Get The App

કાં એઆઇનો ભોગ બનો અથવા તેને સાથી બનાવી દો : રાજેશ માપુસકર

Updated: Jan 15th, 2026

GS TEAM

Google News
Google News
કાં એઆઇનો ભોગ બનો અથવા તેને સાથી બનાવી દો : રાજેશ માપુસકર 1 - image

- 'એકટર્સનું સ્થાન એઆઇ લઇ શકે નહીં. સિનેમા હંમેશા જીવંત માનવસંબંધ પર નભે છે... અને આ સંબંધો કેવળ ફિલ્મ પૂરતાં મર્યાદિત હોતાં નથી.'

ટેકનોલોજીને કોઇ અટકાવી શકતું નથી. સિનેમાએ હમેંશા નવી ટેકનોલોજીને સતત અપનાવી પોતાનો આગવો માર્ગ કંડાર્યો છે. એક જમાનામાં મૂક બોલપટની બોલબાલા હતી. એ પછી અવાજ ઉમેરાતાં તેમાં સંગીતના સૂર પણ ભળ્યા. સિનેમાને કારણે એક અલગ જ પ્રકારનું સિનેમાસંગીત સર્જાયું. એ પછી વીએફએક્સથી માંડી સીજીઆઇ સુધીના અનેક ટેકનોલોજીકલ પડકારો સિનેમાએ બખૂબી ઝીલ્યા છે. હવે નવું પરિવર્તન એઆઇ બની રહેશે. આમાં પડકાર એ છે કે એઆઇનો સર્જનાત્મક ઉપયોગ કરી સિનેમાને વધારે મનોરંજક કે અર્થસભર કેવી રીતે બનાવવી? એઆઇનો માણસના સ્થાને ઉપયોગ કરી ખર્ચ ઘટાડવાનું કામ તો સામાન્ય ગણાય. ખરો પડકાર એઆઇ દ્વારા સિનેમાની ગુણવત્તા સુધારવામાં રહેલો છે. 

હવે 'ચિરંજીવી હનુમાન' નામની  ફિલ્મ બીજી એપ્રિલે રજૂ થવા જઇ રહી છે ત્યારે એઆઇ અને સિનેમાની ચર્ચામાં આ ફિલ્મના નિર્દેશક રાજેશ માપુસકરે પણ ઝંપલાવ્યું છે. રાજેશ માપુસકર કહે છે, 'કાં તો તમે એઆઇનો ભોગ બનો અથવા તેને તમારો સાથી બનાવી દો.' અનુરાગ કશ્યપ અને વિક્રમાદિત્ય મોટવાણી જેવા ફિલ્મ નિર્દેશકો એઆઇનો ઉપયોગ કરવા સામે વિરોધનો સૂર આલાપી રહ્યા છે. ત્યારે રાજેશ માપુસકર ભારપૂર્વક કહે છે, 'એઆઇ વિશે વાત કરો ત્યારે તેમાં ભય કરતાં સમજનું પ્રમાણ વધારે હોવું જોઇએ. મારી ફિલ્મને રજૂ કરવાનું મારા પર દબાણ છે અને એઆઇ વાપરવા સામે ફિલ્મ ઉદ્યોગમાં પ્રતિકાર પણ થઇ રહ્યો છે. પણ મારા માટે તો મારી સ્ટોરી કહેવા માટે મને એક નવું માધ્યમ વાપરવા મળશે તેનો રોમાંચ વધારે છે. 

રાજેશ માપુસકર પોતાની વાત રજૂ કરતાં કહે છે, 'હું ફિલ્મમેકિંગની એવી સ્કૂલમાંથી આવું છું જે માણસની લાગણીને પ્રથમ સ્થાન આપે છે. એવું નથી કે આ એઆઇ આવી એટલે હું આ ફિલ્મ બનાવી રહ્યો છું. મારા હનુમાનજી કોઇ એવી હસ્તી નથી જેને તમે કહો ગો એટલે તે ઉડવા માંડે.એનિમેશનની જેમ એઆઇ એક સાધન છે.  

 'હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં એઆઇને કારણે ધીમે ધીમે મોટું પરિવર્તનઆવી રહ્યું છે.  એઆઇ એટલે કે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  ઉત્તેજના જગાવે તેવી અને સાથે સાથે ભય પમાડે તેવી ટેકનોલોજી છે. એક્ટિંગ પર એઆઇની સંભવિત અસરો વિશે લોકોમાંએવો ભય પ્રવર્તે છે કે એઆઇ એક્ટર્સનું સ્થાન લઇ લેશે. પણ એક્ટિંગ એટલે શું એ પહેલાં સમજી લેવું પડે. એક્ટિંગ એટલે માત્ર પરફેક્ટ અભિવ્યક્તિ એવું નથી. કોઇ પણ પરફોર્મન્સ યાદગાર ત્યારે બને જ્યારે તેની પાછળ લાગણીની શક્તિ રહેલી હોય. એઆઇ હલનચલનની બરાબર નકલ કરી શકે પણ કોઇ ભાવની ભાવવાહી અભિવ્યક્તિ કરવામાં માણસ હજી એઆઇથી આગળ છે. જો માત્ર હાવભાવને જ એક્ટિંગ ગણવામાં આવતી હોત તો એઆઇએ એકટર્સને ક્યારના નવરા કરી નાંખ્યા હોત.' બદલાતી દુનિયામાં એઆઇ અભિવ્યક્તિના ક્ષેત્રમાં પણ તેના ચમત્કારો બતાવશે એવા અંદેશાને કારણે  હિન્દી ફિલ્મ જગતમાં પણ આ મામલે જાત જાતની વાતો થઇ રહી છે. પણ એઆઇ એક્ટર્સને રિપ્લેસ કરશે તેવા મંતવ્ય સાથે અસહમત થતાં રાજેશ માપુસકર કહે છે, 'મારા અંગત મતે એકટર્સનું સ્થાન એઆઇ લઇ શકે નહીં. સિનેમા હમેંશા જીવંત માનવસંબંધ પર નભે છે. હું મારા એક્ટર્સને સારી રીતે જાણું છું. તેઓ ક્યાં રહે છે તેઓ કઇ ભાષા બોલે છે તેની મને ખબર હોય છે. આ સંબંધો ફિલ્મ પૂરતાં મર્યાદિત હોતાં નથી.'

રાજેશ માપુસકર પોતાની વાતને સ્પષ્ટ કરતાં કહે છે, 'મારી પાસે ફોટોગ્રાફીના ડાયરેક્ટર, પ્રોડકશન ડિઝાઇનર, કોસ્ચ્યુમ  ડિઝાઇનર અને ઘણા બધા કસબીઓ છે. આ  બધાં ઉપરાંત ફિલ્મના એક્ઝિક્યુશન માટે હું એઆઇનો ઉપયોગ કરી રહ્યો છું. મારો આ અભિગમ વ્યવહારું છે. એઆઇનો ભોગ બનવા કરતાં તેની સાથે કામ કરી પ્રગતિ કરવી એ બહેતર છે.  વેલ સેઇડ, રાજેશ  માપુસકર!