શંકર મહાદેવને પોતાના બંને સાથીદારો અહેસાન અને લૉયને એક વાત ગળે ઊતારી દીધી હતી કે આપણે કોઇ પણ એક શૈલીના સંગીતને વળગી રહેવાનું નથી. કથાની જરૂરિયાત પ્રમાણે ઉત્તર કે દક્ષિણનું શાીય સંગીત, જરૂર પડયે લોકસંગીત અને ત્યારબાદ વિદેશી સંગીતનો યથાવકાશે ઉપયોગ કરવાનો છે.
આપણી ગરવી ગુજરાતી ભાષામાં એક રૂઢિપ્રયોગ છે- મોરનાં ઇંડાંને ચીતરવા ન પડે... હિન્દી ફિલ્મ સૃષ્ટિમાં એક કરતાં વધુ કલાકારે આ રૂઢિપ્રયોગને જીવંત કરી બતાવ્યો છે. ફરહાન અખ્તર એમાંનો એક. આજે જીવનસંધ્યા વીતાવી રહેલા ફિલ્મ રસિકોને જરૂર યાદ હશે. ૧૯૫૦ના દાયકામાં બે બહેનોએ બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મોમાં સરસ અભિનય કરેલો. એક હતી ડેઇઝી ઇરાની અને બીજી હતી હની ઇરાની. એમાંની હની ઇરાની પટકથા લેખક અને ગીતકાર જાવેદ અખ્તરને પરણી. ફરહાન આ હની અને જાવેદનો પુત્ર. આ બંનેને ઝોયા નામની એક પુત્રી પણ છે. ૧૯૯૦ના દાયકામાં ફરહાને એક-બે પ્રવાસો કરેલા. એક પ્રવાસ ગોવાનો અને બીજો ન્યૂયોર્કનો.
પ્રવાસેથી પાછાં ફર્યા બાદ એને એક સ્ટોરી સૂઝી. એ સ્ટોરી પરથી એણે પટકથા લખી. પોતે લખેલી પટકથાથી એને સંતોષ નહોતો. એણે માતાપિતાને આ પટકથા દેખાડી. બંને બોલિવુડના અનુભવી. એમણે કેટલાંક મહત્ત્વનાં સૂચનો કર્યાં. એ સૂચનોનો અમલ ફરહાને કર્યો અને સાવ નવી કથા પ્રગટી.
એ નવી પટકથા પરથી ફરહાને એક ફિલ્મ બનાવી. આ ફિલ્મ એટલે 'દિલ ચાહતા હૈ'. ૨૦૦૧માં રિલીઝ થયેલી આ ફિલ્મે એક પ્રકારનો વિસ્ફોટ સર્જ્યો. સમીક્ષકોએ લખ્યું કે આજની નવી પેઢીની મનની વાત ફરહાન સચોટ રીતે ઝીલી શક્યો છે. સાવ નવોદિત હોવા છતાં લેખક-નિર્દેશક તરીકે ફરહાને મેદાન માર્યું. માત્ર ૮ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે આશરે ૩૯ કરોડ ૭૨ લાખ ) રૂપિયાનો બિઝનેસ કર્યો. શહેરી વાતાવરણ અને ઉચ્ચ મધ્યમ કે શ્રીમંત પરિવારના શહેરી યુવાનોની આ કથા હતી. એટલે દરેક ટેરિટરીમાં શહેરી વિસ્તારોમાં આ ફિલ્મે ધુંઆધાર સફળતા મેળવી. આ ફિલ્મમાં ત્રણ દોસ્તોની કથા હતી. આમિર ખાન, સૈફ અલી ખાન અને અક્ષય ખન્ના. તેમની હિરોઇનો હતી પ્રીતિ ઝિન્ટા, સોનાલી કુલકર્ણી અને ડિમ્પલ કાપડિયા. યસ, એક યુવાન પોતાના કરતાં ઉંમરમાં ઘણી મોટી ીને ચાહે છે એવી વાત હતી. એ ી એટલે ડિમ્પલ. સૈફ અલી ખાને એક અલગ પ્રકારની કોમેડી કરેલી જે દર્શકોને પસંદ પડી હતી. ફિલ્મનું શૂટિંગ ભારતના વિવિધ લોકેશનો ઉપરાંત ઓસ્ટ્રેલિયામાં કરવામાં આવેલું.
આ ફિલ્મમાં સિન્ક સાઉન્ડ નામની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવેલો. તે વખતે સિન્ક સાઉન્ડ હજુ નવો નવો હતો. સિન્ક સાઉન્ડ ધરાવતી ફિલ્મોમાં કલાકારો ડબિંગ કરતા નથી. શૂટિંગ વખતે બોલાયેલા અને રેકોર્ડ થયેલા સંવાદો જ ફાયનલ વર્ઝનમાં વપરાય છે. ગીતો જાવેદ અખ્તરનાં હતાં. શંકર-એહસાન-લોયના સંગીતની વાત કરતી વખતે એકાદ બે મુદ્દા ધ્યાનમાં રાખવા જરૂરી બની રહે છે. પહેલી વાત તો એ કે આ ફિલ્મની ઓફર પહેલાં એ. આર. રહેમાનને કરવામાં આવેલી. ફરહાન અખ્તરની પહેલી પસંદ રહેમાન હતા. જાવેદ અખ્તરે રહેમાન સાથે કામ કરેલું એટલે જાવેદે રહેમાનને પોતાના પુત્રની પહેલી ફિલ્મનું સંગીત આપવા સમજાવી લીઘેલા, પરંતુ પાછળથી રહેમાને પોતે ખૂબ બીઝી છે એવી દલીલ કરી અને ખસી ગયા. ત્યાર બાદ શંકર-એહસાન-લોયને જવાબદારી સોંપવામાં આવી. આ યુવા સંગીતકારો ભારતીય સંગીતની બંને શાખા- ઉત્તર ભારતીય અને કર્ણાટક સંગીતમાં નિપુણ હતા. એથી પણ વધુ મહત્ત્વની વાત એ હતી કે આ ત્રણેય પાશ્ચાત્ય સંગીતની વિદેશી યુનિવસટીની ડિગ્રી ધરાવતા હતા. વીતેલા દાયકાઓમાં માત્ર બે નામ એવાં હતાં જેમણે વિદેશી યુનિવસટીની વેસ્ટર્ન મ્યુઝિકની ડિગ્રી મેળવી હોય- વનરાજ ભાટિયા અને આર. ડી. બર્મન.
હવે ધ્યાન આપવા જેવી વાત એ છે કે ભારતીય સંગીતની બંને શાખા અને પાશ્ચાત્ય સંગીત, આમ ત્રણ ત્રણ શૈલીનો ઊંડો અભ્યાસ હોવા છતાં શંકર મહાદેવને પોતાના બંને સાથીદારોને એક વાત ગળે ઊતારી દીધી હતી કે આપણું ઓડિયન્સ ભારતીય છે. દેશમાં વિવિધભાષી અને વિવિધ પ્રાદેશિક વાતાવરણ ધરાવતું ઓડિયન્સ છે એટલે આપણે કોઇ પણ એક શૈલીના સંગીતને વળગી રહેવાનું નથી. કથાની જરૂરિયાત પ્રમાણે ઉત્તર કે દક્ષિણનું શાીય સંગીત, જરૂર પડયે લોકસંગીત અને ત્યારબાદ વિદેશી સંગીતનો યથાવકાશે ઉપયોગ કરવાનો છે. આ કોઠાસૂઝે આ ત્રિપુટીને એમના કામમાં ધારી સફળતા અપાવી એમ કહી શકાય.
'દિલ ચાહતા હૈ' ફિલ્મ સુપરહિટ નીવડી એટલે ગીતોની શબ્દાવલિની કેટલીક મર્યાદા ઢંકાઇ ગઇ. બાકી ફિલ્મનાં બધાં ગીતો કાવ્યતત્ત્વની દ્રષ્ટિએ ઊંચેરા નથી. બેફિકરા, છેલબટાઉ યુવાનોની માનસિકતા વ્યક્ત કરવા જાવેદે સમજીવિચારીને આવાં ગીતો લખ્યાં હોય તો આપણે કશું કહેવાનું રહેતું નથી. બાકી એકાદ-બે ગીત જોડકણાં જેવાં બન્યાં છે. આ લખનારને ગમતાં બે-ત્રણ ગીતોનો આસ્વાદ લઇએ. એ પહેલાં ગીતસંગીતમાં કરેલા એકાદ બે પ્રયોગોને સંભારીએ. પહેલું છે, આકાશની લવ થીમ.(ફિલ્મમાં આમિર ખાને આકાશ મલ્હોત્રા નામના પાત્રને જીવંત કર્યું છે.) આ થીમ સોંગ ઓસ્ટ્રેલિયન ગીતકાર સંગીતકાર મીક હાર્વેએ પ્રસ્તુત કર્યું છે. આમિરનું પાત્ર પિતાના વ્યવસાયને સંભાળવા સિડની ચાલ્યું જાય છે એ સંદર્ભમાં આ રચના છે. વારંવાર સાંભળવાનો કંટાળો આવતો નથી. બીજો પ્રયોગ ગોવા રોકિંગ વાદ્યસંગીતનો છે. ગોવાનાં દ્રશ્યોમાં આ સંગીત વપરાયું છે.
આ લખનારને સૌથી વધુ ગમેલું ગીત એટલે ટાઇટલ ગીત. આપણને કોઇને સુખના દિવસો વીતી જાય એ ગમતું નથી. શંકર મહાદેવને પોતે આ ગીત ગાયું છે- 'દિલ ચાહતા હૈ, કભી ના બીતે ચમકીલે દિન... દિલ ચાહતા હૈ, હમ ના રહે કભી યારોં કે બિન...' ઉપશાીય રાગ કાફી અને તાલ કહેરવામાં આ ગીત એક કરતાં વધુ વખત પરદા પર જોવા સાંભળવા મળે છે. શબ્દો સાથે સ્વરલય એક રૂપ થઇ ગયા છે.
અગાઉ કહ્યું એમ ત્રણ બેફિકરા, બિનધાસ્ત યુવાનોના મનની વાત જે ગીતમાં રજૂ થઇ છે એને સંગીતકારોએ ખમાજ, ગાવઠી અને ચારુકેશી એમ ત્રણ રાગમાં વહેંચી દીધું છે. શબ્દોના ભાવને રજૂ કરે એ રીતે રાગની પસંદગી કરી છે. મુખડું છે- 'કોઇ કહે, કહતા રહે, કિતના ભી હમ કો દીવાના, હમ લોગોં કી ઠોકર મેં હૈ જમાના, હમ સાઝ હૈં, આવાઝ હૈં, ફિર કિસ લિયે હિચકિચાના, ઓહ્ ગાયેંગે હમ અપને દિલોં કા તરાના...' ખૂબ સરસ રીતે ગીતને સ્વરોથી સજાવ્યું છે. કરૂણ રસથી છલકતું 'તન્હાઈ' ગીત સોનુ નિગમનાં શ્રેષ્ઠતમ ગીતોમાં સ્થાન પામે છે. શ્રીનિવાસે ગાયેલું 'કૈસી હૈ યે' ગીત પણ મજાનું છે. 'વો લડકી હૈ કહાં' ગીત સાંભળવા કરતાં જોવું વધારે ગમે તેવું છે.
ફિલ્મ સુપરહિટ નીવડી તેમ એનું સંગીત પણ હિટ નીવડયું અને આ ત્રિપુટીને પહેલીવાર જબરદસ્ત યશ મળ્યો.


