Get The App

શાહરૂખને સફળતા-નિષ્ફળતાની પરવા કર્યા વિના સતત કામ કરવાની શીખ દેવ આનદે આપી હતી

Updated: Feb 13th, 2026

GS TEAM

Google News
Google News
શાહરૂખને સફળતા-નિષ્ફળતાની પરવા કર્યા વિના સતત કામ કરવાની શીખ દેવ આનદે આપી હતી 1 - image

- શાહરૂખખાનને દેવ આનંદ પ્રત્યે ભારે આદર હતો દેવ આનંદે લંડનની રેસ્ટોરાંમાં ગૌરીને નામથી બોલાવતાં ગૌરી આશ્ચર્યચકિત થઇ ગયેલી

દેવ આનંદ અને શાહરૂખખાન બે અલગ સમયગાળાના સુપરસ્ટાર છે પણ તેમની વચ્ચે સરસ બોન્ડ હતો. વળી શાહરૂખખાન તેના સિનિયર્સ એક્ટર્સ પ્રત્યે આદર દાખવવાના મામલે જાણીતો છે. અમિતાભ બચ્ચન અને દિલિપકુમાર સાથેના તેના સંબંધો જાણીતાં છે પણ શાહરૂખખાનને દેવ આનંદ સાથે પણ એટલાં જ સરસ સંબંધો હતા. 

દેવ આનંદના નજીકના મિત્ર મોહન ચુડીવાલાએ એક મુલાકાતમાં દેવ આનંદ અને શાહરૂખખાનના સંબંધો વિશે જણાવ્યું હતું કે દેવસાબ શાહરૂખખાનને એક સુપરસ્ટાર તરીકે જ નહીં પણ એક સારા માણસ તરીકે જોતાં હતા. શાહરૂખખાન અને દેવ આનંદ વચ્ચે સહજ સંબંધ હતો. દેવસાબ શાહરૂખખાનના કામની સાથે તેની પર્સનાલિટીના પણ ભારે વખાણ કરતાં હતા. તેમને લાગતું હતું કે શાહરૂખ એક મહેનતુ અને જીવન સાથે અજબ નાતો ધરાવતો વ્યક્તિ છે. આ જ કારણે જ્યારે પણ તક મળે ત્યારે દેવસાબ તેને પ્યારથી સલાહ આપતાં હતા. બીજી તરફ શાહરૂખખાન પણ દેવસાબની ખૂબ ઇજ્જત કરતો હતો અને તેમની સલાહ ધ્યાનથી સાંભળી તેનો અમલ કરતો હતો. આખરે તો દેવસાબે ફિલ્મી દુનિયામાં શાહરૂખ કરતાં વધારે દિવાળીઓ જોઇ હતી.  ૨૦૦૯માં અનિલ અંબાણીની કંપની રિલાયન્સ એન્ટરટેઇનમેન્ટ અને સ્ટિવન સ્પિલબર્ગ વચ્ચે સંયુક્ત સાહસ કરવા માટે કરાર થયા હતા. આ પ્રસંગે એક પાર્ટી યોજવામાં આવી હતી. જેમાં દેવ સાબ અને શાહરૂખખાન બંને હાજર રહ્યા હતા. પાર્ટીમાં દેવઆનંદે જોયું કે શાહરૂખખાન એક ખૂણામાં બેસીને સિગારેટ પીને તેનો ધુમાડો નીચેની તરફ છોડી રહ્યો હતો. આ જોઇ દેવસાબ તેની પાસે ગયા અને પ્યારથી તેને કહ્યું કે, શાહરૂખ યાર, તુ ઇતના સ્મોક ક્યું કરતાં હૈ? તુ કિતના અચ્છા લડકા હૈ, છોડ દે. ઇસકો છોડ દે. શાહરૂખે હસીને તેમને જણાવ્યું હતું કે  મૈં કોશિશ કરૃંગા, સર. નોંધપાત્ર બાબત એ છે કે નવેમ્બર ૨૦૨૪માં શાહરૂખખાને તેના ૫૯મા જન્મદિને દેવ આનંદની સલાહને આખરે માની પોતે સિગારેટ પીવાનું છોડી દીધું હોવાની જાહેરાત કરી હતી. 

અન્ય એક કિસ્સામાં દેવ આનંદ લંડનની એક ફાઇવસ્ટાર હોટલમાં તેમના મિત્ર મોહન ચુડીવાલા સાથે બેસીને કોફીની લિજ્જત માણી રહ્યા હતા. એ સમયે નજીકના ટેબલ પર ગૌરીખાન અને સુઝેન ખાન બેઠાં હતા. તેમણે દેવસાબને જોતાં જ તેઓ તેમનું અભિવાદન કરવા આવ્યા. ગૌરીએ કહ્યું, હેલ્લો સર!  તરત જ દેવસાબે વળતો જવાબ વાળ્યો,હાય ગૌરી, હાઉ આર યુ? અરે સર, તમે મને ઓળખી કાઢી! દેવસાબે વળતું જણાવ્યું કે તને કોણ ન ઓળખે? ખુશ થઇ ગયેલી ગૌરીએ તરત જ શાહરૂખખાનને ફોન જોડી આ વાત કરી હતી. તેઓ દેવસાબને મળીને એકદમ ખુશ થઇ ગયા હતા. ફાઇવસ્ટાર હોટલના રેસ્ટોરાંમાં આનંદની ધમાચકડી  મચી ગઇ હતી. 

એ પછી ૨૦૧૮માં ખુદ શાહરૂખખાને એક કાર્યક્રમમાં તેના પર દેવઆનંદની કેવી ઉંડી અસર પડેલી હતી તેની વાત કરતાં જણાવ્યું હતું કે, સફળતા અને નિષ્ફળતામાં પણ પોતાનો મિજાજ અકબંધ રાખવા વિશે અમે વાતો કરી રહ્યા હતા. ત્યારે દેવસાબે મને જણાવેલું, જ્યારે હું તને જોઉં છું ત્યારે મને લાગે છે કે જો તું કામ કરવાનું બંધ કરીશ તો તું ખતમ થઇ જઇશ. મને લાગે છે કે તેમની આ વાત મારા જહનમાં ઉતરી ગઇ છે. આમ, હું માત્ર આકરી મહેનત કરું છું. જો ફિલ્મ ચાલે તો હું તેની સફળતાના નશામાં મારા વખાણ કરવા માંડતો નથી. કે ફિલ્મ નિષ્ફળ જાય તો હું મારી ટીકા થવાને કારણે કામ કરવાનું બંધ કરી દેતો નથી. 

ધ શો મસ્ટ ગો ઓન !