- સિને મેજિક- અજિત પોપટ
- 'હીના' ફિલ્મનું 'કબ આઓગે, કબ આઓગે, જિસ્મ સે જાં જુદા હોગી ક્યા તબ આઓગે, દેર ના હો જાયે કહીં દેર ના હો જાયે...' ગીત લતા, સુરેશ વાડકર, સતીશ અને ફરીદ સાબરીના કંઠે રજૂ થયું છે, જે વિરહિણી નાયિકાના મનની વેદનાને રજૂ કરે છે. આ ગીતની તર્જ પણ સાંભળનારને ગદગદ કરી દે છે
૧૯૮૫માં 'રામ તેરી ગંગા મૈલી' આવી અને બોક્સ ઓફિસ પર છવાઇ ગઇ. એ પછી રાજ કપૂરની ઇચ્છા ભારત-પાકિસ્તાનનાં પાત્રોને જોડતી એક રોમાન્ટિક ફિલ્મ બનાવવાની હતી. આર.કે. ફિલ્મ્સ આથક રીતે સદ્ધર બેનર હતું પરંતુ એકધારા ધૂમ્રપાન અને સુરાપાનના પગલે રાજ કપૂરનું સ્વાસ્થ્ય કથળી ગયું હતું. ૧૯૮૮ંમાં દાદાસાહેબ ફાળકે એવોર્ડ જેવો પ્રતિતિ એવોર્ડ લેવા એ હોંશભેર પાટનગર નવી દિલ્હી ગયેલા. રાષ્ટ્રપતિ ભવનમાં મહાનુભાવો સાથે બેઠા હતા. એમનું નામ બોલાયું અને ત્યારના રાષ્ટ્રપતિ રામસ્વામી વેંકટરામન હાથમાં એવોર્ડ લઇને રાજ કપૂર સ્ટેજ પર આવે એની વાટ જોતા હતા. રાજ કપૂર બેઠક પરથી પોતાના પગ પર ઊભો રહી શક્યા નહીં. ફસડાઇ પડયા. રાષ્ટ્રપતિ પોતે નીચે આવ્યા અને રાજ કપૂરને એવોર્ડ આપ્યો. તત્કાળ રાજ કપૂરને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સ લઇ જવાયા. ત્યાંથી રાજ કપૂર કદી પાછો આવ્યા નહીં. ભારત-પાકિસ્તાનનાં પાત્રોને જોડતી રોમાન્ટિક ફિલ્મ બનાવવાનું એનું સ્વપ્ન અધૂરું રહી ગયું. એ સ્વપ્ન સાકાર કર્યું રણધીર કપૂર (ડબ્બુ)એ. આ ફિલ્મ એટલે 'હીના' (૧૯૯૧).
'રામ તેરી ગંગા મૈલી' ભલે સુપરહિટ નીવડી, પણ ફિલ્મનો હીરો રાજીવ કપૂર હીરો તરીકે બહુ લાંબું ખેંચી શકે તેવું લાગતું નહોતું. વો લંબી રેસ કા ઘોડા નહીં હૈ... એવું ગોસિપ કોલમિસ્ટોએ લખેલું. એટલે 'હીના'માં ડબ્બુએ સમજી વિચારીને રિશી કપૂરને હીરો તરીકે લીધો. હીરોઇન તરીકે પાકિસ્તાની નવોદિત ઝેબા બખ્તિયારને લીધી. સમાંતર અભિનેત્રી તરીકે નવોદિત અશ્વિની ભાવેને લીધી. ચાર કરોડના ખર્ચે હીના બનાવી. બોક્સ ઓફિસ પર બાર કરોડથી વધુની કમાણી કરી. ફિલ્મ હિટ નીવડી.
ે'આદમી હોતા હૈ ઇન્સાં ઠોકરે ખાને કે બાદ, રંગ લાતી હૈ હીના પથ્થર પે પીસ જાને કે બાદ...' આ શેર તમે પણ સાંભળ્યો હશે. હીનાનો એક અર્થ મેંદી થાય છે. આ ફિલ્મમાં એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચે સંવાદ હોવાનો સંદેશ હતો તો બીજી બાજુ પ્રણય ત્રિકોણની કથા હતી. શરાબી, ઘાતકી સ્વભાવનો અને વાસનાઘેલો પોલીસ અધિકારી હતો, તદ્દન અજનબીને મદદ કરવા ઉત્સુક ગ્રામજનો હતા અને કલરફૂલ ફોટોગ્રાફી હતી. કશ્મીરનાં ગણાવાયેલાં દ્રશ્યો હિમાચલ પ્રદેશના મનાલી વિસ્તારમાં ઝડપ્યાં હતાં. કેટલુંક શૂટિંગ પાકિસ્તાનના ઇસ્લામાબાદના મુર્રી વિસ્તારમાં કરેલું તો થોડુંક શૂટિંક્ સ્વિત્ઝર્લેન્ડ અને ઓસ્ટ્રિયામાં થયું હતું. ફિલ્મના સંવાદો પાકિસ્તાની લેખિકા હસીના મોઇને લખ્યા હતા. શમ્મી કપૂરે સૂત્રધારની ભૂમિકા અદા કરી હતી.
ચંદર અને ચાંદનીનું સગપણ થવાનું હતું એ અરસામાં ચંદરની કારને એક્સિડન્ટ થાય છે. એનું શરીર જેલમ નદીમાં તણાતું તણાતું પાકિસ્તાનની હદમાં પ્રવેશે છે. ત્યાં એક યુવતી હીના એને જુએ છે. પોતાના ત્રણ ભાઇ અને વિધુર પિતા સાથે રહેતી હીના ગામડાની મહિલા વૈદ અને કુટુંબીજનોની સહાયથી પેલા યુવાનને બચાવે છે. પેલાએ યાદદાસ્ત ગુમાવી દીધી છે. હીના એના પ્રેમમાં પડે છે. ગામનો પોલીસ દરોગો બે વાર પરણ્યો છે છતાં ત્રીજી વાર હીનાને પરણવા માગે છે. હીનાના એક ભાઇનો સાથ લીધો છે. થોડોક સંઘર્ષ થાય છે. એમાં હીના જાન ગુમાવે છે. ચંદર સ્વદેશ પાછો ફરે છે. ફિલ્મનાં ગીતોમાં એક બંદગી મૌલાના કાદરીએ રચી છે. ચંદરને સાજો કરવા માટે આ બંદગી મુહમ્મદ અઝીઝના કંઠે રજૂ થાય છે. પ્રાત:કાલીન રાગ ભૈરવ અને તાલ કહરવામાં ગવાતી આ બંદગી સાંભળનારને ગમગીન કરી દે એવી છે- 'મરહબા સૈયદી મક્કી મદની ઉલ અરબી, દિલો જહાં હિદાયત સે અજબ ખુશ ના કભી, હો કે માયૂસ તેરે દર સે સવાલી ન ગયા, ખાલી હાથ આયા થા મગર લૌટ કે ખાલી ન ગયા...'
ટાઇટલ ગીત 'મૈં હૂં ખુશરંગ હીના...' પહેલી વાર ખુશીના સ્વરમાં અને બીજી વાર ગમગીનીના સ્વરમાં લતાના કંઠમાં છે. સર્વદા સુખદાયિની ભૈરવીમાં ગીતનો ઉપાડ થાય છે. ત્યારબાદ રાગ બસંત મુખારીમાં થઇને ફરી ભૈરવીમાં મુખડું પાછું ફરે છે.
કથાની બંને નાયિકાને લાગુ પાડી શકાય એવી એક રચના 'બેદર્દી તેરે પ્યાર ને દિવાના કર દિયા, કહીં ભી ન લાગે જીયા, ઓ બેદર્દી...' રોમાન્સરંગી રાગ પહાડીમાં છે. પ્યારની નાકામીને વર્ણવતું એક ગીત લતા અને સુરેશ વાડકરના કંઠમાં છે. 'મેરે જગને સે પહલે હાય રે મેરી કિસ્મત સો જાતી હૈ, મૈં દેર કરતા નહીં, દેર હો જાતી હૈ, ઓ મેરા સાથ યહી મુશ્કિલ, પાસ હુયી મંજિલ ખો જાતી હૈ...'
કવ્વાલીનુમા એક ગીત લતા, સુરેશ વાડકર, સતીશ અને ફરીદ સાબરીના કંઠે રજૂ થયું છે, જે વિરહિણી નાયિકાના મનની વેદનાને રજૂ કરે છે. 'કબ આઓગે, કબ આઓગે, જિસ્મ સે જાં જુદા હોગી ક્યા તબ આઓગે, દેર ના હો જાયે કહીં દેર ના હો જાયે...' આ ગીતની તર્જ પણ સાંભળનારને ગદગદ કરી દે છે.
પંજાબી શૈલીનું એક ગીત નક્શ લાયલપુરીએ રચ્યું છે. લતાના કંઠે ગવાયેલા આ ગીતનું મુખડું છે, 'ચિટ્વીયેં ની દર્દ ફિરાક વાલિયે લેજા લેજા સંદેશા સોને યાર દા...' આ ગીત રાગ ખમાજના આધારે ઉપડે છે. અંતરામાં રાગ માંડમાં થઇને પહાડીનો ટેકો લેતું ખમાજમાં ફરી મુખડા પર આવી જાય છે.
ફિલ્મનાં મોટા ભાગનાં હિટ ગીતોની આ એક ઝલક હતી. ફિલ્મનાં ગીત-સંગીતને સારો આવકાર સાંપડયો હતો. ફિલ્મ હિટ થવાનાં કારણોમાં સંગીત પણ એક હતું એવું સૌએ સ્વીકાર્યું હતું.


