ફાતિમા શેખ : બિચારા પુરુષો પણ પૈતૃક સમાજમાં પીડાય છે
- 'પૈતૃક સમાજ વ્યવસ્થાને કારણે માત્ર સ્ત્રીઓએ નહીં, પુરુષોએ પણ સહન કરવું પડે છે. ઘણા પુરુષોનું લગ્નજીવન સુખી નથી હોતું. તેઓ ખરાબે ચડેલા સંબંધો નિભાવ્યે જાય છે. પિત્તૃપ્રધાન સમાજમાં પુરુષોને રડવાની છૂટ નથી!'
હિન્દી ફિલ્મોમાં સ્ત્રી-પુરુષ સમાનતા અને નારી સ્વાતંત્ર્યનો મુદ્દો દશકોથી છેડાતો આવ્યો છે. નજીકના ભૂતકાળની વાત કરીએ તો શબાના આઝમી અને સ્મિતા પાટિલે વરસો એ મોરચો સંભાળ્યો. પછી વિદ્યા બાલને એ મોરચો સંભાળ્યો. નવી પેઢીમાં તાપસી પન્નુ નારીની ગરિમાને વાચા આપતી ભૂમિકાઓ કરી રહી છે. હવે એ બ્રેકેટમાં તમે ફાતિમા સના શેખનું નામ મૂકી શકો. હમણાં જુલાઈમાં રિલિઝ થયેલી પોતાની બે ફિલ્મો 'મેટ્રો... ઈન દિનોં' અને 'આપ જૈસા કોઈ'માં ફાતિમાના પાત્રો સ્ત્રી-પુરુષ વચ્ચેની રિલેશનશીપ પર ભાર મુકતી જોવા મળે છે. બંને લવ-સ્ટોરીઝ છે, પણ એના નારી પાત્રો પોતાની ડિગ્નિટી (આત્મ-મ્માન)ના ભોગે દાંપત્યજીવનમાં પડવા તૈયાર નથી.
હમણાં એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂમાં ફાતિમાને એના બંને ફિલ્મોના કેરેકટર્સ (પાત્રો) વિશે પૂછાતા અભિનેત્રી બેધડક કહે છે, 'મારા મતે રિલેશનશીપમાં ઇક્વોલિટી (સમાનતા) બહુ મહત્ત્વની છે. મારો પાર્ટનર (પ્રેમી) મને બદલે કે હું એને બદલી નાખું એવું હું કદી ન ઇચ્છું. બે વ્યક્તિઓ પોતે જેવા છે એવા જ સ્વરૂપમાં એકબીજા તરફ આકર્ષાય છે. એટલા માટે જ તેઓ એકબીજાનો આદર રાખતા થાય એ અગત્યનું છે. એકવાર એવું થઈ જાય પછી બધુ સમુસુતરું ઉતરે. આ સંબંધમાં હું કહીશ કે મારે જેવી લવ લાઈફમાં જોઈએ છે એ મારી ફિલ્મોમાં જીવી રહી છું.'
આપ જૈસા કોઈમાં ફાતિમા પોતાનાથી ૧૦ વર્ષ મોટા આર. માધવનને લગ્ન માટે પસંદ કરે છે. પરંતુ માધવને ભજવેલું પાત્ર ટિપિકલ પૈતૃક સમાજ વ્યવસ્થાની પેદાશ છે. એ પુરુષ-પ્રધાન વિચારસરણી ધરાવે છે અને એને કારણે ગરબડ ઊભી થાય છે. એ વિશે વાત નીકળતા મિસ શેખ આશ્ચર્ય પમાડે એવો મમરો મુકે છે, 'પૈતૃક સમાજ વ્યવસ્થાને કારણે માત્ર સ્ત્રીઓએ નહિ, પુરુષોએ પણ સહન કરવું પડે છે. ઘણાં બધા પુરુષોનું લગ્નજીવન સુખી નથી હોતું. તેઓ ખરાબે ચડેલા સંબંધો નિભાવે છે, પણ પોતાની યાતના કોઈને કહેવાય જાય તો એમની ઠેકડી ઉડાડાય છે. એટલા માટે પિત્તૃપ્રધાન સમાજમાં પુરુષોને રડવાની છુટ નથી અને તેઓ પરિયાદ પણ નથી કરી શકતા એટલે જ હું કહેતી હોઉં છું કે દરેક પુરુષે પૈતૃક સમાજ વ્યવસ્થાનો અભિશાપ ભોગવવો પડે છે.'
થોડા અરસા પહેલા દીપિકા પદુકોણ અને ફિલ્મમેકર સંદીપ રેડ્ડી વાંગા વચ્ચે ફિલ્મ 'સ્પિરીટ'ને લઈને થયેલા વિવાદમાં પણ એવું જોવા મળ્યું કે કોઈ એકટ્રેસ પોતાની ડિમાંડ મુકે તો એને અનપ્રોફેશનલનું લેબલ લાગી જાય છે. એ કિસ્સાનો સંદર્ભ લઈ ફાતિમાને પૂછાયું કે શું તમે માનો છો કે એક મહિલા કોઈ સ્ટેન્ડ લે ત્યારે માટીડાઓનો અહમ ઘવાય છે? એનો જવાબ હકારમાં આપવાની સાથોસાથ ૩૩ વરસની એક્ટર ઉમેરે છે, 'પરંતુ હવે વિચારસરણી બદલાઈ રહી છે કારણ કે હવે વધુ સ્ત્રીઓ જોબ કરતી થઈ છે. અમારી ઇન્ડસ્ટ્રીમાં પણ સ્ત્રી કેવી હોવી જોઈએ અને મહિલાઓએ કેવા રોલ્સ કરવા જોઈએ એ માટેનો અભિગમ બદલાઈ રહ્યો છે. હવે એક સ્ત્રીને પણ વિલનરૂપે કલ્પી શકાય છે. અગાઉ એકલા પુરુષો જ વિલન બનતા.'