Get The App

એશા દેઓલ : આત્મનિર્ભરતા એ જ સૌથી પહેલી સ્વતંત્રતા છે

Updated: Sep 11th, 2025

GS TEAM

Google News
Google News
એશા દેઓલ : આત્મનિર્ભરતા એ જ સૌથી પહેલી સ્વતંત્રતા છે 1 - image

- 'મને સામયિકો વાંચવા વધારે ગમે છે. જોકે સોશિયલ મીડિયાનું  મહત્ત્વ લગીરેય  ઓછું  ન આંકી શકાય.'

- 'આજે આપણે  જે દુનિયામાં જીવી રહ્યા છીએ ત્યાં પૈસા વિના તમે કંઈ ન કરી શકો એવો  માહોલ  સર્જાયો  છે. હું પોતે  પણ આ બાબતે  અન્ય કોઈ  પર આધાર રાખવાનું  પસંદ નથી કરતી.' 

પીઢ અદાકારા  હેમા માલિનીએ પોતાની બંને પુત્રીઓને જે રીતે ઉછેરી છે તે તેમના માટે જીવનની અણમોલ ભેટ સમાન  છે. આ વાત હેમા માલિનીની મોટી પુત્રી  એશા દેઓલ  સ્વયં કહે  છે.  પોતાની માતાની  જેમ જ એશા દેઓલ પણ બે પુત્રીઓની  મમ્મી છે.  તે કહે છે કે મારી મમ્મી  અમને બંને બહેનોને ડગલે ને પગલે જે સલાહો આપતી  તે અમે જીવનમાં ઉતારી  છે. અને હવે હું પણ મારી દીકરીઓમાં  એ સંસ્કારો રોપી  રહી છું.  માતાની  સલાહ જ  અંતે  આપણા  જીવનમાં  સંસ્કારની સુગંધ  ફેલાવે છે.

એશાના  મતે સૌથી પહેલી  સ્વતંત્રતા એટલે  આર્થિક  આત્મનિર્ભરતા. દરેકે  દરેક વ્યક્તિએ આર્થિક રીતે  પગભર હોવું  જ જોઈએ.  હું મારી દીકરીઓ  રાધા અને   મિરાયાને એવી રીતે ઉછેરી રહી છું  કે બંને મોેટી  થઈને દરેક રીતે  આત્મનિર્ભર  બને. તેમને અન્ય  કોઈની ઉપર  આધાર રાખવાની  જરૂર ન પડે.  ખાસ કરીને  નાણાંકીય  બાબતે.  આજે આપણે  જે દુનિયામાં જીવી રહ્યા છીએ ત્યાં પૈસા વિના તમે કંઈ ન કરી શકો એવો  માહોલ  સર્જાયો  છે. હું પોતે  પણ આ બાબતે  અન્ય કોઈ  પર આધાર રાખવાનું  પસંદ નથી કરતી. 

પોતાની માતો  પોતાને આપેલી  અસંખ્ય  સલાહો વિશે  અભિનેત્રી કહે છે કે કોઈપણ  મમ્મી  પાસે  તેની પુત્રી  માટે એક સલાહ ન હોય. તે તેમને કાયમ  કોઈને કોઈ શીખામણ  આપતી જ હોય. અને તેની દરેક શિખામણ  તેની પુત્રીઓ માટે પથદર્શક  બની રહે.  જો કોઈ મને એમ પૂછે કે તારી મમ્મીએ તને કઈ સોનેરી સલાહ આપી તો મારો જવાબ એ જ હોય કે તેની પાસે સોનેરી  શીખામણોનો  અખૂટ  ખજાનો  હોય છે. તમે તેને આંગલીના વેઢે ન ગણી શકો.

એશા બે પુત્રીઓની  માતા હોવાથી તેણે પોતાની કારકિર્દીનું ઘડતર પણ તદનુસાર કર્યું  છે.  તે કહે છે કે હું મારી માતા તરીકેની તેમ જ કલાકાર માટે આવશ્યક  હોય એ બંને ફરજનું  સંતુલન  સારી રીતે જાળવી જાણું  છું.  હું મારું કામ વ્યવસ્થિત રીતે કરી શકું છું.  તે અને તેનું કારણ એ છે કે હું એવાં કામ જ હાથ ધરું છું જે હું યોગ્ય રીતે કરી શકું તેમ હોઉં.  હું મારો  સમય, ઊર્જા અને પ્રયાસો નાહકના વેડપાઈ જાય એવા ંકામ કરવાનું વિચારતી પણ નથી.  સ્વાભાવિક રીતે જ મારા દરેક નિર્ણયો  યોગ્ય હોય છે.

એશાએ  અભિનય ક્ષેત્રે  શુભારંભ કર્યો ત્યારે   કલાકારો  માટે  ફિલ્મી સામયિકો જ સર્વસ્વ હતાં. જ્યારે આજે તેમની સામે સોશ્યલ  મીડિયા નામનો અફાટ દરિયો પડયો  છે. તેઓ  તેમાં પોતાના વિશે જે અને જેટલું જ ચાહે એટલું લખી શકે છે.  પરંતુ એશાને  આજની તારીખમાં  પણ સામયિકોનો સમય વધુ  વ્હાલો  છે. તે કહે છે કે  સોશ્યલ મીડિયાનું  મહત્ત્વ લગીરેય  ઓછું ન આંકી શકાય.  પરંતુ તમને દરેક વાતના કુલાસા આ પ્લેટફોર્મ  પર કરવાની જરૂર નથી હોતી.  જો તમે તમારા સઘળાં  ખુલાસા ત્યાં કરવા બેસો તો લોકો તમને  ટ્રોલ કરે જ. વળી  ખુલાસા  આપવા જ હોય તો આપ્તજનોેને આપવાં, અન્યોને નહીં.