Get The App

ડરના જરૂરી હૈ: હોરર કોમેડી બનાવવાનો ટ્રેન્ડ પૂરબહારમાં ખીલ્યો છે

Updated: Nov 13th, 2025

GS TEAM

Google News
Google News
ડરના જરૂરી હૈ: હોરર કોમેડી બનાવવાનો ટ્રેન્ડ પૂરબહારમાં ખીલ્યો છે 1 - image

- હોરર કોમેડી ભારતીય ફિલ્મ ઉદ્યોગનો કમાઉ દીકરો બન્યો  

- 'સ્ત્રી-ટુ'  અને 'થામા'ની સફળતા અને દક્ષિણમાં 'લોકાહ' યુનિવર્સનું આગમન દર્શાવે છે કે ભારતમાં હોર-કોમ ભણી જોવાની દૃષ્ટિ બદલાઇ રહી છે 

સો કરોડ રૂપિયાના બજેટમાં બનેલી સ્ત્રી ટુ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૫૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી બતાવતાં બધાં દંગ થઇ ગયા હતા. આજકાલ ફિલ્મ બનાવવામાં જેમની પાછળ અડધાથી વધારે ખર્ચ થાય છે તેવો કોઇ મોટો  સુપર સ્ટાર આ ફિલ્મ ન હોવા છતાં આ ફિલ્મને બોક્સ ઓફિસ પર મળેલી જબરદસ્ત સફળતાથી બધાં  આશ્ચર્યચકિત બની ગયા હતા. 

આ સફળતાની વર્તમાન ઇમારત જેના પર ચણાઇ છે તે હોરર કોમેડી જોનર- એટલે સિનેમાનો એક વિશિષ્ટ પ્રકારના પાયામાં ૧૯૯૩માં આવેલી મનીચરિત્રથાઝુ નામની મલયાલમ ફિલ્મ છે. આ ફિલ્મમાં સુપરસ્ટાર મોહનલાલ, સુરેશ ગોપી અને શોભના મુખ્ય ભૂમિકામાં હતાં. આ ફિલ્મની રીમેક એટલે ૨૦૦૭માં આવેલી હિન્દી ફિલ્મ ભૂલભૂલૈયા. આ ફિલ્મ હોરર કોમેડી એટલે કે હોરકોમનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે. આ ફિલ્મમાં પહેલીવાર હોરરની સાથે કોમેડીનો અસરકારક ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેને કારણે રામસે બ્રાન્ડ હોરર ફિલ્મોથી ડરતાં પ્રેક્ષકો ફરીએકવાર સિનેમાગૃહોમાં ઉમટયા અને આ ફિલ્મ નવી પેઢી માટે સીમાચિન્હ બની રહી. આ ફિલ્મની સફળતા એટલી દીર્ઘાયુ નીવડી કે  છે ક પંદર વર્ષ બાદ  ૨૦૨૨માં આ ફિલ્મની સિક્વલ ભૂલભૂલૈયા ટુ  આવી. મજાની વાત એ છે કે ૯૦ કરોડ રૂપિયાના બજેટમાં બનેલી આ ફિલ્મે  બોક્સ ઓફિસ પર બમણો એટલે કે ૧૮૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો. 

ભૂલભૂલૈયા દ્વારા શરૂ થયેલાં હોરકોમ (હોરર પ્લસ કોમેડી)ના પ્રવાહને ૨૦૧૮માં આવેલી સ્ત્રી ફિલ્મની સફળતાથી વધારે બળ મળ્યું. મજાની વાત એ છે કે આ ફિલ્મ બની રહી હતી ત્યારે કોઇને અંદાજ નહોતો કે તે આવી જબરદસ્ત સફળતાને વરશે. રાજકુમાર રાવ કહે છે, સ્ત્રી ફિલ્મ બની એ અરસામાં જ અમારી એટલે કે અભિષેક બેનર્જી, અપારશક્તિ ખુરાના અને હું એમ ત્રિપુટી જામી ગઇ હતી. પરિણામે સ્ત્રી ટુ છ વર્ષ બાદ આવી હોવા છતાં તેમાં એની એ જ તાજગી જળવાઇ રહી છે. જ્યારે એક્ટર્સ વચ્ચે એક પ્રકારની કેમિસ્ટ્રી રચાઇ હોય ત્યારે તેઓ એકમેકને અનાયાસે સર્જનાત્મક સહાય કરતાં રહે છે. પરંતુ સ્ત્રી ટુ બની રહી હતી એ  સમયે  અમે સભાન હતા કે અમારે માથે મોટી જવાબદારી છે. કેમ કે સ્ત્રી ફિલ્મનો ફેનબેઝ જબરદસ્ત હતો અને જો ગરબડ થઇ તો ફિલ્મ ઉંધે માથે પછડાશે. પણ અમારામાંથી કોઇએ  ફિલ્મને આવી વિરાટ સફળતા મળશે તેની કલ્પના પણ કરી નહોતી.

ફિલ્મના દિગ્દર્શક અમર કૌશિકે કમાલ એ કરી છે કે તેમણે આ હોરકોમનું આ લાક્ષણિક યુનિવર્સ સફળતાપૂર્વક રચી બતાવ્યું છે. તેમની જ એક ફિલ્મ ભેડિયામાં તથા સ્ત્રીમાં એક પાત્ર જાના યથાવત રખાયું છે. બીજી ફિલ્મના કોઇ પાત્રને નવી ફિલ્મમાં સાંકળવાનો પ્રયોગ અનોખો છે. જેના માટે તેમના લેખક નીરેન ભટ્ટને શ્રેય આપતાં કૌશિક કહે છે,  ગુલઝાર અને ગાલિબનો ચાહક એવો નીરેન પાછો સ્ટીફન કિંગની ડાર્ક સિરિઝનો ફેન છે  અને તેમાં પણ ગન સ્લિંગર તો તેની ફેવરિટ છે. નીરેન ભટ્ટ કહે છે, તેને હોરકોમ યુનિવર્સ સર્જવાનો વિચાર કોરોના મહામારી દરમ્યાન આવ્યો હતો. નીરેન ભટ્ટ કહે છે, આ પ્રકારની ફિલ્મમાં સામાજિક સંદેશ હાસ્ય અને દૃશ્ય રૂપક તરીકે આપવાનો હેતુ હોય છે. ભેડિયા ફિલ્મમાં વરૂ ઝડપી ઔદ્યોગિકીકરણને કારણે ઘટી રહેલાં વનવિસ્તારને કારણે વનમાં વસતા લોકોની સમસ્યાના પ્રતીક તરીકે આવે છે.

દિગ્દર્શક અમર કૌશિક કહે છે તમારે તો દર્શક સામે અરીસો જ ધરવાનો હોય છે. સંદેશ આપવા માટે ચીસો પાડવાની કે ઉપદેશ ઝીંકવાની જરૂર હોતી નથી. 

હોરકોમની રસપ્રદ બાબત એ છે કે  દર્શક તરીકે તમે જેમાં હસી શકો છે તેમાં તમને એ પછી આવનારી મુશ્કેલ હકીકતનો સામનો કરવાનું બળ મળી રહે છે. આમાં ગફલત થાય તો ફિલ્મને નિષ્ફળ નીવડતાં વાર લાગતી નથી. સ્ત્રી ટુમાં એક સંવાદ નોંધપાત્ર છે, જાનાના મુખે ડાયલોગ ફટકારાયો છે કે, ભેડિયા બન, એનિમલ નહીં. દેખીતી રીતે રણબીર કપૂરની ફિલ્મ એનિમલ પર કરવામાં આવેલો આ કટાક્ષ સમજાય તો બોધિજ્ઞાાન સમાન બની રહે છે. અલબત્ત, એ યાદ રાખવું જરૂરી છે કે દરેક સફળ ફિલ્મની સાથે બે નિષ્ફળ ગયેલી ફિલ્મ પણ હોય જ છે. જો સ્ત્રી અને મુંજ્યા હીટ છે તો આ જ અરસામાં આવેલી ભૂતપોલીસ અને ફોનભૂત બોક્સ ઓફિસ પર ચાલી નથી. ખુદ મેડ્ડોક ફિલ્મ્સ જે આ સફળ ફિલ્મોના સહનિર્માતા છે તેમની ૨૦૨૧માં આવેલી ફિલ્મ રૂહી બોક્સ ઓફિસ પર કમાણી કરવામાં નિષ્ફળ રહી હતી. જાહ્નવી કપૂર અભિનિત આ ફિલ્મ ૩૫ કરોડના બજેટમાં બની હતી પણ બોક્સ ઓફિસ પર માંડ ૨૩ કરોડ રળી શકી હતી. 

જો કે, મેડ્ડોક ફિલ્મ્સના હોરકોમ યુનિવર્સની પાંચમી ફિલ્મ થામાએ બોક્સ ઓફિસ પર ફીર એક બાર ૧૦૦ કરોડ રૂપિયાની કમાણી કરતાં આ યુનિવર્સનો આઇડિયા મેડ્ડોક ફિલ્મ્સને ફળ્યો છે. દક્ષિણમાં આ પ્રકારની ફિલ્મો અલગ રીતે બની રહી છે. ઉદાહરણ તરીકે સુપરહિરોઇન સાયકોલોજિકલ થ્રીલર લોકાહ ચેપ્ટર ૧: ચન્દ્રા. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આજકાલ તે ઓટીટી પર પણ ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મનું નિર્માણ દુલકેર સલમાને કર્યું છે અને તેનું નિર્દેશન ડોમિનિક અરૂણે કર્યું છે. રસપ્રદ બાબત એ છે કે  આ મલયાલમ ફિલ્મ હિરોઇન ઓરિએન્ટેન્ડ છે અને તેમાં મુખ્ય પાત્ર કલ્યાણી પ્રિયદર્શને ભજવ્યું છે. સલમાન દુલકેર એક સારો અભિનેતા હોવા ઉપરાંત સાહસિક નિર્માતા પણ છે. તેણે આ ફ્રેન્ચાઇઝીમાં પાંચ ફિલ્મો બનાવવાનું નક્કી કર્યું છે. લોકાહની એન્ડ ક્રેડિટમાં ટોવિનો થોમસ અને દુલકેર જેમાં હીરો છે.  

થામા અને લોકાહની સફળતા ભારતમાં હોરર ફિલ્મો ભણી જોવાની દૃષ્ટિ બદલાઇ રહી હોવાનો પુરાવો છે.ભૂલભૂલૈયા આવી તે પહેલાં આ પ્રકારની ફિલ્મોને બી ગ્રેડની ફિલ્મો ગણી તેને કોઇ મહત્વ આપતું નહોતું. પણ ભૂલભૂલૈયાની સફળતાને પગલે મોટા સ્ટાર્સ અને મોટા બેનર્સને પણ આ પ્રકારની ફિલ્મોમાં રસ પડવા માંડયો. જો કે, માત્ર હોરર ફિલ્મ તો એક જ આવી છે. અને તે ગુજરાતી વશ. જેની હિન્દી રીમેક  શૈતાન પણ હીટ થઇ હોવા છતાં મૂળ ગુજરાતી ફિલ્મને મળવી જોઇએ એટલી ક્રેડિટ મળી નથી એ અફસોસની વાત છે.