'ડિપ્લોમેટ' જ્હોન અબ્રાહમને હાલ ઓટીટીમાં રસ નથી
- 'આ તબક્કે હું ઓટીટીની કોઈ સિરીઝ કે ફિલ્મમાં એક્ટર તરીકે આવવા નથી ઇચ્છતો. એટલા માટે કે હું બિગ સ્ક્રીન માટે જ બન્યો હોઉં એવું મારું માનવું છે. અલબત્ત, મને ઓટીટી મીડિયમ પ્રત્યે બહુ આદર છે.'
જ્હોન અબ્રાહમ સ્ટારર 'ધ ડિપ્લોમેટ' થિયેટ્રીકલ રિલિઝ બાદ આ મહિનાથી ઓટીટી પર સ્ટ્રીમ થઈ રહી છે. સત્ય ઘટના પર આધારિત ફિલ્મ દર્શકોને ગમી છે. જ્હોન 'ધ ડિપ્લોમેટ'નો પ્રોડયુસર પણ છે. એની જગ્યાએ બોલિવુડનો બીજો કોઈ એક્ટર-પ્રોડયુસર હોત તો તરત ઓટીટીમાં ફુલફ્લેજ્ડ ઝંપલાવી દેત, પરંતુ અબ્રાહમ નોખી માટીનો માનવી છે. 'ધ ડિપ્લોમેટ'ને ડિજિટલ મીડિયમમાં સારો રિસ્પોન્સ મળવા છતાં એનો હાલ પુરતો ઓટીટીમાં એન્ટ્રી લેવાનો કોઈ પ્લાન નથી.
જોન કહે છે, 'ઓટીટી માટે કોઈ પ્રોજેક્ટ કરવા તમારી પાસે બિગ ઓફિસ સેટ-અપ હોવો જોઈએ. એમાં તમારા ઘણા બધા લોકોને કામે લગાડવા પડે. વેબ સિરીઝ બનાવીને તમે સારા એવા પૈસા કમાવ એટલે તમારા મગજમાં ખોટી રાઈ ભરાઈ જાય એટલે આ બધામાં પડવામાં હાલ પુરતું મને કોઈ વજુદ નથી લાગતું. મીડિયામાંથી મને એવું પૂછાય છે કે તમે શું ક્યારેય કોઈ ઓટીટી પ્રોજેક્ટને ફાયનાન્સિયલી સપોર્ટ નહીં કરો? એ સંદર્ભમાં મારો અભિગમ એવો છે કે મને ઓટીટીના પ્રોડયુસર બનવું ગમશે. પરંતુ એ ત્યારે જ બનશે જ્યારે મારી પાસે કહેવા માટે કોઈ સારી સ્ટોરી હોય. ફક્ત બિઝનેસ પુરતો હું આ મિડીયમ સાથે જોડાવા નથી માગતો'
તો શું બાવન વરસનો જ્હોન એક એક્ટર તરીકે પણ ડિજિટલ મીડિયામાં એન્ટ્રી નહીં કરે? એવું પૂછાતા અબ્રાહમ શબ્દો ચોર્યા વિના કહી દે છે, 'આ તબક્કે હું ઓટીટીની કોઈ સિરીઝ કે ફિલ્મમાં એક્ટર તરીકે આવવા નથી ઇચ્છતો. એટલા માટે કે હું બિગ સ્ક્રીન માટે જ બન્યો હોઉં એવું મારું માનવું છે. અલબત્ત, મને ઓટીટી મીડિયમ પ્રત્યે બહુ આદર છે. ઓટીટી પર જોવા મળતું ઇન્ટરનેશનલ કોન્ટેન્ટ અને અમુક ઇન્ડિયન પ્રોજેક્ટ્સ ખરેખર આઉટસ્ટેન્ડિંગ હોય છે.'