દિશા પટ્ટણી: ફેશન, ફાયરિંગ અને અસલી એન્કાઉન્ટર
- સોશિયલ મીડિયા ક્વીનથી સિલ્વર સ્ક્રીનની નાયિકા સુધી
- દિશા પટ્ટણીની પબ્લિક ઈમેજ તેની ફિલ્મો પર નહીં, પણ એની બોલ્ડ ફેશન પર ટકેલી છે. નિમિત્ત સારું હોય કે માઠું, દિશા કાયમ ચર્ચામાં તો રહે જ છે
દિશા પટ્ટણીના ઉત્તર પ્રદેશ સ્થિત બરેલી શહેરમાં આવેલા ઘર પર થોડા દિવસો પહેલાં ગોળીબાર થઈ ગયો, ને જોરદાર સનસનાટી ફેલાઈ ગઈ. શા માટે થયું હતું આ ફાયરિંગ? કારણ એવું સામે આવ્યું કે દિશાની બહેન ખૂશ્બુ પટ્ટણીએ ખાસ્સી એવી લોકચાહના ધરાવતા આધ્યાત્મિક ગુરૂ પ્રેમાનંદ મહારાજ તેમજ અનિરુદ્ધાચાર્યજી વિરુદ્ધ નિવેદનો કર્યાં હતાં. તેથી સંભવત: તેમના અનુયાયીઓએ બરેલીમાં આવેલા દિશાના બાપદાદાના મકાન પર ફાયરિંગ કર્યંુ. સદભાગ્યે કોઈને ઈજા ન થઈ. બે હુમલાખોરોનું પછી તો એન્કાઉન્ટર પણ થઈ ગયું.
દિશા અત્યારે ભલે ભળતાં જ કારણોસર સમાચારોમાં છવાયેલી હોય, પણ સામાન્ય સંજોગોમાં એ પોતાના સ્ટાઇલિશ ફોટોશૂટ, ફેશન સ્ટેટમેન્ટ અને ખાનગી જીવનની અફવાઓ માટે ન્યુઝમાં રહેતી હોય છે. એની કારકિર્દીમાં હવે 'આવારાપન ટુ' ફિલ્મથી કદાચ એક નવો વળાંક આવે, તેમ બને.
શું જમાનો આવ્યો છે - હવે ફ્લોપ ફિલ્મોની પણ સિક્વલો પણ બનવા લાગી છે! ૨૦૦૭ની ફિલ્મ 'આવારાપન' બોક્સ ઓફિસ પર ભલે નિષ્ફળ નીવડી હોય, પણ દાવો એવો થાય છે કે સમયની સાથે તેને 'કલ્ટ સ્ટેટસ' મળી ગયું છે. તેનાં ગીત 'તો ફિર આઓ', 'તેરા મારા રિશ્તા' અને 'માહિયા' લોકપ્રિય બન્યાં હતાં. હવે 'આવારાપન-ટુ'ની જાહેરાત થઈ છે અને તેમાં ઈમરાન હાશ્મિ સાથે દિશા પટ્ટણી સ્ક્રીન શેર કરશે.
ફિલ્મના દિગ્દર્શક નીતિન કક્કડ છે. આ સિક્વલમાં સંભવત: રોમાન્સ અને ઈમોશનનો ડબલ ડોઝ હશે. જ્યારે મુકેશ ભટ્ટ અને નીતિને ફિલ્મની સ્ક્રિપ્ટ દિશાને સંભળાવી, ત્યારે તેણે હા પાડવા માટે જરાય વાર નહોતી લગડી.
દિશાને બોલિવુડની ફેશન ક્વીન કહેવામાં આવે તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી. તેના સોશિયલ મીડિયાની તસવીરો ટ્રેન્ડ સેટ કરે છે. પછી તે હાલનો સ્કર્ટવાળો ફોટોશૂટ હોય અથવા જીમ લૂક્સ હોય, દિશા કાયમ હેડલાઈન્સ તફડાવી લે છે. થોડા અરસા પહેલાં તેનો બ્લેક સ્કર્ટવાળા ફોટોશૂટ ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો હતો. એના બોલ્ડ અંદાજે ચાહકોને ઘેલા તો કર્યા જ્યારે કેટલાક આલોચકોએ તેને પરંપરા તોડનારી ગણાવીને વખોડી કાઢી. આ જ દિશાની વિશેષતા છે - નિમિત્ત સારું હોય કે માઠું, એ કાયમ ચર્ચામાં તો રહે જ છે.
દિશાની કારકિર્દી 'એમ.એસ.ધોની: ધી અનટોલ્ડ સ્ટોરી' ફિલ્મ સાથે શરૂ થઈ હતી. જોકે તેના તે પછી તેની સફર સરળ નહોતી રહી. તેની 'બાગી-ટુ' અને કેટલીક દક્ષિણની ફિલ્મોને સફળતા મળી, પણ એના કેટલાય પ્રોજેક્ટ્સ ફ્લોપ પણ ગયા.
છેલ્લે રજૂ થયેલી એની સૂર્યા સ્ટારર 'કંગુવા' બોક્સ ઓફિસ પર પિટાઈ ગઈ. 'આવારાપન-ટુ' ઉપરાંત દિશા 'અર્જુન અસ્ત્ર' નામની ફિલ્મમાં શાહિદ કપૂર સાથે કેમિયો રોલમાં નજરે પડશે.
દિશાની પબ્લિક ઈમેજ તેની ફિલ્મોથી નહિ, પણ તેની બોલ્ડ ફેશન પસંદ પર ટકેલી છે. તેના જીમ આઉટફિટ્સ, રેડ કારપેટ ડ્રેસ અને ફોટોશૂટ્સ તેના ચાહકો વચ્ચે ચર્ચાનો વિષય બનેલા હોય છે. દિશાની આ બોલ્ડ બ્રાન્ડિંગ જ તેને એવી અભિનેત્રીઓની કતારમાં ઊભી રાખે છે. એ માત્ર ફિલ્મોથી નહિ, પણ પોતાની લાઈફસ્ટાઈલથી લાખો લોકોને પ્રભાવિત કરતી હોય છે.
દિશાનું નામ લાંબા સમયથી ટાઈગર શ્રોફ સાથે જોડાયેલું રહ્યું. બંનેની ઓન-સ્ક્રીન અને ઓફ-સ્ક્રીન કેમિસ્ટ્રીએ અફવાઓને બળ આપ્યું. જોકે હવે બંને અલગ થઈ ચુક્યા છે.
ત્યાર પછી દિશાનું નામ કે-પોપ સ્ટાર જેક્સન વાંગ સાથે જોડાયું. ૨૦૨૩માં મુંબઈ યાત્રા અને સાર્વજનિક કાર્યક્રમોએ આવી ચર્ચાઓને હવા આપી. જોકે, જેક્સને હાલમાં જ સ્પષ્ટતા કરી કે અમે માત્ર મિત્રો છીએ. જેક્સને ઉમેર્યું કે તે હાલમાં સિંગલ જ છે અને સંબંધ બનાવવા હાલ તલપાપડ નથી.
દિશાની તસવીરો સોશિયલ મીડિયા પર ધમાલ મચાવે છે. અમુક નેટિઝને દિશાની તસવીરોને ધાર્મિક વિવાદ સાથે જોડીને તેની આકરી આલોચના પણ કરી હતી. જોકે દિશા આલોચનાની પરવા કર્યા વિના લગાતાર એવું જ કરતી રહી છે, જે તેને યોગ્ય લાગે છે.
બરેલીમાં થયેલા ફાયરિંગ કાંડ સાથે જોકે દિશાની બહેન સંકળાયેલી છે તે અલગ કહાણી છે!