- બાવર્ચીના લંચબોક્સમાં ચીની કમ લવસ્ટોરીનો વઘાર... ધ ગ્રેટ ઇન્ડિયન કિચનમાં સોલ્ટ એન્ડ પેપરની સાથે કિલર સૂપ અને સ્ટેન્લી કા ડબ્બાનો પણ મેળ પડી જાય છે!
સિનેમામાં રજૂ થતી અનેક સ્ટોરીઓમાં ભોજનના સ્વાદનો ચિત્રમય પરિચય આપવામાં આવે છે.ભારતીય જીવનમાં વણાયેલી હિન્દીમાં રસોઇ એટલે કે કિચનના સ્થાને શહેરીકરણ વધવા સાથે આવી રહેલી ક્લાઉડ કિચન અને ઓનલાઇન ઓર્ડરની ડબ્બા સંસ્કૃતિને જોડતી ફિલ્મો બહું થોડી બની છે પણ તેમાં એક લટાર મારવાથી મોંમાં પાણી આવી શકે છે. ભારતીય સંસ્કૃતિમાં વ્યંજનોનો મહિમા અપાર છે તેમ ભારતીય ફિલ્મોમાં પણ પ્રદેશે પ્રદેશે અલગ વઘાર થતો જોવા મળે છે.
ભારતીય સિનેમામાં એક રસપ્રદ બાબત એ જોવા મળે છે કે તેંમાં હવે રેસ્ટોરાં કે હોટલ બિઝનેસ શરૂ કરવાના સપનાંની વાતો હોય છે પણ તેના વ્યંજનો સંસ્કૃતિના કેવા સ્વાદિષ્ટ વાહકો છે તેની રસિક કહાનીઓ બહું ઓછી આવી છે. દાખલા તરીકે ઓક્ટોબર ફિલ્મમાં હિરોનું સપનું રેસ્ટોરાં ખોલવાનું હોય છે પણ તે તો તેની પ્રેમ કહાનીનો એક નાનકડો હિસ્સો જ બની રહે છે. આ જ રીતે ફિલ્મ હોટલમાં આતંકવાદી હુમલાનું કથાનક રજૂ કરવામાં આવ્યું છે.તેને ભોજન સાથે કોઇ સંબંધ જ નથી. પરંતુ હવે ઓટીટી પર રજૂ થતી વેબ સિરિઝો અને ફિલ્મોમાં ભોજનનો વિષય ચમકવા માંડયો છે. કિલર સૂપ વેબ સિરિઝ એક કમાલની મર્ડર મિસ્ટરી છે. રેસ્ટોરાં ખોલવાના સપનાં સંઘર્ષની આંચ પર તૈયાર થાય છે. જેમાં કોંકણાસેન અને મનોજ બાજપેયી જેવા મંજાયેલાં એક્ટર્સેે બખૂબી ભૂમિકાઓ નિભાવી છે. પણ ખરી મજા તો ભોજનને આશ્રયે ચાલતી પ્રેમકહાનીઓ જોવામાં આવે છે. આ પ્રકારની એક ઉત્તમ ફિલ્મ એટલે લંચ બોક્સ. ઇરફાન ખાન અને નવાઝુદ્દીન સિદ્દિકી અભિનિત ફિલ્મમાં મુંબઇની વિખ્યાત ડબ્બા સંસ્કૃતિનો દર્શકને પરિચય થાય છે. લંચના સામાન્ય ભોજનની ખૂશ્બુ બે અજાણ્યા શહેરીજનોને કેવી રીતે નજીક લાવી શકે તેનું રસિક બયાન આ ફિલ્મમાં થયું છે.
જો કે, મહિલાઓના કિસ્સાઓમાં ભોજનને અલગ નજરે જોવામાં આવે છે. ભારતની પહેલી મહિલા શેફ તરલા દલાલની બાયો પિક તરલામાં હુમા કુરૈશીએ તરલા દલાલની ભૂમિકા ભજવી દર્શાવ્યું હતું કે પાકકળા એ મહિલા સશક્તિકરણનો મજબૂત માર્ગ પણ બની શકે છે. રસોઇ એ એક કળા છે અને તે બધાંને આવડતી હોતી નથી. આ વાતને સહેજ અલગ રીતે ઇંગ્લીશવિંગ્લીશમાં રજૂ કરવામાં આવી છે. અંગ્રેજી ભાષા ન જાણતી ગૃહિણી શ્રી દેવી ઘરમાંથી લાડુ બનાવવાનો બિઝનેસ ચલાવે છે. તેનો બિઝનેસ એવો સફળ થાય છે કે તેને યુએસમાં જવાની તક મળતાં તે ત્યાં ઇંગ્લીશવિંગ્લીશ શીખવાનો પ્રયાસ પણ કરે છે. આ ફિલ્મમાં એક સામાન્ય ગૃહિણી તેની પાકકળા દ્વારા કેવી રીતે આત્મસન્માન રળી શકે તે બખૂબી દર્શાવવામાં આવ્યું છે.
પાકકળા સ્ત્રી સશક્તિકરણનું માધ્યમ બની શકે તો એ જ ધ ગ્રેટ ઇન્ડિયન કિચન મહિલાઓ માટે કેવું અવરોધક બની રહે તે આ નામની મલયાલમ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે. કેરળની ભોજન સંસ્કૃતિનો પરિચય આપતી આ ફિલ્મ ધ ગ્રેટ ઇન્ડિયન કિચનમાં રસોઇની તૈયારી કરતી મહિલાની દિનચર્યા દર્શાવવામાં આવી છે. કેરળના પિતૃસત્તાક સમાજમાં આ વ્યવસ્થા કેવી રીતે આજની મહિલા માટે શ્વાસ રુંધી નાંખનારી બની શકે તેનું વાસ્તવિક ચિત્રણ આ ફિલ્મમાં કરવામાં આવ્યું છે. તો તમિલ થ્રીલર ઓનાયુમ આટુકુટ્ટિયમમાં દક્ષિણ ભારતમાં રાતભર ચાલતી ટી સ્ટોલ સંસ્કૃતિનો પરિચય કરાવવામાં આવ્યો છે.
ભારતીય પાકકળા વિશેની ફિલ્મોની વાત કરીએ અને તેમાં ધ હન્ડ્રેડ ફૂટ જર્નીની વાત ન કરીએ એવું ન બની શકે. ભારત અને ફ્રાન્સની પ્રજાનો સ્વાદપ્રેમ આ ફિલ્મમાં રજૂ થયો છે. ભારતીય મસાલાઓ અને ફ્રેન્ચ વાનીઓ વચ્ચે રહેલાં સો ફૂટના અંતરને લાંઘવાની વાત આ ફિલ્મમાં કરવામાં આવી છે. આ ફિલ્મમાં ભારતના ઉત્તમ એક્ટર ઓમપુરી અને ફ્રાન્સની મશહૂર અભિનેત્રી હેલેન મિરેનની કેમિસ્ટ્રી સરસ જામી છે. જુલિયેટ બ્લેક, સ્ટિવન સ્પિલબર્ગ અને ઓપરાહ વિનફ્રે દ્વારા પ્રોડયુસ કરવામાં આવેલી આ ફિલ્મનું નિર્દેશન લાસ હોલસ્ટ્રોમ દ્વારા કરવામાં આવ્યું હતું. રિચાર્ડ સી મોરીસના પુસ્તક ધ હન્ડ્રેડ ફૂટ જર્ની પર આધારિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ નીવડી હતી.
આવી જ એક રસપ્રદ મરાઠી ફિલ્મ ગુલાબજામ છે. જેમાં લંડનમાં રહેતાં એક સફળ બેન્કર આદિત્યને મહારાષ્ટ્રીયન વાનગીઓ પીરસતું રેસ્ટોરાં શરૂ કરવાની ચાનક ચડે છે. પોતાના સપનાંને પુરૂ કરવા તે બેન્કર તરીકેની તેની નોકરી છોડી પરંપરાગત મરાઠી વાનગીઓ બનાવતાં શીખવા તે પૂણે આવે છે. જ્યાં તેનો ભેટો રાધા નામની મરાઠી મૂલી સાથે થાય છે, જે પોતાની ટિફિન સર્વિસ ચલાવતી હોય છે. ગુલાબજામ ફિલ્મમાં આદિત્યની ભૂમિકામાં સિદ્ધાર્થ ચાંદેકર અને રાધાની ભૂમિકામાં સોનાલી કુલકર્ણી છે. લંડનમાં મરાઠી વાનગી વડા પાવ ખાવા મળે એ વિચાર જ રોમાંચક છે. જય લંડન, જય મિસળપાવ!


