- 'અમારે વિલનના પાત્ર માટે એકદમ હૃષ્ટપૃષ્ટ એક્ટરની જરૂર નહોતી, એટલે અક્ષયમાં અમને પાત્ર માટે પરફેક્ટ અદાકાર દેખાયો. એમનું ખંધુ સ્માઈલ જ ઘણું બધું કહી દે છે.'
ફિલ્મ મેકિંગ આસાન કામ નથી. દરેક ફિલ્મ માટે એના ડિરેક્ટર અને પ્રોડક્શન ટીમે પડદા પર એક નવી દુનિયા ઊભી કરવી પડે છે. સ્ટોરી-સ્ક્રીન પ્લેના પાત્રો માટે યોગ્ય એકટર્સની પસંદગી પણ જરૂરી છે. એના કારણે ફિલ્મ મેકિંગમાં કાસ્ટિંગ ડિરેક્ટરની ભૂમિકા અહમ બની જાય છે. આદિત્ય ધરની ધુમ મચાવી રહેલી ફિલ્મ 'ધુરંધર'એ આ હકીકતનું પ્રતિપાદન કર્યું છે. 'ધુરંધર'ના દરેક એક્ટરે દર્શકોના દિલ ખુશ કરી દીધા છે. એટલે નેચરલી, મૂવીના કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાના બોલિવુડમાં ભરપુર વખાણ થઈ રહ્યા છે. એમને ફિલ્મ માટે પરફેક્ટ એકટર્સ પસંદ કરવાની ક્રેડિટ અપાય છે.
'ધુરંધર'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવ્યા બાદ કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ તાજેતરમાં મુંબઈના મીડિયા માટે એક ગેટ ટુગેધર રાખી એમની સાથે ઇન્ટરએક્શન કર્યું. છાબરાને એમની સકસેસ માટે અભિનંદન આપ્યા બાદ મીડિયાએ એમને પહેલા પ્રશ્નમાં પૂછ્યું, 'સર, સૌ જાણે છે કે 'ધુરંધર'ના પાત્રો રિયલ લાઈફના લોકોથી પ્રેરિત છે. સોશ્યલ મીડિયા પર ચાલતી ચર્ચા મુજબ તમે એ રિયલ લાઈફના લોકો જેવા જ દેખાતા એકટર્સે પસંદ કર્યા છે. એ જોતાં તમને ફિલ્મના કાસ્ટિંગમાં કેટલો સમય લાગ્યો હતો?' કાસ્ટિંગ ડિરેક્ટર હળવું સ્મિત વેરી જવાબ આપે છે, 'લગભગ દોઢ વરસ જેટલો ટાઈમ લાગ્યો. અમારી પાસે અમુક રેફરન્સીસ (સંદર્ભો) હતા. મૂવીની સ્ટોરી એટલી સારી હતી કે મેં અને મારી ટીમે રાત-દિવસ કામ કર્યું. આદિત્યએ મને સ્ટોરી સંભળાવી ત્યારથી ફિલ્મ માટે કામ કરવા મારામાં ઉત્સાહનો સંચાર થયો હતો. અમે લોકલ કાસ્ટિંગ માટે બેંગકોક ગયા. એકટર્સને કાસ્ટ કરવા અમે દિલ્હી અને કાશ્મીર પણ ગયા. મુંબઈમાંથી પણ કાસ્ટિંગ કર્યું.'
બીજા સવાલમાં પત્રકારોએ પૂછ્યું, 'એકટ્રેસ-પોલિટિશ્યન સ્મૃતિ ઈરાનીએ હમણાં પોતાની સોશ્યલ મીડિયા પોસ્ટમાં 'ધુરંધર'માં તમારા કાસ્ટિંગને બિરદાવ્યું છે. એ જાણી તમને કેવી લાગણી થઈ?' મુકેશ એના ઉત્તરમાં કહે છે, 'મને ખરેખર એ બહુ ગમ્યું. સ્મૃતિ મેડમે પોસ્ટ મૂકવા ઉપરાંત મને અભિનંદન આપવા ફોન પણ કર્યો. એમણે કહ્યું, મેં તમારા વિશે એક પોસ્ટ તો મૂકી જ છે, પરંતુ મારે તમને પર્સનલી કોલ કરી કોન્ગ્રેટસ કહેવું હતું. એમણે લગભગ ૨૦ મિનિટ ફોન પર વાત કરી હશે. એ દરમિયાન એમણે ફિલ્મની અને મારા કામની પ્રશંસા કરી.'
હવે છાબરાને સૌના મનમાં રમતો સવાલ પૂછાય છે, 'તમે જાણો છો કે ફિલ્મમાં અક્ષય ખન્નાના પરફોર્મન્સે બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. તો એમનું કાસ્ટિંગ કઈ રીતે થયું હતું?' કાસ્ટિંગ ડિરેક્ટરના અવાજમાં અચાનક જોમ ઉમેરાય છે, 'છેલ્લા ૨-૩ દિવસથી હું અક્ષય પાજી સાથે વાત કરું છું. તેઓ પોતાના રોલને મળેલી સરાહનાથી ખુશમખુશ છે. કાસ્ટિંગ ચાલતું હતું એ દરમિયાન હું અને આદિત્ય લગભગ રોજ ૧ કલાક બેસતા. એવું નથી કે રેહમાન ડકૈતના રોલ માટે અમે બીજા એકટર્સ વિશે વિચાર્યું જ નહોતું. ઘણાં નામો પણ ચર્ચા થઈ હતી. પરંતુ સાચુ કહું તો અમારે લોકોને સરપ્રાઈઝ આપવી હતી. અક્ષય ખન્ના દેશના બેસ્ટ એક્ટર છે, પરંતુ એમના કામની જોઈએ એવી કદર નહોતી થઈ. 'ધુરંધર'એ એ કમી પૂરી કરી દીધી. રેહમાન ડકૈતનું કેરેક્ટર સ્ટાઇલિશ અને ઇન્ટેન્સ છે. પરંતુ એ પોતાના અસીમ પાવરને કારણે બહુ લાઉડ પણ ન હોવું જોઈએ એ અમે જાણતા હતા. અમારે આ વિલન માટે એકદમ હૃષ્ટપૃષ્ટ એક્ટરની જરૂર નહોતી એટલે અક્ષયમાં અમને પાત્ર માટે પરફેક્ટ અદાકાર દેખાયો. એમનો ઓરા અને એમનું ખંધુ સ્માઈલ જ ઘણું બધુ કહી દે છે.'
આ સંદર્ભમાં પત્રકારો એક પૂરક પ્રશ્ન પૂછે છે, 'એમ કહેવાય છે કે 'ધુરંધર' માટે હા પાડવામાં અક્ષયે થોડો સમય લીધો હતો. એ સાચુ છે?' મુકેશએ વાત સાથે સંમત થતા કહે છે, 'ઇન્ડસ્ટ્રીમાં બધા જાણે છે કે અક્ષય કોઈ પણ ફિલ્મ સ્વીકારવા સમય લે છે. એમણે કોઈની સામે કાંઈ પુરવાર કરવાની જરૂર નથી. એ જ અક્ષય ખન્નાનો મેજિક છે. એમના નામનું આદિત્યને સૂચન કરી મેં એમના જીવનમાં થોડું યોગદાન આપ્યું એની મને ખુશી છે.' રણવીર સિંહ અને એની હિરોઈન સારા અર્જુનની ઉંમરમાં રહેલા ૨૦ વરસના તફાવત વિશે વાત કરે છે. છાબરા કહે છે, 'એવું નથી પણ મને આ સંબંધમાં બહુ સ્પષ્ટ બ્રિફ આપવામાં આવી હતી. સ્ટોરીમાં હીરો હિરોઈનને પોતાની મોહજાળમાં ફસાવવા પ્રયાસ કરે છે. એટલે એ રોલ માટે અમારે ૨૦-૨૧ વરસની યુવતી જ જોઈતી હતી. 'ધુરંધર'નો બીજો ભાગ આવશે ત્યારે એ જ ગેપની ચર્ચા કરનારાઓને એમની તમામ શંકાનો જવાબ મળી જશે. નહિતર, રણવીર માટે ૨૬-૨૭ વરસની હિરોઈનની ક્યાં કમી હતી?'


