Get The App

હિન્દી ફિલ્મોમાં બખૂબી થયું છે દશેરાનું નિરૂપણ

Updated: Sep 25th, 2025

GS TEAM

Google News
Google News
હિન્દી ફિલ્મોમાં બખૂબી થયું છે દશેરાનું નિરૂપણ 1 - image

 દશેરાને હવે થોડા જ દિવસો બાકી છે. ભગવાન શ્રીરામે અપરંપાર મુશ્કેલીઓ વેઠીને, અગણિત અવરોધો પાર કરીને સીતાજીને રાવણની ચુંગલમાંથી છોડાવ્યા ત્યારથી દશેરાની ઉજવણીની પરંપરા ચાલી આવે છે. ખરેખર તો દશેરા એટલે દુષ્ટ તત્ત્વો પર સારા તત્ત્વોનો વિજય. હિન્દી ફિલ્મોમાં કહાણીને અનુરૂપ તહેવારો વણી લેવાની પ્રથા ચાલી આવે છે. ચાહે તે હોળી હોય, દિવાળી હોય કે દશેરા. આજે આપણે કઈ કઈ ફિલ્મોમાં નવરાત્રિ-દશેરા દર્શાવવામાં આવ્યાં છે તેની વાત કરીશું.

બજરંગી ભાઈજાન (૨૦૧૫) 

સલમાન ખાન અને કરીના કપૂરને ચમકાવતી ફિલ્મ 'બજરંગી ભાઈજાન'માં 'તુ ચાહિયે...' ગીતમાં સમગ્ર રામલીલાના દ્રશ્યોને સરસ રીતે રજૂ કરવામાં આવ્યાં છે. ફિલ્મ સર્જક કબીર ખાને આ ઉત્સવ દ્વારા માનવતા અને પ્રેમનો સંદેશ આપવાનો પ્રયાસ કર્યો છે.

રાઉડી રાઠોડ (૨૦૧૨) 

અક્ષયકુમારે આ ફિલ્મમાં પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી છે. તે જ્યારે આખા ગામ સાથે મળીને દશેરાની ઉજવણી કરતો હોય છે ત્યારે જ વિલન તેની પીઠમાં છરો ભોંકે છે.

કહાની (૨૦૧૨) 

સુજોય ઘોષની મિસ્ટરી થ્રિલરમાં દશેરા, એટલે કે વિજયા દશમીને સરસ રીતે વણી લેવામાં આવી છે. સમગ્ર ફિલ્મમાં ગર્ભવતી 'વિદ્યા બાગચી', એટલે કે અભિનેત્રી વિદ્યા બાલન તેના ગુમ થયેલા પતિને શોધે છે અને રહસ્ય પરથી પડદો ઉઠતો જાય છે તેમ વિદ્યા આનંદની ચિચિયારીઓ પાડી ઉઠે છે. ફિલ્મ સર્જકે 'કહાની'ના અંતમાં વિજયા દશમી દરમિયાન જોરજોરથી વાગતા વાજિંત્રો અને સિંદુરથી લાલ થયેલી મહિલાઓ વચ્ચે એક એકલી પડેલી મહિલા એકલપંડે દુષ્ટનો વધ કરે છે તે બખૂબી રજૂ કર્યું છે.

દિલ્હી-૬ (૨૦૦૯) 

રાકેશ ઓમપ્રકાશ મેહરાએ દિલ્હીના ચાંદની ચૌકમાં આ સિનેમાનું ફિલ્માંકન કર્યું હતું. રામ નવમીની થીમની આસપાસ ફરતી આ મૂવીમાં એવો સંદેશો આપવામાં આવ્યો છે કે રામ-રાવણના સમયમાં મળેલાં શિક્ષા-સંદેશ આજે પણ એટલાં જ પ્રસ્તૂત છે. ફિલ્મમાં દશેરાના દ્રશ્યો જે રીતે દર્શાવવામાં આવ્યાં છે તે જોતાં સહેજે લાગે કે ફિલ્મ સર્જકે નાનપણથી જુની દિલ્હીમાં જે જોયું હતું તેનો સરસ ઉપયોગ આ મૂવીમાં કર્યો છે.

રંગ દે બસંતી (૨૦૦૬)  

રાકેશ ઓમપ્રકાશ મેહરાએ વધુ એક ફિલ્મમાં રામલીલાને મોટાપાયે રજૂ કરી હતી. 'રંગ દે બસંતી'માં આ તહેવાર મહત્ત્વની પશ્ચાદ્ભૂ તૈયાર કરે છે. 'ચંદ્રશેખર આઝાદ'ની ભૂમિકા ભજવતો આમિર ખાન દશેરાના દ્રશ્યો દરમિયાન બ્રિટિશ પોલીસોને હાથતાળી આપીને છટકી જાય છે.

સ્વદેસ (૨૦૦૪) 

આ ફિલ્મમાં દર્શાવવામાં આવેલા એક યાદગાર દ્રશ્યમાં ગામના વડિલો અમેરિકાથી પરત ફરેલા 'મોહન ભાર્ગવ'ને તેની અમેરિકાની જિંદગી વિશે પ્રશ્નો પૂછે છે. આ મૂવીમાં ફિલ્મ સર્જકે ભારત અને આપણા પરંપરાગત પર્વો પર સરસ પ્રકાશ ફેંક્યો છે. કહેવાની જરૂર નથી કે સ્વદેશમાં શાહરૂખ ખાને તેની આજદિન સુધીની ફિલ્મોમાંથી શ્રેષ્ઠ અભિનય કર્યો છે.

કુરૂક્ષેત્ર (૨૦૦૦) 

આ ફિલ્મ રીતસર આ તહેવારની ઉજવણીની થીમ પર બનાવવામાં આવી છે. નરસા પર સારાના વિજયને તેમાં બખૂબી રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં ઈમાનદાર પોલીસ અધિકારીની ભૂમિકા ભજવતો સંજય દત્ત ફટાકડાંના અવાજમાં અપરાધીઓને ઢસડે છે, પણ તેમની બૂમરાણ ફટાકડાંના અવાજમાં કોઈ નથી સાંભળતું. ફિલ્મ સર્જક મહેશ માંજરેકરે રીતસર રામના હાથે રાવણને વધ થતો હોય એવાં દ્રશ્યો અસરકારક રીતે રજૂ કર્યાં છે.

બ્રહ્માસ્ત્ર (૨૦૨૨)

શિવ દશેરા ઉજવણી દરમિયાન રણબીર કપૂર ગીત 'ડાન્સ કા ભૂત'  ગીત પર નૃત્ય કરતો જોઈ શકાય છે. ગીતમાં રણબીર રાવણ દહન દરમિયાન ઢોલના પિરામિડ પર નૃત્ય કરે છે.