FOLLOW US

ઍમા સ્ટોનની 'પૂઅર થિંગ્સ'ને વેનિસ ફિલ્મ ફેસ્ટીવલમાં દસ મિનિટનું સ્ટેન્ડિંગ ઓવેશન

Updated: Sep 14th, 2023


- 'પૂઅર થિંગ્સ'નાં ઉત્કટ દ્રશ્યોમાં બોલ્ડ અભિગમની જરૂર હતી. નાયિકાને કોઈ શરમ નહોતી અને ઍમાએ આવાં દ્રશ્યોના ચિત્રણમાં નગ્નતા વિશે કશો સંકોચ રાખવાનો નહોતો.  

વે નિસ ફિલ્મ ફેસ્ટિવલમાં ઍમા સ્ટોન અભિનીત *પુઅર થિંગ્સ* માટે ભરપૂર પ્રશંસા મળી. ૧૦ મિનિટથી વધુ સમય ચાલેલા સ્ટેન્ડિંગ ઓવેશન સાથે ફિલ્મના સ્ક્રીનીંગને દર્શકો તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો. એક અહેવાલ મુજબ દર્શકોએ દીર્ઘદ્રષ્ટા દિગ્દર્શકના સન્માન તરીકે યોર્ગોસ... યોર્ગોસના નારા પણ લગાવ્યા.

*પુઅર થિંગ્સ* સાયન્સ ફિક્શન, કલ્પના અને બ્લેક હ્યુમરનું આકર્ષક મિશ્રણ છે. એમ્મા સ્ટોન નાયિકા તરીકે એવી સ્ત્રીનું પાત્ર ભજવે છે, જે એક પાગલ વૈજ્ઞાાનિક દ્વારા સજીવન થાય છે અને સ્વ-શોધ અને જાતીય સ્વતંત્રતાની સફર શરૂ કરે છે. ફિલ્મને તેના અનોખા થીમ અને એમ્મા સ્ટોનના સાહસિક અભિનયને કારણે ઘણી ચર્ચા અને પ્રશંસાનું કેન્દ્ર બની છે.

કમનસીબે હોલીવૂડમાં ચાલી રહેલી હડતાળને કારણે ઍમા સ્ટોન ફેસ્ટીવલમાં હાજરી ન આપી શકી. જો કે ફિલ્મના દિગ્દર્શક યોર્ગોસ લેન્થિમોસે રોલ પ્રત્યે તેની અપ્રતિમ પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી. તેમણે પાત્રના પડકારજનક પાસા પર ભાર મુકતા કહ્યું કે તેમાં ઉત્કટ દ્રશ્યોમાં તેના નિડર અભિગમની જરૂર હતી. યોર્ગોસે જણાવ્યું કે આ પાત્રને કોઈ શરમ નહોતી અને ઍમાએ આવા દ્રશ્યોના ચિત્રણમાં તેના શરીર, નગ્નતા વિશે કોઈ શરમ રાખવાની નહોતી. ઍમા આ બાબત સારી રીતે સમજી ગઈ હતી. વધુમાં તેમણે શૂટીંગ દરમ્યાન આરામદાયક અને આદરયુક્ત વાતાવરણ સુનિશ્ચિત કરવામાં ઈન્ટીમસી કોઓર્ડિનેટરની મહત્વપૂર્ણ ભૂમિકાની પણ પ્રશંસા કરી. 

પૂઅર થિંગ્સ વેનિસ ફિલ્મ ફેસ્ટીવલ ખાતે ૨૨ અન્ય મહત્વની ફિલ્મો સાથે સ્પર્ધા કરીને પ્રતિષ્ઠિત ગોલ્ડન લાયન પ્રાઈઝની આશ રાખી રહી છે. આ પ્રતિષ્ઠિત એવોર્ડનો નિર્ણય લેનારી સન્માનીય જ્યુરીમાં ડાયરેક્ટર ડેમિયન શેઝેલ, જેન કેમ્પિયન અને ગયા વર્ષના વિજેતા લોરા પોઈટ્રાસ સામેલ છે. યોર્ગોસ લેન્થિમોસ માટે વેનિસ ફિલ્મ ફેસ્ટીવલ અજાણ્યું નથી કારણ કે ૨૦૧૮માં તેમની ફિલ્મ 'ધી ફેવરીટ'ને જ્યુરી એવોર્ડ અને ઓલિવિયા કોલમેનને શ્રેષ્ઠ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. એ ફિલ્મમાં પણ ઍમા સ્ટોન સામેલ હતી. પૂઅર થિંગ્સને પહેલેથી જ વ્યાપક કદર મળી છે અને કેટલાક વિવેચકોએ તેને ૧૦૦ ટકા પરફેક્ટ ફિલ્મ ગણાવી છે. અનેક વિવેચકોએ તો તેને સિનેમેટીક માસ્ટરપીસ તરીકે વર્ણવી છે. હોલીવુડના એક પ્રતિષ્ઠિત વિવેચકે  તેને *અતિ આનંદપ્રદ પરીકથા* તરીકે વર્ણવી છે જે અદભૂત કલાકારો દ્વારા ભજવવામાં આવેલા યાદગાર પાત્રોથી ભરપૂર અસંખ્ય અલગ અને રસપ્રદ વિશ્વની સફર કરાવે છે. એક વિવેચકે એમ્મા સ્ટોનના પરફોર્મન્સની પ્રશંસા કરતા કહ્યું કે તેનો અભિનય તેની કારકિર્દીને અભૂતપૂર્વ નવી ઊંચાઈએ લઈ ગયો છે. વેનિસમાં પૂઅર થિંગ્સએ દર્શકોને આકર્ષિત કર્યા છે એટલું જ નહિ પણ સાથે પોતાને પણ માન્યતા અને પ્રશંસા માટે પ્રથમ પંક્તિમાં સામેલ કરીને યોર્ગોસ લેન્થિમોસને દીર્ઘદ્રષ્ટા ડાયરેક્ટર તરીકે અને એમ્મા સ્ટોનને એક નિર્ભિક અને વર્સેટાઈલ એક્ટ્રેસ તરીકે સ્થાપિત કરી છે.


Gujarat
English
Magazines