- લોકકથા કંઇક એવી છે કે કોઇ મૃત્ય પામેલી વ્યક્તિનો આત્મા રાતના ઘોર અંધકારમાં માનવીનું સ્વરૂપ લઇને સાચુકલા -જીવતાજાગતાં માનવીનું લોહી ચૂસી લે છે...
અશોક કુમાર(દાદા મુની), બલરાજ સહાની, દિલીપ કુમાર, સંજીવ કુમાર, મનોજ બાજપાઇ. આ બધાં નામ હિન્દી ફિલ્મ જગતના આલા દરજ્જાના અભિનેતાનાં છે. ફોડ પાડીને કહીએ તો આ બધા અભિનેતાઓએ વિવિધ પ્રકારનાં પાત્રો ભજવીને પોતાની અભિનય પ્રતિભા દર્શાવી છે.
આ જ યાદીમાં નવાઝુદ્દીન સિદ્દિકીનું નામ પણ જોડી શકાય.નવાઝુદીન સિદ્દિકી કોઇ ફિલ્મમાં માથાભારે ગુંડો બને છે. તો બીજી ફિલ્મમાં પત્રકાર. ત્રીજી ફિલ્મમાં ઇન્ટેલિજન્સ ઓફિસર, ચોથી ફિલ્મમાં લેખક તો વળી પાંચમી ફિલ્મમાં ખૂંખાર હત્યારો બને છે. આ જ નવાઝુદીને કિન્નર (તૃતિયપંથી)નું પાત્ર પણ ભજવ્યું છે.
નવાઝુદ્ીન સિદ્દિકી હવે થમા (નિર્માતા : દિનેશ વીજન : દિગ્દર્શન : આદિત્ય પોતદાર) ફિલ્મમાં સાવ જ અનોખા પાત્રમાં આવી રહ્યો છે. થમા ફિલ્મમાં નવાઝુદીને યક્ષાસન નામના રક્તપિપાસુની (જેને વેમ્પાયર કહેવાય છે) ભૂમિકા ભજવી છે. લોકકથા કંઇક એવી છે કે કોઇ મૃત્ય પામેલી વ્યક્તિનો આત્મા રાતના ઘોર અંધકારમાં માનવીનું સ્વરૂપ લઇને સાચુકલા -જીવતાજાગતાં માનવીનું લોહી ચૂસી લે.
થમા ફિલ્મનું નિર્માણ સંપૂર્ણપણે પૂરું થઇ ગયું હોવાથી ૨૦૨૫ની ૨૧, ઓક્ટોબર આસપાસ રજૂ થવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશના બુઢાના નગરમાં મુસ્લિમ જમીનદાર પરિવારમાં જન્મેલા નવાઝુદ્દીન સિદ્દિકીએ સરફરોશ (આમિર ખાન, નસીરુદ્દીન શાહ, સોનાલી બેન્દ્રે ૧૯૯૯: ) ફિલ્મમાં નાનકડી ભૂમિકાથી બોલીવુડમાં પ્રવેશ કરનારા નવાઝુદ્દીન સિદ્દિકીએ તેની અભિનય પ્રતિભા અને મહેનતથી બ્લેકફ્રાઇડે, મુન્નાભાઇ એમ. બી. બી. એસ., ગેંગ્ઝ ઓફ વાસ્સેપુર, કહાની, લંચ બોક્સ, કીક, બજરંગી ભાઇ જાન, રામન રાઘવ-૨ , રઇસ, તલાશ, મન્ટો ,માંઝી : માઉન્ટેન મેન વગેરે ફિલ્મોમાં વિવિધ પ્રકારની અને મજદાર ભૂમિકાઓ ભજવી છે.
નવાઝુદ્દીનને શ્રેષ્ઠ અભિનેતા તરીકે એક નેશનલ એવોર્ડ અને બે ફિલ્મફેર એવોર્ડ્ઝનું સન્માન પણ મળ્યું છે. આજે બોલીવુડમાં નવાઝુદ્દીન સિદ્દિકીને આલા દરજ્જાના અભિનેતાનું ગૌરવરૂપ સન્માન મળ્યું છે. નવાઝુદ્દીન પોતાના અભિનયનો તેજલિસોટો વધુ ને વધુ મોટો અને વધુ ઝળહળતો કરી રહ્યો છે.
બોલીવુડનાં સૂત્રોના કહેવા મુજબ થમા ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકી સાથે આયુષ્યમાન ખુરાના, રશ્મિકા મંદાના, પરેશ રાવલ વગેરે કલાકારો છે. મજેદાર બાબત તો એ છે કે થમા ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દિકએ લાંબા વાળ અને ચામાચિડિયા જેવા બિહામણા યક્ષાસનની ભૂમિકા ભજવી છે. આયુષ્યમાન ખુરાના ઇતિહાસ કાર. રશ્મિકા મંદાનાએ તડાકાનું પાત્ર ભજવ્યું છે, જે રોશનીના કિરણરૂપ છે. જ્યારે પરેશ રાવલ લોકકથામાંના ભયાનક રક્તપિપાસુ તત્વ કે આત્મા વિશે ગહન અભ્યાસ કરે છે.
આમ તો સ્ત્રી અને સ્ત્રી -૨, ભેડિયા, મુંજ્યા વગેરે ફિલ્મોમાં પણ લોકકથા પર આધારિત બિહામણાં અને ભયાનક પાત્રોની કથા છે. જોકે આ બધી કથા સાથે હાસ્યસભર પ્રસંગો પણ હોવાથી તેને હોરર કોમેડી (ભય મિશ્રિત હાસ્ય) પ્રકારની ફિલ્મ કહેવાય છે.
સ્ત્રી-૨ ફિલ્મમાં સરકટા ભૂતનું પાત્ર છે.ખરેખર તો સરકટાની ભૂમિકા જમ્મુ-કશ્મીરના પોલીસ કોન્સ્ટેબલ સુનીલ કુમારે ભજવ્યું છે. સાત ફૂટ : સાત ઇંચની જબરી ઉંચાસ ધરાવતા સુનીલ કુમારનો સરકટા ભૂતનો ભારે બિહામણો ચહેરો કમ્પ્યુટર જનરેટેડ ઇમેજરી (સી જી આઇ) ટેકનોલોજીથી બનાવવામાં આવ્યો હતો.
જોકે સ્ત્રી-૨ ફિલ્મના આ ભારે ડરામણા સરકટા ભૂતનો સંપૂર્ણ નાશ થાય છે. તે ભટકતો આત્મા સદાય માટે અદ્રશ્ય થઇ જાય છે.
થમા ફિલ્મ સાથે સંકળાયેલાં સૂત્રોના કહેવા મુજબ ફિલ્મમાં યક્ષાસનનો સંપૂર્ણ નાશ નથી થતો. એટલે કે પેલા રક્તપિપાસુની ભૂમિકા પૂરી નથી થતી કે અંત નથી આવતો. આમ એવો સંકેત મળે છે કે નવાઝુદ્દીન સિદ્દિકીના પાત્રને ધ્યાનમાં રાખીને થમા ફિલ્મની બીજી આવૃત્તિનું પણ આયોજન થઇ શકે છે. ફિલ્મનાં અંતિમ દ્રશ્યો દ્વારા એવો સંકેત મળે છે કે તેની બીજી આવૃત્તિ હોઇ શકે છે.
વળી, આ સંકેત એવો ઇશારો પણ કરે છે કે થમાની બીજી આવૃત્તિનો યક્ષાસન પણ નવાઝુદ્દીન હશે,જ્યારે આયુષ્યમાન ખુરાના, પરેશ રાવલ, રશ્મિકા મંદાનાનાં પાત્રો પણ જેમનાં તેમ જ રહેશે.


