- એક તીરે અનેક નિશાન સાધવાનું કામ આસાનીથી થઈ શકતું નથી. ડિઝનીની વેબ સિરીઝ 'મિસ માર્વેલ'થી એવું થયું છે. મનોરંજક હોવા સાથે આ સિરીઝે સુપરહીરો સિરીઝના મોરચે નવું પ્રકરણ શરૂ કર્યું છે
બિ શા કે. અલી એટલે એક બ્રિટિશ-પાકિસ્તાની સ્ટેન્ડ અપ કોમેડિયન. બિશાએ સર્જેલી વેબ સિરીઝ 'મિસ માર્વેલ' ડિઝની પર આવી અને સફળ થઈ. આ સિરીઝને બે મુખ્ય મુદ્દાઓથી આપણે સમજીએ. એક, નેચરલી, મનોરંજનની દ્રષ્ટિએ અને બે, એણે શરૂ કરેલા નવા આયામોની દ્રષ્ટિએ. પહેલી વાત મનોરંજનની.
ટીનએજર કમાલા ખાન (ઇમાન વેલાણી) અમેરિકાના જર્સી સિટીની સ્કૂલમાં ભણે છે. એ પાકિસ્તાની મુસ્લિમ પરિવારની છે. અન્ય સ્થાનિકો કરતાં એની રહેણીકરણી અને એનાં જીવનમૂલ્યો જુદાં છે. એ ટકી રહે એ માટે એનો પરિવાર સતર્ક છે. કમાલા સામાન્ય ટીનએજર છે. ઘડીકમાં કલાકાર તો ઘડીકમાં ગેમર છે. સુપરહીરોની વાર્તાઓની અને ખાસ તો એવેન્જર્સના કેપ્ટન માર્વેલની એ દીવાની છે. મુગ્ધાવસ્થામાં વ્યક્તિ કરે એવી તમામ ભૂલો અને હરકતો પણ એ કરે છે. ક્યારેક એ ડ્રાઇવિંગ લાઇસન્સની પરીક્ષામાં લોચો મારી બેસે છે તો ક્યારેક કોઈક છેલબટાઉના મોહમાં પડે છે.
એકવાર શહેરમાં એવેન્જર્સકોન ઇવેન્ટ થવાની છે. કમાલાને એમાં જવાના કોડ છે. દીકરી મોડી રાત સુધી ઘરબહાર રહે કે સ્વચ્છંદી યુવાનો સાથે કોને ખબર શું કરશે એની ભીતિએ મમ્મી-પપ્પા, મુબીના અને યુસુફ ખાન એને (ઝેનોબિયા શ્રોફ અને મોહન કપૂર) જવાની ના પાડે છે. એનાથી ગાંજી જાય એ કમાલા નહીં. એ મિત્રો સાથે પ્લાન બનાવીને કોઈને ખબર ના પડે એમ ઘરમાંથી સરકી જાય છે. પેલી ઇવેન્ટમાં સ્પર્ધા પણ છે, જેમાં સ્પર્ધકો ટ્રેડિશનલ ટચથી પોતાને સૌથી નોખા પાડી શકે છે. એ માટે કમાલા દાદી સના (સમીના અહમદ)એ પાકિસ્તાનથી મોકલાવેલી ચીજો ફંફોસીને એક બંગડી શોધીને પહેરી લે છે. બેસ્ટ ફ્રેન્ડ બુ્રનો (મેટ લિન્ટ્ઝ) સહિતના દોસ્તો સાથે એ ઇવેન્ટમાં પહોંચે છે અને પછી અણધાર્યું થાય છે.
કમાલાને કોઈક અનોખી શક્તિ મળે છે. એની સારી-ખરાબ અસર વિશે એ જાણતી નથી. જોકે બુ્રનો ધીમેધીમે વાતના તંત મેળવવા માંડે છે. એ શક્તિનો ઉપયોગ કેમ કરવો એ વિશે પણ એ કમાલાને જ્ઞાાત કરે છે. બસ, પછી શરૂ થાય છે અજાયબ શક્તિ અને કમાલાની મિસ માર્વેલ તરીકેની રોચક સફર. આ છે સિરીઝનો સાર.
'મિસ માર્વેલ' એટલા માટે મજેદાર છે કે એમાં પહેલીવાર એક એવાં (કે એવી) સુપરહીરોની વાત છે જે વેસ્ટર્નાઇઝ્ડ નથી. મુસ્લિમ પરિવાર હોય, પાકિસ્તાન-ભારતનાં કનેક્શન હોય, આપણા કલાકારો અને આપણું સંગીત હોય, ત્યારે વાત ખરેખર પોતીકી લાગે. અમેરિકન ફિલ્મો અને શોઝમાં સામાન્યપણે મુસ્લિમ પાત્રો બહુ સારાં દર્શાવવામાં નથી આવતાં. આ સિરીઝ એ રીતે પણ નોખી છે. એમાં એવા મુસ્લિમ પરિવારની વાત છે, જે વાસ્તવિકતાની ભૂમિ પર છે. એમની અપેક્ષાઓ, સપનાંઓ, માન્યતાઓ બિલિવેબલ છે. એકવાર પોતાની શક્તિ વિશે જાણ્યા પછી કમાલા એની સાથે કેમ પનારો પાડે છે, એમાં લોચા કેમ વળે છે અને ઘટનાઓ કેવીક સર્જાય છે એ જોવું રસપ્રદ બને છે. વિવિધ પ્રસંગોએ, જેમ કે ઈદ અને અન્ય તહેવારોનાં દશ્યોમાં, કમાલાના ભાઈ આમિર (સાગર શેખ)નાં લગ્નમાં અને પરિવારની પાકિસ્તાનની ફેમિલી ટ્રિપની ઘટનાઓ એમાં સામેલ છે.
આ સિરીઝે ખાસ્સું ધ્યાન ખેંચવાનું એક કારણ એની મુખ્ય અભિનેત્રી ઇમાન વેલાણી પણ છે. એની કરિયર ઇન ફેક્ટ આ સિરીઝથી શરૂ થઈ. કરાચીમાં જન્મેલી આ ટીનએજર કેનેડાના ઓન્ટેરિયોમાં ઉછરી છે. એની એક આન્ટીએ એને 'મિસ માર્વેલ' માટે કલાકારોનું ઓડિશન થવાની જાણ કર્યા પછી, રિયલ લાઇફમાં પણ એવેન્જર્સની ફેન એવી કમાલાએ અરજી કરી હતી. અનેક કલાકારોને પછાડીને છેવટે એણે આ પાત્ર મેળવ્યું હતું.
આ સિરીઝનાં પાકિસ્તાન અને ઇન્ડિયન કનેક્શન ખાસ્સાં છે. એનાં દિગ્દર્શક-લેખક શરમીન ઓબૈદ-ચિનોય અને બિશા પાકિસ્તાની છે. ભારતીય મૂળની અમેરિકન મીરાં મેનને એના બે એપિસોડ્સ ડિરેક્ટ કર્યા છે. મોહન કપૂર અને ફરહાન અખ્તર જેવા આપણા કલાકારો એનો હિસ્સો છે. પાકિસ્તાની સ્ટાર ફવાદ ખાન, મેહવિશ હયાત પણ છે. બોલિવુડના અર્જુન ભસીન સિરીઝના કોસ્ચ્યુમ ડિઝાનર છે. જાણીતાં ઇન્ડિયન તેમ જ પાકિસ્તાની ગીતોનો એમાં ખાસ્સો ઉપયોગ થયો છે.
'મિસ માર્વેલ' લોકોને, ખાસ તો યંગસ્ટર્સને ગમવાનું કારણ એમાં છલકતી રિયલ સિચ્યુએશન્સ છે. કમાલા ભલે સુપરહીરો હોય, પણ એના જીવનની ઘટનાઓ કોઈ પણ કિશોરીના જીવન જેવી છે. રૂઢિચુસ્ત પરિવાર, સુપરહીરોની કથામાં ધર્મનું સહજ અને સરસ નિરુપણ અને ક્લાઇમેક્સ સુધીમાં એક એવો પોઇન્ટ જે આગળ શું થશે એની ઇંતેજારી કરાવે. આ ઇંતેજારી પણ વ્યર્થ નહીં રહે. આવતા વરસે દર્શકો કમાલાને 'ધ માર્વેલ્સ' ફિલ્મમાં જોઈ શકશે. આ સિરીઝની સીઝન ટુ પણ ઓલમોસ્ટ પાક્કી છે એટલે એમાં આગળ શું થશે એ પણ માણવા મળશે.
અન્ય ઘણી વેબ સિરીઝ કરતાં ક્યાંય સ્વચ્છ એવી 'મિસ માર્વેલ' નાનામોટા સૌને જકડી રાખે એવી છે. અમુક બાબતો એમાં બેશક ખોટી તાણવામાં આવી છે પણ એને નજરઅંદાજ કરી શકાય. સુપરહીરોની દુનિયામાં આપણી લાગે એવી કોઈક કન્યાને કમાલ કરતી જોવી હોય તો આ સિરીઝ જોઈ નાખજો.
સુપરહીરો કેમ આટલા લોકપ્રિય?
સુપરહીરોનાં પાત્ર એવું કરી શકે છે જે હાડમાંસના બનેલાં મારા-તમારા જેવા માણસનાં પાત્રો નથી કરી શકતાં. સુપરહીરોને ગજબ શક્તિ મળી હોય છે. એના શત્રુઓ પણ ગાંજ્યા જાય એમાંના નથી હોતા. મૂળે ક્યારેક કાર્ટૂન સ્ટ્રિપ અને એનિમેશન સાથે આ પાત્રોની દુનિયાએ આકાર લીધો હતો. આજે આ પાત્રો માણસરૂપે આવે છે. હોલિવુડે એમને રિયલ લાઇફના હિસ્સા તરીકે મૂક્યાં અને સફળ કર્યાં છે.
અમેરિકામાં ૧૯૩૬માં ફેન્ટમ નામના પાત્ર સાથે કાર્ટૂન સ્ટ્રિપ શરૂ થઈ હતી. એનાં બે વરસ પછી સુપરમેનનો જન્મ થયો હતો. એ પહેલાં પણ હ્યુગો હરક્યુલસ જેવાં પાત્રો સર્જાયાં હતા, પણ મોટી સફળતા મળી ફેન્ટમ અને સુપરમેનને. ૧૯૩૪માં આવેલું પાત્ર મેન્ડ્રેક ધ મેજિશિયન પણ સફળ હતું. ૧૯૫૦ના દાયકા સુધીમાં બીજા અનેક સુપરહીરો સર્જાઈ ચૂક્યા હતા. ૧૯૫૫માં અમેરિકામાં 'કેપ્ટન વિડિયો' નામે સુપરહીરોને કેન્દ્રસ્થાને રાખનારો પહેલો ટીવી શો બન્યો હતો. ફિલ્મોમાં આવાં પાત્રો શરૂઆતથી હોલિવુડ નહીં, ચીન અને જાપાનમાં પણ આવતાં રહ્યાં અને સફળ થયાં છે. ૧૯૭૫ની હોંગકોંગની ફિલ્મ 'સુપર ઇન્ફ્રામેન' અને જાપાનીઝ 'અલ્ટ્રામેન' એનાં ઉદાહરણ.
ઓટીટીના જમાનામાં સુપરહીરોવાળી વેબ સિરીઝ મોટા પ્રમાણમાં બની રહી છે એ નવાઈ નથી. એચબીઓ મેક્સ પર 'પીસમેકર', 'સુપરમેન એન્ડ લોઇસ', 'સ્ટારગલ', 'વોચમેન', ડિઝની પ્લસ પર 'લોકી', 'વાન્ડાવિઝન', 'ધ ફાલ્કન એન્ડ ધ વિન્ટર સોલ્જર', 'મૂન નાઇટ', 'હાકઆય', 'વ્હોટ ઇફ?', નેટફ્લિક્સ પર 'એરો', 'ધ ફ્લેશ','ડીસી'ઝ લેજન્ડ્સ ઓફ ટુમોરો', 'સુપરગર્લ', પ્રાઇમ વિડિયો પર 'ધ બોય્ઝ', 'ઇન્વિન્સિબલ'... યાદી લાંબી છે.
સુપરહીરોની વાર્તામાં ઘણાવાર એક વાત સામાન્ય હોય છે. એક સાધારણ વ્યક્તિ હોય અને એને અનાયાસે અનોખો પાવર મળી જતો હોય છે. એ પાવરનો એ વ્યક્તિ જે હવે સુપરહીરો છે, એ સારો ઉપયોગ કરીને બીજાનું ભલું કરવા મથે છે. ઘણીવાર આવા અચ્છે દિલવાલા સુપરહીરોને પડકારવા એની સામે થાય છે એવા જ કોઈક પાવર સાથેનો વિલન.
'સ્પાઇડરમેન', 'સુપરમેન', 'બેટમેન' વગેરે વગેરે બધાંમાં દર્શકો આ રીતનું મનોરંજન વારંવાર માણીને ધરાયા નથી. સુપરહીરોની પ્રગતિ કોમિક સ્ટ્રિપથી પડદા સુધી થવામાં એક મહત્ત્વનું સ્ટેશન એનિમેશન ફિલ્મો હતું. ટેક્નોલોજીએ ભૂસ્કા મારવાની શરૂઆત કરી અને પડદા ભલભલી કલ્પના સાકાર કરવી શક્ય થવા માંડી તેમ તેમ સુપરહીરોઝ એનિમેશનમાંથી રિયલિઝમમાં આવતા ગયા. હવે આવાં પાત્રો રિયલ અને એનિમેશન એમ બેઉ મોરચે સતત આવ્યા કરે છે.
આ પ્રકારની ફિલ્મો અને વેબ સિરીઝ સૌથી વધુ જોવી ગમે છે યુવાનોને. એક્સાઇટમેન્ટ અને અનોખાપણાને લીધે, ઇમ્પોસિબલ પોસિબલ થઈ રહ્યું જોઈને યુવાનો ઉત્તેજના અનુભવે છે. આવાં સર્જનો બાળકોમાં પણ ખાસ્સાં લોકપ્રિય છે. એટલું કે બાળકોને ધ્યાનમાં રાખીને બનતાં સુપરહીરો શોઝ કે ફિલ્મોમાં અનાપશનાપ ગંદકી ના હોય એ અપેક્ષિત હોય છે.
આપણે ત્યાં પણ સુપરહીરો આવ્યા છે. રજનીકાંત ફેમ 'રોબો' હજી થોડાં વરસો પહેલાંનો દાખલો છે. એમ તો વરસો પહેલાં 'મહાશક્તિમાન' અને બીજી ફિલ્મો પણ આવી હતી. એક મજાની વાત કરીએ. બોલિવુડમાં એક અરસો એવી ફિલ્મોનો હતો જેમાં હીરો અન્યાય સામે લડે અને ગરીબોનો બેલી બને. અમિતાભ બચ્ચન અને મિથુન ચક્રવર્તીએ આવી ઘણી ફિલ્મો કરી હતી. અસલમાં એ ફિલ્મો પણ એક રીતે સુપરહીરો ફિલ્મો જ ગણાય. એ અલગ વાત કે સુપરહીરો સર્જવાનો મોટો ઇજારો રહ્યો હોલિવુડ પાસે, ઓલમોસ્ટ હંમેશાં.


