ધીંરે ધીરે પ્યાર કો બઢાના હૈ, હદ સે ગુજર જાના હૈ
- કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલે ગાયેલું 'મૈંને પ્યાર તુમ્હીં કો કિયા હૈ, મૈંને દિલ ભી તુમ્હીં કો દિયા હૈ, અબ ચાહે જો હો જાયે...' ગીત પાકિસ્તાની ગીત 'મુઝે દેખ કે બીન બજાયી...'ની તર્જ પરથી પ્રેરિત હતું. પરંતુ સમય નદીમ-શ્રવણની તરફેણમાં હતો એટલે વિવાદ કે હોબાળો ન થયો
સફળતા માણસનો ઉત્સાહ વધારે છે. એને કંઇક નવું કરવાની પ્રેરણા આપે છે, પરંતુ ક્યારેક સફળતાને કારણે વ્યક્તિ અણધાર્યા ટેન્શનનો શિકાર પણ બની જાય છે. પહેલી બે-ત્રણ ફિલ્મો સુપરહિટ નીવડી એટલે સંગીતકાર નદીમ-શ્રવણના દરવાજે ફિલ્મ સર્જકોની લાઇન લાગી ગઇ એ વાત આપણે કરી. નદીમ-શ્રવણે એક સાથે ઘણી બધી ફિલ્મો સાઇન કરી લીધી. વાંધો નહીં. પણ અહીં એક વાત યાદ રહેવી ઘટે. માણસનું દિમાગ કંઇ કારખાનું નથી. તમે બટન દબાવો અને ઉત્તમોત્તમ સર્જન પ્રગટ થાય એવું દર વખતે થતું નથી. ક્યારેક કામના દબાણને લીધે તમારે કોઇની તૈયાર તર્જ વાપરવી પડે. ફિલ્મ કુકુ કોહલીની ફિલ્મ 'ફૂલ ઔર કાંટેં'ંમાં એવું જ થયું. નદીમ-શ્રવણે કામના દબાણને લીધે કે પછી કદાચ કુકુ કોહલીએ કરેલી ભલામણ સ્વીકારીને એક હિટ પાકિસ્તાની ગીતની તર્જ વાપરવી પડી.
અગાઉ આ સ્થળેથી તમને કહેલું કે એક મુલાકાતમાં પીઢ સંગીતકાર ઓ. પી. નય્યરે કહેલું કે કેટલીક વાર ફિલ્મ સર્જક પોતે કોઇ વિદેશી હિટ ગીતની રેકર્ડ લઇને આવે અને અમને કહે કે ઇસ કે જૈસા કુછ બના દો... ત્યારે અમને એક પ્રકારની ગૂંગળામણ થાય છે. પછી મીડિયા લખી નાખે છે કે ઓ. પી. નય્યરે ઊઠાંતરી કરી છે, આ ગીત તો ફલાણા વિદેશી ગીતની ઊઠાંતરી છે. ખેર, આપણે 'ફૂલ ઔર કાંટેં'ની વાત કરીએ. આ ફિલ્મ આરંભથી જ વિવાદનું નિમિત્ત બની હતી. કુકુએ પહેલાં અક્ષયકુમારને હીરો તરીકે સાઇન કરેલો. પછી કોણ જાણે શું થયું, અક્ષયના સ્થાને અજય દેવગણ આવી ગયો. અજયની આ પહેલી ફિલ્મ જેમાં એણે એક સાથે બે મોટરબાઇક પર સંતુલન જાળવીને બાઇક હંકારવાનો શોટ આપેલો. (આખરે તો ટોચના સ્ટંટ ડાયરેક્ટર વીરુ દેવગણનો પુત્ર ને!) આ શોટ હિટ નીવડયો અને પછી બીજી કેટલીક ફિલ્મોમાં પણ આ શોટનું પુનરાવર્તન થયું. પાછળથી અક્ષયકુમારે કહેલું કે જે થયું એ સારું થયું, કારણ કે 'ફૂલ ઔર કાંટેં' મને ન મળી એટલે જ મને ખિલાડી સિરિઝ કરવાની તક મળી.
એક અભિપ્રાય મુજબ આ ફિલ્મ મલયાલમ ફિલ્મ પરંપરા પરથી બની હતી. જોકે હિન્દીમાં સફળ થયા બાદ એ તેલુગુ અને ઉડિયા ભાષામાં પણ બની. કેવું વિચિત્ર! સાઉથની ફિલ્મ પરથી હિન્દીમાં બની અને હિન્દી પરથી પાછી સાઉથની ભાષાઓમાં બની. મૂળ મલયાલમ ફિલ્મમાં મામુટીએ ડબલ રોલ કરેલો. યશ ચોપરાની શ્રીદેવી-અનિલ કપૂરને ચમકાવતી 'લમ્હેં'ની સાથે રિલીઝ થવા છતાં 'ફૂલ ઔર કાંટેં' હિટ નીવડી હતી. ગીતો સમીર અને રાની મલિકે રચ્યાં હતાં.
'ફૂલ ઔર કાંટેં'ની વાર્તા જાણીતી હતી. એક ડોન પોતાનો અપરાધી વિશ્વનો વારસો ઇકલૌતા પુત્રને આપી જવા માગે છે. પુત્ર તૈયાર નથી એટલે કુટિલ રમત રમે છે. એનો લાભ હરીફ ડોન કેવી રીતે લે છે અને અંતે ઘીના ઠામમાં ઘી પડી જાય છે એવી ઓડિયન્સને પરિચિત કથા હતી. હીરોઇન તરીકે હેમા માલિનીની ભત્રીજી કે ભાણેજ મધુ હતી. ફિલ્મ સુપરહિટ નીવડી હતી અને ૧૯૯૧માં સૌથી વધુ રળનારી ફિલ્મોમાં આ ફિલ્મ પાંચમા ક્રમે આવી હતી. ત્રણ કરોડના ખર્ચે બનેલી આ ફિલ્મે ૧૨ કરોડથી વધુ કમાણી કરી હતી.
બોલિવુડના માંધાતાઓના અભિપ્રાય મુજબ ફિલ્મ ચાલવાનું મુખ્ય કારણ ગીત સંગીત હતું. અજયે કરેલા સ્ટંટ પણ લોકોને ગમેલા. અજયને આ ફિલ્મ માટે ૧૯૯૧નો બેસ્ટ ડેબ્યુનો ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો. 'ફૂલ ઔર કાંટેં'માં આઠ ગીતો હતાં. એમાં એક ગીત રિપીટ હતું એટલે સાત રહ્યાં. કુમાર સાનુ અને અનુરાધા પૌડવાલે ગાયેલું 'મૈંને પ્યાર તુમ્હીં કો કિયા હૈ, મૈંને દિલ ભી તુમ્હીં કો દિયા હૈ, અબ ચાહે જો હો જાયે...' ગીત પાકિસ્તાની ગીત 'મુઝે દેખ કે બીન બજાયી...'ની તર્જ પરથી પ્રેરિત હતું. પરંતુ સમય નદીમ-શ્રવણની તરફેણમાં હતો એટલે વિવાદ કે હોબાળો થયો નહીં.
આ ફિલ્મનાં બધાં ગીતો ફિલ્મ રજૂ થઇ ત્યારે જબ્બર લોકપ્રિય નીવડયાં હતાં. એકાદ ગીત જોડકણા જેવું પણ હતું જેમ કે 'પ્રેમી, આશિક, આવારા, પાગલ, મજનુ, દિવાના, મુહબ્બતને યે નામ હમ કો દિયા હૈ, તુમ કો જો પસંદ હો, અજી ફરમાના...' અન્ય ગીતો અત્યારે સાંભળો તો બેએક ગીત તમને જરૂર હૃદયસ્પર્શી લાગે. એમાંનું એક ગીત એટલે 'ધીંરે ધીરે પ્યાર કો બઢાના હૈ, હદ સે ગુજર જાના હૈ, મુઝે બસ તુજ સે દિલ લગાના હૈ, હદ સે ગુજર જાના હૈ...'
કુમાર સાનુ અને અલકા યાજ્ઞિાકે ગાયેલું આ ગીત સૌમ્ય મધુર તર્જ ધરાવે છે અને પરદા પર રિપીટ થાય છે. ફિલ્મ રજૂ થઇ ત્યારે આ ગીતને જબરો આવકાર મળ્યો હતો.એવું જ બીજું ગીત એટલે 'પહલી બારિશ મૈં ઔર તૂ, દૂર સે ભીની ખૂશ્બૂ આયે, હો પહલા મૌકા મૈં ઔર તૂ, એક દૂજે સે મિલને આયે...' પરદા પર તેમજ માત્ર ઓડિયો સાંભળતી વખતે આ ગીત પણ રસિકજનને મુગ્ધ કરે એવું છે.