Get The App

ધરમજી ફિલ્મ કરવી કે નહીં તે પાંચ જ મિનિટમાં નક્કી કરી લેતા: અનિલ શર્મા

Updated: Dec 11th, 2025

GS TEAM

Google News
Google News
ધરમજી ફિલ્મ કરવી કે નહીં તે પાંચ જ મિનિટમાં નક્કી કરી લેતા: અનિલ શર્મા 1 - image

- 'ધરમજી એક એક્ટર તરીકે નહીં, પણ ઓડિયન્સ તરીકે ફિલ્મ કરવી કે કેમ તેનો નિર્ણય લેતા. મુઝે માલૂમ નહીં, 'અપને-ટુ' ફિલ્મ નહીં બનેગી વો ખબર કહાં સે આઇ. ધરમજી કે  લિયે 'અપને-ટુ' કી શ્રદ્ધાંજલિ બનતી હી હૈ...'  

૧૯૮૦માં જ્યારે રવિ ચોપડાની ધ બર્નિંગ ટ્રેન બની રહી હતી ત્યારે ફિલ્મના હીરો ધર્મેન્દ્ર અને રવિ ચોપડાના સહાયક નિર્દેશક અનિલ શર્મા વચ્ચે પહેલીવાર મુલાકાત થઇ હતી. એ પછી અનિલ શર્મા નિર્દેશક બન્યા અને ધર્મેન્દ્રને હીરો તરીકે લઇ તેમણે હુકુમત ફિલ્મ બનાવી, જે થિેયેટર્સમાંં સળંગ ૭૫ સપ્તાહ ચાલી હતી. એ પછી ૨૦૦૭માં દેઓલ ખાનદાનના ત્રણ હીરો ધર્મેન્દ્ર અને તેમના બે પુત્રો સની અને બોબીને લઇને અનિલ શર્માએ ૨૦૦૭માં અપને ફિલ્મ બનાવી હતી. આમ, દેઓલ પરિવાર સાથે લાંબો અને ઘનિષ્ઠ નાતો ધરાવતાં અનિલ શર્મા જ્યારે ધર્મેન્દ્ર ના સંભારણાં વાગોળે ત્યારે તે પ્રવાસ અલગ જ બની રહે. અનિલ શર્માના મુખે જ તેમના સુપર હીરોની કહાની.......

ધરમજી અને મારી વચ્ચે એક કર્મનું કનેકશન હતું. હું જ્યારે દસ વર્ષથી પણ નાનો હતો ત્યારે હું મેરઠમાં મારા દાદા સાથે એક લગ્નપ્રસંગમાં ગયો હતો. એ સમયે લગ્નસ્થળની નજીક એક સિનેમાઘરમાં ગંગા કી લહેરે નામની ફિલ્મ લાગી હતી. હવે જીવનમાં મેં કદી ફિલ્મ જોઇ નહોતી એેટલે મેં મારા દાદા સામે ફિલ્મ જોવાની જીદ પકડી. મારા દાદાજીએ મારી જીદ સામે નમતું જોખી મને સિનેમાઘરમાં ફિલ્મ જોવા લઇ ગયા અને મને મારા જીવનનો હીરો ધર્મેન્દ્ર મળી ગયો. 

એ પછી હું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવા માટે મુુંબઇ આવ્યો. ધ બર્નિંગ ટ્રેન ફિલ્મમાં હું નિર્દેશક રવિ ચોપડાનો સહાયક હતો. હું પહેલીવાર ધરમજીને આ ફિલ્મના સેટ પર મળ્યો  અને જ્યારે તેમના ચરણસ્પર્શ કર્યા ત્યારે ધરમજીએ કહ્યું હતું, મહેનત કરો, જીતે રહો. મને સહાયક તરીકે કામ સોંપવામાંઆવ્યું હતું કે મારે દરેક સ્ટારને સમયસર સેટ પર લઇ આવવા. દિલ્હીમાં ફિલ્મના છેલ્લા શોટ માટે અમારે આખી કાસ્ટને લોકેશન પર એકઠી કરવાની હતી. પરવીનબાબીએ મને જણાવ્યું હતું કે તેને મોડું થશે. મેં તેમને ત્રણ વાર જણાવ્યું કે તેમણે સમયસર હાજર રહેવું પડશે. ધરમજીએ આ સાંભળ્યું હતું. પણ સેટ પર જ્યારે તે વરતાઇ નહીં ત્યારે દિગ્દર્શકે મને ધમકાવવા માંડયો. એ સમયે ધરમજી મારી વહારે આવ્યા અને કહ્યું કે જો પરવીન નાની બેબલી હોત તો આ છોકરો તેનેે તેડીને લઇ આવ્યો હોત. આમાં તેનો કોઇ વાંક નથી. મેં તેને વીસ કલાક કામ કરતો જોયો છે તે યુનિટમાં સૌથી વધારે મહેનત કરતો છોકરો છે. વિચાર કરો, એક મેગા સ્ટાર ફર્સ્ટ ટાઇમ આસિસ્ટન્ટની વહારે આવે ત્યારે કેવું લાગે. હું તેમની આ ભલમનસાઇ જોઇ આનંદથી આંચકો ખાઇ ગયો હતો. 

એ પછી હું ફિલ્મ નિર્દેશક બની ગયો અને મારી બે ફિલ્મ શ્રદ્ધાંજલિ અને બંધન કચ્ચે ધાગો કા રિલિઝ થઇ ચૂકી હતી. આમ છતાં ધરમજી  મને મારી ઔકાત બહાર લાગતાં હતા. પણ મારોનાનો ભાઇ અનુજ અને ફાયનાન્સિયર મથુરાદાસજીનો આભાર કે તેઓ મને ધરમજીને મળવા લઇ ગયા. મારી પાસે એ સમયે ફિલ્મની સ્ક્રિપ્ટ પણ તૈયાર નહોતી. હું જ્યારે ધરમજીને જોતો ત્યારે તેમના પ્રભાવ હેઠળ મારી બોલતી બંધ થઇ જતી. પણ પાંચ મિનિટ માટે મને મળવાનો સમય આપવામાં આવ્યો. એ સમયે મારી બોલતી હમેંશની જેમ બંધ થઇ ગયેલી પણ ધરમજીએ મને ઓળખી કાઢી પૂછ્યુ કે, તું ધ બર્નિંગ ટ્રેનવાલા વોહી છુટકા તો નહીં? તેમણે મને કહ્યું કે તેમના ભાઇ અજીતે મારી બંને ફિલ્મોના તેમની સામે વખાણ કર્યા હતા. 

ધરમજીની સેન્સિબિલિટી એટલી સ્ટ્રોન્ગ હતી કે થોડું નેરેશન કરો કે તરત જ તે સમજી જતાં કે ફિલ્મ શાના વિશે છે. આજે તો ઘણાં સ્ટાર મહિનાઓ સુધી પટકથા વાંચે જ રાખે છે. તેમના સગાંઓ અને સહકાર્યકરો પણ તે પટકથા વાંચે છે. આમ છતાં તેઓ સમયસર નક્કી કરી શકતાંં નથી કે તેમણે આ ફિલ્મ કરવી જોઇએ કે કેમ. પણ ધરમજી તત્કાળ પાંચ જ મિનિટમાં કહી દેતાં કે તેઓ આ ફિલ્મ કરી રહ્યા છે. મારા જેવો નવો નિર્દેશક હોવા છતાં તેમણે મારી ફિલ્મ કરવાની હા પાડતાં જ હું તેમના પગે પડયો ત્યારે તેમણે મારા માથા પર હાથ મુકી આશિર્વાદ આપ્યા કે, જીતે રહો, મહેનત કરો. હમ અચ્છી ફિલ્મ બનાયેંગે! તેઓ ફિલ્મ કરવા વિશે નિર્ણય લે ત્યારે તે પોતાને હમેંશા ઓડિયન્સ ગણતાં, તેઓ પોતાને એક્ટર તરીકે જોતાં નહોતાં. તેમને ખબર જ નહોતી કે તેઓ કેવી મોટી હસ્તી બની ચૂક્યા છે. તેમની વિદાયટાણે આખી દુનિયા રડી રહી હતી. મારી અને દેઓલ પરિવારની હાલત પણ એ જ હતી. દેઓલ પરિવાર ભાંગી પડયો હતો. તેમને હોસ્પિટલમાંથી ઘરે લાવવામાં આવ્યા ત્યારે હું તેમને મળવા તેમના ઘરે ગયો હતો. તેઓ સાજા થઇ રહ્યા હતા. તેઓ પોતાની આંખો ખોલી શકતાં હતા અને તેમના હાથ પણ હલાવી શકતાં હતા. ડોક્ટર પણ કહેતા હતા કે ધરમજી બહુત સ્ટ્રોન્ગ આદમી હૈ. મેડિકલ ટીમ પણ માનતી હતી કે તેઓ સાજા થઇ જશે. અમને બધાંને આશા હતી કે અમે આઠ ડિસેમ્બરે તેમનો નેવુંમો જન્મદિન મનાવીશું. પણ તેમની પાકટ વય દેખાવા માંડી હતી અને જે નિયતિ હોય તેની સામે તમે લડી શકો નહીં. ધરમજીના અવસાન સમયે એવી વાત વહેતી થઇ હતી કે અપને ટુ તેમના વિના બની ન શકે એટલે તેને કાયમ માટે બંધ કરી દેવાઇ છે. મને ખબર નથી કે આ સ્ટોરી ક્યાંથી આવી. મેં આવું કોઇ નિવેદન આપ્યું નથી. આ બાબતે અમારે કોઇ ચર્ચા પણ થઇ નથી. પણ હા, ધરમજી કે લિયે અપને ટુ કી શ્રદ્ધાંજલિ તો બનતી હી હૈ.