- 'દર્શકો હવે સિક્વલોથી કંટાળી ગયા છે. તેમને મૌલિક કોન્ટેન્ટ જોઈએ છે. જે નિર્માતાઓને માત્ર પૈસા કમાવામાં જ રસ છે તેમના માટે સિક્વલ એ સહેલો ઉપાય છે'
હોલિવુ સ્ટાર અમાન્ડા સેફ્રીડને સિક્વલો, રિમેક અને સુપરહીરો ફ્રેન્ચાઈસી પર વધતી નિર્ભરતા બાબતે ભારે અસંતોષ છે. જ્યુરાસિક વર્લ્ડ રિબર્થ, ફેન્ટેસ્ટીક ફોર અને સુપરમેન જેવા ઉનાળુ બ્લોકબસ્ટરો મનોરંજન ઉદ્યોગમાં પ્રભુત્વ જમાવી રહ્યા છે અને મૌલિક વાર્તાઓને કોઈ મંચ નથી મળી રહ્યું.
તેણે ઉપરાઉપરી સીક્વલ બનાવવાના ટ્રેન્ડ પાછળ સાહસની ભાવનાનો અભાવ અને આર્થિક લાભને મુખ્ય કારણ ગણાવ્યું. સેફ્રીડના મતે દર્શકો હવે સીક્વલથી કંટાળી ગયા છે. તેમને મૌલિક કન્ટેન્ટ જોઈએ છે. જેને માત્ર પૈસા જ કમાવવા છે તેના માટે સીક્વલ સહેલો ઉપાય છે. જોકે સુપરમેનમાં લુઈસ લેનનું પાત્ર ભજવનાર બ્રોસનાહે સ્પષ્ટતા કરી કે તે ખુશીથી સીક્વલ કરવા તૈયાર છે. કલાકારોએ પોતાના નિર્ણયોને પ્રમાણિકપણે વળગી રહેવું જોઈએ. બ્રોસનાહનના મતે આવી ફિલ્મોમાં કામ કરનાર તમામ કલાકાર સભાનપણે પસંદગી કરતા હોય છે અને તેમણે આ બાબતનો કોઈપણ પસ્તાયા વિના સ્વીકાર કરવો જોઈએ.
રિમેક અને સીક્વલ વિશે સેફ્રીડની ટીકાઓ છતાં તે હજી પણ તેના કેટલાક ભૂતકાળના પ્રોજેક્ટને યોગ્ય સંજોગો હેઠળ ફરી ભજવવા તત્પર છે. ખાસ કરીને તેણે તેની કલ્ટ પસંદગી 'જેનિફર્સ બોડી'ની સહકલાકાર એડમ બ્રોડી સાથે રિમેક માટે ઈચ્છા વ્યક્ત કરી. સેફ્રીડે એના માટે એક પારલૌકિક વળાંક સૂચવ્યો જેમાં સરળતાથી મૃત પાત્રોને પાછા બોલાવી શકાય છે.
સેફ્રીડે જેનિફર્સ બોડીના બીજા ભાગ માટેની ઈચ્છા વ્યક્ત કરી. તેના કારણમાં સેફ્રીડે જણાવ્યું કે આ ફિલ્મમાં પારલૌકિક પાત્રો હોવાથી તેમાં કંઈ પણ થઈ શકે છે. પણ મૂળ ફિલ્મમાં પોતાના પાત્રનું મોત થયું હોવાથી તે એક શૈતાન તરીકે પાછી ફરી શકે છે.
સેફ્રીડ અને બ્રોસનાહન બંને એક વાતે સહમત થયા કે સીક્વલોને જો ચિવટથી, રચનાત્મકતા અને સામગ્રી માટે ખરી ધગશથી અપનાવવામાં આવે તો તેના માટે પણ અવકાશ છે. પછી તે મામા મિયા જેવી દર્શકોની મનપસંદ હોય અથવા જેનિફર્સ બોડી જેવી જૂની ફિલ્મોને નવો ઓપ અપાયો હોય અથવા સમગ્ર પણે નવી જ વાર્તા રચાયેલી હોય, જરૂર છે માત્ર બોક્સ ઓફિસના વળતર પર ધ્યાન આપવાના સ્થાને કલા પ્રત્યે પ્રમાણિક પ્રતિબદ્ધતાની.


