Get The App

ભારત અને ઇરાનની ફિલ્મી દોસ્તી

Updated: Jul 17th, 2025

GS TEAM

Google News
Google News
ભારત અને ઇરાનની ફિલ્મી દોસ્તી 1 - image

- અરદેશર ઇરાનીથી રાજ કપૂર અને ધર્મેન્દ્ર સુધી

- 1919માં ભારતના ઉદ્યોગપતિ પરમાનંદ હિન્દુજા અને તેમના પરિવારે તેહરાનમાં વેપાર સાથોસાથ   ભારતીય સંસ્કૃતિનો  અને  હિન્દી ફિલ્મોનો બહોળો પ્રચાર કર્યો. સંગમ, મધર ઇન્ડિયા, શ્રી420 વગેરે હિન્દી ફિલ્મોને બહોળો આવકાર મળ્યો. ઇરાનના ફિલ્મ સર્જકોએ પણ હિન્દી ફિલ્મ જગતમાં યોગદાન આપ્યું છે  

- 'આલમ આરા'ના નિર્માતા - દિગ્દર્શક  અરદેશર ઇરાનીએ 'દોખ્તાર-એ-લોર'(1933) નામની પર્શિયન ફિલ્મ બનાવી હતી 

- 1974માં ઇન્ડિયા - ઇરાનના નિર્માતાઓએ સંયુક્તપણે 'ઇન્ટરનેશનલ ક્રૂક' (ધર્મેન્દ્ર, ફિરોઝ ખાન, સાયરા બાનુ) બનાવી હતી

- ફિલ્મ 'સલામ મુંબઇ' (2016)  

ભારત-ઇરાનનું સંયુક્ત સર્જન છે.

- પરમાનંદ હિન્દુજા નામના બિઝનેસમેન   અને તેના પુત્રોએ   ઇરાનમાં  વેપાર સાથોસાથ  ભારતીય સંસ્કૃતિ અને  હિન્દી ફિલ્મોનો પણ પ્રચાર શરૂ કર્યો હતો

હિન્દી   ફિલ્મ એનિમલ (રણબીર કપૂર, રશ્મિકા મંદાના, તૃપ્તિ ડિમરી) ના   : જમાલ કુડુ  : ગીતને દર્શકોનો  બહોળો  પ્રતિસાદ મળ્યો  છે . જોકે આ ગીતનો અસલી  સાદ છેક ઇરાન સુધી પહોંચે છે.  ફોડ પાડીને  કહીએ તો એનિમલ ફિલ્મના આ ગીતનું મૂળ ઇરાનના લોકગીત જમાલ જમાલુ  કુડુ     સાથે જોડાયેલું  છે.  જમાલ  જમાલુ કુડુ   લોકગીત  ઇરાનના  પ્રસિદ્ધ  કવિ  બીજાન  સ્માન્દરનું   સુંદર સર્જન છે. 

વાતનો  મૂળ તંતુ એ છે કે એનિમલ જ નહીં પણ હિન્દી ફિલ્મ જગતની ઘણી   જૂની યાદગાર ફિલ્મોનો નાતો  ઇરાન સાથે જોડાયેલો છે. સાથોસાથ ઇરાનના  અને બોલીવુડના ફિલ્મ સર્જકો વચ્ચે પણ  દોસ્તી રહી છે. આમ તો ઇરાન એક મુસ્લિમ દેશ હોવાથી ત્યાં ફિલ્મ સેન્સરશીપના કડક નિયમો અને ઝાઝા બધા પ્રતિબંધો પણ હોવાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા છે. આમ છતાં ઇરાનના સામાન્ય નાગરિકોને બોલીવુડની ફિલ્મોનું અને કલાકારોનું જબરું ઘેલું હોવાના અખબારી અહેવાલો પણ પ્રસિદ્ધ  થયા છે. ઇરાનના ટેક્સી ડ્રાઇવરો, વેપારીઓ, સરકારી કર્મચારીઓ રાજકપૂર, ધર્મેન્દ્ર, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાનની ફિલ્મોના અને મીઠાં મધુરાં ગીતોનાજબરા ચાહક છે.  બીજીબાજુ ભારતમાં પણ ઇરાનના ફિલ્મ સર્જકોનું ભારોભાર માન સન્માન છે. ફિલ્મ સલામ મુંબઇ (૨૦૧૬) તો ભારત-ઇરાનનું સંયુક્ત સર્જન છે. સલામ મુંબઇ ફિલ્મના દિગ્દર્શક ઇરાનના આલા દરજ્જાના દિગ્દર્શક ઘોરબાન મોહમ્મદ પોર છે. ફિલ્મનાં કલાકારોમાં ઇરાનના જાણીતા અભિનેતા મોહમ્મદ  રેઝા ગોલઝાર છે, જ્યારે ભારતનાં કલાકારોમાં દિયા મિર્ઝા, દિલીપ તાહીલ, ગુલશન ગ્રોવર વગેરે છે. 

વધુ એક ઉદાહરણ લઇએ. બિયોન્ડ ધ ક્લાઉડ્ઝ (૨૦૧૭) હિન્દી  ફિલ્મનું દિગ્દર્શન ઇરાનના મોટાગજાના દિગ્દર્શક માજીદ માજીદીએ કર્યું  છે, જ્યારે ફિલ્મમાં કલાકારો તરીકે  બોલીવુડનાં  ઇશાન ખટ્ટર,  માલ્વિકા મોહનન, જી.વી. શ્રદ્ધા, ગૌતમ ઘોષ, દ્વનિ રાજેશ વગેરે છે. ૧૯૫૦થી ૧૯૭૯ના સમયગાળામાં ઇરાનમાં હિન્દી ફિલ્મોનો ગોલ્ડન પિરિયડ ગણાય છે.  ઉદાહરણરૂપે  બોલીવુડના આલા દરજ્જાના નિર્માતા -- દિગ્દર્શક મેહબુબ ખાનની અમર ફિલ્મ મધર ઇન્ડિયા (૧૯૫૭)  અને   સુપરહીટ ફિલ્મ શોલે(૧૯૭૫) તેહરાનનાં સિનેમાગૃહોમાં એક વર્ષ સુધી રજૂ થઇ હતી. ઉપરાંત,  હિન્દી   ફિલ્મ જગતના મહાન સર્જક અને શો મેન રાજ કપૂરની યાદગાર   સંગીતમય   ફિલ્મ સંગમ(૧૯૬૪) તેહરાનનાં સિનેમાગૃહોમાં સતત ત્રણ વર્ષ સુધી રજૂ થઇ હતી. 

 ભારત અને ઇરાનનો  ફિલ્મી સંબંધ તો છેક ૧૯૧૯થી શરૂ થયા હોવાનો ઉલ્લેખ પણ મળે છે.ભારતના જાણીતા ઉદ્યોગપતિ પરમાનંદ દીપચંદ હિન્દુજાએ ૧૯૧૯માં ઇરાનની રાજધાની તેહરાનમાં પોતાના બહોળા વેપાર માટે ઓફિસ  શરૂ કરી હતી. 

પરમાનંદ હિન્દુજાએ  અને તેના પુત્રોએ   ઇરાનમાં  વેપાર સાથોસાથ  ભારતીય સંસ્કૃતિનો અને  હિન્દી ફિલ્મોનો પણ પ્રચાર શરૂ કર્યો. ખાસ કરીને ઇરાનમાં વસતાં ભારતીયોના મનોરંજન માટે હિન્દુજા પરિવારે  ૧૯૫૫માં રાજ કપૂરની સુંદર ફિલ્મ શ્રી૪૨૦  પર્શિયન સબ ટાઇટલ્સ સાથે  તેહરાન સહિત જુદાં જુદાં શહેરોમાં રજૂ કરી હતી. યાદગાર પ્રસંગ તો એ બન્યો હતો કે શ્રી૪૨૦ ફિલ્મના પ્રિમિયર શો ના સન્માનમાં ખુદ રાજ કપૂર પોતે તેહરાનમાં ઉપસ્થિત રહ્યા હતા. 

ઇરાનમાં હિન્દી   ફિલ્મોની લોકપ્રિયતા એટલી વધી ગઇ કે ત્યાંનાં સિનેમાગૃહોમાં હોલીવુડની ફિલ્મો રજૂ થતી બંધ થઇ ગઇ. 

જવાહર લાલ નેહરુ યુનિવર્સિટી(નવીદિલ્હી)ના પર્શિયન અભ્યાસ વિભાગના પ્રોફેસર અને કવિ અખલાક ખાન કહે છે, ભારત અને ઇરાન વચ્ચે હિન્દી ફિલ્મ સહિત અન્ય સાંસ્કૃતિક બાબતોનું આદાનપ્રદાન સતત વધતું રહ્યું. પરિણામે હિન્દી ફિલ્મોના સંવાદોમાં  અને ગીતોમાં દિલ, દિવાના, શાયદ વગેરે જેવા   ફારસી શબ્દોનો  ઉપયોગ પણ વધ્યો. વળી,  લૈલા મજનુ, રૂસ્તમ એન્ડ સોહરાબ, રઝિયા સુલતાના વગેરે હિન્દી ફિલ્મ તો ભારતમાં અને ઇરાનમાં બેહદ લોકપ્રિય થઇ હતી. 

જાણકારો તો એમ પણ કહે છે કે ઇરાનમાં  હિન્દી ફિલ્મોની લોકપ્રિયતા સાથો સાથ   ભારતના ફિલ્મ નિર્માતાઓ અને દિગ્દર્શકોનું યોગદાન પણ રહ્યું છે. ભારતની પહેલી  બોલતી ફિલ્મ આલમ આરા(૧૯૩૧) ના નિર્માતા દિગ્દર્શક  અરદેશર ઇરાનીએ દોખ્તાર-એ-લોર(૧૯૩૩) નામની પર્શિયન ફિલ્મ બનાવી હોવાનો ઉલ્લેખ પણ મળે છે.  સમય જતાં ૧૯૭૨માં તાપી ચાણક્ય નામના દિગ્દર્શકે સુબહ-ઓ -શામ ફિલ્મ  ઇન્ડો-ઇરાનિયન પ્રોજેક્ટ અંતર્ગત બનાવી હતી. ૧૯૭૪માં ઇન્ડિયા : ઇરાન સહિયારા પ્રોજેક્ટની ઇન્ટરનેશનલ ક્રૂક (ધર્મેન્દ્ર, ફિરોઝ ખાન, સાયરા બાનુ: દિગ્દર્શક  : પાછી) ફિલ્મ બની હતી. 

જોકે ૧૯૭૯માં ભારત-ઇરાન વચ્ચેના  ફિલ્મના આદાનપ્રદાન અને સહયોગ પર પૂર્ણવિરામ  મૂકાઇ ગયું. ઇરાનમાં ધાર્મિક ક્રાંતિ થઇ. ઇરાનના રાજા  મોહમ્મ રઝા પહલવીની વંશવારસાગત રાજગાદી  છીનવાઇ ગઇ. રાજાના સ્થાને ઇરાનના ધાર્મિક વડા રુહોલ્લાહ  ખોમેનીની સત્તા આવી. રુહોલ્લાહ ખોમેનીએ ગીત, સંગીત, નૃત્ય, ફિલ્મ વગેરે પર કડક પ્રતિબંધ મૂકી દીધા. સરકાર  દ્વારા મંજુરી પામેલી ફિલ્મો, ધાર્મિક ક્રાંતિનું ગૌરવ કરવું, ઇરાક સાથેના યુદ્ધ વગેરે બાબતો જ રજૂ કરવાનું કડક ફરમાન થયું હતું. 

ઇરાનમાં આવા કડક પ્રતિબંધ છતાં  પનાહી, અબ્બાસ કિયારોસ્તામી, માજીદ માજીદી, મોહમ્મદ રસૌલોફ વગેરેની  નવી, ઉગતી, પ્રતિભાશાળી પેઢીના સર્જકોએ હિંમતભેર   એક કે બીજી રીતે ફિલ્મ સર્જન ચાલુ રાખ્યું. જોકે ઇરાનના કટ્ટર શાસકોએ  આ બધા પ્રતિભાશાળી ફિલ્મ સર્જકોના પ્રવાસ, પ્રવચન, સંવાદ વગેરે પર કડક પ્રતિબંધ મૂકી દીધા. આટલું જ નહીં, તેઓને નજરકેદ  પણ  દીધા હોવાના અખબારી અહેવાલ પ્રસિદ્ધ  થયા હતા.  ઇરાનમાં  સરકારી પ્રતિબંધો અને ફરમાનો હોવા  છતાં ગીત, સંગીત, ફિલ્મ મનોરંજનનાં  પ્રેમીઓને જૂની, મજેદાર, મીઠાં મધુરાં ગીત-સંગીતસભર ફિલ્મોનું આજે પણ જબરું ઘેલું છે એટલું  ચોક્કસ.