ડાયના પેન્ટી : ઓટીટી કલાકારોને અનુભવ અપાવે, સમૃધ્ધ બનાવે
હમણાં એક પછી એક ચાલી રહેલા ફેશન વીક અભિનેત્રી ડાયના પેન્ટીને પોતાના મૉડેલિંગના દિવસોની યાદ અપાવી રહ્યા છે. તે કહે છે કે રેમ્પ વૉક મને મારી કારકિર્દીના મૂળભૂત સમય તરફ ફરીથી લઈ જાય છે. 'છાવા'ની આ અભિનેત્રીએ તાજેતરમાં એક ફેશન વીકમાં ફરીથી મૉડેલિંગ કર્યું ત્યારે તે ખુશખુશાલ થઈ ગઈ હતી. આમ છતાં ડાયનાએ કહ્યું હતું કે અસંખ્ય વખત રેમ્પ વૉક કરવાનો અનુભવ પણ મૉડેલોના મનમાંથી પડી જવાની ભીતિ દૂર નથી કરી શકતો. મારા તાજેતરમાં શોની કોરિયોગ્રાફી અને મ્યુઝિક શ્રેષ્ઠ હતાં. હું મારું રેમ્પ વૉક મનભરીને માણી રહી હતી તોય દિલોદિમાગના એક ખૂણે પડી જવાનો ડર અકબંધ હતો.
હાલના તબક્કે એક ઓટીટી પ્રોજેક્ટ પર કામ કરી રહેલી ડાયના કહે છે કે ત્રીજા પડદે કામ કરવામાં અને ફિલ્મો કરવામાં આભ-જમીનનું છેટું હોય છે. ફિલ્મોની તુલનામાં ઓટીટી તમને ખડે પગે રાખે. તેમાં તમને વધારે કલાક કામ કરવું પડે. આનું કારણ એ છે કે તેના દરેક પાત્રોને પૂરતું ફૂટેજ મળતું હોવાથી કલાકારો પોતાનું કિરદાર સંપૂર્ણ રીતે જીવે છે. સ્વાભાવિક રીતે જ તેમને કાંઈક કર્યાનો, સર્જનાત્મકતાનો આનંદ મળે છે. આ માધ્યમમાં તમને ઘણું નવું નવું કામ કરવા મળતું હોવાથી તમે અનુભવસમૃધ્ધ બનો છો.