ઇબ્રાહીમ અલી ખાન માટે દિલ્હી ઘણું દૂર છે
- પોતાની પહેલી ફિલ્મ 'નાદાનિયાં'માં ઇબ્રાહીમ અલી ખાને હળવીફૂલ રોમેન્ટિક ભૂમિકા ભજવી, પણ બીજી જ ફિલ્મ 'સરઝમીન'માં તેણે ખાસ્સી ઇન્ટેન્સ ભૂમિકા ભજવવાની કમસે કમ કોશિશ તો કરી છે
હિન્દી ફિલ્મ જગતમાં ઘણાં નવાં, ઉગતાં કલાકારોનું આગમન થઇ રહ્યું છે. અહાન પાંડે, અનીત પડ્ડા, શનાયા કપૂર, અનન્યા પાંડે,અંશ દુગ્ગલ, સીમર ભાટિયા,રાશા થડાની,વીર પહાડિયા, યશવર્ધન આહુજા, ખુશી કપૂર વગેરે પ્રતિભાશાળી અને મહેનતુ કલાકારો ઉભરી રહ્યાં છે.
આ જ યાદીમાં ઇબ્રાહીમ અલી ખાનનો પણ સમાવેશ થાય છે. ઇબ્રાહીમ અલી ખાન એટલે બોલીવુડનાં એક જમાનાનાં દંપતિ સૈફ અલી ખાન અને અમ્રિતા સિંહનો પુત્ર.ઇબ્રાહીમ અલી ખાન પણ ધીમે પગલે બોલીવુડમાં સ્થિર થવા પ્રયાસ કરી રહ્યો છે.
ફિલ્મ નાદાંનિયાં(૨૦૨૫) થી હિન્દી ફિલ્મ જગતમાં પા પા પગલી ભરનારો ઇબ્રાહીમ અલી ખાન હવે તેની બીજી ફિલ્મ સરઝમીન (દિગ્દર્શક : કાયોઝ ઇરાની)માં દેખાયો છે. સરઝમીન ફિલ્મમા ંઇબ્રાહીમ અલી ખાનની ભૂમિકા થોડીક વિશિષ્ટ છે. એટલે કે તેના પાત્રનાં એક કરતાં વધુ રંગ છે.
હિન્દી ફિલ્મ જગતમાં એવી પરંપરા કહો કે પ્રવાહ કહો, કોઇ કલાકારે તેની શરૂઆતની કારકિર્દીના તબક્કે કદાચ પણ ખલનાયકનું કે રૂપકડા , ચોકલેટી -- રોમેન્ટિક હીરોનું પાત્ર ભજવ્યું હોય તો તેને આ જ પ્રકારની ભૂમિકાનાં આમંત્રણ મળતાં રહે. કોઇ સંગીત નિર્દેશકનું ગીત સુપરહીટ થઇ જાય તો તેને લગભગ એ જ પ્રકારનાં ગીતની ધૂન બનાવવાની ઓફર મળે. તે કલાકારની કે સંગીત નિર્દેશકની પ્રતિભા ખીલે તેવા કોઇ જ પ્રયાસ ન થાય.
સમસ્યા તો ત્યારે સર્જાય કે પેલા હેન્ડસમ હીરોને કે પ્રતિભાશાળી સંગીત નિર્દેશકને બોલીવુડની આવી રૂઢીગત પરંપરા કે પ્રવાહમાંથી બહાર નીકળતાં જબરો સંઘર્ષ કરવો પડે.
સરઝમીન ફિલ્મમાં ઇબ્રાહીમ અલી ખાને પણ કંઇક આવી જ સમસ્યાનો સામનો કરવો પડયો હોવાની ચર્ચા થઇ રહી છે. ઇબ્રાહીમ અલી ખાને તેની પહેલી ફિલ્મ નાદાંનિયાંમાં અભિનેત્રી ખુશી કપૂર સાથે લીલુંછમ ઇલુ ઇલુ કર્યું છે. એટલે કે ઇબ્રાહીમ અલી ખાની ફિલ્મ કારકિર્દી રોમેન્ટિક હીરો તરીકે થઇ. હવે તેને આ જ પ્રકારની ભૂમિકા મળે તે સ્વાભાવિક છે.
હવે જોકે સરઝમીન ફિલ્મના લેખક અને દિગ્દર્શક કાયોઝ ઇરાની (કાયોઝ ઇરાની હિન્દી ફિલ્મ જગતના મજેદાર અભિનેતા બોમન ઇરાનીના પુત્ર છે) ઇબ્રાહીમ અલી ખાનને ચોકલેટી બોયની કે રોમેન્ટિક હીરોની છાપમાંથી બહાર લાવવા ભરપૂર પ્રયાસ કરી રહ્યો છે.
કાયોઝ ઇરાની આત્મવિશ્વાસ સાથે કહે છે, જુઓ, ઇબ્રાહીમ અલી ખાન પારિવારીક દ્રષ્ટિએ તો ભારતીય ક્રિકેટ ટીમના આલા દરજ્જાના કેપ્ટન મનસુર અલી ખાન પટૌડીનો પૌત્ર છે. મનસુર અલી ખાન મૂળ તો હરિયાણાના પડૌડી નામના રજવાડાના સભ્ય હોવાથી તેમની અને તેમના વંશજોની જીવનશૈલીમાં રજવાડી શૈલીની છાંટ અને દેહ સૌંદર્ય હોય તે સ્વાભાવિક છે.
મારી ફિલ્મ સરઝમીનમાં તો ઇબ્રાહીમ અલી ખાનનું પાત્ર બે જુદ જુદા રંગમાં છે. એટલે કે ઇબ્રાહીમ ફિલ્મમાં હરમન નામના યુવાનનું પાત્ર ભજવે છે. હરમનના પિતા ભારતીય લશ્કરમાં ઓફિસર હોવાથી ઘરમાં શિસ્ત, સંયમ, નમ્રતા,શિક્ષણ વગેરેનો સંસ્કારી માહોલ હોય તે સહજ છે. હરમન પોતે પણ શિસ્તબદ્ધ અને જીવનમાં કંઇક સારું, યોગ્ય કાર્ય કરવાની ઇચ્છા ધરાવતો યુવાન છે.
બીજીબાજુ સમય જતાં કોણ જાણે કેમ આ જ શિસ્તપ્રિય હરમનના જીવનમાં જબરો ઝંઝાવાત ફૂંકાય છે કે તે અતિ ઉગ્ર, તોફાની બની જાય છે. આટલું જ નહીં, હરમન ઉગ્રવાદી સંગઠન સાથે પણ જોડાઇ જાય છે.
ઇબ્રાહીમ અલી ખાનનો આ ઉગ્રવાદી અવતાર પડદા પર ભારે અસરકારક રીતે દર્શાવવા માટે અમે સેલીબ્રિટી હેર ડિઝાઇનર દર્શન યેવલેકરની મદદ લીધી.
દર્શન યેવલેકરે તેના બહોળા અનુભવના આધારે ઇબ્રાહીમ અલી ખાનના માથાના વાળની સ્ટાઇલ સાવ જ નોખી અને વિચિત્ર કહી શકાય તેવી બનાવી દીધી. જોઇને જ કોઇ કહે કે અરે, આતો ગુંડો છે. ભારે બદમાશ લાગે છે. ઇબ્રાહીમ અલી ખાનના પાત્રની વેધકતા દર્શાવવા તેની હેર સ્ટાઇલમાં એક કરતાં વધુ ફેરફાર કર્યા છે.
સાથોસાથ ઇબ્રાહીમની લાંબી અને વિશિષ્ટ વળાંકવાળી દાઢી પણ તેના ઉગ્રવાદીના પાત્રને જબરું વેધક બનાવે છે. અમુક દ્રશ્યોમાં માથાના વાળ લાંબા , કેટલાંક દ્રશ્યમાં ટૂંકા વાળ, અમુક દ્રશ્યોમાં દાઢી લાંબી તો કોઇક દ્રશ્યોમાં ટૂંકી રાખી છે.
કાયોઝ ઇરાની ખુશી વ્યક્ત કરતાં કહે છે, ઇબ્રાહીમ અલી ખાને પોતાની ભૂમિકાને પૂરતો ન્યાય આપવા માટે શૂટિંગના પહેલા જ દિવસથી ભરપૂર મહેનત કરી છે. મારી સાથે સતત વાત કરતો રહે છે. માર્ગદર્શન ઇચ્છે છે. શરૂઆતના તબક્કાનો શિસ્તપ્રિય અને સંયમી હરમન કેવી રીતે બોલે છે,ચાલે છે. જ્યારે ઉગ્રવાદી સંગઠન સાથે જોડાઇ ગયેલા હરમનનાં વાણી-વર્તનમાં કેવા કેવા નકારાત્મક ફેરફાર થાય છે, કેવાં વસ્ત્રો પહેરે છે વગેરે પાસાં વિશે તેણે બહુ મહેનત કરી છે. સમગ્ર રીતે કહીએ તો હરમનની ભૂમિકા એક યુવાનની માનસિકતામાં ક્યારે, કેવા સંજોગોમાં, કેવા ફેરફાર થાય છે તેનું પ્રતિબિંબ છે.