- 'શું બાળકોના હિત માટે બોલવું ખોટું છે? અનુપર્ણાએ તો માત્ર પોતાનો અભિપ્રાય આપ્યો છે. દેશને ગૌરવાન્વિત કરનાર કલાકાર સાથે અમુક લોકો આવો અભદ્ર વ્યવહાર કેમ કરે છે?'
ભારતીય ફિલ્મમેકર અનુપર્ણા રોયે હમણાં વેનિસ ફિલ્મ ફેસ્ટિવલ, ૨૦૨૫માં ઈતિહાસ રચ્યો. પોતાની ડેબ્યુ ફિલ્મ 'સોંગ્સ ઓફ ફરગોટન ટ્રીઝ' માટે બેસ્ટ ડિરેક્ટરનો ઓરિઝોન્ટી એવોર્ડ મેળવનાર એ પહેલા ભારતીય ફિલ્મમેકર છે. પરંતુ અનુપર્ણા રોયે એવોર્ડ સ્વીકારતી વખતે જે ઇમોશનલ સ્પીચ આપી એને કારણે એ આખા વિશ્વના મીડિયામાં ચમક્યંા અને કોઈએ ધાર્યો નહોતો એટલો વિવાદ સર્જાયો. રોયે સજળ આંખે પોતાની સ્પીચમાં પેલેસ્ટિનને સપોર્ટ આપતા કહ્યું હતું કે, 'દરેક બાળક શાંતિ અને સ્વતંત્રતાનો હકદાર છે અને એમાં પેલેસ્ટિનિયન બાળકો અપવાદ નથી. મારે અહીં આવું બોલીને કોઈની તાળીઓ નથી જોઈતી. પરંતુ અત્યારે પેલેસ્ટાઇનની પડખે ઊભા રહેવાની જવાબદારી છે. આવું કહીને કદાચ હું મારા દેશને નારાજ કરીશ પણ મને એની હવે પરવા નથી.'
અનુપર્ણાની સ્પીચની ક્લિપ વાયરલ થતા એને ઓનલાઈન સપોર્ટ અને ટીકા બંને મળી. ઘણાએ મહિલા ડિરેક્ટરની હિંમતને બિરદાવી તો બીજાએ આવી ટીપ્પણી બદલ એમના પર માછલાં ધોયા. સોશિયલ મીડિયા પર આ પ્રકરણ એક ઉગ્ર ડિબેટમાં ફેરવાઈ ગયું. વાત એટલી બધી વધી ગઈ કે બંગાળના પશ્ચિમ બર્ધમાન જિલ્લાના કુલ્તીમાં રહેતાં અનુપર્ણાના માતા-પિતાએ એના પિતા બ્રહ્માનંદ રોયે કહ્યું, 'અમારી પુત્રીએ દેશને ગૌરવ અપાવ્યા બાદ જે બની રહ્યું છે એનાથી અમે વિચલિત અને ચિંતિત છીએ. સોશિયલ મીડિયા પર અમારી દીકરીને પેલેસ્ટાઈનમાં બાળકોની દયનીય દશા પર બોલવા બદલ ટાર્ગેટ બનાવાઈ રહી છે. એણે માત્ર એટલું કહ્યું છે કે દરેક બાળક શાંતિનું હકદાર અને પેલેસ્ટીન એમાં અપવાદ નથી. અનુપર્ણા એમાં કાંઈ ખોટુ નથી બોલી.'
મહિલા ડિરેક્ટરની માતા મનીષા રોયે પણ લોકોને પોતાની પુત્રી પર ટીકાનો મારો ચલાવવાનું બંધ કરવાની અપીલ કરતા કહ્યું 'શું બાળકોના હિત માટે બોલવું ખોટું છે? એણે તો માત્ર પોતાનો ઓપિનિયન આપ્યો છે. એણે અમને અને દેશને ગૌરવાન્વિત કર્યો છે. આવી વ્યક્તિ સાથે અમુક વર્ગના લોકો આવો વ્યવહાર કરે છે?'
ખેર! અનુપર્ણાને મળેલો એવોર્ડ ભારતીય સિનેમા માટે એક નિશંકપણે એક સીમાચિન્હ છે. એની ફિલ્મ 'સોંગ્સ ઓફ ફરગોટન ટ્રીજ' મુંબઈમાં રહેતી બે સ્ત્રીઓના જીવનની સ્ટોરી છે. અનુરાગ કશ્યપે પ્રેજન્ટ કરેલી મૂવીમાં નાઝ શેખ અને સુમી બઘેલ લીડ રોલમાં છે.


