Get The App

દિલ મેં તુઝે બિઠા કર, કર લૂંગી મૈં બંદ આંખેં...

Updated: Oct 2nd, 2025

GS TEAM

Google News
Google News
દિલ મેં તુઝે બિઠા કર, કર લૂંગી મૈં બંદ આંખેં... 1 - image

- 'ફકીરા'

થોડી હળવી ભાષામાં વાતનો આરંભ કરીએ તો હિન્દી બોલી માટે કહેવાય છે કે બાવા બન્યા હૈ તો હિન્દી બોલના પડતા હૈ... સંગીતકાર બન્યા હૈ તો કભી કભી ક્રાઇમ એક્શન ફિલ્મ ભી કરની પડતી હૈ... નિર્માતા એન. એન. સિપ્પી અને નિર્દેશક સી. પી. દીક્ષિતની ક્રાઇમ એક્શન ફિલ્મ 'ફકીરા'ની વાત છે. સંગીતકાર રવીન્દ્ર જૈન આ ફિલ્મ અંગે થોડા અવઢવમાં હતા. નિર્દેશકે રવીન્દ જૈનને સમજાવવા પડયા હતા કે તમે એક વ્યવસાયી સંગીતકાર છો. તમારે બધા જોનરની ફિલ્મો કરવી પડે. આ ફિલ્મમાં તમને રસ પડે એ રીતે આપણે કામ કરીશું. 

હેન્ડસમ અભિનેતા શશી કપૂરની દસ ટોચની ગણાતી ફિલ્મોમાં 'ફકીરા'નો પણ સમાવેશ થાય છે. જોૉકે સમીક્ષકોએ શશી કપૂર સાથે શબાના આઝમીની જોડીને બિરદાવી નહોતી. આટલું ઓછું હોય એમ શબાનાને પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ આપેલો. એના વ્યક્તિત્વમાં આ રોલ ક્યાં ફિટ બેસેા? એની વે, ફિલ્મ હિટ નીવડી અને ૧૯૭૬માં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં પાંચમા ક્રમે આવી.

શશી કપૂર ઉપરાંત ફિલ્મમાં ખૂંખાર વિલન તરીકે જામી ગયેલો ડેની ડેન્ઝોન્ગપા હતો. અસરાની, અરુણા ઇરાની, ઇફ્તેખાર અને મદન પુરી પણ હતાં. વાર્તા બહુ નવીન નહોતી. માતાપિતાને એક આગમાં જીવતાં બળી જતાં જોનારા બે સગ્ગા ભાઇઓ વિલનની બદમાશીના કારણે કૂમળી વયે છૂટાં પડી જાય છે. આપણને કઠે એવી વાત એ કે બંને પાછા રીઢા અપરાધી બને છે. પરસ્પરના વિરોધી બને છે. અરુણા ઇરાની શશી કપૂરને ચાહે છે એટલે વેશ બદલીને શશીની ગેંગમાં ભળવા આવતી પોલીસ ઇન્સ્પેક્ટર શબાના સામે અરુણા કતરાતી રહે છે. પ્લોટ અંગે આટલું બસ. 

ગીત-સંગીત રવીન્દ્ર જૈનનાં હતાં. આ ફિલ્મમાં પણ રવીન્દ્રે એક સરસ કવ્વાલી આપી. કિશોરકુમાર, મહેન્દ્ર કપૂર, જાણીતા કવ્વાલ અઝીઝ નાઝાં અને ભૂષણ મહેતાએ ગાયેલી આ કવ્વાલી હળવાફૂલ રાગ ઝિંઝોટીમાં છે. કવ્વાલીમાં મોટે ભાગે હોય છે એમ કહરવા તાલ અજમાવ્યો છે. મુખડું છે- ''હમ તો ઝુક કર, સલામ કરતે હૈં, સલામ કરતે હૈં વો નજર સે...' ચારે ગાયકોએ સરસ જમાવટ કરી છે. જો કે પરદા પર વધુ પ્રભાવશાળી લાગી હતી.

એક સરસ પ્રણય યુગલ ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના કંઠમાં હૃદયંગમ બન્યું છે- 'તોતા મૈના કી કહાની તો પુરાની હો ગઇ, અબ તો સબ કે લબોં પર યે તાજા ખબર, એક લડકી દિવાની હો ગઇ, તુઝ સે મિલા કે જિંદગાની... પુરાની શબ્દ જોડે જિંદગાનીનો પ્રાસ બેસાડવાનો પ્રયાસ અહીં ગીતકારે કર્યો છે. જો કે ગાયકોએ શબ્દોને સરસ રીતે ઝુલાવ્યા છે એટલે આ પ્રયાસ બહુ ખટકતો નથી.

કવિવર રવીન્દ્રનાથ ઠાકુર (ટાગોર)નું એક ગીત ઘણી ભારતીય ભાષામાં અનુવાદ પામ્યું છે. ગુજરાતીમાં પણ 'તારી જો હાક સુણી કોઇ ન આવે તો તું એકલો જાને રે...' જેવો હૃદયસ્પર્શી ભાવાનુવાદ થયો છે. આ ભાવને કેન્દ્રમાં રાખીને હિન્દી ફિલ્મોમાં પણ એક કરતાં વધુ ગીતો આવ્યાં છે. મૂકેશે ગાયેલું ફિલ્મ 'સંબંધ' (૧૯૬૮)નું ગીત ''ચલ અકેલા ચલ  અકેલા ચલ અકેલા, તેરા મેલા પીછે છૂટા રાહી ચલ અકેલા...' (સંગીત ઓ. પી. નય્યર) આપણે માણ્યું છે. અહીં એવું જ  એક ગીત રવીન્દ્ર જૈને આપ્યું છે- 'ફકીરા ચલ ચલા ચલ, સુન કે તેરી પુકાર, સંગ ચલને કો તેરે, કોઇ હો ન તૈયાર, હિંમત ન હાર, ચલ ચલા ચલ અકેલા...' સદા સુહાગિન રાગિણી ભૈરવીમાં સ્વરાંકિત કરેલું 'ફકીરા ચલ ચલા ચલ' ગીત પણ સરસ છે. જો કે ઓ.પી. નય્યરની તર્જ સાથે એની તુલના કરી શકવાની જરૂર નથી. ઓ.પી., ઓ.પી. હતા, રવીન્દ્ર રવીન્દ્ર છે. એ જ રીતે મૂકેશના કંઠનું દર્દ મહેન્દ્ર કપૂર ક્યાંથી કાઢે? ફકીરાનું આ ગીત મહેન્દ્ર કપૂરના કંઠમાં છે.

 એક રોમાન્સરંગી ગીત ગીતકાર ઇન્દ્રજિત સિંઘ તુલસીએ આપ્યું છે. લતા અને મુહમ્મદ રફીના કંઠે રજૂ થતા આ ગીતમાં રાગ પહાડીનો આધાર સંગીતકારે લીધો છે. મેલોડી પ્રધાન ગીત છે. આધી સચ્ચી, આધી જૂઠી, તેરી મેરી પ્રેમ કહાની, યા તો પૂરા સચ્ચા હો જા, યા ફિર કર લે બેઇમાની, હો સાજન ફરેબિયા...'

છેલ્લું એક ગીત આશાના કંઠમાં છે. ફિલ્મના પરાકાાનાં દ્રશ્યોમાં મૂક્યું હોય એ પ્રકારના શબ્દો છે- 'યે મેરા જાદુ, 

જોર હો યા કાબુ, જાદુ ચલે યે સબ પે, બિજલી ગીરે સભી પે, તુ ભી આ, તુ ભી આ,  મૈં તો સબ સે કહું બાબુ... 'રમતિયાળ શબ્દો અને એવી જ હળવી તર્જ છે.

શશી કપૂરનો અને ડેનીનો એ સોનેરી સમય હતો. ફિલ્મ હિટ નીવડી હતી અને સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં  સ્થાન પામી હતી. રવીન્દ્ર જૈનનાં ગીતો અને સંગીત પણ વખણાયાં હતાં.