ડીનો મોરિયાની હેન્ડસમ હીરોથી સ્વાદિષ્ટ સલાડ સુધીની સફર!
- 'મેં સિગારેટ કે શરાબને ક્યારેય સ્પર્શ પણ નથી કર્યો. કરીશ પણ નહીં, કારણ કે બંને વસ્તુ ઝેર સમાન છે. પૌષ્ટિક આહાર, હળવી કસરત, મીઠું મધુરું સંગીત તમને સદાય તન-મનથી તંદુરસ્ત રાખશે'
બોલિવુડનો ડીનો મોરિયા આજકાલ બહુ બહુ ચર્ચામાં છે. એક કરતાં વધુ બાબતમાં. એક, મુંબઇની મીઠી નદીમાંથી ગાળ કાઢવાની કામગીરીમાં થયેલા નાણાકીય વ્યવહારમાં અને બે, વેબ સિરિઝ 'ધ રોયલ્સ'માં સલાડ નામના પાત્ર વિશે.
હા, એક તબક્કે બોલિવુડના ચોકલેટી બોય તરીકે ઓળખાતો ડીનો મોરિયાએ 'ધ રોયલ્સ' નામની વેબ સિરિઝમાં સલાડ નામની વ્યક્તિનું પાત્ર ભજવ્યું છે.
બેંગલુરુમાં ઇટાલિયન પિતા અને ભારતીય માતાના પરિવારમાં જન્મેલા ડીનો મોરિયા જોકે સ્પષ્ટતા કરે છે કે 'ધ રોયલ્સ'માં મારું સલાડ નામ હુલામણું છે. સાચું નામ તો છે સલાહુદ્દીન. સલાહુદ્દીનને બધા સલાડ તરીકે બોલાવે છે. આમ તો સલાડ એટલે ગાજર, કાકડી, ટામેટાં, બીટ વગેરેનું સ્વાદિષ્ટ મિશ્રણ.
'મેં કાંઇ આ વેબ સિરીઝમાં ખાઇ શકાય તેવા સલાડની ભૂમિકા નથી ભજવી. પણ આ સલાડ નામ મને બહુ ગમી ગયું છે,' ડીનો કહે છે.
બેંગલુરુમાં અભ્યાસ પૂરો કર્યા બાદ ડીનોએ ફેશન મોડલ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. એ કહે છે, ''ધ રોયલ્સ' વેબ સિરિઝમાં મારી ભૂમિકા સલાહુદ્દીન નામના યુવાનની છે. સલાહુદ્દીનને શારીરિક ચુસ્તતા અને કસાયેલા શરીરનો જબરો શોખ હોય છે. મને સલાહુદ્દીનના પાત્ર વિશે બ્રિફ કરવામાં આવ્યો ત્યારે બહુ આશ્ચર્ય થયું હતું. આ પાત્ર મને તરત ગમી ગયું હતું, કારણ એ છે કે સલાહુદ્દીન સતત ઉર્જાવાન રહે છે. આમ તો મારી ભૂમિકા પ્રમાણમાં નાની છે. સલાડ લગભગ ત્રણેક એપિસોડમાં જ દેખાય છે. મારું પાત્ર જબરું મોજમસ્તીવાળું અને ભરપૂર આનંદ સાથે જીવતું છે. મને સલાહુદ્દીનના આ જ ગુણો બહુ ગમ્યા.'
'પ્યાર મેં કભી કભી' (૧૯૯૯) ફિલ્મથી બોલિવુડમાં પ્રવેશ કરનારો ડીનો મોરિયા કહે છે, 'ખરું કહું તો મને બાળપણથી જ રમતગમતનો જબરો શોખ રહ્યો છે. જોકે આરોગ્ય પણ લીલુંછમ હોવું જોઇએ તેવી સમજણ નહોતી. સમય જતાં ઉંમર વધવાની સાથોસાથ મારી સમજણ પણ પાકી થતી ગઇ. મને સમજાયું કે શરીર અને મન બંને તંદુરસ્ત હોવાં જોઇએ. ફિલ્મજગતનાં કલાકારોના અભિનયની પ્રશંસા થાય છે. જોકે ફિલ્મજગતમાં ફક્ત અભિનય સાથોસાથ શારીરિક દેખાવ અને લીલીછમ તંદુરસ્તી પણ ગમતીલાં હોવો જોઇેએ. મેં મારા આ વિચારનો અમલ કર્યો. આજે મારી ઉંમર ૪૯ વર્ષની છે પણ હું તન-મનથી ભરપૂર તાજગીનો અનુભવ કરી રહ્યો છું. આમ પણ હું બાળપણથી રૂપકડો છું. બોલિવુડ મને હેન્ડસમ હીરો કહે છે.' આટલું કહીને ડીનો હસી પડે છે.
'રાઝ' (૨૦૦૨) ફિલ્મની ઝળહળતી સફળતા સાથે ગુનાહ, બાઝ : એ બર્ડ ઇન ડેન્જર, ઇશ્ક હૈ તુમસે, ભ્રમ, આપ કી ખાતીર, ઇન્સાફ : ધ જસ્ટિસ, જિસ્મ-૨ વગેરે ફિલ્મોમાં વિવિધ પાત્રો ભજવનારો ડીનો કહે છે, 'હું છેલ્લાં ઘણાં વર્ષથી દરરોજ સવારે ખુલ્લી-તાજી હવામાં દોડવા જાઉં છું. કસરતો પણ કરું છું. મને ઘરનું સ્વાદિષ્ટ ભોજન વધુ પસંદ છે. તેનાથી તન-મન બંનેને પૂરતું પોષણ મળે. આનંદ અને સંતોષ પણ થાય અને આરોગ્ય પણ સારું રહે. મેં સિગારેટ કે શરાબને ક્યારેય સ્પર્શ પણ નથી કર્યો. કરીશ પણ નહીં, કારણ કે બંને ઝેર સમાન છે. હાલ હું ક્યારેક મુંબઇની પાણીપુરી, સેવપુરી, ગુલાબજાંબુ વગેરેનો સ્વાદ પણ માણું છું. હું તો ભારતની યુવા પેઢીને ખાસ સંદેશો આપતાં કહું છું, તંદુરસ્તીના મામલામાં કોઇ ખોટો રસ્તો ન અપનાવશો. ફક્ત પૌષ્ટિક-સમતોલ આહાર, હળવી કસરત, મીઠું મધુરું સંગીત તમને સદાય તન-મનથી તંદુરસ્ત રાખશે.'