા એ મંગળની પરાણે પત્ની બને છે.

અચાનક બરફના તોફાનમાં આ ગરીબ દંપતિ બરફ નીચે દટાઈ તો જાય છે, પણ હેમખેમ બહાર આવ્યા પછી અચાનક એનો અપંગ પતિ એકદમ સાજો નરવો થઈ જાય છે. એ તો ઠીક, પણ એ અચાનક સુશિક્ષિત અને અબજો રૃપિયાની ધનસંપત્તિનો માલિક પણ થઈ જાય છે અને એના દોસ્તો એને વેશ્યા પાસે લઇ જાય છે, જેને કારણે મનહર એની પત્ની નિરૃપાને ઘરમાંથી ધક્કા મારીને કાઢી મૂકે છે.

નિરૃપાની જેમ એની બહેન દુલારીને પણ એના પિતાએ ઘરમાંથી કાઢી મૂકી છે, જેને પરણવા માટે કૉમેડિયનો બાબુ રાજે અને છગન રોમીયો પૂરી ફિલ્મના ૧૫-રીલ્સ સુધી મહેનત કરે છે, પણ છુટી પડેલી બહેન નિરૃપાનું લગ્નજીવન પાછું ઘરભેગું થાય, એ પ્રતિજ્ઞાા લઇ ચૂકેલી દુલારી, પત્નીને છોડીને તવાયફ (શાંતિ મધોક)ના શરણે ગયેલા મનહર દેસાઇને ભાન કરાવીને પાછો લાવે છે.

એ જમાનામાં નિરૃપા રૉય અને મનહર દેસાઇની જોડીની ઘણી ફિલ્મો આવી. 'ગુણસુંદરી', 'નણંદ-ભોજાઈ', 'મંગલફેરા', 'સતી સુકન્યા', 'ગાડાનો બેલ' અને 'પરણેતર'માં એ બન્ને સાથે આવ્યા. પાછું, એમાંની ઘણી ફિલ્મોમાં બાબુ રાજે અને છગન રોમીયો લગભગ હોય જ. બાબુ રાજે તો માત્ર એ સમયની જ નહિ, ઉપેન્દ્ર ત્રિવેદી બ્રાન્ડની ફાળીયા ફિલ્મો શરૃ થઈ ત્યારે પણ દરેક બીજી ફિલ્મો હોય જ, એવો સારો ઍક્ટર હતો. મારા ખ્યાલથી બાબુ રાજે ગુજરાતી નહિ, પણ મરાઠી હતો.

પણ ગુજરાતી પ્રેક્ષકોમાં છવાઇ ગયો હતો છગન રોમીયો. કૉમેડિયન માટે જરૃરી હાસ્યાસ્પદ દેખાવ તો ખરો, પણ અવાજ અને અભિનયમાં પણ એ ખૂબ સારો હતો. 'સનમ તારી કસમ મારી, ઉઘાડી રાખજે બારી' કે પછી 'ગણિત ગણતા, માથું દુ:ખે મારૃં, મને ફિલમની ટિકીટ અપાવો કોઇ...' જેવા હાસ્યરસિક ગીતો એ જમાનામાં બહુ ચાલ્યા હતા. છગન રોમિયો હિંદી ફિલ્મોમાં કેમ આવ્યો કે ચાલ્યો નહિ, તેની જાણ નથી.

પણ હીરોને અનુરૃપ હોઇટ-બૉડી અને દેખાવ ધરાવતા આ ફિલ્મના હીરો મનહર દેસાઇ કમનસીબે અત્યંત નબળો ઍક્ટર હતો ને તો ય, મીના કુમારી સાથે ફિલ્મ 'મદહોશ'માં એ હીરો તરીકે આવીને તલત મેહમુદનું-એના જ સંગીતકાર મદન મોહનને પોતાને ખૂબ ગમતું 'મેરી યાદ મેં તુમ ન આંસુ બહાના' પરદા ઉપર એને ગાવા મળ્યું હતું.

મૂકેશના ડાયહાર્ડ ચાહકોએ જ સાંભળ્યા હોય એવા ફિલ્મ 'જય ભવાની'ના બે ગીતો 'યહાં રાત કિસી કી રોતે કટે, યા ચૈન સે સોતે સોતે કટે' અને સુમન કલ્યાણપુર સાથેનું યુગલ ગીત 'શમા સે કોઇ કહે દે, કે તેરે રહેતે રહેતે, અંધેરા હો રહા, કે તુમ હો વહાં, તો મિલને કો યહાં, પતંગા રો રહા...' પણ મનહર ઉપર ફિલ્માયા હતા. આવા થોડા મશહૂર ગીતો બનાવીને હોલવાઇ ગયેલા સંગીતકાર હતા સરદાર મોહિંદરસિંઘ સરના... (ઍસ.મોહિન્દર). મનહર દેસાઇ ગુજરાતી ક્રિશ્ચિયન હતો, 'માલ્કમ આલ્ફ્રેડો દેસાઇ' એનું સાચું નામ.

એનો નાનો ભાઇ મહેશ દેસાઇ પણ '૬૦-ના દશકની ઘણી ગુજરાતી ફિલ્મો 'મઝીયારા હૈયા' ('૬૯) કે 'વિધિના લેખ', 'મારે જાવું પેલે પાર' કે આશા પારેખ સાથેની ખૂબ સફળ ગુજરાતી ફિલ્મ 'અખંડ સૌભાગ્યાવતી'નો મહેશ દેસાઇ હીરો હતો. મુકેશ દેખાવડો તો હતો, પણ ચેહરો મર્દાનગીસભર ન લાગે ને કદાચ એટલે જ ફાળીયા-પાળીયાની વીરરસની ફિલ્મો શરૃ થઈ, ત્યારે એને ખોવાઇ જવું પડયું.

'મંગળફેરા'ની હીરોઇન નિરૃપા રૉય જેવી કંટાળાજનક અને બોરિંગ અભિનેત્રીઓ મેં જવલ્લે જ જોઇ છે, છતાં આટલું કેમ ચાલી? એ સવાલ પૂછવા જેવો નથી. કંઇક બાકી હતું તે જતા-જતા અમિતાભ બચ્ચનની માના રોલ મળવા માંડયા, પણ એની પણ એક ખૂબી હતી. '૪૬-માં એ એની પ્રથમ ગુજરાતી ફિલ્મ 'રાણકદેવી'ના નાનકડા રોલમાં આવી ત્યારથી એ ગૂજરી ગઇ ત્યાં સુધીને તમામ ફિલ્મોમાં એ નબળીમાંથી વધુ નબળી ન બની શકી... 'નબળા'નું એકનું એક સ્તર એણે મેહનતપૂર્વક જાળવી રાખ્યું.

યસ. આ 'મંગળફેરા' કોઇ ગ્રેટ ફિલ્મ તો નહોતી જ-બલ્કે, આજે જોઈએ તો 'ભરાઈ પડયા' જેવી હાલત થાય, છતાં એ સમયમાં એણે ધૂમ મચાવી અવિનાશ વ્યાસના સંગીતને કારણે, ગીતા રૉયના ગીતો, છગન રોમિયોની 'ચાલે...' છતાં ગમે એવી કૉમેડીને કારણે! અવિનાશ ગીતકાર કરતા સંગીતકાર તરીકે વધુ દમદાર હતા, છતાં એમના લખેલા ગીતો આજ સુધી ઘેરઘેર ગવાતા હોય તો કારણ એ ખરૃં કે, મૂળ એ અમદાવાદના ખાડીયાના હતા-ગોટીની શેરી.

પોળોમાં ઉછરેલા સાહિત્યકારોમાં સામાન્ય જનસમુદાય સુધી પહોંચવાની સાહજીકતા હતી. એમના લખેલા અનેક ગીતોને તો 'લોકગીતો' માની લઈને રસિકજનો સાંભળે છે... કોઈ ગીતનું 'લોકગીત' બની જવું એ નાનીસૂની સિધ્ધિ નથી. એમના પ્રતિભાસંપન્ન પુત્ર ગૌરાંગ વ્યાસ ગીતો લખતા નથી, પણ સંગીતમાં પિતાના નામને વધુ ગૌરવ બખ્શે એવું કામ આજ સુધી કરતા આવ્યા છે.

ફિલ્મ: 'મંગળફેરા' ('૪૯)
નિર્માતા-દિગ્દર્શક : રતિલાલ પુનાતર
ગીત-સંગીત : અવિનાશ વ્યાસ
રનિંગ ટાઈમ : ૧૫-રીલ્સ : ૧૩૯-મિનિટ્સ
કલાકારો : નિરૃપા રૉય, મનહર દેસાઇ, દુલારી, બાબુ રાજે, છગન રોમીયો, શાન્તિ મધોક, મારૃતિ, ભગવાનદાસ, બરકત વીરાણી.

ગીતો
૧.તાળીઓના તાલે ગોરી ગરબે ઘુમી ગાય રે...    ગીતા રૉય-સાથી
૨.સનમ તારી કસમ મારી, ઉઘાડી રાખજે બારી...    ચુનીલાલ પરદેસી
૩.રાખના રમકડાંને રામે રમતા રાખ્યા રે... ગીતા રૉય-એ.આર. ઓઝા
૪.ગોઝારી ધરતીની... આ પગથારે ક્યાં જવું મારે...ગીતા રૉય
૫.મારા મનડાં કેરા મોર... જાગીને જોઉં તો...ગીતા રૉય-એ.આર. ઓઝા
૬.દીવાના તમારી દીવાની બની છું...    જોહરાજાન અંબાલેવાલી
૭.તારા નયનકેરા બાણ, હો બાલમ કાઢે મારો...જોહરાજાન અંબાલેવાલી
૮.અમે મુંબઇના રહેવાસી, ચર્ની રોડ પર...ગીતા રૉય - ઓઝા-ચુનીલાલ
૯.ભૂલું ભૂતકાળ તો ય, કાળ જેવો યાદ આવે છે...ગીતા રૉય

Gujarat