- 'મને આંકડાઓ સાથે બહુ ફાવતું નથી એટલે હું મને મુશ્કેલ લાગતી વસ્તુ શીખવા માગતી હતી. આમ, મેં એમબીએ કરીને માતાપિતાને આપેલું વચન પાળી બતાવ્યું.'
ફિલ્મી દુનિયાની ચકાચૌંધમાં યુવાનો ભણવાનું છોડી મુંબઇ ભણી હડી કાઢે છે તે જમાનામાં દિગાંગના સૂર્યવંશીએ એક અનોખો દાખલો બેસાડયો છે. એક વીર કી અરદાર..વીરા નામની લોકપ્રિય ટીવી શ્રેણીની હિરોઇન દિગાંગના સૂર્યવંશીએ મુંબઇની એમએમ ઇન્સ્ટિટયુટમાંથી ફાયનાન્સમાં માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી મેળવી છે. એક્ટિંગની કારકિર્દી ધીમે ધીમે આકાર લઇ રહી છે છતાં દિગાંગનાએ માસ્ટર ડિગ્રી મેળવવાનું સ્વપ્ન સાકાર કરી જાણે એક સંદેશ આપ્યો છે કે માસ્ટરની ડિગ્રી મેળવી વિધિસર શિક્ષણ પુરૂ કરવું એ આજના જમાનાની જરૂરિયાત છે.
દિગાંગનાએ ઇન્સ્ટા પર તેની સિદ્ધિની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હું હવે એમબીએ થઇ ચૂકી છું. મારું આ સ્વપ્ન આ વર્ષે જુલાઇમાં સાકાર થઇ ચૂક્યુ છે. દિગાંગના કહે છે, મારા માટે આ એક વધુ લાયકાત મેળવવાથી વિશેષ બાબત હતી. હું શૈક્ષણિક જગતનો હિસ્સો બનવા માંગતી હતી. મને હકીકતો જાણવાનું કુતૂહલ છે અને હું જ્યાં પણ તક મળે ત્યાંથી સતત જ્ઞાાન મેળવવા માટે પ્રયત્નશીલ રહું છું. મારું શિક્ષણ વિધિસર પુરૂ કરવાનો ખ્યાલ હમેંશા મારા મનમાં રમતો હતો. મારા માતાપિતા પણ ઇચ્છતા હતા કે હું વિધિસર મારું શિક્ષણ પુરૂ કરી લઉં. વળી મેં મારા માતાપિતાને વચન આપ્યું હતું તે પણ મારે પાળવાનું હતું.
દિગાંગના માને છે કે જ્યારે પણ શક્ય હોય ત્યારે શિક્ષણ મેળવવું જ જોઇએ. પણ દિગાંગના પાછી આદર્શ સ્ટુડન્ટ નથી. તેણે હસીને જણાવ્યુંહતું કે મારો ભણવાનો સમય ફિક્સ હોતો નથી. હું જાતે અભ્યાસ કરી લેવામાં માનું છું. ખરી વાત તો એ છે કે જ્યારે પરીક્ષા નજીક આવે ત્યારે જ મને ભણવાનું સૂઝે છે. પણ પછી હું એકદમ ધ્યાનથી ભણું છું. રસપ્રદ બાબત એ છે કે પહેલાં બે સેમેસ્ટર પુરાં કર્યા બાદ દિગાંગનાએ પોતાના કામને પુરૂ કરવા માટે બ્રેક લીધો હતો. એ પછી તેણે ફાઇનલ યર માટે પૂરજોશમાં ભણવાનું શરૂ કરી દીધું હતું.
એવું નથી કે દિગાંગના બિઝનેસ ફેમિલિમાંથી આવે છે અને તેને બિઝનેસમાં બહું ખબર પડે છે. પણ હકીકત એ છે કે તેના જણાવ્યા મુજબ તેને આંકડાઓ સાથે ફાવતું નથી. એટલે તેણે ઇરાદાપૂર્વક ફાયનાન્સ પસંદ કર્યું હતું. દિગાંગના કહે છે, જો હું આ કોર્સ કરીશ તો મને જે મુશ્કેલ લાગે છે તેના વિશે હું કશુંક શીખી શકીશ. ફાયનાન્સમાં એમબીએ થયેલી દિગાંગના હાલ થોડાં સ્ટાર્ટ અપ વિક્લ્પો વિશે વિચારી રહી છે. મારી બીજા પરની આધારીત રહેવાની જરૂરિયાત આ કોર્સ ઘટાડશે. અને એક્ટિંગ તો હું કરી જ રહી છું તેમ કહી દિગાંગના ઉમેરે છે કે હું ટૂંક સમયમાં એક દ્વિભાષી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની છું. આ ઉપરાંત હું બે તેલુગુ અને એક તમિલ ફિલ્મની રજૂઆત થવાની પણ રાહ જોઇ રહી છું. તથા એક હિદી વેબ સિરિઝ શો સ્ટોપર પણ હું આ વર્ષે સ્ટ્રિમ કરી રહી છું. સ્વાભાવિક રીતે જ વ્યસ્ત દિગાંગનાને ટેલિવિઝન પર પાછાં ફરવાની હાલ કોઇ ઉતાવળ નથી. પઢો ઔર આગે બઢો,દિગાંગના!


