- ક્યારેક કોઈ કહાણી કરતાં એની પડદા પાછળની કથા વધુ રસપ્રદ હોય છે. આ ફિલ્મનું કંઈક આવું જ છે. 1976માં 'દો અંજાને' મળે છે. 1979માં વાત 'સુહાગ' સુધી પહોંચે છે અને 1981માં એકદમ જ આ 'સિલસિલા'નો કરૂણ અંત આવે છે ત્યારે, ' ઉમરાવ જાન' ફિલ્મના માધ્યમથી પ્રેમિકાને કહે છે કે, 'એક તુમ હી નહીં તન્હા, ઉલ્ફત મેં મેરી રુસવા..'
- દાસ્તાન-એ-સિનેમા
'એક તુમ હી નહીં તન્હા, ઉલ્ફત મેં મેરી રુસવા..' કોઈ રજાના દિવસે પ્લાન ન બને અને એકલા બેસવાનું થાય ત્યારે શાયરો જેને 'તન્હાઈ' કહે છે તેનો આભાસ થાય. પરંતુ , હા, એકાંત એટલે 'તન્હાઈ' નહીં. ઘણા મિત્રોની ભીડમાં પણ 'તન્હાઈ' મહેસૂસ કરતા હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો તન્હાઈ એટલે દિલમાં રહેલી ખાલી જગ્યા. આ ખાલી જગ્યા કોઈ યાદ, કોઈ વ્યક્તિને કારણે રહી જતી હોય છે. કોઈ સામાન્ય ખાલી જગ્યા હોય તો ભરી શકાય પણ આ તો ખરીદી ન શકાય એવી જગ્યા. અમૂલ્ય.
કોઈપણ સરનામાની બે કિંમત હોય. એક કાગળ પર અને બીજી દિલમાં. આ એક સરનામું બનાવવા માટે માણસ આખી જિંદગી ખર્ચી નાખતો હોય છે. પરંતુ, નિરંતર ભાગ-દોડ બાદ પણ કંઈક ખાલી રહી જતું હોય છે. કાગળ પર સરનામું બને છે તો દિલમાં નથી બનતું અને દિલમાં બને છે તો સાલું આ કાગળ તેની નોંધ નથી લેતો. મુંબઈમાં આ વિરોધાભાસ ખૂબ જોવા મળે. મુંબઈના પોશ વિસ્તાર બેન્ડસ્ટેન્ડ, બાંદ્રા વેસ્ટમાં એક તરફ શાહરુખ ખાનનો બંગલો મન્નત આવેલો છે અને બીજી તરફ, સલમાન ખાનનો ગેલેક્સી એપાર્ટમેન્ટનો ફ્લેટ. આ બે પ્રોપર્ટીની વચ્ચે આવું જ એક સરનામું આવેલું છે. નામ છે 'બસેરા'. એક શબ્દમાં વર્ણન કરવું હોય તો જાજરમાન કહી શકાય. વિડંબના એવી કે, તમામ સુખ-સુવિધા સાથેના બંગલાની માલિકને હાલચાલ પૂછો તો સાંભળવા મળે કે, 'એક તુમ હી નહીં તન્હા, ઉલ્ફત મેં મેરી રુસવા..'તમામ એ-લિસ્ટ પાર્ટીઓમાં આમંત્રણ પણ અંદર 'તન્હાઈ'. આ 'તન્હાઈ' એવી કે, જેને ભરવી અશક્ય છે.
વાત જાણે એમ છે કે, ૧૯૭૬માં 'દો અંજાને' મળે છે, ૧૯૭૯માં વાત' સુહાગ' સુધી પહોંચે છે અને ૧૯૮૧માં જ આ 'સિલસિલા'નો કરુણ અંત આવે છે. તમને ખ્યાલ તો આવી જ ગયો હશે. રેખા અને અમિતાભની જોડીએ 'દો અંજાને'થી લઈને 'સિલસિલા' જેવી દસેક ફિલ્મો સાથે કમાલ કર્યો હતો. ફિલ્મી પડદાની સાથે રિયલ લાઈફમાં પણ બધું સેટ હતું અને આ એકદમ 'સિલસિલા'નો અંત આવ્યો. એક સમય હતો જ્યારે રેખા કોઈને પણ કહી દેતા કે, 'ઈસ શહેર મૈ તુમ જૈસે દિવાને હઝારો હૈ...'તેમણે ૧૯૮૧માં અમિતાભની યાદમાં કહેવું જ પડયું કે, 'એક તુમ હી નહીં તન્હા, ઉલ્ફત મેં મેરી રુસવા..'આ સંબંધનો ખાલીપો દરેક એવોર્ડ ફંક્શનમાં જોવા મળે છે. એક તરફ, જયા બચ્ચન પાપારાઝીઓને તતડાવતા અને બીજી તરફ, રેખાની આંખો અમિતાભને શોધતી જોવા મળે છે. જાણે રેખાની આંખો અમિતાભને કહેવા માંગતી હોય કે, 'ઈક સિર્ફ હમ હી મય કો આંખો સે પિલાતે હૈ. કહને કો તો દુનિયા મે મયખાને હઝારો હૈ...'આ વાત તો થઈ 'ઉમરાવ જાન' ફિલ્મ પાછળની કહાણીની. ફિલ્મની મેકિંગની કહાણી પણ એટલી જ મજેદાર છે.
મિર્ઝા હાદી રુસ્વાની ઉર્દુ નવલકથા
મિર્ઝા મુહમ્મદ હાદી રુસ્વાનીએ ૧૮૯૯માં 'ઉમરાવ જાન અદા' નામની ઉર્દુ નવલકથા લખી હતી. જેમાં, તેમણે ૧૯મી સદીની તવાયફોની દુનિયાની કલ્પના કરી હતી. સમય જતાં આ નવલકથાની હાલત પણ ભારતમાં અન્ય નવલકથાઓ જેવી થઈ હતી. કોઈ બુક-શેલ્ફમાં ગોઠવેલું પુસ્તક કે જેના પાનાં પીળા પડી ગયા હોય. આ પીળા પાનાં વાળા પુસ્તકો ત્યારે જ જીવંત થાય જ્યારે તેમને કોઈ સાચો પુસ્તક પ્રેમી મળે. બાકી, તો આ પીળા પાનાંનું શું કામ, કંઈક નવું ના વાંચીએ? આવી જ પીળા પાનાં વાળી નવલકથા, 'ઉમરાવ જાન અદા', પુસ્તક પ્રેમી નવાબઝાદા મુઝફ્ફર અલીના હાથમાં આવી. બસ, અહીંથી કહાણીમાં ટ્વિસ્ટ આવ્યો. કોટવારાના રાજા મુઝફ્ફર અલીને થયું આ વિષય પર તો ફિલ્મ બનાવવી જોઈએ. ફિલ્મ બનાવવા પહેલા તેઓ એડવર્ટાઈઝિંગ અને પેઈન્ટિંગમાં હાથ અજમાવી ચૂક્યા હતા. અથાગ મહેનત બાદ તેમણે નવલકથાને એવું રૂપ આપ્યું જેના, 'મહેખાના'માં શરાબની જેમ શાયરીઓ વહેતી હોય, હાર્ટબ્રેક માટે સ્પેશિયલ ગઝલો હોય અને 'ઉમરાવ જાન'ની અદા-તહેઝિબ અને ડાન્સ તો ખરા જ. પરંતુ, સફર આસાન નહોતી.
ઉમરાવ જાનનું કમાલનું કાસ્ટિંગ
મુઝફ્ફર અલીએ 'ઉમરાવ જાન' માટે શબાના આઝમીને લગભગ નક્કી કરી દીધા હતા. પરંતુ, શબાના તે સમયે વ્યસ્ત હતાં. ત્યારબાદ, ઝીન્નત અમાનના નામ પર વિચાર કરવામાં આવ્યો. જે આઈડિયા ખાસ જામ્યો નહીં. આ ફિલ્મ માટે એક એવી અભિનેત્રીની જરૂર હતી, જે ઉર્દુના ઉચ્ચારણથી લઈને પોતાની અદબ, ડાન્સ સાથે સૌને મોહિત કરી શકે. આ વચ્ચે રેખાને પસંદ કરવામાં આવી. રેખાએ કેરેક્ટર માટે જોઈતી અદબ શીખી, ઉર્દુના ઉચ્ચારણ અને ઠુમરી શીખ્યા. આ વચ્ચે પણ મુઝફ્ફર અલી પોતાની પસંદગી વિશે અવઢવમાં હતા. ત્યાં એક દિવસ પહેલી વાર રેખા 'ઉમરાવ જાન'ના ગેટઅપમાં કેમેરા સામે આવી. સેટ પર સન્નાટો છવાઈ ગયો. અવાજ આવે તો રેખાના હલનચલન કરવા પર તેમની પાયલ-બંગડીઓનો, બાકી પીન-ડ્રોપ સાયલેન્સ. રેખાને જોઈને મુઝફ્ફર અલી આશ્રર્યચકિત થઈ ગયા. તેમને લાગ્યું કે જાણે મિર્ઝા મુહમ્મદ હાદી રુસ્વાની નવલકથા જીવિત થઈ ગઈ.
દમદાર ડાયલોગ્સ
(૧) 'તુ મુઝે ચાહે ના ચાહે યે તેરે બસ મૈં તો હૈ, ઔર મેં તુઝકો ના ચાહું યે મેરે બસ મેં નહીં...'
(૨) 'કિતને તૂફાન ઉઠાયે આંખો ને, નાવ યાદો કી ડૂબતી હી નહીં, તુઝસે મિલને કી, તુઝકો પાને કી કોઈ તતબીર સુઝતી હી નહીં. '
(૩) 'અબ આપ સામને હૈં તો કુછ ભી નહીં હૈ યાદ...વરના કુછ આપસે હમે કહેના ઝઝૂર થા..'
(૪)' આઈને કે પાસ તો કૂછ નહીં.. મેરી આંખો મે તેરી તસવીર હૈ..'
આ ફિલ્મની રિમેક શક્ય નથી!
'બચ્ચન બહુ' ઐશ્વર્યા રાય બચ્ચને જે. પી. દત્તા સાથે મળીને ૨૦૦૬માં 'ઉમરાવ જાન'ને ફરી જીવંત કરવાની કોશિશ કરી. ઐશ્વર્યાએ લગભગ છ મહિના સુધી કથક શીખ્યું. જ્યપુર અને કરજતમાં ભવ્ય સેટ્સ ઊભા કરવામાં આવ્યા. અનુ મલિકે મ્યુઝિકને મોર્ડન ટચ આપવાનો પ્રયત્ન કર્યો પરંતુ, રેખાનો જાદુ બચ્ચન બહુ રિક્રિએટ ન કરી શકી. અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન, સુનિલ શેટ્ટી, શબાના આઝમી સ્ટારર ફિલ્મ માંડ તેની મૂડી બચાવી શકી હતી. આ રિમેક બાદ દર્શકોએ પણ માન્યું કે, રેખા
એટલે રેખા.
ખૈયામનું મ્યુઝિક
મોહમ્મદ ઝહુર ખૈયામે ૭૦થી વધુ ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું હતું. પરંતુ, 'ઉમરાવ જાન' જેવું નહીં. આ ફિલ્મનો આત્મા તેનું મ્યુઝિક છે. 'ઉમરાવ જાન'ની ભાવનાત્મક ઉથલપાથલ ગીતોમાં જોવા મળે છે. ગીતોમાં શબ્દોની રચના જુઓ- 'તમામ ઉમ્ર કા હિસાબ, માંગતી હૈ ઝિંદગી... યે મેરા દિલ કહે તો ક્યા, કે ખુદ સે શર્મસાર હૈ...', 'જબ ભી મિલતી હૈ મુઝે, અજનબી લગતી ક્યું હૈ, ઝિંદગી રોઝ નયે રંગ બદલતી ક્યું હૈ.. ', 'તુઝકો રુસવા ના કીયા, ખુદ ભી પરેશાન ના હુએ, ઈશ્ક કી રસ્મ કો ઈસ તરહ નીભાયા હમને.. ', 'ઈસ અંજુમન મેં આપકો, આના હૈ બાર બાર, દિવારો દર કો ગૌર સે પહેચાન લીજિએ.... ' આ બધી રચનાઓ મળીને ઓલટાઈમ બેસ્ટ આલ્બમ બનાવે છે. તલત અઝીઝ દ્વારા ગાવામાં આવેલી, 'ઝિંદગી જબ ભી તેરી બઝ્મ મેં લાતી હૈં હમેં, યે ઝમીન ચાંદ સે બહેતર નઝર આતી હૈ હમેં....' તેમની બેસ્ટ ગઝલમાંની એક છે.
રેખાએ ગુમાવ્યા બાદ મેળવ્યું
કંઈક મેળવવા માટે પહેલા કંઈક ગુમાવવું પડે છે. આ વાત આપણે સાંભળતા આવ્યા છીએ. રેખાના જીવનમાં આ વાતની સાબિતી જોવા મળે છે. તેમાં પણ ખાસ કરીને આ ફિલ્મ માટે તો બંધબેસતી આવે છે. અમિતાભનો સાથ હતો ત્યાં સુધીમાં તો ઘણી સારી ફિલ્મો આપી. પરંતુ. એક એવી ફિલ્મ કે જે દશકો સુધી દર્શકોના 'દિલો-દિમાગ' પર છવાઈ જાય તેવી કોઈ જ નહીં. બચ્ચન સાથે સંબંધોના અંત બાદ તેમના ઈમોશન્સ આ ફિલ્મના માધ્યમથી દર્શકોને જોવા મળ્યા. આ જ કારણે આજની તારીખ સુધીમાં કોઈ અભિનેત્રી રેખાના જાદુને ફરી પડદા પર નથી લાવી શકી. આ ફિલ્મમાં રેખા સિવાય નસીરુદ્દીન શાહ હતા, ફારુખ શેખ હતાં, રાજ બબ્બર હતા પણ યાદ કોણ રહ્યું, બસ...રેખા. દરેક કલાકારાના જીવનમાં એક એવો પ્રસંગ આવે જ્યારે, પોતાની કલા પર ફોક્સ કર્યા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ જ ન હોય. બસ, આ જ તે ઘડી છે, આ જ તે ક્ષણ છે જ્યારે, તેનું વ્યક્તિત્વ સોળે કલાએ ખીલે છે. હંમેશા યાદ રાખવું કે, કોઈપણ સારો કલાકાર દર્દમાંથી જ જન્મે.


