Get The App

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે : મિલેનિયલ્સની લવ સ્ટોરી

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે : મિલેનિયલ્સની લવ સ્ટોરી 1 - image

- દાસ્તાન-એ-સિનેમા

- 'ડીડીએલજે' ફિલ્મે એક આખી જનરેશનને પ્રેમ કરતા શીખવ્યું છે. શાહરૂખ ખાનને સપરસ્ટારડમ અપાવવામાં, એમના ફેન ફોલોઈંગને વિશ્વસ્તરે ફેેલાવવામાં આ ફિલ્મનો મોટો હાથ છે

શુંતમે ભારતની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ વિશે જાણો છો? કોઈ ફિલ્મ મહિનો ચાલે, પંદર દિવસ ચાલે, અઠવાડિયું ચાલે. આ ફિલ્મ માત્ર ૧૫ મિનિટની અંદર જ થિયેટરમાંથી ઉતરી ગઈ હતી. વાત જાણે એમ છે કે, અનેક ફિલ્મોમાં વિલનની ભૂમિકા નીભાવીને શક્તિ કપૂર કંટાળી ગયા હતા. આ દરમિયાન તેમની મુલાકાત એક હિંમતવાન પ્રોડયુસર સાથે થઈ. તેમનામાં એટલી હિંમત કે તેમણે ફિલ્મ 'ઝખ્મી ઈંન્સાન' સાથે શક્તિ કપૂરને હીરો તરીકે લોન્ચ કર્યા. પરિણામ એવું આવ્યું કે, ફિલ્મ બાદ પ્રોડયુસર ઝખ્મી, ડિરેક્ટર ઝખ્મી અને ઓડિયન્સ પણ ઝખ્મી. આ કિસ્સો તો શક્તિ કપૂરનો રહ્યો. આ પ્રકારનો શાહરુખનો કિસ્સો જાણવા જેવો છે. શાહરુખ 'ડર' , 'બાઝીગર'  જેવી ફિલ્મોમાં એન્ટી હીરો રોલમાં ટાઈપકાસ્ટ થઈ ગયો હતો. આ દરમિયાન જ તેને મળેલી 'દિલવાલે દુલ્હનિયા લે જાયેગેં'એ તમામ રેકોર્ડ્સ તોડયા હતા. અને હા, આજની તારીખમાં પણ તોડી રહી છે. શક્તિ કપૂરની ફિલ્મ તો પંદર મિનિટમાં થિયેટરમાંથી ઉતરી ગઈ પરંતુ, શાહરુખની 'ડીડીએલજે'  ૩૦ વર્ષથી મુંબઈના મરાઠા મંદિર થિયેટરમાં ચાલી રહી છે. તાજેતરમાં જ શાહરુખ ખાનની એન્ટ્રી ટેલર સ્વિફ્ટ, રિહાના, ટાઈગર વૂડ્સ જેવી સેલેબ્રિટીઝ સાથે બિલ્યેનર્સની લિસ્ટમાં થઈ હતી. આ લિસ્ટમાં પહોંચવાથી લઈને તેની વૈશ્વિક ફેન ફોલોઈંગ પાછળ પણ ડીડીએલજે જ છે તેવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. આ ફિલ્મે શાહરુખને સ્ટારડમ અપાવવાની સાથે એક આખી જનરેશનને પ્રેમ કરતા શીખવ્યું છે. 

પ્રેમ એટલે દોસ્તી 

'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'એ શીખવ્યું કે, પ્રેમ એટલે દોસ્તી. રાજ અને સિમરન વચ્ચેનો પ્રેમ ક્ષણિક ઓબ્સેશન કે વાસના નથી પરંતુ, ગાઢ મિત્રતા છે. કહેવાય છે ને કે, કોઈ વ્યક્તિને ઓળખવો હોય તો તેને રમતના મેદાનમાં મળો અથવા તેની સાથે ટ્રાવેલ કરો. આ ફિલ્મમાં રાજ-સિમરનની અચાનક મુલાકાત અને ત્યારબાદની દોસ્તી કંઈક આવી જ છે. અધિકાર જતાવનારા પ્રેમીઓથી વિપરીત રાજ ક્યારેય સિમરન પર અધિકાર નથી જમાવતો કે તેને બદલવાનો પ્રયત્ન નથી કરતો. સિમરન જેવી છે તેવી જ તેને સ્વીકારે છે. કદાચ, એટલે જ તેમની દોસ્તી પ્રેમમાં પરિણમે છે. તેમના પ્રેમનું સાક્ષી તેમની વિદાય બને છે. મરીઝ સાહેબે કીધું હતું ને કે, 'બધો આધાર છે એના જતી વેળાના જોવા પર, મિલનમાંથી નથી મળતા મહોબતના પુરાવાઓ.'  બસ, આવી જ રીતે ફિલ્મનો આઈકોનિક સીન જોવા મળે છે જ્યારે, રાજ કહે છે, 'અગર યે મુઝસે પ્યાર કરતી હૈ, તો યે ઝરૂર પલટ કે દેખેગી... પલટ... પલટ... પલટ...' 

પ્રેમ એટલે જીત

'મૈ ઉસે ચુરાઉંગા નહીં, જીતુંગા...'  રાજ-સિમરનની યુરોપ ટ્રીપ બાદ બંનેને જાણે એક સપનાનો અંત આવ્યો હોય તેવો અહેસાસ થાય છે. વચનના પાક્કા પિતા બલદેવ સિંહે સિમરનના લગ્ન પહેલાંથી જ તેમના મિત્રના પુત્ર સાથે નક્કી કરી રાખ્યા હતા. આ વાતની રાજને ખબર પડતા જ તે જીવનના સૌથી મોટા હાર્ટબ્રેકનો સામનો કરે છે. આ દરમિયાન રાજ અને તેના પિતાની વાતચીત મહત્ત્વપૂર્ણ છે. રાજ માગે તે કિંમત જોયા વિના સામે હાજર કરનાર પિતા તેને જ્યારે કહે છે કે, પ્રેમને ખરીદી ન શકાય તેને તો જીતવો પડે. તે આ ફિલ્મની યાદગાર ક્ષણ છે. આ સીનના કારણે બોલિવુડ તો શું પ્રેમકહાણીઓની વ્યાખ્યા બદલાઈ ગઈ હતી.

પ્રેમ એટલે પરિવારનો સાથ

ફિલ્મો એટલે સમાજનું દર્પણ. ભારતમાં એક સમય હતો જ્યારે, 'બોબી' , 'એક દૂજે કે લિયે' , 'ક્યામત સે ક્યામત તક' , 'લવ સ્ટોરી' , 'બેતાબ' , 'મેને પ્યાર કિયા'  જેવી ફિલ્મો ખૂબ પોપ્યુલર બની હતી. તેની અસર સમાજ પર જોવા મળી રહી હતી. આ ફિલ્મોની સ્ટોરીની જેમ જ પ્રેમીપંખીડાઓ પરિવારની મરજી વિરુદ્ધ ભાગી જતાં હતાં. ફલાણાની છોકરી ઢીકણાના છોકરા સાથે ભાગી ગઈ એ વાતો ઓટલે-ઓટલે થતી. આ ખોટા ટ્રેન્ડને તોડવાનું કામ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે'એ કર્યું હતું. ફિલ્મમાં જે રીતે ધનાઢય પરિવારનો રાજ પોતાની પ્રેમિકા સિમરનના પરિવારના તમામ સભ્યોને મનાવે છે તેણે પ્રેમીઓને આશા આપી હતી. 

રાજ જ્યારે પંજાબ પહોંચે છે ત્યારે, કોઈ પાગલ પ્રેમીની જેમ પ્રેમિકાનું અપહરણ કરવા નહીં પરંતુ, સિમરનના પરિવારને સમજાવવા કે, પ્રેમ એટલે નિષ્ઠા. તે સિમરન અને તેના મંગેતરના પરિવાર સાથે ભળી જાય છે. તેમને લગ્નની તૈયારીઓમાં મદદ કરે છે. વડીલો સાથે મજાક કરે છે. બાળકોના દિલ જીતે છે. રાજ સિમરનને લઈને ભાગી શકતો હતો પરંતુ, તેણે રાહ જોઈ. તેણે શીખવ્યું કે, પ્રેમમાં રાહ જોવી પડે. રાજે સિમરનને કમ્ફર્ટ ઝોન પાર કરવા કોઈ દબાણ ન કર્યું અને શીખવાડયું કે, અન્યની સીમાઓનો આદર કરવો પ્રેમ છે. સિમરનના પરિવાર સાથે હળીમળીને તેણે સમજાવ્યું કે, પ્રેમ પરિવારોને જોડે છે, તેમને તોડતો નથી. 

ફિલ્મ વિશે રસપ્રદ વાતો 

અમરીશ પુરીની ભૂમિકા: સિમરનના કઠોર પિતા ચૌધરી બલદેવ સિંહ તરીકે અમરીશ પુરી સિવાય બીજાના નામની કલ્પના કરવી મુશ્કેલ છે. તેમનો ડાયલોગ, 'જા સિમરન જા... જી લે અપની ઝિંદગી'  બોલિવુડનો સૌથી આઈકોનિક ડાયલોગમાંનો એક છે. 

ટોમ ક્રૂઝને કાસ્ટ કરવાની ઈચ્છા: ફિલ્મના ડિરેક્ટર આદિત્ય ચોપરા આ ફિલ્મ માટે ટોમ ક્રૂઝને કાસ્ટ કરવા માગતા હતા. આ ફિલ્મની સ્ટોરી લખવા પાછળની પ્રેરણા ટોમ ક્રૂઝ જ હતા. પરંતુ, છેવટે શાહરુખના નામ પર પસંદગીનો કળશ ઢોળાયો હતો. શાહરુખને રોલ આપતા પહેલા સૈફના નામ પર પણ વિચારણા કરવામાં આવી હતી. 

સ્વિટ્ઝર્લેન્ડનો જાદુ: ડીડીએલજેમાં સ્વિટ્ઝર્લેન્ડને પ્રેમીઓના સ્વર્ગ તરીકે બતાવવામાં આવ્યું છે. લેક થૂન અને સાનેન જેવા સ્થળો પ્રેમનું પર્યાય બની ગયા છે. સ્વિસ ટુરિઝમ બોર્ડે પ્રવાસનને ઉત્તેજન આપવા માટે શાહરુખને સન્માનિત કર્યા હતા. ૨૦૧૬માં સ્વિટ્ઝર્લેન્ડમાં એક ટ્રેનનું નામ ડીડીએજે પરથી રાખવામાં આવ્યું હતું. અહીં, યશ ચોપરાનું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવ્યું છે. 

જતીન-લલીતનું મ્યુઝિક: આ ફિલ્મની અપાર સફળતા પાછળ તેનું દમદાર મ્યુઝિક છે. 'મેહંદી લગા કે રખના' આજે પણ મહેંદી ફંકશનમાં વગાડવામાં આવતું સોંગ છે, જ્યારે, 'તુઝે દેખા તો'  અને 'હો ગયા હૈ તુઝકો તો પ્યાર'  જેવા સોંગ લવ એન્થમ બની ગયા હતા. 

સીડી-કેસેટની રેકોર્ડ સેલ્સ: ડીડીએલજેના સાઉન્ડટ્રેકની ૨.૫ કરોડથી વધુ કોપીઓ વેચાઈ હતી. જેણે ફિલ્મને ૧૯૯૦ના દાયકાનું બેસ્ટ બોલિવુડ આલ્બમ બનાવ્યું હતું. ભારતની સાથે સાથે વિદેશમાં પણ રેકોર્ડ સેલ્સ થઈ હતી. 

ટ્રેનનો સીન: ફિલ્મની શરુઆતમાં જે ટ્રેનનો સીન આવે છે તેને સ્વિટ્ઝર્લેન્ડમાં નહીં પરંતુ, મહારાષ્ટ્રના આપ્ટા રેલવે સ્ટેશન પર ફિલ્માવવામાં આવ્યો હતો. આ સીન સાથે જ 'તુઝે દેખા તો યે જાના સનમ'  સોંગ જોડાયેલું છે. 

એવોર્ડનો પહાડ: ડીડીએલજેએ ૧૯૯૬ના ફિલ્મફેર એવોર્ડ્સ પર કબજો કર્યો હતો. તેમાં, બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર, બેસ્ટ એક્ટર, બેસ્ટ એક્ટ્રેસ સહિત ૧૦ એવોર્ડ જીત્યા હતા. આ ફિલ્મે અન્ય એવોર્ડ ફંક્શનમાં અઢળક એવોર્ડ્સ મેળવ્યા હતા. આ સાથે જ ફિલ્મને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર પણ મળ્યો હતો. 

બજેટ સામે બમ્પર કમાણી: આ ફિલ્મ ૪ કરોડના બજેટમાં બનાવવામાં આવી હતી. નવા ડિરેક્ટર પાછળ આટલો ખર્ચ સૌથી મોટું જોખમ હતું. ફિલ્મે બોક્સ ઓફિસ પર ૧૦૦ કરોડથી વધુની કમાણી કરીને તેની અપીલ સાબિત કરી છે. તે સમયે ડીડીએલજે ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની હતી. 

પરમીત શેઠીની સ્ટ્રગલ: આ ફિલ્મમાં કુલજીતનો રોલ નિભાવનાર પરમીત શેઠીના ખૂબ વખાણ થયા હતા. પરંતુ, તેમને ડીડીએલજે બાદ બે-ચાર ફિલ્મોમાંથી થેંક યુ વેરી મચ કહીને બહાર કરી દેવામાં આવ્યો હતો. ઘણા હીરોને ડર હતો કે, વિલન તરીકે પરમીત તેમને ઓવરપાવર કરશે. આજે પત્ની અર્ચના પુરણ સિંહ સાથે યુટયુબર બની ચૂકેલા પરમીતને કામના ફાંફા પડી ગયા હતા. 

સતીષ શાહની સ્ટેન્ડઅપ કોમેડી: ફિલ્મમાં ચૂટકીનો રોલ નિભાવનાર પૂજા રુપારેલે એક ઈન્ટરવ્યુમાં કહ્યંજ હતું કે, સતીષ શાહ ફિલ્મના શૂટિંગ દરમિયાન પોતાની કોમિક ટાઈમિંગથી ફિલ્મના ક્રૂ અને સહકલાકારોને હસાવતા રહેતા હતા. 

ફિલ્મના ટાઈટલ પાછળ કિરણ ખેર: કિરણ ખેરે જ્યારે આ ફિલ્મનું નામ 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે' સૂચવ્યું ત્યારે ઘણાને તે ખૂબ મોટું લાગ્યું હતું. શાહરુખને તે પસંદ નહોતું આવ્યું પરંતુ, આદિત્ય ચોપરાને એટલું ગમ્યું કે, તેણે કિરણ ખેરને આ માટે ટાઈટલ ક્રેડિટ પણ આપી હતી. કિરણ ૧૯૭૪ની ફિલ્મ 'ચોર મચાયે શોર' ના ગીત 'લે જાયેંગે લે જાયેંગે....' પરથી પ્રેરિત થઈ હતી. 

ફરાહ અને મહેંદી લગા કે રખના: આ ફિલ્મની કોરિયોગ્રાફી માટે સરોજ ખાને મહેનત કરી હતી. પરંતુ, ફિલ્મના અંત સુધીમાં અનેક મતભેદો બાદ ફરાહ ખાનને ચાન્સ આપવામાં આવ્યો હતો. બીજી તરફ, ફિલ્મનું પોપ્યુલર સોંગ 'મહેંદી લગા કે રખના'  પણ આ ફિલ્મ માટે નહોતું પરંતુ, તેને છેલ્લી ઘડીએ સામેલ કરવામાં આવ્યું હતું. 

હોલિવુડથી પ્રેરણા:  ડીડીએલજેનો પલટ સીન હોલિવુડ ફિલ્મ 'ઈન ધ લાઈન ઓફ ફાયર'  (૧૯૯૩) પરથી લેવામાં આવ્યો હતો. જ્યારે, જે સીનમાં રાજ સિમરનની આંટીને સાડી ખરીદવામાં મદદ કરે છે તે ૧૯૫૭ની હોલિવુડ ફિલ્મ 'વિટનેસ ફોર ધ પ્રોસિક્યુશન' પરથી લેવામાં આવ્યો હતો. 

એક જ ચાન્સ

આ ફિલ્મની શરુઆતમાં ટ્રેનને છૂટવાને સારા સંયોગ સાથે જોડવામાં આવી છે. જાણે કહેવામાં આવ્યું છે કે, ક્યારેક જીવનમાં જે નથી થતું તે આપણા સારા માટે જ હોય છે. જ્યારે, ફિલ્મના અંતમાં નીકળી ગયેલી ટ્રેનને ભાગીને પકડવાનો સીન સમજાવે છે કે, જીવનમાં તમને એક જ ચાન્સ મળે છે એ ટ્રેન પકડવાનો કે જેમાં તમારી મંઝિલ છૂપાયેલી છે. બસ... જીવનમાં બધુ જ મિસ કરજો પણ આ ટ્રેનને ભૂલથી પણ નહીં.