પ્રસિદ્ધિ અને દેખાડાથી છવાયેલા ઉદ્યોગમાં બ્લન્ટને અન્યોથી નોખી કરતી બાબત છે ભૂમિકા પસંદ પ્રત્યે તેનો હતુપૂર્વકનો અભિગમ. ડેનિસ વિલેનીવ દિગ્દર્શિત 'સિકારિયો' (૨૦૧૫)માં તેનો પરફોર્મન્સ નિયંત્રિત તીવ્રતામાં માસ્ટક્લાસ સમાન હતો. આ રોલે તેને આલોચકોની પ્રશંસા મેળવી આપી અને સાબિત કર્યું કે તે કોઈપણ ગંભીર ભૂમિકા મક્કમતાથી નિભાવી શકે છે.
ત્યાર પછી ૨૦૧૮માં આવી જોન ક્રેસિન્સ્કી દિગ્દર્શિત 'એ ક્વાઈટ પ્લેસ' જેમાં તેણે ફરી એકવાર દર્શકોને સ્તબ્ધ કરી દીધા.
બ્લન્ટની પસંદગીમાં સમજદારી ડોકાય છે. છતાં બ્લન્ટ પણ પોતાની પસંદગી વિરુદ્ધની પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. ૨૦૧૦માં જેક બ્લેક અભિનિત ફેન્ટેસી કોમેડી 'ગુલીવર્સ ટ્રાવેલ્સ'માં તેની હાજરી આવો જ એક દાખલો હતો. અગાઉની નિર્ધારીત જવાબદારીઓને કારણે બ્લન્ટે અનિચ્છા છતાં આ ફિલ્મનો હિસ્સો બનવું પડયું હતું. બ્લન્ટે કબૂલ કર્યું કે મારે ગુલીવર ટ્રાવેલ્સ નહોતી કરવી, આવી ફિલ્મ બની તેનો પણ મને રંજ છે.
બોક્સ ઓફિસ પર ફિલ્મ સફળ રહી હોવા છતાં આલોચકોએ તેની ભારે ટીકા કરી હતી. પણ ભૂલોમાંથી બોધપાઠ લેવાની બ્લન્ટની ક્ષમતા તેની વ્યાવસાયિક પરિપકવતા દર્શાવે છે. આવા અનુભવને પોતાની ગતિમાં વિક્ષેપ પાડવા દેવાના સ્થાને તેણે અર્થસભર ભૂમિકા પસંદ કરવા પ્રત્યેની પ્રતિબદ્ધતા બમણી કરી નાખી. ત્યાર પછી તેણે 'એજ ઓફ ટુમોરો', 'મેરી પોપિન્સ રિટર્ન્સ' અને 'ઓપનહેમર' સહિતના પ્રશંસનીય પ્રોજેક્ટમાં અભિનય કર્યો, જે પ્રત્યેકમાં તેની અસાધારણ શ્રેણીનું અલગ પાસું જોવા મળ્યું.


